ધ્વનિ/પેલાં રાનભૂમિનાં લેલાં
૩૫. પેલાં રાનભૂમિનાં લેલાં
પેલાં રાનભૂમિનાં લેલાં
આસોને માસ માતેલાં
આજ મારી આમરાઈમાં આવી રમતાં ઘેલાં... રાનભૂમિનાં લેલાં.
ધૂળિયો જેનો રંગ,.....
તે પળને કાજે નેણ ભૂલે, ના નિરખે એનાં અંગ;
વણ માગેલો સંગ મળે છે,
કોઈ પુરાતન પ્રીત ફળે છે;—
કાળને વિષે ક્યાં ય દીઠેલાં?... રાનભૂમિનાં લેલાં.
ડોક ઊંચેરી જોઈ લ્યો બા’દુર,
ચાલમાં જાણે જોઈ લે દાદુર.
દૂરની કોઈ ડાળીએ બેસી કરતાં કોલાહલ
આવતાં ઓરાં, થૈને મૂંગાં શાંય તે ધરે છલ!
કોઈ જાદુઇ પરશે મારું મન બને પિચ્છલ!
મને લઈ જાય રે ભેળાં... રાનભૂમિનાં લેલાં.
૧૩-૧૧-૪૯