ધ્વનિ/ના બોલાય રે!

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૨. ના બોલાય રે!


ના બોલાય રે!
એક અમી ભરપૂર ઉરે તવ
સોમલ કેમ ધોળાય રે?

તારે હાથે પ્રિય મેંજ ધર્યો હતો
મેંદીએ રંગીન હાથ,
અંગથી અંગ અડાડી ભર્યાં નીલ-
-કુંજમહીં ડગ સાથ,
રંગ સુગંધની સોડ તણી અવ
વાત એ કેમ ખોલાય રે?

સ્હેજ અડે મૃદુ આંગળી ત્યાં રણકે મધુરો ઝણકાર,
એ જ વીણા તણી તાંત તૂટી બનિયો મૂક રે અવતાર.

વાણીમહીં નહીં, આંસુમહીં નહીં
ઠાલવું અંતર આગ,
આગની સંગ ઉમંગભર્યો લહું
જીવનનો અનુરાગ,
પ્રેમ, પિયા! તવ પૂજન ફૂલ શો
આંચમાં કેમ રોળાય રે?
૨-૭-૪૬