ધ્વનિ/માયાવિની
Jump to navigation
Jump to search
માયાવિની
પુ.માયાવિની!
સ્ત્રી.હે શઠ!
પુ.તેં લીધું હરી
તે આલ પાછું મુજ ભોળું અંતર.
સ્ત્રી.ચોરી બીજાને શિર આમ સત્વર
ચડાવતાં ના લજવાય રે જરી?
મારું મને તું દઈ દે–
પુ.ન જાણી મેં
સલજ્જ તારાં દૃગની પ્રતારણા
તે વેળ.
સ્ત્રી.તારાં સ્મિતની ન કામના
લહી શકી હું પણ....
ખોઈ મેં મને.
પુ.રે આલ પાછું મુજ ભોળું અંતર.
સ્ત્રી.ના આપનારું અહિં કોઈ છે રહ્યું :
એ તો પણે પિંજર તાહરે વસ્યું :
વિમુક્ત એને કર.
પુ.જે નહિ ઘર
મારું હવે.
સ્ત્રી.તો!?
પુ.અસહાયતા પર
ભલે હસી લે: પણ હું તને નહિ
જવા દઉં દૂર જરાય, જે થકી-
સ્ત્રી.પામીશ તું ફેર તને?
પુ.ખરેખર,
સ્ત્રી.પુનશ્ચ તો હું મુજને ય તાહરા
સાન્નિધ્યમાં પામી રહીશ ને સદા?
પુ.માયાવિની!
સ્ત્રી.હે પ્રિય!
પુ.હે સુધામય!
૧૦-૬-૫૧