ધ્વનિ/બોલ રે ફરી બોલ


૧૯. બોલ રે ફરી બોલ

બોલ રે ફરી બોલ.
અરધે બોલે અરવ શાને?
ગુંજતું ગળું ખોલ..
 
મધુર તારાં ગીતનો સુણી
ક્ષણ પહેલાં રણકાર,
મુગ્ધ મારું નિખિલ જગત,
ઝૂરતો રે સૂનકાર :
પૂર્ણિમા હે! વીજની સાથે
હોય ન તારો તોલ.

ધરણી કેરી કુંજમાં તારાં
સુરપુરીનાં ગાન,
અહીંની વેળુ મંદાકિની
જલનાં કરે પાન.
ઉરવસીને વદન તોયે
ઢળતો શીદ નિચોલ?

માધવી ઋતુ, માનસી જલે
મરાલની જો ક્રીડા,
કમલ ખીલ્યાં પૂર્ણ દલે,
અવ શી એને વ્રીડા?
પાતળો તો યે ઘૂમટો, મારે
ન્યાળવાં લોચન લોલ.
૯-૧૨-૪૭