ધ્વનિ/જૂઈની મ્હોરી વેલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૪. જૂઈની મ્હોરી વેલ


જુઈની મ્હોરી વેલ,
હો મારે મંદિરે
જુઇની મ્હોરી વેલ.

નીલમ એની પાંદડી, એનાં
નમણાં ધવલ ફૂલ,
શિવ જટામાં જાહ્નવી જેવાં
સોહ્ય છે રે અણમૂલ;
જોઈને એને રીઝતાં ભૂલું
બકુલ, ભૂલું કેળ.

પાતાળ કેરાં જલથી વિમલ
રસિયાં સકલ અંગ,
વ્યોમનાં ઝીલી તેજ હો તરલ
મલકી રહ્યા રંગ,
વેણ નહિ, નહિ ટહુકો તોયે
ગીતની રેલંછેલ.

સુરભિની તે ચાલનું મધુર
મેં સુણ્યું શીંજન
પ્રાણને મારગ ઉરને મીઠું
કરતી આલિંગન :
રાન વેરાને, વરષા જેવી
જલભરી ઝૂકેલ.
૧૯-૩-૪૯