ધ્વનિ/કંઠ જાણે કારાગાર
કેમે કરી પ્રિય! કેમે નહિ ખુલ્યાં આ હોઠનાં દ્વાર,
હૈયાની વાણીનું વિરહને તીર કંઠ જાણે કારાગાર.
કેમ કરી પ્રિય! માંડવી માહરે શૈશવકાળની વાત?
કેવા હતા મારે આતમને દેશ ઝંખનાના ઝંઝવાત!
સૂની તે સીમનું એકલ પંખી આ ખોજતું’તું નિશદિન,
તારામાં કોઈની આંખ ને સંધ્યામાં કેઈનાં ચરણચિહ્ન.
આંખ લહી બની અંધ ને અંગનું જોમ થયું સહુ ખાખ,
નો’તી ફળી તો ય આરત પ્રાણની આટલી શી અભિલાખ.
એ ય વહ્યા દિન, એકલતા ચિરસંગિની થૈ રહી પંથે,
મોદ વ્યથા તણાં ગીતની લ્હેરખી સાથ ભમ્યાં ભૂમિખંડે.
કેમ! કરી પ્રિય! માંડવી માહરે આપણી મિલન-વાત?
એક દિ આવી તું ઝંખનાએ જાણે રૂપ ધર્યું સાક્ષાત.
આભને આંગણ ઉષાએ રેલ્યો જ્યાં લાલ સોહાગનો રંગ,
આસોપાલવની મંજરીઓ ઝીણી ઝરી રહી જ્યાં અખંડ,
કુંજના કીર જ્યાં નાદમહીં ગાતા માધવીઋતનાં ગાન,
હૈયાને હૈયું મળ્યું ત્યહીં, બેઉને આદિની શું ન પિછાણ!
ધરતી ઉપર પલ્લવકેરી શી ચાદર નીલ રૂપાળી,
સીમની સારસ બેલડીએ ત્યહીં પાંખમાં પાંખ શી ઢાળી!
કેમ કરી પ્રિય! કેમ શકું કહી ભાવિની ભાવના-વાત?
નંદને ઉન્નતશૃંગપે માહરે બાંધવી’તી મહેલાત.
પંથનાં દ્યોતક તેજ હતાં મુજ નેણમાં, પાયમાં જોમ,
એક શ્વાસે હતું આપણે પામશું નિગૂઢ નિઃસીમ વ્યોમ.
તારાં યે નેણમાં ન્યાળ્યું હતું ઇંહ બંધુર આખરી ચિત્ર,
આડી તે વાટનાં ગીત સુગંધ ન જાણ્યું થશે તવ મિત્ર.
અંતિમ વેળ તે વ્રેહવ્યથાતણો ઉરમાં આવ્યો જુવાળ,
કેમ કરી પ્રિય! ક્ષણની પ્યાલીમાં ભરી શકાય ત્રિકાળ?
કેમે કરી પ્રિય! કેમે નહિ ખૂલ્યાં બંધ આ હોઠનાં દ્વાર,
હૈયાની વાણીનું વિરહને તીર કંઠ જાણે કારાગાર.
૨૫-૮-૪૧