ધ્વનિ/ને એ જ તું?
Jump to navigation
Jump to search
ને એ જ તું?
એ તું જ? જેની
હથેલી તો નાગરવેલ કેરી
કૉળેલ કોઈ નવ પર્ણ જેવી
સ્પર્શી હતી શીતલ લાલિમા ભરી.
ને એ જ તું?—
જે કાંટાળો લહું આ શતશત શૂલથી વીંધનારો થુવેર?!
એ તું જ? જેની
વાણીમહીં સંગીત કિન્નરી મેં
માણ્યું હતું (ગુંજરતો વહ્યો ધ્વનિ
તરંગ-આવૃત્ત અનંત શાન્તિમાં).
ને એ જ તું?—
જેનાં ગર્જત મૌને નિખિલ સકલ કોલાહલે વ્યગ્ર કીધું?!
એ તું જ? જેની
દૃગો સુધા વર્ષતી પૂર્ણચંદ્રની,
અંધારને યે મળી જેની શુભ્રતા;
સમષ્ટિને અંતર, ગૂઢ સંમુદા.
ને એ જ તું?—
જે વિદ્યુત્ શી અજંપે ભ્રમણમહીં કરે સર્વ કૈં ભસ્મસાત?!
૬-૧૧-૪૯