ધૂળમાંની પગલીઓ/૧૮

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૮

‘દૂરથી ડુંગર રળિયામણા’ એ વાત જો સ્થળ પરત્વે પણ સાચી છે તો જીવન પરત્વે પણ સાચી નથી? આપણા રોજબરોજના એકધારા લાગતા જીવનનું જરા આઘે રહીને દર્શન કરતાં તે કેટલું રળિયામણું-રોમાંચક લાગે છે! આજે આટલાં વર્ષે જ્યારે હું પૂંઠળ જોઉં છું ત્યારે અનેકાનેક વસ્તુઓ આંખો નચાવતી મને આકર્ષતી ન હોય એવી મને લાગ્યા કરે છે. આ વસ્તુઓ બેશક, આજના સરખી ત્યારે આકર્ષક લાગતી નહોતી જ. મારે રોજેરોજ કંજરીથી ચાલીને હાલોલ નિશાળે જવું પડતું હતું અને ત્યારે એ રસ્તો મને પાઠયપુસ્તકમાંના પાઠ જેવો લુખ્ખોલસ લાગતો હતો. આજે એ રસ્તો વાદળ મધ્યે અંકાયેલી કોઈ સ્વર્ણરેખા-શો ચારુ લાગે છે. મને ખબર નથી કે એ મારો ધૂળિયો રસ્તો ડામરના શહેરી સપાટામાં આજે આવ્યો છે કે નહીં. આપણને માણસોને કેરકાંટાળી કેડી કે ઊબડખાબડ ગાડાવાટ, કાદવિયો કે કાંકરિયાળો રસ્તો –સૌ યથાપરિસ્થિતિ માફક આવી જાય છે; પરંતુ પેલી કામણગારી કારને તો લિસ્સાલટ રસ્તા જોઈએ! બાપડા પગને તો આછી પાતળી પગથીયે ચાલે, પણ પેલાં ટાયરવાળાં ચક્રોને? એમને તો રૂપાળો ડામર કે આસ્ફાલ્ટની સડકો જેઈએ છે! કોણ જાણે શાથી, વરસોનાં વરસ આ ડામર પર જાતને ચલાવ્યા પછીયે ધૂળિયા મારગની મોહિની ઓસરતી નથી. વરસાદના પ્રથમ બિન્દુ સાથે જ હરિત તૃણની આશા ચમકી ઊઠે છે. માટીની સોડમનો સ્વાદ સળવળવા લાગે છે. મનમાં વરસાદના ફોરે ફોરે મહેકની અમિરાત ઊભરાઈ આવે છે. જેમ આંગળીના ટેરવે ચડાવી દાળભાત ખાતાં ધરવ વળે, જેમ પવાલું હોઠથી અડાડીને પાણી પીતાં તૃપ્તિ મળે, એવું જ થાય છે પગનાં તળિયાંને. એમનેય માટીનો સ્પર્શ થતાં જ તાજગીનો અનુભવ મળે છે. સાચે જ, માટી સાથે મારે કોઈ અંદરનો સંબંધ છે, એની સાથે મારે કોઈ ઊંડો ઘરોબો છે. માટી હોય કે પાણી, પવન હોય કે પ્રકાશ અથવા આસપાસ અસીમ આકાશ હોય ત્યારે તેમનો સંપર્ક મારામાંયે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ–આ પાંચેય તત્વો હેલે-હિલ્લોળે ચડે છે! હરિયાળીની તાજગી મારે રૂંવે રૂંવે સિંચાતી વિસ્તરે છે. મારા ઘરની બારીમાંથી લંબાતો તડકો મારા લોહીમાં ઊતરી ઉલ્લાસનો કોઈ અપૂર્વ થરકાટ જગાવી રહે છે. ધરતીના