ધૂળમાંની પગલીઓ/૫
કંઈક ગામ ને શહેર જોયાં, પણ કંજરી તે કંજરી, હાલોલથી લગભગ બે માઈલ દૂર આવેલું એ ગામડું, બેત્રણ હજારની વસ્તીવાળું. એને ગ્રામપંચાયત મળેલી, એના સરપંચ હતા એ અમારે મન નોંધપાત્ર વાત; પરંતુ સૌથી વધુ નોંધપાત્ર વાત તો કંજરીને દરબાગઢ હતો તે. ગઢ શેનો? ગઢી જ! પણ આજેય એનો મહિમા મારે મન ચિતોડના કિલ્લાથીયે વધારે છે. એનો દરવાજો, એના બુરજ, એના કાંગરા - આ બધાએ મનને કેટલું બધું ભર્યું હતું! કેટલું બધું મનને ઘેર્યું હતું! એ દરબારગઢના ઠાકોરસાહેબ અમારે મન કેટલી મહિમાપૂર્ણ હસ્તી હતી! (હમણાં જ જાણ્યું કે એ સ્વર્ગવાસી થયા!) ક્રિકેટના મેદાન પર એ ઊતરે ને અમે પ્રેક્ષક ભૂતિયા બંગલામાં બેસીને એમની બેટિંગ નિહાળીએ. એ બેટથી દડાને ઉછાળે ને અમારાં મન ઊછળે. એમનો ઉછાળેલો દડો કોઈ ફિલ્ડરથી ન ઝિલાય એ માટે મનથી કેટકેટલાં વાનાં કરતાં ભગવાનને! દિલ્હીના રાતા કિલ્લાને જોતાં મને ભારે રોમાંચ થયેલો ને છતાંય મારો કંજરીનો નાનકો દરબારી કિલ્લો જે મારી મનોભૂમિમાં અકબંધ ઝળહળે છે તેનો રોમાંચ તો અનેરો જ. આ કંજરી ને હાલોલની એક અનોખી સ્પર્ધા હતી. હાલોલના હાથી ને કંજરીના ખાંપા — એમ અમે કહેતા. કંજરીના ખાંપા હાથી-સોંસરવા ઊતરી જાય એ અમારી દલીલ! ભણવામાં, ખેલકૂદમાં અમારા કેટલાય ભડવીરો મેદાન મારી જતા; એમાંયે જે ઓછપ આવતી તે અમારા રોનકદાર દરબારથી પુરાતી. અમારે મન કંજરી અમારા ગામથી પાંચ-છ માઈલ દૂર અડીખમ ઊભેલા પાવાગઢ જેટલું જ ગૌરવસભર હતું. મારા ઘરના ઝરૂખામાં ઊભો રહી દૂરના પાવાગઢ પરના અગ્નિને જે રીતે જોતો એ રીતે ભૂતકાળની શ્યામ તળેટીમાં રહીને ઝળહળતા દીપક જેવા મારા ગામને હું અવલોકું છું. આજે તો પેલા બીરબલની જેમ કેઈ ઠંડાગાર-ઉષ્માવિહીન જલાશયમાં હું ગળાબૂડ છું અને છતાં દૂરના દીવા-શા એ કંજરીને કલ્પનાચક્ષુથી નીરખતાં કંઈક તાપવા જેવું કરું છું! મને તેથી જાણે આ જલાશયમાં ટકી રહેવાનાં ધૃતિ-બળ લાધે છે. જ્યારે મારા પિતાજીએ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ કંજરી-દરબારની નોકરી સ્વીકારી ત્યારે અમે સૌ દરબારી ગાડામાં વહેલી સવારે નીકળી કંજરી પહોંચેલાં એવું ઝાંખું સ્મરણ છે. જૂની ડમણીને ખખડ કરાવે એવો ખરબચડો ને રાનભૂમિનાં લેલાં જેવો ધૂળિયો રસ્તો. બે બાજુ લીલીસૂકી ખેતરાઉ વાડો. ગોરસ આંબલી, બાવળ, કમઠાળાં વગેરેની વાડ સરસી લંબાતી જતી કાંટાળી મીઠી ઝાડી. ને દરબારી ધીંગા બળદની ખમીરવંતી ગતિ. ઘૂઘરા