ધ્વનિ/દૂરથી આવે કોઈનું ગાણું

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૬. દૂરથી આવે કોઈનું ગાણું

દૂરથી આવે કોઈનું ગાણું :
સ્મરણના શત દીવડે ધૂસર
ટમકી ઊઠયું સાંજનું ટાણું.

રજની-દિનની નજરને તીર
સુભગ મિલન વેળા,
શીતલ પવન જલથલ સહુ
મૌનમાં ડૂબેલાં;

શાન્ત હૃદય-બીનપે કોણે ત્યાં
જગવ્યું ગીત પુરાણું?
આજની ભૂમિએ અતીત મધુર
આવિયો વિધુર વેશે.
નીલકમલની પાંખડી ભરતો
શિથિલ રે મુજ કેશે,
પાંપણનાં જલમાંહ્ય તથાપિ
ઊછળે સુખ અજાણ્યું.

ભાંગેલ ઘટમાં આજ લગી રહ્યો
કેમ કરી જનમારો?
જૂઠા કસબનો ઝળકતો છોડી
સાથ અને સથવારો
દૂરને મુલક અદીઠને બલ
ઉર ખેંચાય રે છાનું.
૧૦-૧૧-૪૫