ધ્વનિ/તંતુ શો એકતાનો!
Jump to navigation
Jump to search
તંતુ શો એકતાનો!
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ!
તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર.
ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર
લાધ્યું, તે તો દલદલ ભમીને બન્યો મત્ત, ભૃંગ.
ઝીણા એના નસનસમહીં તું સહ્યે જાય ડંખ
ને તો યે શી સ્મિતઝર દગે, પ્રેમથી તું ભરેલ!
તું તો તારું ધરી રહી અખેપાત્ર આ સર્વ વેળ,
ન્યાળ્યાં છે ના તવ કુટિરનાં બારણાં કોદિ બંધ!
તું છો જાણે અચર, પણ વ્યાપી રહી શી અનંતે!
ને પંખાળો વનવન ભમે એનું ના ક્યાંય ચિહ્ન!
તારે વાણી નહિ, સતત ગુંજ્યા કરે એહ, ભિન્ન
આવાં તો યે ઉરઉરશું એકત્વ માણે ઉમંગે!
ન્યારાં છે પાત્ર તો યે વિનિમય લહું શો આત્મની ચેતનાનો!
વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો!
૧૪-૧-૪૭