ધ્વનિ/એ શું હતી મુજ ભૂલ?
Jump to navigation
Jump to search
૧૧. એ શું હતી મુજ ભૂલ?
એ શું હતી મુજ ભૂલ?
તારા તે નામનું પ્રાણની વેણુમાં
ગાન ભર્યું અણમૂલ,
બોલ સખી બોલ, એ શું હતી મુજ ભૂલ?
વિજન વાટની કોકિલ વાણી,
તું જ પ્રભાતનાં ઓસનાં પાણી
ઝીલી પ્રતિદિન આવતી જાણી,
વેણી મહીં તવ શેવતીનાં ગૂંથ્યાં
સોનલ વરણાં ફૂલ... એ શું.
ચાર આંખે એક તેજની ધારા,
તોડી દિશા તોડી કાળની કારા
ભાવની ભૂમિએ કીધ મિનારા,
તું હતી પ્રેમની વાણી મનોહર
ને સૂર હું અનુકૂલ... એ શું.
આજ બની અણજાણ નવીના,
અવચ શી તુજ ઉરમાં બીના?
હોઠ ખૂલે નહીં શે રસભીના?
વાયરાની બની ડમરી આજ શું
આંખમાં આંજીશ ધૂળ?
બોલ સખી બોલ!
૨૧-૪-૪૬