ધૂળમાંની પગલીઓ/૧૪
શિયાળાની ઠંડીમાં મને ક્રૂરતાનો નહીં પણ મધુરતાનો જ સ્વાદ આવતો રહ્યો છે. વહેલી સવારે રજાઈમાંથી પંચમહાભૂતોને બહાર કાઢવાનો પ્રશ્ન આવે ત્યારે ઠંડીને હું કેટલીયે ગરમાગરમ ગાળો ચાંપું; પરંતુ ઠંડી તો ગુલાબી થઈને કોઈ બાળકના સુકુમાર ગાલમાં મીઠું મીઠું તાજું તાજું મરકતી જ હેાય! ઠંડીમાં શ્લેષ છે. સ્નેહ અને શક્તિનો. સૂરજ જેવો સૂરજ પણ કેવો માખણ જેવો કૂણો બની જાય છે! મારે શરીરે કોપરેલ ચોળાતું હોય ને એની સાથે તડકોય મને ચોળાતો હોય એવો ભાવ હું અનુભવું છું. પીઠીની ભાવના તડકાને જોઈને તો નહીં સૂઝી હોય ને? આ શિયાળાના પ્રભામંડળના કારણે જ કદાચ ફાગણમાં આવતી હોળીનો તાપ પણ મને કેરીના મહોર-મરવા જેવો માદક સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાને મેં બાળકોના રાતા રાતા ગાલમાં કોઈ કશ્મીરી કન્યાના ગૌર કપોલમાં સોળે કળાએ ઊઘડતા જોયો છે. એની નરવાઈ પાકા ટામેટાની લાલિમામાં જ નહીં, ભુટ્ટા-રીંગણની શ્યામ ચમકમાંયે હું અવલોકું છું. આ શિયાળો મોઢાના દાંત ધ્રુજાવે, મોઢામાંથી ઉચ્છવાસરૂપે બાષ્પ નીકળતી બતાવે, કરોડરજ્જુનું દોરડું કંપાવતી મારી હસ્તીમાંથી ટોરપીડોની જેમ સોંસરી પાર નીકળે ને તોય એનો આશ્લેષ મને આહલાદક લાગે. શસ્યશ્યામલા ધરિત્રીના ચારુપ્રસન્ન ચહેરાના ઉજાસે મારી આસપાસનો અવકાશ જાણે ઝલમલતો ન હોય! કોઈક સૌંદર્ય એવું હોય છે જે ઠંડીની સાથે જ ઊઘડે છે ને અંતરમાં પ્રસરે છે – હેમંતની સુરખીરૂપે, શિશિરની શક્તિરૂપે. દર શિયાળે મારી સમક્ષ નવા વર્ષનો સૂર્ય – હેમંતનો સૂર્ય આશા ને ઉત્સાહના તાજગીભર્યા રસ સાથે ખૂલતો હેાય છે. એમાં મારી જ નહીં, વિશ્વ સમસ્તની કોઈ અનન્ય કવિતાને રોમાંચ તંદુરસ્ત ચહેરામાં રતાશ સ્ફુરે એમ સ્ફુરતો હેાય છે. આ શિયાળો નાગર હોય ત્યારેય ગમે છે, પણ પેલા ગામઠી શિયાળાની તો વાત જ અનોખી. નગરમાં તો કોઈ ઠંડી ફૂટપાથ પર છાપાં પાથરીને સૂતેલા ચીંથરેહાલ બાળકને હું શિયાળામાં જોઉં છું ત્યારે હું મારામાંની જ કોઈ ઠંડી ક્રૂરતાની પ્રતીતિથી સમસમી જાઉં છું. વીજળી કરતાંય તે મને શિયાળાની ઠંડી વધુ તીવ્ર આંચકો આપતી લાગે છે. મને થાય કે હું એવું ન કરી શકું કે મારા એક ધાબળામાંથી નવસોનવાણું—અરે નવસો લાખ ધાબળા પેદા થાય! પરંતુ હું જાણે દ્રૌપદીનું સત અને કૃષ્ણની કરુણા બેય કોઈ જુગારમાં હારી જઈને બેઠો છું. મારી સામે ખાલીપો છે અને હું આંખ મીંચી, શાહમૃગની રીતે ધરતીની