ધૂળમાંની પગલીઓ/૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મને જે દિવસે બાળમંદિર બેસાડવામાં આવ્યો તે ભલે મારાં માતાપિતાને ઘણો શુકનિયાળ દિવસ લાગ્યો હોય; મને તો એ સૌથી અપશુકનિયાળ-ગોઝારો દિવસ લાગે છે. બળદની કે ઘોડાની ખરીમાં જે રીતે નાળ જડાય છે એ રીતે જાણે મનેય પગના તળિયે નાળ જડવાનું એ દિવસથી શરૂ કર્યું ન હોય! પેલા નાળ જડનાર લુહાર ને મારા બાળમંદિરના મહેતાજીમાં મને ખાસ ભેદ લાગ્યો નહોતો. જે દિવસે મને બાળમંદિરે લઈ જવાનો પ્રયાસ કર્યો તે દિવસે સાણસાધારી કૂતરા-ગાડીવાળાથી બચવા કૂતરાઓ જેમ દોડાદોડ કરે છે તેમ મેંય કરી જોયેલી. ગાંધીજીની ઓળખાણ નહીં છતાં એટલી માસૂમ વયે મેં પ્રહલાદ જેવી જ અડીખમતાથી બાળમંદિરની વાટ નહીં પકડવા ઉગ્ર સત્યાગ્રહ કરેલો. પહેલાં તો અદબ વાળી, ચરણ સ્થિર કર્યાં. પછી પલાંઠી વાળી બેસી પડયો ને પછી કઠોર ભૂમિને સર્વાંગે વળગી પડવાનો અપ્રતિમ અને અંતિમ પુરુષાર્થ પણ કરી જોયો, પરંતુ બધું જ નાકામયાબ ગયું. મને મહેતાજીની ઝીણવટભરી વૈજ્ઞાનિક સૂચનાઓ અનુસાર હાથપગથી ઝાલીને શિબિકાની રીતે જ બજાર વચ્ચેથી એમના અધ્યાપનમંદિર સુધી લઈ જવામાં આવ્યો. એ દરમિયાન મારો ગૃહવિચ્છેદનો વિલાપ તો તારસ્વરે ચાલુ જ હતો. ભવભૂતિના જમાનાના પથ્થર પણ પીગળી જાય એવા આ મારા વિલાપની પ્રેક્ષક-શ્રોતા વર્ગ પર કોઈ ધારી અસર ન થઈ, ઊલટું કેટલાક તો મારી આ અવસ્થાથી રમૂજ અનુભવતા હતા! મારે પરાણે બાળમંદિર જવું પડયું ને બેસવુંયે પડયું. દરમિયાન વિલાપથી શ્રાન્ત મારું ચિત્ત બાળમંદિરની ચાર દીવાલોની પાર કેમ નીકળવું એના ગંભીર વિચાર તરફ વળ્યું. મારી ચિત્તાવસ્થા અશોકવનનાં સીતાજીથી કદાચ જુદી નહીં હોય. હું બાળમંદિરમાં બેઠો બેઠો દૂરના વડના ઝાડ પર કૂદતા વાનરોની ક્રીડા રસપૂર્વક જોતો હતો અને એમનામાંથીયે ભાગી છૂટવા માટેની પ્રેરણા એકધારી ગટગટ પીતો હતો. મારા એ બાળમંદિરના મહેતાજી સૂકા ટાઢા રોટલા જેવા લુખ્ખાલસ ને કરડા દેખાતા હતા. એમનો મોટો દીકરોય જાણે એમની જ સંવર્ધિત આવૃત્તિ. ગ્રામોફોન પર રેકર્ડને વાગવા માટે ગોઠવે એમ અમને કક્કો - આંક-પલાખાં બોલવા માટે બરોબર ગોઠવીને – સેટ કરીને પછી મહેતાજીયે દીકરા સાથે બુકબાઈન્ડિંગના કામમાં બંધાતા જતા! કેટલાય છોકરાઓ બારી ને બારણાં બહાર અવાર-નવાર ચોરનજરે જોઈ લેતાં ટેવવશ બોલતા હોય એમ કક્કો-આંક-પલાખાં ગગડાવ્યે જતા. વચ્ચે વચ્ચે કોઈ ઝોકુંચે ખાઈ લેતા તો કોઈ મહેતાજીના કાંસું ઘસાતું હોય એવા અવાજની સોટીથી ઝબકીને અદબપલાંઠી વાળી ટટાર થઈ જતા. મને કોણ જાણે શાથી આખુંયે બાળમંદિર પાયાની છત સુધી સાવ અકોણું જ લાગ્યા કરતું હતું. મહેતાજીની ચિંગુસાઈની ચાડી ખાતું ટૂંકું અધોયું પંચિયું, પેટુડાપણુને ઉપસાવતી મેલી જનોઈ, નાક-કાનમાંથી નીકળતાં વાળનાં કાબરચીતરાં રૂંછાં ને અવડ ચહેરા પર કરોળિયાનું કોઈ જાળું બંધાયું હોય તેવી મૂછો – આ બધું કોણ જાણે કેમ પણ મારામાં અડવાપણાની લાગણી પેદા કરતું હતું. મહેતાજીને જોતાં જ મન જાણે જાપાની પંખાની જેમ બિડાઈ જતું, આંખોમાં ઊંઘનો ભાર વધવા લાગતો. વારંવાર બગાસાં ચડતાં ને શરીર અદબ-પલાંઠીના જ નહીં, બાળમંદિરની બધી દીવાલોના સકંજામાંથી છૂટવા મથતું ને ત્યારે ક્યાંક ઝાડમાંથી ભેરવાઈ ગયેલા પતંગને છોડાવવા મથતાં મોટેરાંઓના પ્રયત્નો યાદ આવી જતા. સાચે જ અમારી અને પેલા પતંગની દશામાં ખાસ ફરક નહોતો. અને ફરક હોય તો આટલો જ કે પતંગ ઝાંખરાંમાંથી છોડાવવાપાત્ર લેખાતો, અમે નહીં! બાળમંદિર અગિયારથી ચાર સુધી ચાલે પણ અગિયારથી ચાર વચ્ચેની પળેપળ સીસા જેવી ભારેખમ લાગતી. બાલમંદિરને ઘસાઈને જતા રસ્તા પરથી પસાર થતાં ઢોર-ગાય-ભેંસ, ઘેટાં-બકરાં ને ગધેડાં પણ અમને ખૂબ ખૂબ સુખી જણાતાં. આખી જિંદગી એમને આ ભણવાની ઝંઝટ તો નહીં! કોણે આ સ્લેટ-પેન શોધ્યાં હશે? પંખીની જેમ મન ફાવે ત્યાં પાંખ ફેલાવીને ઊડવાનું સદ્દભાગ્ય માણસને નથી મળ્યું એ ખરેખર ઈશ્વરનો આપણા તરફ ઘોર અન્યાય જ છે, આપણા પરનો કાળો કેર જ છે. આ૫ણને ચપટી અક્કલની પડીકી મળી કે રાજીના રેડ! પણ ભલા જુઓ તો ખરા, આપણા સુખનું છે ક્યાંય ઠામ કે ઠેકાણું? અગિયાર પછી જેમ સૂરજ માથે ચડતો તેમ બાળમંદિરમાં મારો કંટાળોયે ચડતો જતો, ને એક તબક્કો એવો આવતો જ્યારે હું આસ્તે આસ્તે બેઠો બેઠો ખસીને રસ્તા પરના બારણા સુધી પહોંચી જતો ને મહેતાજીને ભોજન પછીનું ઘારણ ચડતું કે હું યે યાહોમ કરતોક ને ખભે લટકતા દફતર સાથે ઉંબર ઠેકી આડી વાટે ફંટાતો. અહીં તહીં ફરતો, કોઈ દુકાનની ચીજવસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરતો ને ક્યાંક રીંછ-માંકડાના કે એવા જાદુમંતરના ખેલ કરતા મદારીને જોતો તો તેના માનવંતા મફતિયા પ્રેક્ષકવર્ગમાં હુંયે ઘૂસી જતો. એક વાર આ રીતે મદારીનો ખેલ જોતો હતો ત્યારે મદારીએ એની કાળી-ચમકતી, સુરમા-આંજી આંખે મને આંગળીથી ચીંધી કહ્યું, ‘દેખો, યે બચ્ચા કે માથે મૈં ચીડિયા કો બિઠાતા હૂં! સબ લોગ તાલિયાં બજાવ!’ તે સૌએ તાળીઓ લગાવી, હું ભારેનો ગભરાયો ને પેલો મદારી ખડખડ હસી પડયો ને બોલ્યો, ‘મત ગભરા બચ્ચા, ચીડિયા તો યહ રહી હમારે ખિસ્સે મેં’—ને એણે ચીડિયા કાઢી બતાવી! ને જેવી એણે ‘ચીડિયા ’ બતાવી કે હું પણ એક ‘ચીડિયા’ની જેમ જ ફરરરક કરતોકને ત્યાંથી રફુચક્કર થઈ ગયો. ત્યાર પછી તો આવા તમાશાઓમાં પણ હું બહુ કાળજીપૂર્વક પ્રેક્ષક તરીકેની જગા પસંદ કરતો. પણ આ રીતે નિશાળેથી ભાગી છૂટવાના મારા મહાભિનિષ્ક્રમણના પ્રયોગો લાંબા નહીં ચાલ્યા. મહેતાજીને બહુ થોડા દિવસોમાં મારી આ ‘બદચાલ’નો અંદાજ આવી ગયેલો. ઘરનાંનેય શંકા તો થવા જ લાગેલી. કાંડે ઘડિયાળ નહીં. તે ક્યારેક ધાર્યા કરતાં થોડા વહેલાં ઘેર પહોંચી જવાતું તો મારાં ભાઈબહેનોને વહેમ આવી જતો પણ હું તબિયતના બહાને, મહેતાજીની રજા લઈને આવ્યાની વાત ચલાવતો. પણ એવી વાત બરાબર જામતી નહીં’. મારા આવા ‘અસત્યના પ્રયોગો’ ઝાઝું નભ્યા નહીં. એક દિવસ યથાક્રમ જ્યારે બાળમંદિરનો ઉંબર ઠેકી મેં ‘નિરુદ્દેશે સંસારે મુગ્ધ ભ્રમણ’ કરવા માટેની વાટ પકડી ત્યારે મેં જોયું કે હું એકલો નહોતો. મારા રસ્તાના છેડાઓ આંતરીને સાચવીને બાળમંદિરના મારાથી કંઈક વધુ ‘મોટા’ ને વફાદાર છોકરાઓ દડાને કહો કે કોઈ ક્રેઝી બોલને પકડવા ફિલ્ડરો જેમ તત્પર હોય એમ મને પકડવા તત્પર ખડા હતા. હું ગભરાયો; કિંકર્તવ્યમૂઢ બન્યો. એક જ હથિયાર બાકી હતું ને તે જોશથી રુદન કરવાનું, તે મેં ધૂળમાં બેસી પડીને મક્કમ રીતે અજમાવ્યું, પરંતુ હું ઘોરતર રીતે નિષ્ફળ ગયો. મેં ઑક્ટોપસની રીતે હાથપગ ઘણા વીંઝી જોયા પણ પાંચ-સાત છોકરાઓની પકડ એવી પોલાદી હતી કે હું લાચાર બન્યો. યુદ્ધમાં સિકંદર સામે હારેલા પોરસની અદાયે હું જાળવી શકું એમ નહોતો. ભાગતા ઉંદરને નિષ્ઠુરતાથી પકડીને જેમ પાછો ઉંદરિયામાં નાખવામાં આવે તેમ મને બાળમંદિરની અંદર નાખવામાં આવ્યો. હું સજળ નેત્ર જોતો હતો કે મારી આસપાસ દયા, કરુણા, ઉપહાસ, ક્રોધ આદિના મિશ્ર ભાવોવાળા માસૂમ ચહેરાઓ ચમકતા હતા. મહેતાજીની તણખા-ઝરતી આંખો મને ડારી રહી હતી. મેં આંખો ઢાળી, માથું નીચું કરી પગના અંગૂઠાએ લીંપણ ખોતરવાનું શરૂ કર્યું. ત્યાં મહેતાજીની ત્રાડ સંભળાઈ : ‘અંગૂઠા પકડ!’ તુરત કરોડરજ્જુમાંથી વીજળી પસાર થઈ ગઈ. મારું અસ્તિત્વ વિવશપણે ઝૂકી પડયું. કેટલોક સમય પસાર થયો. કેડ કળવા લાગી. ઊભો થવા ગયો ત્યાં જ મહેતાજીની માનીતી ને મારકણી સોટી વાંસે વીંઝાઈ, તે તુરત જ એના સીધા પ્રતિભાવરૂપે ફરીથી કેડમાંથી વળી જવાયું. પણ હવે અંગૂઠા ઝાઝો વખત પકડાય એવી સ્થિતિ નહોતી. મને લાગ્યું કે અંગૂઠા પકડવાની યાતના કરતાં સોટીનો માર ઠીક છે ને તેથી મેં બંડ કરી અદબ વાળીને ટટાર ઊભા રહેવાનું પસંદ કર્યું. મહેતાજીએ આ જોયું. એમને કદાચ એમની આમન્યા જતી લાગી હશે. તે સોટી બતાવવા પાસે આવ્યા. એક...બે... ત્રણ... મારો પ્રતિકાર તો હતો નહીં. રુદન પણ કોણ જાણે શાથી ભુલાઈ ગયેલું. હું અડીખમ ઊભો રહ્યો. મહેતાજીએ ફરીથી ત્રાડ નાખી : ‘ઊભો જ રે’જે, ખબરદાર બેઠો તો!’ કોણ જાણે મારામાં કઈ સૂઝ ને હિંમત ઊગી, આવું એમણે કહ્યું કે તુરત હું બેસી પડયો. મેં જોયું કે મારા કેટલાક બાળભેરુઓને આથી આશ્ચર્ય અને આનંદ જેવું કંઈક થયું. મહેતાજી મારા આવા અણધાર્યા વર્તાવે કંઈક ડધાઈ પણ ગયા, પરંતુ તુરત જ રાજદંડ-શી સોટી એમણે મારા વાંસે ચલાવી. હું અણનમ હતો, ને એ...? ડાલામથ્થા મહેતાજીએ ત્રીજી વાર ત્રાડ નાખી : ‘લઈ જાવ એને ઘેર.’ ને તુરત જ એમની કૃપાન્વિત સંનિષ્ઠોની ટુકડી સેવામાં હાજર થઈ. મને લગભગ ઘસડીને બાળમંદિરની બહાર કાઢ્યો; એમની ભાવના તે પછીયે મને ઘસડીને ઘર સુધી ઉપાડી જવાની હતી, પરંતુ તે તક મેં એમને નહીં આપી. મેં જાતે જ આંખ મીંચીને ઘર ભણી દોટ મૂકી. ઘરના બારણે પહોંચતાં જ મને વિચાર આવ્યો, મહેતાજીએ જરૂર પિતાજીને મારા ગેરવર્તાવની વાત પહોંચાડી હશે. પિતાનો ક્રોધ હું જાણતો હતો. એમનામાં ક્યારે નૃસિંહાવતારનો પ્રાદુર્ભાવ થાય તે કહેવાય નહીં! મેં અગમચેતી વાપરી, ઘરની બહાર ઓટલા પર જ આસન જમાવ્યું. નિર્વિકાર થાંભલાને અઢેલીને બેઠો હતો. બેઠો બેઠો ને એમ જ થોડા કાંકરા લઈ તાકોડીદાવ ચલાવતો હતો. ત્યાં દૂરથી પિતાજીને આવતા જોયા. મેં તુરત દફતર સાથે સફાળા ઊભા થઈ એમનાથી સલામત અંતરે ઊભા રહેવાનું પસંદ કર્યું. એમણે મને જોયો; પૂછયું: ‘શું થયું?’ તું બાળમંદિરમાં? ચાલ બતાવ.’ પણ હું પરિસ્થિતિ પામી ગયેલો એટલે નજીક ન જ ગયો. પિતાજી ગુસ્સે થઈ ઘરમાં પેઠા. મેં નિરાંત અનુભવી. ફરીથી કાંકરા લઈ તાકોડીદાવ શરૂ કર્યો. સાંજ પથરાતી જતી હતી. અંધારાની ઝરમર શરૂ થઈ ગયેલી. આકાશમાં એક પછી એક છીપ ફોડીને તારાઓ બહાર આવતા હતા. મને ભૂખ પણ લાગી હતી. રસોડામાં કલાડા પર શેકાતા રોટલાની સુવાસ અને એ સાથે એને ટીપવાનો મધુર અવાજ મારી ઘરમાં નહીં જવાની મક્કમતાને ડગાવાતાં હતાં; પરંતુ પિતાનો રુદ્રાવતાર જોયા પછી ઘરને