ધૂળમાંની પગલીઓ/૧૭
મેં જળના કેફની વાત કહી પરંતુ ‘જળના ઝીણા તાપ’ની વાત ન કરી. ન કરી એટલા માટે કે એવી વાતમાં કોઈને નાહકના સામેલ કરીને વ્યથિત કરવાનું મને દિલ થતું નથી. કેટલીક વાતો સમજવા માટે, વેંઢારવા ને વેઠવા માટે હોય છે, સૌને પહોંચાડવા માટે નથી હોતી. જળનાં અગણિત રૂપ હોય છે, પરંતુ જે જળ આપણી સમગ્ર હસ્તી નિચોવાતાં પ્રસ્રવે છે એ તો અનોખું જ. કેટલુંક જળ એવું હોય છે જે નથી તારતું, નથી ડુબાડતું કે નથી ઠારતું. એ જળમાં આગ હોય છે અથવા એ જળ આગનું જ એક રૂપ હોય છે. પરંતુ આવી રીતે શા માટે મારે જળના વલોણામાં ઘૂમરાવું જોઈએ? પેલા બાળકિશોરની ચરણચાલ છોડીને હું ક્યાં ચડી ગયો ચિત્તની ચાલમાં? આંખ સાફ કરીને, જળના પડદા ખસેડીને ભીતરમાં નજરને વાળીએ. ભીતર કેવળ ચાંદ-સૂરજના અજવાળાં જ નથી, એમાં મંછી માશીના ઘરમાં ચાડા પર ટમટમતા દીવાના કેડિયાનું પથ્ય અજવાળું છે; તો તે સાથે પંચાયતના ફાનસનું વારે વારે ભભકતું ને મેશ છોડતું સડેલા સ્થાનિક સ્વરાજ્ય જેવું વંધ્ય અજવાળુંયે છે. એમાં અમારા મગના રાતની જાગતી-ભભૂકતી લગનિયા મશાલનું અજવાળું છે; તો સાથે મહાદેવવાળા ચોકમાં ઊંધે માથે થાંભલે લટકતી પેટ્રોમૅક્ષનું ખેલદિલ અજવાળુંયે છે. આવી પેટ્રોમૅક્ષના અજવાળામાં સીસમમાંથી સુડોળ ઘડી કાઢેલી હોય એવી નમણી ગોલણો, જરી-કસબ-ફૂલના ખૂંપે ઝળકારા મારતા વરરાજાવાળા વરઘોડાઓ, જૂજવા વેશ લેતી બહુરૂપી (આમ તો પુલ્લિંગ, પણ અમે તો સ્ત્રીલિંગ જ વાપરતા. શું કરશો વહાલા વ્યાકરણશાસ્ત્રીઓ, કથો?!), બપોરના પિત્તળનાં વાસણોને સાંધતો ને કલાઈ કરતો, પણ રાત્રે રામલીલામાં “વહાલી વીજળી’ના વેશમાં પેટ્રોમૅક્ષને પંપ મારતો અમારો પેલો ચંદુ કંસારો—આ સૌની એક અનોખી ભાતીગળ સૃષ્ટિ પ્રગટી આવે છે! એમાં પેટ્રોમૅક્ષની ચમકતી કોઠી પર પ્રતિબિંબિત અમારા ચહેરાના જે અવનવા વિકારો પથરાતા તે પણ મનોહર રીતે ગૂંથાઈ રહે છે. સૂરજ-ચાંદાનાં અજવાળાં કરતાંયે આ પેટ્રોમૅક્ષનું અજવાળું અત્યારે આ લખું છું ત્યારે મને વધારે રેમાંચક અને આહલાદક લાગે છે. થાય છે : ઈશ્વરને કહું કે આ પેટ્રોમૅક્ષ સિવાયના બીજા સર્વ જ્યોતિ નયનજ્યોતિ સિવાયના – હે