ધૂળમાંની પગલીઓ/૧૩
આમ તો મારે શરદપૂનમથી વહેલામાં વહેલી તકે પહોંચવું હતું દિવાળીમાં, પણ વચ્ચે ગૌરી આવી, એના હક્કથી આવી ને એની સાથે અંદરના ચક્કરમાં ઊતરવાનું થયું; પરંતુ એ ગૌરીએ ‘સંચારિણી દીપશિખા’ને મારા ધૂળિયા માર્ગ પર બહુ ટૂંકો સમય જ ટમકવાનું નિર્માણ હતું. આપણે હવે એ દીપશિખાના સ્નિગ્ધ ઉજાશનું સ્મરણ કરતાં દીપોત્સવીના ઝળહળ પ્રકાશમાં પ્રવેશીએ. ખરેખર તો એના પ્રકાશનો સ્પર્શ ઠેઠ શરપૂર્ણિમાથી જ અમને તો લાગવા માંડતો. શરદપૂર્ણિમાથી રોજેરોજ અમે દિવાળીનું વેગળાપણું કેટલું ઘટે છે તે માપતાં રહેતાં અને એની ભવ્ય ઉજવણીના ખ્યાલે રોમાંચિત થતાં. દિવાળીની પાસે દીપમાળાની રોશની છે તો સાથે આતશબાજીનો અવાજ પણ. દિવાળીને યાદ કરું અને ‘મલયે ભિલ્લપુરન્ધી’ મને યાદ આવે. શંકરના તપને ચળવળતી પેલી ‘ભીલડી’-સતી પણ યાદ આવે. શરદપૂર્ણિમા જો ગંગા તો દિવાળી જમુના. મને અવારનવાર જમુનાજીના સ્વરૂપમાં દિવાળી દેખાય છે. કોઈ શ્યામ આરસની એવી સુડોળ મનોહર પ્રતિમા, જેના કરતલમાં સ્વર્ણિમ દીપશિખા ચમકતી હોય—એ જ દેવી દીપોત્સવી! અમે સૌ ભાઈભાંડુઓ ને ભેરુઓ શરદપૂર્ણિમાથી દિવાળીનાં સ્વપ્નોમાં સરવા માંડીએ. સ્વપ્નમાં મીઠાઈના પહાડ દેખાય, અન્નકૂટ દેખાય, ને આતશબાજીના ચમકારા ને ધમકારાની રંગીન રજવાડી ભાત પણ એમાં વણાતી જાય. અમે આ દિવાળીએ કેવું કેવું દારૂખાનું લાવીશું. ને ક્યાં ક્યાં કેટલું ફોડીશું એનું સૂક્ષ્મ ગણિત માંડીએ. નાણુપ્રધાન બજેટની તૈયારીમાં જેટલી દિલચસ્પી દાખવતા હશે એટલી, કદાચ એથીયે વધારે દિલચસ્પી અમે આ ગણિતમાં દાખવતા! માનેય વળી વળીને દર વખત કરતાં આ વખત વધારે દારૂખાનું લાવી દેવાનું કહેતા રહેતા. મા અમારા આ જળોશૈલીના તકાદાએ વાજ આવી જતી ને ક્યારેક ચિડાઈને કહેતી, ‘મૂઆં, દીસતાં રહો ને? હજુ ઠાકોરજી તો દારૂખાનું ફોડે, તે પહેલાં તમારે ફોડવું છે?’ અમારે ત્યાં મજાનાં ફળફૂલ આવે કે કોઈ એવી સુંદર ચીજવસ્તુ આવે ને મા જો ઠાકોરજીની વાત કરે તો અમે સૌ ખમખામોશ! પહેલાં ઠાકોરજીને એ ચીજવસ્તુ ધરાય પછી જ એ અમને સોંપાય. દારૂખાનુંયે ઘરમાં આવે કે પહેલાં એમાંથી ઠાકોરજીનો ભાગ અલગ પડે; પછીનામાંથી અમને મળે. અમારા ઠાકોરજી આમ તો ઘરના એક માનાર્હ સભ્ય. અમે ત્રણ ભાઈઓ ઉપરના જાણે એ ચોથા, દત્તક લીધેલા. સૌમાં એમનો પહેલો અધિકાર