ઓટલે-પગથિયે બેસવામાં જ સલામતી હતી. હું રસ્તેથી પસાર થતાં હળલાકડાં, બળદગાડાં, પનિહારીઓ ને ભીલોને જોવામાં મશગૂલ હતો. દરમિયાન મારી અસાવધ પળોમાં કોઈએ મને પૂંઠેથી પકડયો. એ મોટાભાઈ હતા. પિતાના પાકા તરફદાર. હું પરિસ્થિતિ પામી ગયો. મેં તારસ્વરે રડવાનું આરંભ્યું, પણ કોઈ ફેર નહીં પડયો. જૂજ ક્ષણોમાં મને પિતાજીના પ્રભાવ-વર્તુળમાં હડસેલી દેવામાં આવ્યો હતો. ત્યાં તાજા-મીઠા રોટલાની સોડમ જેવી જ મીઠી લાગતી મા લોટવાળા હાથે બહાર આવી. પિતાને કહ્યું : ‘એને મારશે નહીં’. ક્યારનો કોચવાય છે. પિતાએ મારી ખિલાફ દલીલો કરી, મારાં પરાક્રમોની કથા સંભળાવી, હું ભણતો નથી એ જણાવી મારું ભવિષ્ય શું રહેશે એની ચિંતા વ્યક્ત કરી અને ત્યારે માએ માથે બેઠેલા હજાર હાથવાળા ધણીની યાદ આપી; વૈષ્ણવતાનો ખ્યાલ સંકોર્યો ને તેથી પિતાજી કંઈક મોળા પડયા. દરમિયાન નાની બહેન મારું ખમીસ બદલાવવા આવી ને એણે મારી પીઠ પરનું સોટીના સોળનું ચિતરામણ માને બતાવ્યું. મા રોઈ પડી. પિતાજીને કહ્યું: ‘તમે કોઈ પણ હિસાબે માસ્તરને મળો ને કહે કે જરાય મારે નહીં. એની ફરિયાદ હોય તે આપણને કહે.’ પિતાજી પણ મારી પીઠ જઈ વધુ કુંણા થયા. બીજે દિવસે પટાવાળા મારફત મહેતાજીને બોલાવ્યા. પિતાજીએ તેમને ઘટિત સૂચનાઓ આપી. આ પછી મહેતાજી દ્વારા સુંવાળી સલામતી જરૂર મળી પણ સ્નેહ ન મળ્યો. મારી એ ભૂખ તો બાલ્યકાળથી વધતી જ રહી-ને મેં જોયું છે કે જેટલો સ્નેહ મળે છે એનાથી વધારે તો અતૃપ્તિ જ મળે છે. સ્નેહથી અતૃપ્તિ વધે કે ઘટે? અતૃપ્તિ વધારે એ સ્નેહ સાચો કહેવાય? કદાચ સાચો સ્નેહ વિરલ છે, એ એક આદર્શ જ હોય. ન જાણે, મારી મતિ સ્નેહનો વિચાર કરતાં અટવાય જ છે. સ્નેહ વિચારનો નહીં પણ અનુભવનો વિષય છે માટે આમ થતું હશે? પ્રશ્નોની ટેવ છેક નાનપણુથી શરૂ થયેલી તે આજેય પૂરી થઈ નથી, તેમ સ્નેહની ઝંખનાયે છેક નાનપણથી શરૂ થયેલી તે આજેય ક્યાં પૂરી થઈ છે? કદાચ કપારેય પૂરી ન થાય એવું મારું કમઠાણ છે. પણ સ્નેહોપનિષદની કથા મારે કથવી નથી, મારે તો વિદ્યોપનિષદ કથવું છે; પણ મને અનુભવે સ્પષ્ટ થયું છે કે વિદ્યાય સ્નેહ વિના ચોંટતી નથી, કોળતી નથી. મને તો સ્નેહ જ જીવન માટે મહાન વિદ્યાધર લાગ્યો છે. એ વિદ્યાધર હોય તોયે મારે માટે તો અમારા એ બાળમંદિરમાં તે અદશ્ય જ રહ્યો હતો. એ બાળમંદિરમાં મારો ઝાઝો સમય નહીં ગયો. કક્કો-આંક આવડ્યા હશે ત્યાં જ એ બાળમંદિરને છોડવાનો પ્રસંગ આવ્યો.