ધૂળમાં મારું મન અને મારી નજર ખોસીને માણ્યું તેનું સ્મરણ કરતો શિયાળાના દહાડાની જેમ મારા આયુષ્યના વિસ્તારનેય ટૂંકાવવાનો કીમિયો ચલાવું છું. આ પણ એક પલાયન છે, આ પણ એક દીવાનગી છે; પણ મને એ સદી છે. હું જ્યાં કોઈ નથી ત્યાં સ્મૃતિના સહારે એક બદનામ (!) વસ્તી વસાવીને ધન્યતાના ભાવ સાથે મનમાં ને મનમાં મહાલું છું. આ પણ એક લીલા જ - જિજીવિષામાંથી જ પ્રભવેલી. ગામડાગામમાં તો શિયાળામાં રાતના આઠ-નવ વાગ્યા કે નર્યો સોપો. ગામના તળાવ જેટલું જ ગામતળ શાંત. કોઈ અસુરી વેળાનું ગાડું જો ગામ સોંસરું નીકળે તો શાંતિમાં એક ખડખડતો શેરડો પડી જાય. બસ, એટલું જ. અમે શિયાળો આવ્યો નથી ને ચોરસા-ચાદર કાઢ્યાં નથી. માળિયે મહિનાઓ અગાઉ માએ બનાવી રાખેલી માટીની તાપવા માટેની સગડી હોય તે કાઢીએ. એ સગડી ઘરની પરસાળમાં વચ્ચોવચ્ચ ગોઠવી હોય, જાણે મંડપમાં ચૉરી હોય એમ. એ સગડીમાં અડાયાં-છાણા ધુમાય ને ધૂમ જલ નયણે ભરે. અમે ફૂંક મારીને પોઢેલા પાવકની પાંપણના પડદા ઉપાડીએ. જરૂર પડ્યે કરાંઠી ને છોડિયાં પણ નાખતા જઈએ. સગડી બરોબર ચેતે – જ્વાલામુખી થાય ત્યારે હાથ-પગનાં તળિયાં, વાંસો વગેરે શેકીએ. સગડીના દેવતાનો લાલ ઉજાસ આસપાસના સૌ ચહેરા પર જાણે તામ્રયુગીન સંસ્કૃતિનું તેજ ઉપસાવતો ન હોય! મને મારા ભીલ-નાયક ભાઈઓ યાદ આવે! મને પેલા પથ્થરયુગના મારા પૂર્વજો યાદ આવે. અગ્નિની શોધનાં રહસ્યો કોઈ અંદરના ચકમકે આછાં આછાં ચિત્તાટ પર ચમકતાં થાય. ‘નમીએ અગનકૂલ’નો ભાવ આવા પ્રકારના પરિવેશમાં વધુ પ્રત્યક્ષ થાય છે. બળિયાકાકાની બિહામણી સગડીથી તો સાવ નિરાળી, માની હૂંફભરી છાતી જેવી આ શિયાળુ સગડીની આસપાસ જ સંસાર અને ધર્મની અવનવી ચદરિયાં બુનાતી જાય. ‘ચોરાશી વૈષ્ણવની વારતા’, ‘બસોબાવન વૈષ્ણવની વારતા’, ‘હરિરાયજીનું શિક્ષાપત્ર’, શ્રીમદ્ ભાગવત’, ‘નિત્યનિયમનાં ધોળા’ - આ બધાંમાંથી કંઈ ને કંઈ સાંભળવા મળે. પિતાજી ત્યારે આ રાત્રિબેઠકનું કેન્દ્ર. સત્સંગના રસમાં એ સહેલતા હોય ને સૌને એમાં સહેલાવતા હેાય. ક્યારેક ઊલટ આવે ત્યારે બુલંદ કંઠે ગાય : ‘દૃઢ ઇન ચરનન કેરો ભરોસો દૃઢ ઇન ચરનન કેરો...’ મા-બહેન સૌ ઝીલે. બહેન બહુ સુંદર હલકથી દયારામનાં પદો ગાય. મા માંડ ચાર ચોપડી ભણેલી. એ જ્યારે સર્વોત્તમ સ્તોત્ર કે યમુનાષ્ટક કે ગોપીગીત જેવી સંસ્કૃત રચનાઓનો અપભ્રષ્ટ રીતે મુખપાઠ કરે ત્યારે અમને બહુ રમૂજ પડતી. ક્યારેક મારા જેવા તો એના ચાળાયે પાડે ને ત્યારે હસતાં હસતાં છણકો કરતી, ‘ઊભો રહે રોયા!’ કહીને મારવાયે ધસે ને ત્યારે દ્રુત લયે વેગળે જઈને અમે અંગૂઠો બતાવીને એને ચીડવીએ. જ્યારે આવી ઘટના પ્રમાણભાન ગુમાવે ત્યારે પિતાજીનો હિટલરી હુકમ છૂટે ને ત્યારે બધુંયે જાણે તાળાપેટીમાં ગડીબંધ ગોઠવાઈ વસાઈ જતું. આ સગડી આગળની બેઠક કરતાં વધારે ફળદાયી અને ઇતિહાસ-સર્જક બેઠકો તો ઘર બહાર, તાપણા આગળની. મોટાભાગે આવી બેઠકો માટેની અનુકૂળતા નધણિયાતી નિશાળના ચોગાનમાં સવિશેષ વરતાતી. અમારી લીલામંડળી સાત-આઠના સુમારે નિશાળની વંડી ઠેકી તેના ચોગાનમાં સ્વાધિકારાત પ્રવેશે ત્યાં ઝાડનાં સૂકાં કાળા-પાંખડાં, પાંદડાં, કાગળ-કચરો વગેરે હોય તે અમે સળગાવીએ. કયારેક અહીંતહીથી તસ્કરકળાએ ઉપાર્જિત કરેલું બળતણ પણ કામમાં આવે. તાપણાની ઝાળ માથોડાપૂર થાય ત્યારે અમે ખુશખુશાલ થઈ જઈએ. એની આસપાસ મિત્રો રાસડા લે, નાટકો કરે, નૃત્યો કરે, ગોષ્ઠિ કરે, ગાળો ને અંતકડીયે ચલાવે ને ક્યારેક મારામારી પણ! આ તાપણા-સૃષ્ટિ સાચે જ નવરસરુચિરાહાર્દિકેયમયી સૃષ્ટિ હતી. આજેય આ સૃષ્ટિ ચડિયાતી કે કવિતાની તે કહેવામાં હું ભારે દ્વિધા અમૂંઝવણ અનુભવું છું. આ તાપણાદેવ કહો કે તાપણિયા દેવ, તેમની આગળ કંઈ કેટલીયે વહી ઉકેલાતી : પેલા બાવાએ પેલી રમા રાંડેલીને વશ કરી છે કે નહીં, પેલા ભાથી ખતરીવાળા વેચાત ભૂવાએ કોની સામે મૂઠ મારી છે, પેલી સવલી ગાંયજણ આજકાલ કોની હારે સુએ છે, પેલો મનુ પાનવાળો હમણાં હમણાંનો ક્યાં લાઈન મારે છે, પેલો વીરજી ઠક્કર આંકફરકમાં કેટલા લગાવી આવ્યો, પેલો શનિયો ગઈકાલે તીનપત્તીમાં કેટલા નાહ્યો; પેલા શંભુ ગોરને શા કારણે છોકરાં થતાં નથી – લગભગ આ જાતની કદાચ અમારી ઉંમરના પ્રમાણમાં વધુ પડતી ભડકીલી ને ભારે વાતોયે પૂરા મરીમસાલા સાથે, ચિત્રાત્મક રીતે, ક્યારેક તો સાભિનય આ બેઠકમાં રજૂ થતી. નવ શું નવસો નવ્વાણું રસનાં કૂંડાં અહીં ખુદાઈ ઉદારતાથી ઠલવાતાં. પીધ્યે જ જાઓ, ઘૂંટડે ઘૂંટડે, પોશે પોશે. આ મંડળીમાં શાકાહારી અને બિનશાકાહારી સબ કિસમની વાગ્-બનાવટો પીરસાતી. કોઈ કોઈ વાર આ બેઠકો, મોટેરાંની ગંભીર તકરારો માટેની સવળ ભૂમિકા બની રહેતી ને એવા માઠા ટાણે આવી બેઠકો સામે એકસોચુંમાલીસમી જડબેસલાક લાગી જતી. પરંતુ આમ છતાં ખ્રિસ્તીજનોની પેલી ગુપ્ત બેઠકોની જેમ બેઠકો તો કોઈના વાડામાં, કોઈની કોઢમાં, કોઈ મંદિર મહાદેવના ઓટલે કે કોઈ અવડ મકાનની ઓસરીમાં યોજાઈને રહેતી. આવી બેઠકોમાં જે