સર્વસ્વીકૃત. અમને ટાઢ વાય ત્યારે ઠાકોરજીનેય ટાઢ વાય. અમને બફારો થાય ત્યારે એમનેય થાય. અમને ફટાકડા ફોડવા ગમે તો એમનેય કેમ ન ગમે? અમારી જેમ એમનેય લાડ લડાવવામાં મા, યશોદાભાવે રસ લે. અમને તેથી ક્યારેક ઠાકોરજીની ઈર્ષ્યા-અદેખાઈ પણ આવતી ને છતાંય ઘરનું વાતાવરણ એવું, ઘરમાંના ઉસૂલ એવા કે એટલી ઠાકોરજીની જોહુકમી વિના દલીલે સ્વીકાર્યે જ છૂટકો હતો. ફટાકડામાંથી ઠાકોરજીનો ભાગ પડે પછી અમારા ભાઈભાંડુઓના ભાગ પડે. પિતાજીની દારૂખાનામાં ઝાઝા પૈસા ખર્ચવાની શક્તિ નહીં. માંડ દસપંદર રૂપરડીનું દારૂખાનું આવે. એમાંથીયે પહેલો એક ભાગ ઠાકોરજી ઉપાડી જાય; બાકીનાનાં અમે સૌ આમ જનતા! ટીકડીઓ ને બપોરિયાની સળીઓય ગણીગણીને લઈએ. જે રસ, જે ઝીણવટ અને જે સજગતા આ ફટાકડાના ભાગ પડતા હતા ત્યારે અમે દાખવેલી એવી તો પાછળથી અમારે ભાઈઓ વચ્ચે મિલકતના ભાગ પાડવામાં આવ્યા ત્યારેય નહોતી દાખવી. અમે જે દારૂખાનું ભાગમાં આવે તેનું બારીક નજરે નિરીક્ષણ કરી લેતા. એ પછી એ સર્વ દારૂખાનું વ્યવસ્થિત ગોઠવી, ક્યારે કઈ વસ્તુ ફોડવી તેનું વિગતવાર સમયપત્રક પણ મનમાં ઘડી કાઢતા. આ ચોકસાઈ જીવનમાં બધે જાળવી હોત તો...પરંતુ હાય કમબખ્તી! ચોકસાઈનો આ સોનેરી ગુણ મનમાં ઉતાર્યો જ નહીં. આ પંચભૂતોના પોટલાને શાસ્ત્રીય શિસ્તમાં સુઘડ રીતે બાંધવાનું ફાવ્યું જ નહીં! ભોગવો હવે કરમના ખેલ... રઝળી ખાઓ ધૂળિયા રસ્તે પગલીઓ પાડતા! અમે દોસ્તો દિવાળીના દસેક દહાડા બાકી રહે ત્યારથી રાત્રિની તાકીદની શિખર પરિષદો યોજતા રહેતા. અમારે મેરમેરાયાં સાથે ‘આજ દિવાળી, કાલ દિવળી, પરમે દહાડે સેવ સુંવાળી’ એ તો કરવાનું જ; ઉપરાંત કયા ઘરના દીવાએ, કયા ઘરના ઓટલા પરથી કયું તારામંડળ, કે ટેટો કે કઈ કોઠી ફોડવી તેય નક્કી કરી લેવાતું. વળી ભડાકિયા માટે જરૂરી દીવાસળીઓનો ગંધક જમા કરવાનુંયે એક કામ રહેતું. ક્યાંક મજૂસમાં, કે ભંડકિયામાં કે કોઠલામાં સાચવી રાખેલી ટીકડીઓ ફોડવાની જૂની પુરાણી રિવોલ્વર શોધી કાઢવાનું, તેનો કાટ કાઢી સ્પ્રિન્ગ અને કળમાં તેલ ઊંજવાનુંયે એક કર્તવ્ય રહેતું. આ ઉપરાંત ભાગમાં આવેલા દારૂખાનાને કોઈ સુરક્ષિત-સલામત જગા શોધીને ત્યાં સંતાડી રાખવાની જવાબદારી એ પણ કંઈ ભાજીમૂળા ખાવા જેવી સહેલી વાત તો નહોતી જ. અમે દોસ્તો આ સર્વ કામગીરી સુરેખ રીતે, પૂરી સફળતાએ સિદ્ધ થાય