પ્રભો! તું સંકેલી લે! સદ્ય સંહરી લે! આ પેટ્રોમૅક્ષના અજવાળામાં હું ખૂબ જ ઝડપથી સરવા માંડું છું. વરસોનાં પગથિયાં ઊતરતો નીચે છેક પેલી રામજીમંદિરવાળી ધર્મશાળા તરફ. ત્યાં ગોપાલ બહુરૂપી ઊતરી છે. આમ તો પંચાવન-સાઠની ઉંમર છે; પરંતુ જીવનથી ઊભરાતું જાજરમાન હૂંફાળું વ્યક્તિત્વ. દર સાલ અચૂક એકવાર અમારા ગામમાં આવે જ. વીસ-ત્રીસ દિવસનો મુકામ. અવનવા વેશ લઈ લે. જે દિવસે ગોપાલ બહુરૂપી વાંદરાનો વેશ લઈને નીકળે ત્યારે આંગણામાં ખાટલા પર જો કંઈ ખાદ્ય સામગ્રી સૂકવી હોય તો તેમાંથી એ મૂઠી-બે મૂઠી લઈને મોઢામાં પધરાવે. સરસ્વતીનો વેશ લઈને નીકળે ત્યારે અમે સૌ નિશાળિયાઓ ખૂબ ભક્તિભાવપૂર્વક ગોપાળ બહુરૂપીની થાળીમાં પૈસો, બે પૈસા નાખીને સારા ભણતર માટે મનોમન અરજ ગુજારતા. આ બહુરૂપીએ એકવાર તો પોલીસ ઇન્સ્પેક્ટરનો સ્વાંગ સજેલો અને બપોરના ત્રણ-ચારના સુમારે બેત્રણ પોલીસો સાથે ગામના સાત-આઠ દુકાનદાર ને ધીરધાર કરતા શાહુકારોને ત્યાં દરોડો પાડી પંચનામાં કરેલાં. પચીસ-પચાસ કટકી-રૂપેચ સૌ કનેથી પડાવેલા ને નાસ્તાપાણી તો છોગામાં! છેક સાંજે જ્યારે ગોપાળ બહુરૂપીએ જ્યાં જ્યાં દરોડા પાડેલા ત્યાં ત્યાં લીધેલી રકમ હસતાં હસતાં પાછી વાળવાનું કર્યું ત્યારે જ ભાંડો ફૂટયો - ખરી વાતનો સૌને ખ્યાલ આવ્યો. અમે બાળકિશોરો, ગોપાલ બહુરૂપીના દિવસભરના કાર્યક્રમ પર ચાંપતી નજર રાખનારા, પણ આ વેશમાં તો અમેય થાપ ખાઈ ગયા. અમને એવા સમાચાર હતા કે ગોપાલ બહુરૂપી આજે મારવાડી શેઠનો વેશ લેનાર છે ને વેશ નીકળ્યો પોલીસ ઇન્સ્પેક્ટરનો! આ બહુરૂપીના કારણે સ્તો, અમારી રમતમાંયે બહુરૂપીની રમતનો એક મહત્વનો ઉમેરો થયો હતો. થેલીમાંથી બનાવેલી ટોપી, પિતાજીનાં ચશ્માં, ટીકડી ફોડવાની રિવોલ્વર, મોટાભાઈના જૂના થયેલા ચામડાના પટ્ટા – આ બધું લઈ સુભાષબાબુનો વેશ કાઢયાનું પાકું સ્મરણ છે. અમારી ગામડાની રાત્રિઓ જેમ બહુરૂપીને કારણે તેમ રામલીલા, કથાપારાયણ આદિને કારણે પણ લિજજતદ્વાર બની રહેતી. ગામમાં રામલીલાવાળા આવ્યા છે તે અમારે માટે ઘણા અગત્યના સમાચાર હતા, દેશને આઝાદી મળ્યા જેવા જ. અમે વહેલાં વહેલાં જમી લઈ, જે જગાએ રામલીલા થતી