ધ્વનિ/પ્રાસાનુપ્રાસ
અશ્રુમતિ- કવિ!
આપની પ્રસાદમય વાણીમહીં પ્રાસ,
શ્વાસની સંગાથ જેમ આવે છે ઉચ્છ્વાસ.
ઈન્દુની આગળ ઊછળે અનંત સિન્ધુ,
સિન્ધુની સંહતિમહીં અગણિત બિન્દુ.
આપની વીણામાં બાજે લય અનુલય,
ત્યહીં મેનકાનો નૂપુરિત અભિનય.
મારા યે નામની ‘મતિ’માં આપની રતિ,
પણ અંગ ત્યજી ગ્રહ્યું ચીર....
કવિ— એ હિ ક્ષતિ?
અશ્રુ. નહિ તો?
અશ્ર જ આમ એકલ વિરક્ત
પ્રાસ થકી રહે લગ્નહીન? કોઇ ભકત
નહિ આ નિખિલ વિશ્વમહીં જેને ચર્ણ
પામી રહે દીનથી ચે દીન થઈ શર્ણ?
વિરંચિની સૃષ્ટિમહીં સહુ જોડાજોડ;
શાને રે આ એક ખૂણે રહી શ્રઈ ખોડ?
હાસિમુખે ટાળો નહિ પ્રશ્ન આ ગભીર.
બોલો, કવિ! બોલો-
કવિ. ઓ રે અશ્રુ! ધર ધીર.
તું નહિ એકલ—
અશ્રુ. કહો કોણ ભાગ્યવાન,
જેની સંગ રાગમય અશ્રુ કેરું ગાન
આનંદ ગુંજને રત?
કવિ. સુંદરિ! અક્ષત
હો તવ સૌભાગ્ય, કિંતુ જેનું અન્વેષણ
તું કુંડલધારી વ્રજપુર-ગોપજન
વિષે કરે, ત્યાં નહિ તે, એ તવ પ્રયાસ
શ્રીફળને જેમ કોઈ ખેતરને ચાસ
શોધી રહે તેમ નિરર્થક, અસફલ;
કાલ-શક્તિ ક્ષયકારી.
અશ્રુ. જાણે મૃગજલ
પાછળ ભ્રમણ મારું! તપ્ત મધ્ય દિન,
કંઠમહીં શોષ! અંગ પર સ્વેદ! ક્ષીણ
દૃષ્ટિકેરું તેજ! એ હિ પથે તો કૃતાન્ત
ગુફા-મુખ કરી મતે જાય ગળી . . .
કવિ. શાન્ત!
હે ઉન્મન! સુણ, દૂર જનશૂન્ય દેશે
હિમગિરિને શિખર પશુ-ચર્મ વેષે
યોગી એક રહે ધ્યાનમગ્ન, નરમુંડ
કેરી કંઠે ધરી માલ્ય, બાજુ કેરે બંધ
શ્યામલ સોહંત મહા ફણીધર સર્પ,
(અગ્નિજીહ્વ, હરી દેવ દાનવનો દર્પ
‘હર હર’ વદી રહે); જેને અંગે અંગ
સ્મશાન ભસ્મનું વિલેપન ......
અશ્રુ. રે અનંગ
કીધ જેણે કામકેરું કમનીય રૂપ,
એ જ ને ત્રિનેત્ર? શૂલધર?
કવિ. અશ્રુમતિ!
એ જ આશુતોષ ભોળો દેવ એ જ યતિ,
જે તવ મનીષા પરિપૂર્ણ કરે.
અશ્રુ. નહિ,
નહિ કવિ! તવ દૂરગામી દૃષ્ટિ મહીં
અવર કો મેળ. એ તો ભૂત-ગણ-પતિ
જેહને વરેલ પૂર્વે દક્ષ-કન્યા સતી.