એ માટે ભરપૂર પુરુષાર્થ કરતા. વળી ફટાકડા સાથે જ નાસ્તાનોયે પ્રશ્ન ખરો જ. ઘેરથી કયા દિવસે કયો નાસ્તો કેટલા પ્રમાણમાં લાવવો તેય નક્કી કરવામાં આવતું. આવી નાજુક બાબતમાં અમે નાનેરા દોસ્તો કંઈ આડુંઅવળું વેતરી ન બેસીએ તે માટે અમારાથી મોટેરાં દોસ્તોને જ જવાબદારી ઉપાડવી પડતી. મને યાદ છે કે આ અમારા મોટેરા દેસ્તો ઍટમબૉમ્બ, હવાઈ, બલૂન, મોટા ટેટા, મોટી કોઠીઓ વગેરે જોખમી દારૂખાનામાં અમે નાહકનું જાતને નુકસાન ન કરી બેસીએ એવા ખ્યાલથી, પરમાર્થબુદ્ધિના પ્રેર્યા પોતે જ એવી જોખમી-જીવલેણ ‘આઈટમો’ ફોડી આપવાનો સદાગ્રહ પકડી રાખતા. વળી નાસ્તામાંયે અમે નાનેરાંઓ નાહકના અંદરોઅંદર વઢી મરીને દિવાળીની એખલાસભરી હવાને ક્ષુબ્ધ ન કરીએ એવા શુભ ખ્યાલથી જ બે બિલાડીઓને ખાતર એક પરોપકારી વાનરવરે જે કષ્ટ-પરિશ્રમ વેઠયાં હતાં તે અમારા આ મોટેરા દેસ્તોય હસતા મુખે વેઠતા હતા. દિવાળીના દિવસો એટલે રજાના દિવસો. ભણવાને બદલે ભમવાના દિવસો નવ રસ કરતાંયે છ રસની ભૂખ મોકળી રીતે ઊઘડતી. અમે ક્યાંક ફળિયામાં, વાડા કે આંગણામાં પાપડ, વડી, સારેવડાં, સેવ વગેરે સુકાવા મૂક્યાં હોય તો એમાંથી થોડુંયે પ્રસાદની રીતે મોઢામાં ગોઠવતા રહેતા. આ દિવસો દરમિયાન અમે કોના રસોડામાંથી કઈ વાનગીની સોડમ આવે છે તે વિશે ઘ્રાણેન્દ્રિયથી પૂરા સાબદા રહેતા. કોને ત્યાં કઈ વાનગી બની છે, કઈ બની રહી છે કે બનવાની છે તેની બારીક વિગતોયે એલ. આઈ. બી.ના માણસ કરતાંયે સવિશેષ દક્ષતાથી ભેગી કરતા અને તે પછી કયા ઘરે વ્યક્તિગત હેસિયતથી ને ક્યા ઘરે સામુદાયિક રીતે હલ્લો લઈ જવો તેની અસરકારક વ્યૂહરચના વિચારતા. એકવાર અમારા ફળિયામાં ગંગા ફોઈના રસોડામાંથી ઘીમાં કશુંક તળાતું હોવાની મીઠી સોડમ અમને આવી. અમારો જીવ પણ પેલા લાડુભટ્ટ વિદૂષકના જેવો. જીભ ઝાલી રહે એમ નહોતું, મન વકરતું હતું. તેથી વિવશતાથી અમે ઊઠયા ને વિનીત વેશે ગંગા ફોઈના ઘરમાં પ્રવેશ્યા. અમારામાં એક બટકબોલો છોકરો હતો. કહે, ‘ગંગા ફોઈ, બોલો, ધૂધરા તળો છો ને?’ ‘હોવે, ભઈ! આ દિવાળીમાં,’ મને બતાવીને કહે, ‘આના બાપ જેવા આવે તો તાસકમાં કંઈ ધરવા જેઈએ ને!’ મેં કહ્યું, ‘પણ ફોઈ, મારા બાપ તો બહારનું ક્યાં કશું ખાય છે?’ ફોઈ કહે, ‘અરે ગાંડિયા, આ કંઈ બહારનું કહેવાય? આ તો ચોખ્ખા દૂધમાંથી બનાવ્યા છે ને તેય મારા વૈષ્ણવના હાથે. હું કશું અડ્યું-આભડયું તો રાખું જ નહીં.’ મારા દોસ્ત કહે, ‘તે ફોઈ, તમારાં ઘૂઘરા ખૂબ જ સારા થાય છે એવું રાધામાસી, શારદુડી ને કાશીકાકી સૌ કહે છે. એમાંય કહે છે કે તમારાં તાજા તળેલા ઘૂઘરાની તો વાત જ જુદી!’ ‘એ તો ભઈ છે જ ને. અત્યારે ઘૂધરા ખાવ, પાંચ દહાડા પછી ખાવ, ફેર તો પડે જ ને!’ ‘હું આને એ જ કહેતો’તો. મેં કહ્યું, ગંગા ફેઈને ત્યાં આ વખતે તો તાજા તળાઈને ઊતરતા ઘૂઘરા જ ખાવા છે, દિવાળીમાં એવું હશે તો નહીં ખાઈએ.’ ગંગા ફોઈ કહે, ‘એવું શું કરવા? પાંચસાત ઘૂધરા ખવાયે કાંઈ ખૂટી જવાનું છે? લો આ ફળફળતા ઘૂઘરા છે, જરા આઘે રહીને લેજો. થોડા ઠંડા પડે પછી ખાજો.’ ને એમ એ દહાડે અમે ઘૂધરા ખાઈને ઘૂઘરિયા થયા જ! આવી વિલક્ષણ ધૂર્તકલા અમારી ટોળકી આ ઘેર, પેલે ઘેર રોજેરોજ અજમાવતી ફરે. આ દિવાળીના તહેવારોનો અમારા ઘરે જુદો જ મહિમા. ઘરે ઠાકોરજીની સેવા. બેસતા વર્ષે અન્નકૂટ કરવાનો. પિતાજીની રાહબરી હેઠળ ઘરે એની તડામાર તૈયારીઓ ચાલે. ઘંટી અવારનવાર ગાતી ગુંજતી ફરતી રહે. ખાંડણિયામાં સાંબેલું કૂદતું જ હોય, ચાળણો કોઈના હાથમાં ધૂણતો હોય ને સૂપડું એની પાંખ પછાડતું હોય. કયારેક વિણામણની થાળીઓય ફરે. ઘરનાં નાનાં-મોટાં સૌને યથાશક્તિ કામગીરી મળી રહે. મા, પિતાજી અને મોટીબહેન સેવામાં નહાય. અનેક પ્રકારની સામગ્રી તૈયાર થાય? ઠોર, મઠડી, ઘૂધરા, ઘારી, ચંદ્રકળા, ઉપરેઠા જલેબી, બરફી, પેંડા, દળના ને ચૂરમાના લાડુ, ચૂરી, મોહનથાળ, મગસ, મેસુર, મગદળ, અડદિયા, બુંદીના લાડુ, સક્કરપારા, માનભોગ વગેરે. ઠોર જેવી વાનગીઓ, જે લાંબો સમય ટકે એવી હોય તે પહેલી થાય, ને માનભોગ જેવી છેક છેલ્લા દહાડે. વળી આ સાથે વિવિધ શાકની સુકવણીઓ, પાપડ, મઠિયાં, સુંવાળી, સેવ વગેરે પણ તળાય, અનેક જાતના શાક, રાયતાં, ભજિયાં, વડાં વગેરે પણ થાય. અમારા ઠાકોરજી અણસખડીના હતા, એટલે ભાતના ઠેકાણે પિતાજી ધાણીનો ઢગ ગોઠવતા ને એમ બેસતા વર્ષે સવારે સેવાની એારડી ભરી દેતો અન્નકૂટ તૈયાર થતો. એ દહાડે મા, પિતાજી વગેરે રાત આખી માથે લેતાં. અમે વહેલી સવારે ઊઠી જતાં. પિતાજી અન્નકૂટનો ભોગ સરાવી રહે ત્યાં સુધીમાં બનતી ત્વરાએ નાહીધોઈને તૈયાર થઈ જવાય એ અમારી મકસદ રહેતી. પિતાજી ઠાકોરજીને અને એમની સાધનસામગ્રીને ઉઠાવી લે અને મા બધા અન્નકૂટમાંથી ગાગ્રાસ કાઢીને લે એટલે અન્નકૂટને સ્પર્શવાનો અમને અધિકાર મળતો. અમે અન્નકૂટમાં અમને ભાવતી વાનગી ક્યાં ગોઠવેલી છે તે ઠાકોરજીનાં દર્શન કરવાના મિષે પહેલેથી જ જોઈ લીધી હોય તેથી અન્નકૂટમાં પ્રવેશ મળતાં જ હાથ અને મુખની રસાત્મક જુગલબંધી શરૂ થઈ જતી. વચ્ચે મા અમને ટંકોરતી-ટપારતી પણ ત્યારે સ્વાદેન્દ્રિય સિવાયની અન્ય ઇન્દ્રિયો લગભગ મૂર્છિત થઈ જતી! અન્નકૂટ પૂરો થાય કે તુરત ગામ આખામાં જેટલાં વૈષ્ણવનાં ઘર હોય ત્યાં પિતાજી તરફથી પ્રેમપૂર્વક પડિયો પડિયો પ્રસાદ પહોંચી જતો. આ રિવાજ તેમણે કંજરી રહ્યા ત્યાં સુધી બરોબર જાળવ્યો. આ અન્નકૂટ વિનાવિઘ્ને થાય ત્યારે મા અને પિતાજીના આનંદની સીમા રહેતી નહીં. આ અન્નકૂટના પ્રતાપે જ મિત્રોમાં મારો માન-મરતબો એ ગાળામાં એકાએક જ વધી જતો! મને મૂંઝવતા ઘણા પ્રશ્નોના ઉકેલમાં પ્રસાદની લાડુડી વહારે ધાતી. બે-પાંચ બળિયા મિત્રોને પ્રસાદની લાલચે, મારા પડખેય રાખી શકતો; પરંતુ કોણ જાણે કેમ આ વસ્તુ મારી સ્વમાનવૃત્તિને બહુ રુચિકર તો નહોતી જ લાગતી. આજેય લાલચ અને ભયથી થતી સંબંધલીલા પ્રત્યે મને ઊંડે ઊંડે અરુચિ જ છે. હું જાણું છું કે આ અરુચિકર વસ્તુ અનિચ્છાએ પણ અહીંતહીં મારાથીયે આચરાય છે, પણ એનો રાજીપો તો હોય જ કઈ રીતે? અન્નકૂટના દિવસે ગોવર્ધનપૂજાનોયે એક ખાસ કાર્યક્રમ ઊજવાતો. અમે સૌ દોસ્તો પિતાજીના માર્ગદર્શન હેઠળ મોટા પથ્થરો, છાણ, ડાળાંપાંખડાં વગેરે લાવીને ગોવર્ધનગિરિની સંરચના કરતા. આવાં કાર્યોમાંની મારી સૂઝશક્તિ વખણાતી. પાછળથી અમદાવાદ આવ્યા પછી મહોલ્લામાતા (‘મલ્લામાતા’)ની સજાવટમાંયે હું ભારે રસ લેતો. આજને ટાણે આવા ઘણા રસોને મેં કહેવાતી મોટાઈ(?)ના બરડ ખ્યાલોથી ટૂંપો દીધો છે એમ કહું તો ખોટું નથી; અલબત્ત, એ રસો હજુ મર્યા નથી જ. બલ્કે, એ જીવંત હોવાથી જ મારી આજની ભૂમિકા નખશિખ મને બેચેન કરે છે. આ દિવાળીમાં લક્ષ્મીપૂજન થાય, શારદાપૂજન થાય, પણ અમારા પુષ્ટિમાર્ગીય ઘરમાં તો ઠાકોરજીના પૂજનમાં જ એ બધું આવી જાય. એનો અલગ મહિમા જ નહીં. અમારા ઠાકોરજીની જીભે શારદા રહે, ને એમનાં ચરણ તળાસે લક્ષ્મી. આમ છતાં આવા પૂજન-પ્રસંગોએ દરબારગઢમાં નવાંનક્કોર આરથી ખડખડતાં કપડાં પહેરીને મહાલવાનું ગમતું. અમે ગામડાની ધૂળમાં સાવ પરદેશી લાગે એવાં કપડાં પહેરીને રૂઆબથી એક મંદિરેથી