ધ્વનિ/મિલન
મિલન
બે ભિન્ન માર્ગ થકી જે જલનાં વહેણ
આવી મળ્યાં, પછી ન કોઈ સ્વરૂપભેદ.
સાયુજ્ય કેવું દલનાં અણું પર્મણુંનું ...
જ્યાં એક દેહ, ગતિ, બોલ, તરંગ લ્હેર.
વર્ષાથી હો સભર, આતપથી મહીન;
અંબોધિ કે રણમહીં પણ સંગલીન.
ને ભિન્ન બે દિશથકી પ્રગટેલ તેજ
ભેળાં મળે, મિલન ઉજ્જવલ શું વિશેષ!
જ્યાં દીપ્તિમંત સ્થલમાં નહિ કોઈ છાયા
આછાંય તે તિમિરની વરતાય સ્હેજ.
એવાં પરસ્પર તણું ઉર એક થાય,
વીંધાઈને પણ અકુંઠિત પાર જાય.
જો, આપણે પ્રિય! ઉરે જલ જેમ આર્દ્ર,
ને દૃષ્ટિનાં વિપુલ તેજ વિષે અબાધ્ય.
૭-૫-૫૧