ત્યાં પહોંચી જતા અને મોકાની જગા બોટી લેતા. એ પછી રામલીલાવાળાઓ ખેલ માટે જે ભવ્ય તૈયારી આદરતા તે અમે એમની મનાઈ ને ધમકી છતાં અવશ્ય જોતા ને તેનો અહેવાલ અમારા અન્ય સાગરીતામાં પ્રસારિત કરતા: ચંદુ કંસારો કબજો પહેરે છે, કબજામાં છાતી બતાવવા કપડાંના ડૂચા ગોળ ગોળ કરી કરીને ખોસે છે. હવે એ સાડી પહેરે છે. હવે મોઢું રંગી રહ્યો છે – આમ અમારી રનિંગ કોમેન્ટ્રી ચાલતી. બીજી બાજુ અમે રામલીલાને હર કોઈ પ્રકારે મદદ કરવા ખડે પગે રહેતા. ‘અલ્યા એ બચુડા, જરા ટેબલ લઈ આવ ને!’ અમે તુરત ટેબલ લઈ આવવા આસપાસના ઘરમાં દોડી જતા. પાણી મંગાવે તો હાજર. પેટીવાજું ને નરઘાં મૂકવાનું કહે તો તૈયાર. (સાથે નરઘાંના ટાલકામાં વહાલની બેચાર ટપલીઓયે ખરી જ!) અમને એક જ આતુરતા રહેતી, ક્યારે રામલીલા શરૂ થાય છે. રામલીલામાંયે અમને રામ કરતાં બજરંગબલી ને નારદ વધારે ગમતા. એમાંય વળી વિદૂષક આવે તો અહાહાહા...! થાય કે રામલીલામાં એક જ વિદૂષક આ લોકો શા માટે રાખે છે? ચારપાંચ જોઈએ! વિદૂષક અને ગોરી બટાકીની પ્રેમની રંગત — રંગરમત અમે મન ભરીને માણતા. આ રામલીલામાં અમને ન ગમતી બાબત તે આરતી. રામલીલાવાળા આરતીની અમુક બોલી ન થાય, ને બીજા દિવસનું એમનું સીધું પાકું ન થાય, ત્યાં સુધી અધૂરી રાખેલી રામલીલા આગળ જ ન ચલાવતા. અમે એના આવા રગશિયાવેડાથી ખૂબ કંટાળીએ. અમને થાય કે હું જો ગામનો ઠાકોર-દરબાર હોઉં તો રામલીલાવાળાને આખા મહિનાની બધી આરતીઓના પૈસા-સીધાં ચપટીમાં એકસામટાં આપી દઉં. પરંતુ વો દિન કહાં કે... આ રામલીલા રાતના એક-બે વાગ્યા સુધી ચાલે. મને ઘેરથી અગિયારેક વાગ્યા સુધી જ રામલીલામાં બેસવાનો પરવાનો. પણ કેમેય ઊંઘ આવે નહીં ને રામલીલા અધવચ્ચે છોડી જવાનો જીવ ચાલે નહીં. એકવાર સીતા-સ્વયંવરનો ખેલ ચાલે. સીતાજી વરમાળા લઈ લાકડાની એક ભાંગેલી ખુરશી - સિંહાસનસ્તો! - આગળ ઊભાં હતાં. રામચંદ્રજી શિવધનુષ્ય ચડાવીને તેનો ભંગ કરવાની તૈયારીમાં હતા. સમસ્ત શ્રોતાગણ જાણે એકકાન હતો – એકનજર, એકચિત્ત હતો; ને ત્યાં રામલીલાના રંગીન નાટ્યાત્મક વાતાવરણના પડદાને ચ...૨...ડ...ડ ચીરતો હાય એવો પિતાજીને ડંગોરાનો ઠકઠકાટ સાથે કાતિલ અવાજ ઊંચકાઈને આવ્યો : ‘ચંદ્રકાન્ત !!!’ હું કોઈ ગરમ અંગારો કાનને અડ્યો હોય એમ ચોંકી ઊઠ્યો. દરમિયાન ધ્યાનભંગ-રસભંગ થયેલા શ્રોતામાંથી કોઈ બોલ્યુંયે ખરું, ‘આ કાકોય ખરો છે! બરોબરનો ખેલ જામેલો ત્યાં બધી મજા મારી નાખી!’ એ રાતે ઘેર ગયા પછી પથારીમાં પડયાં પડયાં કાનને દોડાવીને રામલીલાનું રસપાન કરવા મેં ઠીકઠીક ઉજાગરો સેવેલો. ગામમાં આવતી ‘રામલીલા’માં સ્વેચ્છાએ જોડાતા ચંદુ કંસારાની વાત જાણવા જેવી છે. બા-બાપા વિનાનો છોકરો. ગરીબ જેમતેમ કરીને કંસારાનું કામ શીખ્યો. દરમિયાન એને એક છિનાળ ભટકાઈ ગઈ. પરણ્યાં પણ ઝાઝો વખત જોડે ન રહી શક્યાં. પેલી ઘરમાં જે કંઈ થોડુંક રહ્યું સહ્યું હતું તે બધું યે ઉસરડી લઈને ચાલી નીકળી. ચંદુ એકલો પડ્યો એટલે દારૂની લતે ચડ્યો, ને પાયમાલ થયો. હજુયે એ લત છૂટી નથી. કંસારાકામ કરતાં બેપાંચ રૂપિયા મળે તો એમાંથી અડધા દારૂમાં જ ડૂલ થતા. આખો દહાડો વાસણો સાંધે, કલઈ કરે, ન કોઈની સાથે ખાસ વાતચીત કે હસીમજાક, રાત પડે ત્યારે મોઢે પાઉડર-લપેડા કરી, ઘાઘરીપોલકાં પહેરીને રામલીલાના ખેલમાં હાજર થાય ત્યારનો એ ચંદુ જાણે સાવ જુદો. ત્યાં વિદૂષક એને ‘બટાકી’ કહીને બોલાવે. શો એનો ઠસ્સો! શી એની બોલછા! આપણને થાય : આ બધું ઝવેરાત મુફલિસ ચંદુડાએ અંતરના કયા ભંડકિયામાં ભંડારી રાખેલું ? કઈ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી રાખેલું? કેટકેટલા રંગ ને કેવી કેવી રંગતોનાં રમણીય રમખાણ એના ભીતરના આકાશમાં છુપાઈને પડયાં છે! રામલીલામાં ચંદુનો ઈલમ જોયા બાદ અમારે માટે ચંદુ કેવળ કંસારા કરતાં ઘણું વધારે હતો. અમે છોકરાઓ ઘેર જઈ ચંદુને કામ મળે એ આશયથી કાણા ને કલાઈવાળાં વાસણો માને બતાવી બતાવી તે સરખાં કરાવી લેવાનો તકાદો કરતા અને મા મંજૂરી આપે કે તુરત અમે જ પોતે વાસણ લઈને ચંદુની ખિદમતમાં હાજર થઈ જતા. ક્યારેક ચંદુ રજા આપતો ત્યારે અમે તેની ભઠ્ઠીની ધમણુ પણ ચલાવી આપતા. આ રામલીલા માટે મારા પિતાજીને કંઈક ઉદાસીનતાને ભાવ, તેનું કારણ રામચંદ્ર મર્યાદાપુરુષોત્તમ લેખાય તે. અમારા પિતાજી ચુસ્ત પુષ્ટિમાર્ગી એટલે એમના માટે તો પૂર્ણ પુરુષોત્તમ તો શ્રીકૃષ્ણ જ. તેઓ શ્રીકૃષ્ણની લીલા ભજવનારા રાસધારીઓની મંડળી આવે ત્યારે એકપણ દિવસ ચૂક્યા વિના એ રાસધારીઓની મંડળીના ખેલ જુએ. એ વ્રજ-હિન્દીમાં જે રીતે ગાય, સંવાદો બોલે એ સર્વ રસથી મનમાં નોંધે ને ક્યારેક વાનગીદાખલ બેપાંચ યાદ રહેલ સંવાદો કે પદપંક્તિઓ ઊલટભેર બોલે પણ ખરા. અમનેય રાસલીલા જોવાની સંપૂર્ણ છૂટ. મા, બહેન વગેરે તો રાસલીલામાં શ્રીકૃષ્ણ-રાધા આવે ત્યારે તેમના પગમાં પડી ચરણરજ લે ને યથાશક્તિ પૈસાયે મૂકે! અમારા ગામમાં નિયમિતપણે જેમ બહુરૂપી, રામલીલાવાળા, તેમ ભવાયા પણ આવતા. ગામમાં એમનો લાગો. અમને ભવાઈ જોવાની છૂટ નહીં. પિતાજી નોકરીના કામે પરગામ હોય ત્યારે તેમના મનાઈહુકમને જરાય ગાંઠયા વિના માની ઉપરવટ થઈ ભવાઈ જોવા નીકળી પડીએ. ભવાઈમાં ગાળાગાળીયે ધરખમ ચાલે, પણ સૌ આદ્યશક્તિ જગદંબાનાં બાળક. ઉદાર ને કૃપાળુ મા એમનું અળવીતરાપણું ચલાવી લે, માફ કરે એવી માન્યતા. ભવાઈની અનેક અશ્લીલ બાબતો આ લખતાં સ્મરણમાં આવે છે પણ એની નોંધ આ સૃષ્ટિમાં અનિવાર્ય નથી. આજે રામલીલાવાળા, રાસલીલાવાળા ને ભવાયા -ત્રણેયને યાદ કરું છું ત્યારે એમ લાગે છે કે જે શક્તિ, જે ભાવસામગ્રી ને ભાષાનું અઢળક પણ કાચું સોનું ભવાઈમાં મને જોવા મળ્યું તે તો અનન્ય જ. આ ભવાયાઓ અઢારે વરણની જે નકલ કરતા, દુનિયાદારીનું જે નિષ્ઠુર દર્શન કરાવતા અને હસાવવાની જે અનેકાનેક તરકીબો અજમાવતા, એની તો વાત જ અનોખી. ભવાઈમાં જે રેખતા બોલાતા, ભૂંગળવાદન સાથે તા તા થા થેઈ થઈ થાના જે ઠેકા આવતા એનાથી ચિત્ત લયચકચૂર બની રહેતું, આજેય બને છે. વળી, ગામમાં અવારનવાર કથા-આખ્યાન કરનારા ભટ્ટજી–પુરાણીઓ કે ભજનકીર્તન કરનારા સંતો-ભજનિકોયે આવે. ખાસ તો લગભગ આખું મહાભારત એક માસ સળંગ સંભળાવનારા ભટ્ટજી અત્રે સ્મરણીય છે. કદાવર શરીર ને મીઠી જીભ. આવતાં જ ગામ આખાને વશ કરી લીધું. ગામમાં મહિનો રહ્યા ત્યાં સુધી એકેય દિવસ લચપચતા લાડુવાળા પાકા ભોજન વિનાનો એમનો ગયો નહોતો. પગથી વગાડાય એવું હાર્મોનિયમ સાથે રાખે. સંગત માટેનો તબલચી ગામમાંથી ગોતી લે, હાર્મોનિયમ બે હાથે વગાડે ને કથા કરે. કહેણી ખૂબ નાટ્યાત્મક. શૂંગાર ને વીર, હાસ્ય ને કરુણ, રૌદ્રદ્ર