ધ્વનિ/આજ આષાઢની માઝમ રાત
આજ આષાઢની માઝમ રાત ને મેઘ છાયો અંધકાર,
ઊંડી ભરી જાણે અંતર વેદના નેવલાં રુવે ચોધાર.
ઘરની પાછળ કાંળેલ લીંબડી જાણે થઈ રહી ઠાલી,
આસોપાલવનાં નીલિમ પર્ણની પાંપણ તે ય ન ખાલી.
રોજ કાને પેલી ઝિલ્લીનું સુંદર આવતું મુખર ગાણું,
તે ય આજે એના કંઠની ભીતર જાણે ડૂમે અટવાણું.
આજ આ માઝમ રાતની પાંસળી વીંધતો કરુણુ રવ,
વ્યાપી રહ્યો કોટિ બુંદ થકી ઝરી ટબ ટબ ટબ્ ટબ.
ટ...બ્ ટ...બ્ ટ...બ્ રોય,
પાંપણ ઢાળીને કાન ધરું ત્યારે સોણલે આવતું કોય.
લોચનની મુજ પાંખડી ખોલું ત્યાં ઓહો બધે અજવાળું!
જાળીથી આવતી ચાંદનીથી મુજ અંગ રસાય રૂપાળું.
વિરહનું ઘન વાદળ વીંધીને ઈન્દુએ માંડી છે કીકી,
નેવલાંના પેલાં બુંદ મહીં કશી જ્યોત ઝગી રહી મીઠી!
પાંદડે પાંદડે નીલમની ફૂટી કિરણ ઝાંય મધુરી;
ભૂમિતણાં જલ-ખામણાંની નવ આશ જણાય અધુરી.
સેજ છોડી સ્હેજ બ્હાર જવા નવ હોંશથી મંન વિચારું,
કોણ જાણે કેમ આજ અરે પણ હૈયું ન માનતું મારું.
એક ઘડી લહું ચંદની, અવર વેળ લહું ભૂતકાળ;
આંખ પરોવાતી શૂન્યમાં, આવે ત્યાં કોણ ઓરે વારવાર?
ટ...બ્ ટ...બ્ ટ...બ્ ટ...બ્
આપણ બેઉના કપોલ ભીંજતા વિરમિયા નહિ લવ.
જીવનનો જવ ફાગ ખીલ્યો તવ કિંશુક કંકણ ધારી,
મેંદીના રંગનું ધરતીની ધૂળ ઉપર તેજ પસારી
પાતળી ચુંદડીમાં નમણું મુખ ઢાંકી તું આવતી પાસે,
નાજુક ફૂલને ધારી રહું તેમ, હાથ મૂકું તુજ વાંસે,
દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખ-સોહામણ ક્ષોભ!
તો ય હતો તુજ બોલને ઝીલવા કેટલો અંતર લોભ!
તું નહિ, હું નહિ બોલતાં, મૌનમાં કાળ રહે અટવાઈ ;
ત્યારે મળે ચાર નેણ ને હોઠપે કંપી રહે અધીરાઈ.
અધર ઉપર ઉર થયાં એક, જીવન એક થયેલ,
જીવિતના સહુ સુખના એ મધુ વેળમાં ઘૂંટ ભરેલ.
ત્યાં તો અરે પ્રિય! તારા તે નામની દૂરની સાંભળી વાણી,
ગંધ મૂકી જ્યમ ફૂલ ખરે ત્યમ તું સરકી ગઈ છાની.
મિલનની શુભ રાતને લાધિયું ચિર વિદાયનું વ્હાણું,
મીઠી તે નિંદરનું મુળ સોણલું ખીલ્યું ન ત્યાં કરમાણું.
નેપુરનો તવ નાદ શમ્યો, દૃગપાર થઈ તવ પાની,
ભાંગેલ ઉરની કાચલીમાં ભરી નિધિ-છલોછલ પાણી.
ટ... બ્ ટ... બ્ ટ... બ્ ટ.... બ્
ટ.... બ્ ટ...બ્ ટ...બ્ ટ...બ્
નિધનનું ઘન વાદળ વીંધીને એક દિ હું ય આવીશ પ્રિયે! તુજ દ્વાર,
મિલનની મધુ ચંદનીમાં સૂરગંગાને તીર
ટબુકવાને ફરી આંખડીઓ ચાર ચાર.
૧૧-૭-૩૭