દિવસે હાજરી ન અપાતી તે દિવસે એમ લાગતું કે જાણે આજનું જીવવાનું ચૂકી જવાયું છે! જેમ શિયાળાની રાત્રિનો તેમ સવારનો અનુભવ પણ અમારો ભારેનો રોમાંચક. વહેલી સવારે ફરવા જવાના ટોનિક કાર્યક્રમમાં હું જોડાતો ત્યારે તેમાં ઘરનાંનો વિરોધ નહીં, બલ્કે સહર્ષ અનુરોધ રહેતો. મારું શરીર તીતીઘોડા કે ખડમાંકડી જેવું. માની સતત ચિંતા મારા અંગે. તેથી શરીર કસાય એવી બાબતોમાં સામાન્ય રીતે તેનો સહકાર હોય જ. વહેલી સવારે પગમાં ખાંડણિયા જેવા ગામઠી ચરડ ચરડ બોલતા જોડા, મથુરાથી મૂળ મોટાભાઈ માટે ખરીદી આણેલી પણ પછી એમને નાની પડતાં મારા સુધી પહોંચેલી રૂની બંડી અને એક-બે થીગડાં ચોડેલો ચોરસો – આ વીંટાળીને ઊપડવાનું. અમારી ટુકડી જાણે ઉત્તર ધ્રુવની સાહસયાત્રાએ ઊપડતી હોય એવો તેનો ઠસ્સો. ખરબચડી, ખેતરાળ, ધૂળિયા વાટે અમારી ટુકડી કૂચકદમ માંડતી. હાથમાં અહીં તહીંથી ઝાડવાંની કાપેલી ડાળીઓની સોટીઓ હોય. એકાદબે પાસે બૅટરીયે ખરી. ગામમાંથી નીકળતાંયે આમતેમ કોઈ ઘરના ગોખ-જાળિયામાં આંખ મીંચકારતા હોઈએ એમ બૅટરી મારતા જઈએ ને વસાણા જેવી વજનદાર ગાળ પણ સાંભળતા જઈએ. ક્યારેક તો ઊંચે આકાશમાં બેપાંચ વાર બૅટરી લગાવીએ - ઝાંખા દેખાતા ચાંદાના ચહેરાને ચમકાવવાને સ્તો! રસ્તામાં આવતા કોઈ બાવળ, કણજીની ડાંખળી કાપી દાતણોય તૈયાર થતાં અને પછી કોણ દાતણને વહેલામાં વહેલું ચાવી ચાવીને પોતાની કનિષ્ટિકાથી ટૂંકું કરે છે તેની સ્પર્ધા મંડાતી. વળી અવારનવાર રસ્તામાં ભૂત, ડાકણ, ઝંડ, બ્રહ્મરાક્ષસ, આદિની ભેદી વાતો ચાલતી. કયા ઝાડ પર ભૂત રહે છે, કઈ કબર પાસે ઝંડ રહે છે અને કયા રસ્તે ડાકણ આંટા મારે છે તેની ઝીણી ઝીણી વિગતો રજૂ થતી. કેટલીક તો એવી ઝીણી વિગતો કે ટપાલી વિનાયે માત્ર એ વિગતો જો કાગળ મોકલો તો આપ મેળે જ નિર્ધારિત ભૂતના અડ્ડે પહોંચી જાય! કોઈનાં હૈયાં આ બધું સાંભળતાં ફડકારોયે અનુભવતાં; પરંતુ એકબીજાની હૂંફ એવી કે ભય, નળરાજાના નગર બહાર જેમ કલિ આંટા મારતો એમ અમારી આસપાસ આંટા મારતો; પણ અંદર પ્રવેશતાં એ જ જાણે કોઈક ભય અનુભવતો! અમારી ટોળી ઊબડખાબડ રસ્તેથી ચાલતી કંજરીના ફૂલૅગ સ્ટેશને પહોંચતી. ચાંપાનેર રોડથી પાવાગઢ-શિવરાજપુર લાઈન્સની નાની ગાડીનું એ સ્ટેશન. એ સ્ટેશને ભાગ્યે જ કોઈ ઊતરે કે ચડે. આવનજાવનનો લગભગ બધો વ્યવહાર હાલોલથી ચાલે. અમે સ્ટેશને પહોંચી પાટા પર કાન માંડી ગાડી આવી રહી છે કે નહીં તે નક્કી કરતા ને જ્યારે ગાડી આવવામાં હોય ત્યારે હાથ ઊંચો કરીને ઊભી રાખવાની સંજ્ઞા કરતા ને કદાચ જો ઊભી રહે તો અમે તુરંત દૂર સટકી જતા. એકવાર મારા ખિસ્સામાં માએ આપેલી પિત્તળની બે આની હતી. મિત્રોએ પરાણે મારી પાસેથી લઈને પાટા પર મુકાવી. ગાડી આવી ને પેલી બે આની પરથી સલામત રીતે પસાર થઈ ગઈ, પણ મારી બે આની સપાટ થઈ ગઈ. એ જોતાં જ મારો ચહેરોયે એ બે આની જેવો જ બની ગયો! મનમાં એક જ ફિકર, આ બે આની અંગે ઘેર મારે શું ખુલાસો કરવો? એ દિવસે આખો રસ્તો મારા માટે બેસ્વાદ બની ગયેલો. ઘેર ગયો, માએ બે આની પાછી માગી પણ એ હવે ચાલે એવી રહી નહોતી. એ અકળાઈ. જે છોકરાઓ મને ફરવા લઈ જતા હતા તેમને તેણે ઠપકો આપ્યો. પરિણામે કેટલાક દિવસ હું એ મિત્રમંડળમાંથી બહિષ્કૃત થયો. આ દિવસો મારા અતિશય વક્રી હતા. હું વહેલી સવારે ઊઠું, ઘરબહાર નીકળું, પેલા દોસ્તોને મને બોલાવ્યા વિના જતા જોઈ રહું ને મને કંઈ કંઈ થાય. મિત્રોની આ ઠંડી ક્રુરતા ભરશિયાળેય મને ખૂબ ખૂબ દઝાડતી. છેવટે આ બહિષ્કારના નિરાકરણ માટે મારે પ્રભુના જ પ્રસાદનો આશ્રય લેવો પડ્યો. કેટલાક દિવસ સ્વેચ્છાએ મારા ભાગની લાડુડી ખાવાની જતી કરી એનો મૂલ્યવાન સંચય મેં ખંડિયા રાજાની રીતે મિત્રમંડળના કરારવિંદમાં સમર્પિત કર્યો અને પ્રભુપ્રસાદે સૌ મિત્રમંડળીમાં પુનઃ પ્રસન્નતાનું પ્રભાત પ્રગટાવ્યું. મારો મિત્રગુચ્છમાં પ્રેમોત્સવ સાથે પુનઃ પટ્ટાભિષેક થયો! એવા પણ શિયાળાના દિવસો યાદ છે જ્યારે અમારા ગામમાં તાજી જ શરૂ થયેલી અખાડા-પ્રવૃત્તિમાં અમે જોડાયેલા. રાષ્ટ્રગીત ગાતા. બજરંગબલીના ફોટા આગળ શિર ઝુકાવતા ને પછી દંડબેઠક આદિ કરતા. આ અખાડા પ્રવૃત્તિમાં ક્યારેય હું દૃઢમૂલ ન થઈ શક્યો. મલખમના દાવ તો આવડે જ નહીં. કુસ્તીમાં તો પ્રવેશ સાથે જ ચીત. જે કંઈ રમતો થાય એમાં હું ઝડપાઈ જાઉં - સિવાય કે આટાપાટાની રમતમાં. એમાં મારી ચકોરતાની શાખ હતી. આ અખાડામાં કસરત કરતાં મઝા આવતી તે કરતાંયે વધુ મઝા કસરત પછી ઘેર જે વસાણાનો લાડુ આરોગવા મળતો એમાં આવતી. અખાડાની ગોળાફેંક કરતાં ધીરે ધીરે મીઠા તડકાની સાથે, મમળાવતાં વસાણાના ગોળાને સૌમ્ય રીતે ખંડશઃ કણશ: પેટમાં ફેંકવાની પ્રવૃત્તિ મને વધારે આહૂલાદક લાગતી. અખાડા-પ્રવૃત્તિમાં તો હું તીરે ઊભેલો – તટસ્થ જ રહ્યો! એ પ્રકારના તાટસ્થ્યના કાંટા ટાણે-કટાણે કેવા ને કેટલા વાગ્યા છે એની તે શું કથા માંડવી? અનેક શિયાળાઓથી સેવાયેલું આ મારું શ્રીઅંગ છે એટલું જ હાલ તો દર્શાવું.