ધ્વનિ/ગોપવનિતાને
ગોપવનિતાને
આ એ કદંબ નવલાં કુસુમે પ્રફુલ્લ,
ને વંજુકુંજ વ્રજની મધુભૂમિની આ.
ભૂરાં જલે ધુનિ ભર્યાં યમુના પ્રપૂર્ણ
ને વાયુની લહરિમાં સ્વર બંસરીના.
આકંઠ જે ભરવું’તું તવ ચારુ પાત્ર,
એ તો સરી વહી ગયું જલનાં વહેણે.
રે અર્ધ નિમ્ન નયને તવ શૂન્ય ગાત્ર.
હૈયું ય તે રહી શક્યું નહિ હાથ જેને.
સોહાગ શા ધરણીના? સજી તેંય એવા,
એ ઈંગતે ઝરી નિમંત્રણની મનીષા:
એકાકિની, વિસરી સર્વ, સમર્પણે શા
તું ઊભી છો કરી રહી પ્રિયની પ્રતીક્ષા?
પેલે તીરે તવ પ્રિય બિરાજે ને આંહિ છે મોરલી સૂર,
આંહિ રહ્યો તવ દેહનો સાજ ને પેલે વહ્યું તવ ઉર.
૨૫-૧-૪૪