ધ્વનિ/અલી ઓ ફૂલની કલિ!


૧૮. અલી ઓ ફૂલની કલિ!

અલી ઓ ફૂલની કલિ!
તારી પાંદડીનાં શત બંધન માંહીં
જો ગંધ કશી અકળાય!
એને સંગોપને રાખવા કાં તું ચ્હાય?
જોને, અહીંથી ઢાંકે તો ય તું પણેથી
વાયરે ભળી જાય...

ઉરનાં ઊંડાં પાતાળ ભેદી
ફૂટતી જે સરવાણી,
મૂક ભલે ને હોય, રહે નહિ
તોય ક્યહીં પણ છાની,
એના દેહની પાળે જળની ઝાઝી
છોળ જોને છલકાય...

મેલ રે ઘેલી મેલ અમૂંઝણ
નિજનો તે શો નેડો?
ઊડવા દેને જેમ ઊડે તેમ
પાતળો પાલવ-છેડો.
તારું હૈયું ચડ્યું આજ તુફાને
હાથ રહ્યું નવ જાય...
તારી લજ્જાભરી નમણી નમે કાય
દુનિયા તને જોઈને મીઠું મન મહીં મલકાય...
૧૦-૮-૪૭