ને ભયાનક - સૌ રસો બરોબર ચખાડે! મારા પિતાજી જેવા ચુસ્ત ભાગવતપ્રેમીઓ પણ ભટ્ટજીથી આકર્ષાયા. ભટ્ટજીએ જે દહાડે કથા પૂરી કરી તે દહાડે ગામે તેમની પોથીનો દબદબાપૂર્વક વરઘોડો કાઢયો. જ્યારે ભટ્ટજી વિદાય થયા ત્યારે ગામ આખું રોયું. સૌને એમની ખોટ સાલી. ભટ્ટજીએ બીજા વર્ષે આવવાનું વચન આપેલું પણ પછી કદીયે નહીં આવ્યા... અમારી ચેતના જેમ ભવાઈના ઠેકાથી તેમ ડાકલાના ભેદી સંમોહક અવાજથીયે ઊછળતી-ઉત્તેજાતી. ભાથી ખતરીજીના મંદિરે રાતે કોઈ એરું-આભડેલ વ્યક્તિને લઈ જવામાં આવે છે. ધૂપદીપ થાય છે, નાળિયેર વધેરાય છે, અમારા વીરસિંગ ભૂવા ધીમે ધીમે ધ્રૂજવા-ડોલવા-ધૂણવા લાગે છે. એનામાં ભાથીજી પોતે પધારે છે. વીરસિંગ હવે ખડો થાય છે. હાથમાં અણુ પર લીંબુ ખોસેલી, નાડાછડીવાળી, કંકુના ચાંલ્લા કરેલ તલવારને રમરમાવે છે, ને સાથે છટાપૂર્વક હલાવે છે મોરપીંછનો ગુચ્છો. ગુલાલ ઊડે છે. વિરસિંગ ભૂવાના હોકારા-દેકારા સંભળાય છે. ડાકલા સાથે ભાથીજીને બિરદાવતા છંદ ગવાય છે. ધૂપદીપનો મઘમઘતા ગુલાબરંગી ઉજાસ વાતાવરણને કોઈ અકથ્ય અકાટ્ય ઉત્તેજનાથી બાંધે છે. અમનેય આનો રોમાંચ બરોબર સ્પર્શે છે. ઘરે હાથમાં છરી-ચપ્પુ લઈને ડબ્બાનાં ડાકલાં બજાવતાં અમેય ભાથીજીને બોલાવીએ છીએ ને ત્યાં જ કોઈ ખબર કરે છે: કાકા (પિતાજી) આવે છે. તુરત ઊભરાતા દૂધમાં જાણે કે બરફનો એક ટુકડો ન પડતો હોય! બધું વેરાઈ– વીખરાઈ જાય છે—શમી જાય છે. પ્રશાંત. પિતાજી છરી-ચપ્પાં જોઈને કહે છે: ‘આનાથી રમાતું હશે? ક્યાંક વાગશે તો?’ અમે ચૂપચાપ ત્યાંથી ખસી જઈએ છીએ. થાય છે: અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જ્યારે રામલીલા, રાસલીલા, ભવાઈ ને બહુરૂપીના વેશ સૌમાં વણતી-ગૂંથાતી આ જિંદગીયે પાટણના પટોળા-શી ભાતીગળ રૂપ-રોનક ધારણ કરી લે? પેલી રામલીલા રાસલીલા-શી મારીય આ જીવનલીલા દર્શનીય થાય? શ્રવણીય ને સ્મરણીય બને એવું કંઈક શું કદીયે નહીં સંભવી શકે? મને થાય છે: પેલા ગોપાલ બહુરૂપી જોડે, પેલા ચંદુ કંસારા જોડે મારે વધારે ગાઢ દોસ્તી કરવી જોઈતી હતી. હવે જો એવી દોસ્તીની તક મળે તો શું માનો છો, સાહેબ, હું ક્ષણનોયે વિલંબ કરું ...?