વાગે ને મનમાં કોઈક મીઠો અમલ ઘૂંટાતો રહે. કયારે નીંદરનું વાદળું આવીને ગાડામાં બેઠેલો હું - મારી માટીમાં મીઠી ઝરમર કરી ગયું તેની ખબરેય ન રહી ને આંખ ઊઘડી ત્યારે તો કંજરીના પાદરમાંનો વહેળો – જેને અમે ‘લેંડો’ કહેતા તે આવ્યો. બળદ જરા સરક્યા, પૈડાં સહેજ ગબડ્યાં, ચઢી ગયાં સામો ઢોળાવ. તળાવ-કાંઠેથી કપડાં ધોઈ કે પાણી ભરીને આવતી સ્ત્રીઓ ઘૂમટા તાણી ઊભી રહી જઈને અમને જોતી હતી. ‘અલી આ તીકમકાકાનાં ઘરવાળાં, હાલોલથી આયાં’ કહેતી બીજીને કોણી વગાડીને વાવડ દેતી ગાડાવાટે પાછળ પાછળ ચાલતી. પાદરથી ઘર સુધી અમારી આ સવારી – અનધિકૃત શોભાયાત્રા પહોંચી હશે એટલામાં તો ગામની અડધી વસ્તીને અમારા મંગળ આગમનની જાણ અવશ્ય થઈ ગઈ હશે. બિનતારી સંદેશા માટેની ધરખમ ક્ષમતા ને કુશળતા મારા એ ગામમાં હતી. મારા કાકા (પિતાજી) ગામ આવતાં જ ગાડામાંથી ઊતરી ગાડાની જોડાજોડ પગે ચાલતા હતા. બેઠી દડીનું ઘઉંવર્ણું શરીર. પગના સ્નાયુ ખૂબ મજબૂત, ગોળ ચહેરો, કપાળમાં લાલચોળ ચીપિયા જેવું તિલક ને માથે કંઈક જૂની કાળી ટોપી. અવાજ માપસરને વજનદાર. ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા જાય ને સ્ફૂર્તિથી ચાલતા જાય. કંજરી ગામમાં દરબારની નોકરી લેવા સાથે જ ગામના વૈષ્ણવ મંદિરમાં ઠાકોરજીને લાડ લડાવવાની જવાબદારીયે બહુ ભક્તિભાવપૂર્વક સ્વીકારી લીધેલી. ટાઢ હોય કે તડકો, વરસાદ હોય કે વાવાઝોડું; મંદિરે તો જવાનું, જવાનું ને જવાનું જ. મંદિરમાં સમા સમાનાં કીર્તન ગાય. એ કીર્તનો બિલાવલ, સારંગ, ભૈરવ, ખમાજ વગેરે જે જે રાગો હવેલી-સંગીતમાં પ્રચલિત હતા તે અનુસાર પોતે ગાય છે એવો એમને દૃઢ વિશ્વાસ. આ કીર્તનનો રસ અને એની તાલીમ હાલોલથી વિકસેલાં. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થવાના ગાળા દરમિયાન હવેલીકીર્તનની તાલીમ તેમણે લેવા માંડેલી. હાલોલ અને કંજરી વચ્ચે પરબડી નામે એક જગા આવે છે. ત્યાં મારા પિતાજી અને એમના એક મિત્ર (ગુજરાતીના અધ્યાપક અને નાટ્યકાર શ્રી રમેશ શાહના પિતાશ્રી) મળતા, કીર્તાનો પરસ્પરને સંભળાવી, હવેલીની રાગદારીનો રિયાજ કરતા. અમનેય પિતાજી ખૂબ મૂડમાં હોય ત્યારે એમની ગાયકીના બેચાર ઇલમ બતાવતા હોય એ રીતે એમનાં પ્રિય કીર્તનોની તરજો શબ્દો સાથે ગાઈ બતાવતા. એમને ઠીક ઠીક કીર્તનો મોઢે. અવારનવાર એ સંભળાવી એ રીતે અમનેય ગાવાનું સૂચવતા. ‘રાધેશ્યામ કહો...’ વાળી ધૂન તો એમને ખૂબ જ પ્રિય. અવારનવાર ઘરનાં સૌને ગવડાવે. ઘરમાં અમે બધાં તો હતાં જ, પણ અમારા સૌ વચ્ચે અત્યંત મહત્વની હસ્તી તો ઠાકોરજીની હતી. એમને રોજબરોજ, ઋતુ પ્રમાણે કયા સાજશણગાર ધરવા એની પૂરી કાળજી પિતાશ્રી રાખે. ઠાકોરજીને શિયાળામાં સગડીનો તાપ પણ આપવામાં આવતો ને ત્યારે અમે બાળકો સગડી સળગતી રાખવાના પુણ્યાશયે એની સોડમાં બેસી તાપનું પુણ્ય અંકે કરી લેવાની પક્કાઈ આચરી લેતા. આ ઠાકોરજીને ક્યારે કઈ વાનગી ધરાવાય એનીચે બારીક વિગત પિતાજીએ નોંધી રાખેલી. તે અનુસાર તેઓ ઘરનાંને સેવા બાબત ઘટિત સૂચનો કરતા. મંદિરના મુખિયાજીનેય તેઓ ઠાકોરજીના વાઘા કે સામગ્રી વગેરે બાબત ઉપયોગી માર્ગદર્શન આપતા રહેતા. મારા પિતાજી કંજરી આવ્યા તે સાથે જ ત્યાંના વૈષ્ણવ મંદિરમાં ખરેખરી રોનક-સ્ફૂર્તિ આવી એમ કહું તો અતિશયોક્તિ નથી. મંદિરમાં જાતભાતના ઉત્સવો થાય એ માટે તેઓ ભારે પરિશ્રમ કરતા. અવારનવાર ઓફિસ-ટાઈમમાંયે દરબારની શુભેચ્છાથી દરબારનાયે દરબાર એવા ઠાકોરજીની સેવા માટે હવેલીએ તેઓ દોડી આવતા. કમળની સિઝન હોય ત્યારે થોકબંધ કમળો ગામના વિશાળ તળાવમાંથી તોડી લાવીએ. એનાથી ઠાકોરજીની સજાવટ કરાય. રથાયાત્રા આવે ને મંદિરમાં ઠાકોરજીનો રથ શણગારાય; હિંડોળા ભરવામાં તો અમારા સૌના કલાકોના કલાકો જતા. સવારની નિશાળ હોય ત્યારે બપોરનો સમય મંદિરની આવી લલિત સેવામાં જ પસાર થતો. કેટલીકવાર મંદિરનો ચોક સેંકડો ઘડા પાણીથી ભરી એમાં હોડી નહીં હોવાના કારણે એક ત્રાંબાના થાળમાં ઠાકોરજીને બેસાડીને તરાવવામાં આવતા. પિતાજી ત્યારે ઠાકોરજીની જળક્રીડાનાં કીર્તનો નાકે જૂનાં ગોળ ચશ્માં ચડાવીને ગાતા હેાય ને ક્યાંક મુખિયાજીની ગફલતથી જરાતરા થાળું ડગી જતું નાકે ઊતરી પડેલાં ચશ્માંના ઉપરના ભાગથી તેમને દેખાતું તો ગાતાં ગાતાં વચ્ચે જ મોટેથી બોલી ઊઠતા : ‘આમ શું ડાફેરાં મારો છો? હમણાં ઠાકોરજી ઊથલી પડત તો મોટો અનર્થ થાત.’ ને મુખિયાજીયે પિતાજીની કઠોર વાણીથી ટેવાયેલા એટલે મનમાં ખોટું લગાડયા વિના જ સાવધાન થઈ ઠાકોરજીને વધુ કાળજીથી તરાવવામાં લાગી જતા. જે જગત આખાનો તારણહાર એનેય તરાવવાનો રસ અમે વૈષ્ણવો તો માણીએ. અમારા પુષ્ટિસંપ્રદાયની એ તો બલિહારી છે! પિતાજીએ ઘણી ઘણી નવી વસ્તુઓ મંદિરમાં દાખલ કરી. સુંદર સાંઝી પુરાય એ માટે પણ તેઓ સારો એવો સમય મંદિરને આપતા. હિંડોળા, પારણું, બંગલા, નાવ વગેરેનાં દર્શન મંદિરમાં વ્યવસ્થિત રીતે યોજાય –થાય એમાંયે એ ઊંડો રસ લેતા. કોઈ કોઈ વાર વરસમાં એકબે વાર ઠાકોરજીની શોભાયાત્રા કાઢી કોઈ ખેતરવાડીએ લઈ જવાને રોમાંચક કાર્યક્રમ ૫ણ તેમણે મંદિરવાળાઓ પાસે અમલમાં મુકાવ્યો. તેઓ આમ તો માત્ર મંદિર જનાર-આવનાર ભાવિક ભક્ત જ હતા; મંદિરની માલમિલકત આદિના વહીવટદાર તો બીજા જ હતા, પરંતુ તેઓ વખત આવ્યું, જરૂર પડ્યે એ વહીવટકારોનેય ટપારતા અને તેથી તેઓ પણ મંદિર બાબત કશુંયે હોય તો પિતાજીની સલાહ-સૂચના અવશ્ય લેતા. પિતાજીને રસજીવનનું મુખ્ય કેન્દ્ર જ હવેલી હતું. ક્યારેક તેઓ પોતે એકલા-ખાસ કરીને જન્માષ્ટમી પછીના પારણાના દિવસે – ‘નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ એમ બધાં પાસે બોલાવતા. નાચતાયે ખરા. મારા સાથી મિત્રો ત્યારે મજાકના ભાવથી કહેતાયે ખરા : ’ જો કાકો ખીલ્યો છે!’ ને ત્યારે મને ભારે શરમ-સંકોચ પણ લાગતાં, પરંતુ હું સ્વભાવનો સુંવાળો, તેથી મને આવા કોઈ સબબે કજિયા કરવાનું જરાયે ગમતું નહીં. પિતાજીનો ગામના વૈષ્ણવો પર સારો પ્રભાવ હતો. તેમાંય સ્ત્રીવર્ગને તો એમના પ્રત્યે નિર્મલ ભક્તિભાવેય ખરો. રાત પડે ને મારે ત્યાં સત્સંગ જામે. પિતાજી ચોરાશી વૈષ્ણવોની વાર્તા કે બીજુંત્રીજું વાંચે. આજુબાજુના વૈષ્ણવો આવ્યા હોય તે સાંભળે; વચ્ચે વચ્ચે પિતાજી પોતાના તરફથી ભાષ્ય પણ ઉમેરે. દરમિયાન અનેકના હાથમાં ગૌમુખીઓમાં માળાઓ ફરતી હોય. આખું વાતાવરણ ભક્તિમય લાગે. ઘાસલેટનું ટમટમિયું બળતું હોય ને એના ઝાંખા અજવાળામાં પંદરવીસ માણસોભરેલી એક નાવ ભક્તિનાં મોજમાં તરતી-ડોલતી હોય એ મારે માટે તો અવિસ્મરણીય ચિત્ર છે. ઠાકોરજી માટે જે કંઈ કરવું ઘટે તે તન, મન, ધનથી કરી છૂટવાનો પિતાજીનો ભાવ ઘણો ઉત્કટ. માતાનો વણમાગ્યો પૂરો સહકાર પણ એમાં ખરો જ. રોજના અમારા ભોજનમાં કરકસરનો પ્રભાવ દેખાય; પણ ઠાકોરજીને ધરાવાતી પ્રસાદ-સામગ્રીમાં નહીં. ઠાકોરજીના નિમિત્તે – વૈષ્ણવતાના નિમિત્તે જે કંઈ ફંડફાળા કરવાના થાય એમાં અમારું ઘર સાધારણ સ્થિતિનું છતાં એની રકમ લગભગ ટોચની–માતબર હેાય. કોઈ પરિવ્રાજક વૈષ્ણવ ગામમાં પધારે તો તેનું ઉચિત -ગજા પ્રમાણેનું સ્વાગત-સન્માન અમારે ઘરે તો થાય જ. વૈષ્ણવ સંપ્રદાયના કોઈપણ આચાર્ય ગામમાં આવે તો અમારે ઘેર ધામધૂમથી એમની પધરામણી થાય. અમારો ઉત્સાહેય ત્યારે ઘરની સાજ-સજાવટમાં ઢળાઈ-છલકાઈ જતો. બારણે તોરણ લાગી જાય. ઘરમાંની સાડીઓ કાઢી તેની પિછવાઈઓ વગેરે બંધાઈ જાય. મહારાજનેય કદાચ એ સજાવટ જોતાં ક્ષોભ થાય; ને તેમાંય મારા બા, મારી બહેન વગેરે જે ઊલટથી ગાણું ગાય તેથી તો એમનો ક્ષોભ કદાચ વધુ બળવાન થાય એનીયે પૂરી વકી ત્યારેય મને લાગતી. આમ છતાં બધું રંગેચંગે પાર ઊતરતું, પિતાજીની ‘ભગતકાકા’ની મુદ્રાની ચમક એકધારી સતત વધતી જતી હતી. મારા પિતાજી કોઈ દૈવી જીવ છે એવી પ્રતીતિ મારા બા-મોટાંબહેન વગેરેની તે પાકી થઈ હતી. મારામાં કંઈક એવી ‘નાસ્તિકતા’ છે કે કોઈપણ વ્યક્તિને કેવળ ભક્તિભાવે જોવાનું શ્રદ્ધાબળ આજદિન સુધી હું મેળવી-કેળવી શક્યો નથી. કંજરીમાં આવવા સાથે પહેલું કામ તો મેં મારી નિશાળ જોવાનું કર્યું. નિશાળના મકાન આગળ સારું બાંધેલું કમ્પાઉન્ડ હતું તે મને ખૂબ ગમેલું, પણ એને પાછલી બાજુ એક આંબલી હતી અને એ આંબલી પર ભૂત રહેતું હોવાની પ્રબળ વાયકા હતી. અમે નાનાં છોકરાં એકલદોકલ તો નિશાળની પાછળ જતાં જ નહીં. અવાર-નવાર જો કોઈ નિશાળની પાછળ એકીપાણી માટે જતું તો અમે ‘ભૂત’ ‘ભૂત’ કહી તેનો સમાધિભંગ કરવાનો આસુરી આનંદ લૂંટતા. આ નિશાળના મુખ્ય સાહેબ અમે જ્યાં રહેતાં ત્યાંથી ઠીક ઠીક નજીકમાં રહેતા હતા અને મારા માટે સૌથી પ્રતિકૂળ-આપત્તિકારક બાબત તો આ જ હતી. એ મહેતાજીની આવતાં-જતાં અમારી ખોળ-ખબર કાઢવાની ટેવ. શરૂઆતમાં તો એ ટેવ ખાસ અડચણરૂપ ન લાગી; પરંતુ પાછળથી તો તે અસહ્ય જ થઈ પડી. ગમે ત્યારે મહેતાજીના ઘેરથી તેડું આવે ને મારે ત્યાં જવું પડતું, એમના ફેરા-આંટાયે ખાવા પડતા અને એ અંગે જો હું ફરિયાદ કરતો તો ઊલટાં ઘરનાં સૌ મને ઠપકો દેતાં : ‘ગુરુ તો જે કહે તે કરવું જોઈએ.’ મને યાદ છે કે એકવાર એકાદ ગુરુની ખીજ પડી તેનો ચર્વણારસ હું એકાગ્રચિત્તે માણતો હતો ત્યારે પિતાજીની મજબૂત થપ્પડ મેં ખાધેલી. ગંદી ગાળો બોલવાની ફાવટ મને આવવા માંડેલી ને તેય પિતાજીની આવી જ એક થપ્પડે અટકી ગયેલી. મારી વાણીમાં ઓજસનું બળ ઓછું છે એના મૂળમાં કોઈ આ ઘટના હોવાનું નિદાન કરે તો હું એને વિનાવિચાર્ય મારો સહર્ષ ટેકો એકદમ જાહેર કરી દઉં! કંજરી જતાંવેંત જ એકવાર ધૂમ્રપાનના દીક્ષાવિધિમાં હું સંડોવાયેલે. અમારી પ્રાથમિક શાળાના એક શિક્ષકને બીડીની ભારે ટેવ... થોડી થોડી વારે એકીપાણીના મિષે એ ઊઠીને નિશાળની પછવાડે જાય અને બીડીના બેચાર દમ કાઢી તાજા-તરબતર થઈ પાછા આવી જાય. એ કડક પણ ખરા ને તેથી અમને ખૂબ અણગમતા. અમે એમનો બીડીરસ અવલોકવાના સાહસિક ઉપક્રમોયે યોજતા. નિશાળના મકાન પછવાડે એમનાં ફેંકેલાં ઠૂંઠાં વીણી લઈ કોઈના વાડાનો દેવતા લાવી તેના શુભયોગે મારા દોસ્તદારે ધૂમ્રપાનની મફતની મોજ પણ અલપઝલપ રીતે માણી લેતા. એકવાર એક પાટીદારના દીકરાએ મને ધૂમ્રપાન માટે ઉશ્કેર્યો. મેં સાહેબની પ્રસાદીરૂપ ઠૂંઠાને હોઠ વચ્ચે દાબ્યું, પણ પાછો શ્વાસ ખેંચીને પીતાં ન ફાવ્યું. દરમિયાન અમારા એ સાહેબની ત્યાં આગળ પધરામણી થઈ. એમની તીક્ષ્ણ નજર અમારી તરફ પડી ને અમે ઠૂંઠાં પડતાં મેલી, વર્ગમાં દોડી. ગયા. પરંતુ મેં હોઠ વચ્ચે ઠૂંઠું દબાવેલું એ ગોજારું દૃશ્ય અમારા સાહેબની ઝીણી નજરે ચઢી ગયેલું તેથી વર્ગ વચ્ચે મને કહે : ‘ભગતનો છોકરે થઈ આવું કરે છે? મારે કહેવું પડશે તારા બાપાજીને.’ હું હા કે ના કશુંયે કહી શકું એવી સ્વસ્થ હાલતમાં હતો જ નહીં. ઘેર ફફડતા હૃદય ને લથડતા પગલે ગયો. દફતર ઘરમાં નાખી, એક ચોપડી લઈ ઘરની ઓસરીમાં મોટેથી વાંચતો બેઠો. મારો આશય પિતાનું મન પ્રસન્ન કરવાનોયે હશે જ. પિતાજી ઓસરીમાં આંટા મારતાં, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા હતા. એમણે એકાદવાર એમ પણ કહ્યું કે ધીમેથી પાઠ વાંચ, પણ મારે તો મારા ભણેશ્રીપણાથી એમના હૃદયને જીતવું હતું. મેં મારા નિષ્ઠાભર્યા ભણતરની બુલંદી જારી રાખી ને ત્યાં જ મારા ફફડાટ વચ્ચે પેલા માસ્તર અમારા ઘર આગળથી પસાર થતા હતા. તેઓ થંભ્યા, માથાની સફેદ ટોપી સરખી કરી ને મારા પિતાજીને કરપીણ અવાજમાં કહે, “તીકમભાઈ, આને જરા ટકોરજો. આજે બીડીનાં ઠૂંઠાં ચૂસતો તો. મને થયું : ભગતને દીકરો આવા છંદે ચડે એ ઠીક નહીં.” પછી તો બેત્રણ બીજીયે વાતો એમણે પિતાજી સાથે કરી. હું તો કોઈ સળગતી સુરંગ વચ્ચે ફસાયેલે બેઠો હોઉં એવી સ્થિતિ હતી. હવે મારે માટે એકદમ ઊઠવું-ભાગવુંયે મુશ્કેલ હતું. હું પિતાજીની થપ્પડ ક્યાંથી, મારા યા અંગવિશેષ પર ઊતરી આવે છે તેની અટકળ કરતો બેઠો રહ્યો, માસ્તર ગયા ને પિતાજીએ મને બાવડેથી પકડી ઉઠાડી, ગાલ પર થપ્પટ રમરમાવી. હું મારા મૂળમાંથી જાણે હચમચી ગયો: ‘વૈષ્ણવનો દીકરો થઈ શરમાતો નથી ફૂંકણજીવેડા કરતાં! ખબરદાર, હવે પેલા અલેલટપ્પુઓ જોડે બેઠો તો! ને બીજા દિવસથી પ્રાથમિક શાળામાં મારે પેલા સાહેબની સીધી નિગાહબાની હેઠળ આગળ બેસવાનું થયું. થોડાક સમયમાં મારા પૂરતું રિસેસબંધીયે અમલમાં રહી. પછી હું યે ધીરે ધીરે પિતાજીની ૧૪૪મી કલમ વચ્ચેય કેમ નિજી સ્વતંત્રતા જાળવી રાખવી એના ઘરગથ્થુ ઉપાયોમાં પાવરધો થતો ગયો. પછી તો પિતાજીની કડકાઈમાંથીયે મને સ્વાદ આવતો થયો! અને એ દરમિયાન મારી જીવનરસિકતા ધણી વધેલી એમ પણ આજે મને પશ્ચાદ્દદર્શન કરતા લાગે છે.