લાવણ્યથી તરવરતું આકાશ કોઈ ગ્રામકન્યાના નાજુક ચિબુક પરથી સરકતું મારા ચિદાકાશમાં પ્રસન્તતાનું એક સૌમ્ય બિંબ લહેરાવી રહે છે. સાચે જ આ માટીમાં, આ હવામાં, આ પાણીમાં કોઈ એવું તત્વ છે જે મારા અંદરના સંચને ખોલીને એમાંની સૃષ્ટિને સહજતાએ ખીલવાની અનિવાર્યતા સર્જે છે. આ વૃક્ષોમાં, આ ઝરણાંમાં, આ પહાડોમાં ને હરિયાળીમાં, આ તારાઓના ચમકાર ને વીજળીઓના ઝબકારમાં મારા વિસ્મયની, મારી વ્યાપ્તિની, મારી વિભુતાની કોઈ સુદઢ મુદ્રા અંકિત છે. હું બધાંથી પરોવાતો, હું બધાંને પરોવતો આજના પગથિયા સુધી તો આવી લાગ્યો છું. હજુયે આગળ જઈશ... જોકે મારે કહેવું જોઈએ, આજે જે રીતે હું લખું છું તે રીતે કદાચ તે કાળે નાનો હતો ત્યારે લખી શકત નહીં. આજે જેની મનભર મીઠાશ હું સ્મૃતિના પાનબીડે આસ્વાદું છું તેનો યત્કિંચિત્ અનુભવ, તેની યત્કિંચિત્ સાક્ષાત્કૃતિ ત્યારે હતી તો ખરી જ. ઘરની ચાર દીવાલો વચ્ચે મને વસમું લાગતું. બારીએ બેસવાનું ને કેરીગાળામાં એક પછી એક કેરી ચૂસતાં, રસ્તા પરનાં દશ્યો ઝીલતાં જવાનું મને જરાયે કંટાળાપ્રદ નહીં, બદલે વધુ રસપ્રદ લાગતું. અગાશીમાં મને ઉઘાડ મળતો, ને રસ્તે ચાલતાં મળતી રોનક, કહો ન કહો, પણ ક્યારેક, ક્યાંકથી મને ‘સૌંદર્યની કોઈ સાપણ’ ડસી ગયેલી એ તો નક્કી જ - ક્યાંકથી મને ‘લીલોતરીના નાગ’ ડસેલા જ. ને તેથી જ નાનપણથી મારું મન ભીતરની ને બહારની રૂપચ્છટાઓમાં રંગાતું, ને રંગાવા સાથે રૂમઝૂમતું રેલાતું રહેતું હોય એવું અનુભવતો રહ્યો છું. આજે એક અદના કવિ હોવાના હકદાવે-નાતે શબ્દનો વિચાર કરું છું ત્યારે મારું મન વિસ્મય ને આહ્-લાદથી ઊભરાઈ આવે છે! કેટકેટલા શબ્દો, કેટકેટલી રીતે, કેટકેટલી વાર મારી કને આવ્યા! મારી ચેતનામાં રોજેરોજ કેટલા શબ્દો વવાતા ગયા! સતત વાવણી! સતત લણણી! મારા ચિદાકાશમાં શબ્દોનાં પંખીટોળાં ઊમટી આવે છે. નાજુક પાંખોનો ફરફરાટ અને કોમળ કલનાદ. શબ્દેશબ્દની આગવી નસલ આંખ સામે અંકાતી રહે. એનો પદરવ ચેતનામાં અભિનવો છંદોલય ઝંકૃત કરી રહે. સમગ્ર ચેતનામાં શબ્દાવતાર લેતું કોઈ વિભૂતિમતતત્વ લહાય. હું તો નિમિત્ત માત્ર. હલકથી માંડીને હાકોટા સુધીનાં નાદતત્વનાં વમળો ઘૂમરાતાં હોય. નિસ્તલ ગહરાઈએથી એ સર્વ વમળો ઉપરતળે થતાં મારે કોઈ લયાન્વિત આહલાદમાં રૂપાંતર પામવાનું. પેલી ભવાઈની ભૂંગળો, પેલા પેટીવાજાના સૂર, પેલી નરઘાં પરની થાપી, ને મંજીરાના ઝંકાર, પેલા ડાકલાના ને કાંસાની થાળીના ડુમકાર-ત્રમકાર, દરબારગઢના થાળીવાજાનાં ગાયનો ને બારૈયા-ધારાળા ભાઈઓની ભજનમંડળીઓના ભગવા સૂર, માંડવડીની રંગતાળીઓ ને પિતાજીના કીર્તનના બુલંદ આલાપો - કેટકેટલું એકબીજામાં ગૂંથાતું-વણાતું-રસાતું-રંગાતું નાદબ્રહ્મના એક મનોહર ભાતીગળ રંગપટરૂપે પ્રત્યક્ષતા પામેલું ને હજુયે પામતું મારી ભીતર લહેર્યે જાય છે! વ્રિડાથી હાર પામેલી હોઠની વાણીની ચુપકીદી ને નયનની વહાલસભર વાણીની મૌન-મુખરતા કોઈ ગુપ્ત ઝરણની જેમ ભીતરની ભેખડમાં માર્મિક રીતે સ્ફુર્યા કરે છે. આજે આ હું જે અક્ષરોમાં મારી જાતને ચીતરવા મથું છું એ અક્ષરોની રેખાઓ કાગળ પરથી ઊંચકાઈને લંબાતી લંબાતી ક્યાંની ક્યાં ક્ષિતિજ પાછળ ખેંચાતી સંતાય છે! – ‘એક સૈ આવે એકડો, એકડો ને બે મીંડાં સો’ એમ આંકનું ગાણું ચાલતું. એ ગણાએ સંખ્યામાંથી સાંખ્ય તરફ વળવા માટેની દિશાયે ખૂલી શકે એ તો એ દિશા ખૂલવાનો હચમચાટ જ્યારથી થોડો થોડો કળાતો થયો છે ત્યારથી જ સમજાવા લાગ્યું છે. કક્કો ઘૂંટતાં એમાંથી કાવ્ય ઘૂંટાતું થઈ જશે એ તો વર્ષોના અનુભવે જ સમજાયું ને જ્યારે સમજાયું ત્યારે આનંદની પરિસીમા ન રહી. અરે! મારી વાણીનાં મૂળિયાં ક્યાં ક્યાં વિસ્તર્યા છે! પેલા પંખીના કંઠમાંનું કૂજન, પેલાં મોજાંનો ઘુધવાટ, પેલા શિવમંદિરના ઘંટનો રણકાર ને મારા દરબારગઢની આલબેલનો પુકાર, પેલી મારા ગામની ફલો૨મિલનો ધમકાર ને પેલા હળલાકડાં ખેંચતા બળદના ગળાના ઘૂઘરાનો ઝણકાર – આ બધું એકાકાર થતું મારી નાભિમાંથી એક નાદકમળને સ્ફુરાવી રહે છે. એમાં પતંગિયાની પાંખોને ગતિસ્પંદ પણ ગુંજરતો લાગશે! મારી રગેરગમાં કોઈ કાવ્યાત્મક ઉલ્લાસનો રસ ધૂમરાય છે. મારે વય નથી, મારે વ્યવધાન નથી. મારે ‘મારું’ નથી, મારે મૃત્યુ નથી. બ્રહ્માંડરસને સહજતયા સ્ત્રવતી એક ગોરસી એ જ મારી કવિતા, એ જ મારું અસલી રૂપ. બાળપણમાં આજે જેવું લહાય છે એવું ભલે ન લહાયું, પણ ગોરસની લીલા તો બાળલીલાના જ એક સાહજિક ચમત્કારરૂપે હોવાનું મને પમાયેલું! મારી આસપાસ કેટકેટલા