ધ્વનિ/રજનિ થકી યે
Jump to navigation
Jump to search
રજનિ થકી યે
રજનિ થકી યે કાળા તારા સુકોમલ કુંતલ,
તરલ દ્યુતિથી સોહે ચિત્રા ચ સ્વાતિ સમાં દૃગ,
ઉર ધડકને ઝીલે પીન સ્તનો તવ તે પર
રજત પટનું ઓઢયું ઝીણું મુલાયમ અંચલ.
સુરભિ અશી!–માધુર્યે જેની પ્રસન્ન બહાર આ!
તવ ચરણને ઘેરીને શાં મરાલ રમી રહ્યાં!
પલ પલ નવાં લાવણ્યે જે પ્રફુલ્લિત સૃષ્ટિ આ,
સુલભ નહિ જેની માયાનું અખંડિત દર્શન;
પ્રિય! સકલનું તારે અંગે લહું શું વિવર્તન!
અપરિમિતને ધારી નાચી રહે ઉર તુષ્ટિમાં.
ચિર સમયની યાત્રા મારી થતી અહિં પૂર્ણ રે
તવ સુખદ સાન્નિધ્યે, બાજે હુલુ ધ્વનિ મંદિરે.
હૃદય સરસી ધારું છું હું તને પ્રિય! તે સમે
નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે
૨૬-૩-૫૧