ધ્વનિ/હે મુગ્ધ! લજ્જામયિ!

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હે મુગ્ધ! લજ્જામયિ!

હે મુગ્ધ! લજજામયિ! ભીરુ હે સખિ!
હજી ન તારે નયને પ્રવેશ
કીધો ત્યહીં પાંપણ દ્વાર સત્વર
શેં બંધ કીધાં? ઉર માહરું અરે
રહી ગયું ભીતર, ને બહાર હું
છું ક્ષુબ્ધ, છું કેવલ શૂન્યશેષ.

ક્ષણેક એ દ્વાર ફરી ઉઘાડશે?
રહી ગયું અંદર તે લઈ લઉં.
કદાચ હું ત્યાં સ્થિર થૈ વસી જઉં
એની ન શંકા મનમાંહિ ધારશે.

કદાચ વાતાયન કોઈ ભૂલથી
જો હોય ખુલ્લું……મુખની પરિક્રમા
કરી લહું…ત્યાંહિ કપોલની કને
અહો રહ્યા ઓષ્ઠ સુમંદ ઊઘડી!

હે મુગ્ધ! લજજામયિ! ભીરુ હે સખિ!
અબોલ શું ઈજન ત્યાં મને દીધું!
ને ત્યાં પરિરંભનમાંહિ, નેત્રથી
નિમેષમાં જે હરી લીધ તેહને —
રે તાહરા સૌરભસિક્ત પ્રાણના
માધુર્યથી પૂર્ણ કરી— ધરી દીધું!
૩-૯-૪૮