કવિ. જેહને વિશાલ ભાલ-દેશે બીજચંદ્ર
વિકીરંત સુધામય તેજ, સુરગંગ
જેહની જટિલ ઉર્ધ્વ જટામહીં ભવ્ય
પામી નિજ નિત્ય સ્થાન બની રહી ધન્ય.
એ પાર્વતીપતિ, શિવંકર, ઓરે અશ્રુ!
એ જ તવ કાજ મુખ પર ધરે સ્મશ્રુ!
અશ્રુ. ઇહ પ્રાસ? ઉપહાસ! કવિ કીધ લગ્ન?!
કવિ. આ નિઃશ્વાસ અકારણ ઓ રે ઉરભગ્ન!
અશ્રુ. ઝાકળ બિન્દુને પદ્મપત્રનું આસન
શોભા દેઈ રહે ..
કવિ. પ્રિય! એક વિજ્ઞાપન.
અશ્રુ. શી અનુજ્ઞા?
મુજ અહંકારને પ્રપૂર્ણ
એક હિ આઘાત વડે કરી હત, ચૂર્ણ;
મધુ બોલ થકી અવ દિયો આશ્વાસન?
અસિથી યે અધિક રે આપનું શાસન!
શી અનુજ્ઞા? કહો … … … …
કવિ. ભીરુ! શુભ તવ નામ.
સ્વર ને વ્યંજન. કિંતુ ક્યા અભિરામ
રહસ્યનું કરે નિવેદન?
અશ્રુ. અણજાણ
નહિ આપ. તો યે નિરુત્તર મુજ વાણ
રહે નહિ અવિવેક ભયે.
શું રહસ્ય?
નયને સ્ફટિક સોહામણું જેહ દૃશ્ય
રૂપ ધરી રહે, તે અદેહ અંશુમન,
ચિન્મય ભરી રહે હૃદય ગગન.
તે જ સત્ત્વ, તે જ તત્ત્વ, તે જ એક પ્રેમ,
પ્રેમ....
કવિ. મારે મન પ્રશ્ન એક રમી રહ્યો એમ
કે ઉદ્યાન કેરી શિશુ જૂઈ વેલ પેલી
કોને તે આધાર નિજ અંગ રંગ ફેલી
રહેશે? કવણુ સંગ કરી રમ્ય કેલિ
વાયુમંડલે સૌરભ રહે નિત્ય રેલી?
અશ્રુ. વિષયાન્તર થતું કવિ, કયે રે પ્રદેશ
કલ્પના ડયન કરે? ભૂલી સંનિવેશ
સ્મરી રહે ઉપવન જૂઈ? કશી પીડ!
નિકટ ઉર્જિત નીપ તરુ ધીર સ્થિર
આલંબન રહે ધરી.
કવિ. નહિ રે મલ્લિકા,
નહિ માધવી, ચમેલી કે પ્રિયંગુલતા . . .
અશ્રુ. વેલ ને તે વેલનો શું હોય રે આધાર?
કવિ. સત્ય, હે સુંદરિ! સત્ય એક દુર્નિવાર
નારી અંતરના પ્રેમકેરી જે ઝંખના
તે પૌરુષ કાજે (એમાં ન કોઈ વ્યંજના)
સ્નેહ ચહે, પણ રક્ષણનું છત્ર જેહ
સહજ સ્વભાવથકી ધરી રહે તેહ.
અશ્રુમાંહિ પ્રેમ તેમ સ્મશ્રુમાંહિ શક્તિ,
પૌરુષની એ સંકેત વડે અભિવ્યક્તિ.
અશ્રુ. ઓહ!
મારે બોલ મને બાંધી જાવ! રે શી યુક્તિ
કવિ. પ્રેમને બંધન પ્રિય! પ્રેમ કેરી મુક્તિ.
અશ્રુ. વિજયને કંઠ મુજ હાર સમર્પિત,
કવિ. એ હિ વ્યવહારમાં તું પામી જાય જીત.
૫-૪-૫૦