ચહેરાઓનું ચમકતું તાજગીથી તરબતર વન હતું! હૂંફાળા તો મતલબી, રાંક તો રુઆબી, ઠરેલા તો વાયલ, કરુણાળુ તો કૃપણ – કિસમ કિસમના ચહેરાઓની રંગીન સૃષ્ટિજાળ મારી આસપાસ, મનેય લપેટમાં લેતી રચાતી જતી હતી. અરે! એ જાળને, કોઈ ચેસબોર્ડને જુએ એમ હું જોતો હતો. કઈ કૂકરી ક્યાં જતીક ને ફસાય છે, ક્યાં મારે છે, ક્યાં પાકે છે ને ક્યાં જીતે છે, ક્યાં અટકે છે તે બધું જોવાની મને મજા પડતી. એ મજા આજેય ભીતરમાં એમ જ ઉછાળા લે છે. મને પ્રેરનારાં, દોરનારાં, ઘડનારાં ને ઘુમાવનારાં કેટકેટલાં જણ હતાં! ગામ આખાનો ચાક ગોળ ગોળ ફરતો મારા પિંડને એની મોજને આકાર આપતો ન હોય જાણે! કોઈએ મારી આંખમાં આંસુ જગાડ્યાં તો કોઈએ તે લૂછયાં. કોઈએ મને ખિલખિલ હસાવ્યો તો કોઈએ મને અંગેઠીમાં ભૂંજ્યોયે ખરો! પણ આવું બધું થતાં પરિણામે જે ઘાટ ઊતર્યો તે ઠીક જ ઊતર્યો. સ્વસ્થ રીતે જોતાં-વિચારતાં મને મારા વિશે કશીયે રાવ-ફરિયાદ કરવાનું કારણ લાગતું નથી. ફર્યા તો ચર્યા, ગુમાવ્યું તો મેળવ્યું, ઘસાયા તો ઘડાયા, ભૂલા પડયા તો ભમવા મળ્યું. એમ લાગે છે કે મારી આસપાસની દુનિયાને મારા દ્વારા વ્યક્ત થવા માટે જે અનુકૂળતા જોઈએ તે ઠીક ઠીક પ્રમાણમાં પૂરી પાડવાની મેં તત્પરતા દાખવી જ છે. એ દુનિયાએ મારો કેટલો ઉપયોગ કર્યો; એ અલબત્ત, અલગ વાત છે! મારી ચાલણગાડી માત્ર ગિજુભાઈ બધેકાવાળી નહોતી. મને ચલાવવા અનેક હાથોએ આંગળી આપી છે. જેમનું ચરિત્ર વાંચતો એ મારી સાથે ચાલવા લાગતું! એકવાર હું શંકરાચાર્યની આંગાળીએ દોરાયો, ઘર છોડી ગામની ભાગોળ સુધી પહોંચ્યો, પણ મારા ને ગુજરાતી ભાષા-સાહિત્યના સદ્દભાગ્યે આપમેળે જ પાછો ફર્યો! બીજી વાર મેં સુભાષબાબુ થવા ધાર્યું. મારા ફળિયામાં આઝાદ હિન્દ ફોજ જમાવવા મેં પ્રયત્ન કર્યો, પણ કમનસીબે મને નેતાગીરી ન ફાવી. (આજેય નથી ફાવતી!) થયું. પછી ગાંધીજી થવા ધાર્યું. ગાંધીજી થવા ખાદી જોઈએ. ને પિતાજીએ એ સામે કડક મનાઈ-હુકમ સુણાવ્યો! (ગાંધીજી બાપડા મારો લાભ ન લઈ શકયા.) છેવટે રવીન્દ્રનાથ મારી નજરમાં આવ્યા. તેઓ કર્મે તો કવિ હતા જ, દેખાવે પણ હતા. મને એમની કવિતા કરતાંયે એમનો દેખાવ ખાસ તો વશ કરી ગયો. મને થયું આપણે આમના જેવા થવું જોઈએ. ને મેં એ નિમિત્તે કવિ-ઉપાસના દ્વારા કાવ્યોપાસના ઉપાડી. દરમિયાન બાળસામયિકોયે વાંચતો, એમાંની કવિતા પ્રમાણે કંઈક જોડવાની લખવાની ઇચ્છાઓ સળવળવા લાગી ને મારું કામ ચાલ્યું. મને જે લાગવો જોઈતો હતો તે છંદ બરોબરનો લાગ્યો. શરૂઆતમાં જોડકણા, પછી શિયાળો, ઉનાળો ચોમાસું કવિતામાં આવવા લાગ્યાં ને પછી પ્રેમ. જોકે પહેલું કાવ્ય ‘એવા બાપુ અમર રહો’ નામનું હતું એમ સ્મરણ છે. કવિતામાં મારું ઠીક ગાડું ગબડતું થયું. હરીફો ખાસ નહીં, એટલે આપણી બોલબાલા. અન્યથા શરીરસંપત્તિ ને રમતગમત આદિમાં આપણે પછાત તે આ લખવા-વાંચવામાં આગળ પડતા લેખાયા. અહીં પોષાયો-પોરસાયો. ડાયરીઓ, નોટો ભરાવા લાગી. આરંભે વિવેચન-મૂલ્યાંકન નહોતું. હતી માત્ર સપાટી પરની તુલના. હું મારી રીતે કાવ્ય લખું ને પછી સિદ્ધહસ્તોની કાવ્યરચનાઓ સાથે મૂકીને સરખાવી જોઉં. ચેકછેકભૂંસ આદિ કરતો. સદ્દભાગ્યે છપાવવાવાળી વાત પાછળથી આવી. પહેલું કાવ્ય પ્રગટ થયું અંગ્રેજી ત્રીજા ધેારણુ (આજના સાતમા ધેારણુ)માં, વર્ગના હસ્તલિખિત અંકમાં. ત્યારથી અમે અમારી અંદર એક કવિને જોતા મળતા થયા ને એ મેળાપે કાળે કરીને આજે અમે આપના સુધી આ ગદ્યની કાવડ લઈને આવ્યા! એક સુભગ અકસ્માત, કહો કે યોગાયોગ, લેણદેણ, ઋણાનુબંધ! આ ‘ઋણાનુબંધ’ સાચે જ અદ્દભૂત શબ્દ છે. કઈ વસ્તુઓ આપણને આપણી સાથે, આસપાસનાં સાથે બાંધી રાખે છે - જોડે છે? કેમ બાંધી રાખે છે? કોઈ હક કરીને હૃદયમાં વસે છે, કોઈ સ્મરણમાં કે કલ્પનામાં વસે છે, કોઈ તમારે માટે થઈને જીવનભર તમારા ઘરમાં વસે છે. જે નહોતું તે અમારું થતું તમારી પાસે આવે છે. તમારા શબ્દમાં એ પોતાને મળે છે. શું છે આ બધું? ભ્રાંતિ, બેવકૂફી, ચમત્કાર, ઇલમ, સાક્ષાત્કાર જે કંઈ હોય, આ મસાલા વગર મારા હોવાપણામાં સ્વાદ જ ન આવત કદાચ. આજે તો તકલીફો છતાં, દોંગાઈ ને દંભના દેમાર અનુભવો છતાં મારી ઇમારત સલામત છે. એ ઇમારતમાં રહેનાર પણ ખુશહાલ છે. એના હાથમાં જામ છે ને તેય છલકાતો. આંસુ છે, શરાબ છે, શરબત છે કે અમૃત? બધું જ છે, મહેરબાન, બધું જ. એક જ ઘૂંટ ને ફરી વળો એના નશામાં, ઘટમાં ને ધૂંઘટમાં, શબદમાં ને સુરતામાં. નથી તો કશું નથી, છે તો ઘણું છે, મારી કને, મીન જેમ સળવળતા મારા શબ્દ કને!

✽✽✽