બીજે, બીજેથી ત્રીજે - એમ બેસતાવર્ષે આંટા મારતા. ક્યારેક બેચાર આનાના પારદર્શક રંગીન કાગળનાં ચશ્માં લગાવીને રોફ પણ મારતા! આમ કરતાં જે તે મંદિરમાં થતા અન્નકૂટનું તુલનાત્મક અધ્યયન પણ કરતા અને વૈષ્ણવમંદિરના અન્નકૂટની શ્રેષ્ઠતાનું અભિમાન પણ લેતા. આ દિવાળીમાં પડિયો પ્રસાદ માટે જે કેટલાંક દીનહીન કે બદનામ વસ્તીનાં લોક અમારે ત્યાં આંટાફેરા કરતાં એનો હું સાક્ષી છું. પિતાજી ઘરે કશુંયે માગવા આવનારને મોટે ભાગે ટાળતા નહીં; પ્રસાદમાં તો નહીં જ. માને પિતાજી પ્રસાદ આપવાનું સૂચવીને જાય ને મા માગવા આવેલાને ટુકડે ટુકડે, અચકાતી હોય એમ પ્રસાદ આપે. એકબાજુ એના મનમાં અમારા લોકોનાં પ્રસાદપ્રેમી મુખ ઝળુંબેલાં હોય ને બીજી બાજુ ઉદારતાથી પ્રસાદ વહેંચવામાં રહેલી વૈષ્ણવતાનો ખ્યાલ એને વિના ખમચાટ તે સૌને આપવા માટેનો તકાદો કરતો હોય. માની આ સ્થિતિ હું સમજતો ને તેથી જ માને હું કદીયે કંજૂસ કે અનુદાર કહી શક્યો નથી. એ પરિસ્થિતિની ગુલામીમાંથી બહાર નહીં નીકળી શકી, કેટલીક નબળાઈના કારણે; ને એ નબળાઈનો વારસો લઈને જ આજે હું પણ ચાલું છું, અહીંતહીં મુખ્યત્વે મારા જ કારણે ઉઝરડાતો. દિવાળી ટાણે નહીં ફૂટેલા ટેટા, તારામંડળ વગેરેની રસ્તાની ધૂળમાં શોધ ચલાવતાં ગરીબ ટાબરિયાંને જોઉં છું ત્યારે મને મારી રંકતા અસહ્ય પીડે છે. મારા મોઢામાં આ જીવન અને જગત પ્રત્યે – જાત પ્રત્યે એક પ્રકારની કડવાશ ફરી વળે છે. દિવાળી માણવા-મણાવવામાં મારાથી કોઈ ગુનો થઈ જતો હોય એવો ભાવ ત્યારે અનુભવું છું. આમ છતાં મારાં બાળકો માટે ખરીદી લાવેલ દારૂખાનું મેં ગરીબોમાં વહેંચ્યું નથી, કે કોઈ મીઠી ચીજ આરોગવાનો આનંદ મેં છોડયો નથી. મારું આ ‘કૅન્ટ્રાડિક્શન’ મને અકળાવે છે, મને સતત તણાવમાં રાખે છે ને એમાંથી છૂટવાનો ઉપાય હાથમાં છતાં એ નહીં કરીને જીવનની વિષમતા વિશે હું આર્દ્ર ભાવે કાગળ પર ચિતરામણો કરું છું. આને શું કહેવું? ક્યારેક મને ખરેખર એમ થાય છે કે એકાદ ફટાકડો આડો થઈને એવી રીતે ફૂટે કે મારી બોદી હસ્તીના ચૂરેચૂરા થઈ જાય ને અંદર ક્યાંય રોશની બચી હોય તો તે મોકળી થઈ પેલી કમનસીબ આંધળી આંખોમાં અંજાય. એવા સદભાગ્યની દિવાળી કેટલી દૂર હશે એ હું જાણતો નથી; પરંતુ ઊંડે ઊંડે હવે મને એવી દિવાળીની જરૂરિયાત તીવ્રપણે વરતાય છે. આજની ઠંડી હવામાં તો ખાસ.