નર્મદ-દર્શન/નર્મદના કેટલાક પ્રગટ-અપ્રગટ ગ્રંથો વિશે કેટલુંક
પોતે આર્થિક રીતે સંપન્ન નહિ, છતાં યશેચ્છા ઉપરાંત પોતાનાં કાવ્યો અને લેખો નવું પ્રસ્થાન કરનારાં અને લોકકલ્યાણ માટે ઉપકારક છે એ સભાનતા અને શ્રદ્ધાના કારણે નર્મદ તે સર્વ સદ્યઃ છપાવતો જ રહ્યો હતો. સરકારી સહાય તો ઉત્તરકાળમાં મળી. મિત્રો અવારનવાર આર્થિક સહાય કરતા ખરા. પરંતુ તે માટે તે તેમનો મોહતાજ ન હતો. પ્રકાશન સહાય માટે વચનબદ્ધ મિત્ર ફરી જાય તો તે ગાંઠને ખર્ચે તે છપાવી વિનામૂલ્યે ખેરાત કરવાની ઉડાઉગીરી પણ તેને કોઠે પડી ગઈ હતી. પરંતુ નિર્વાહ અને મુદ્રણખર્ચને પહોંચી વળવા તે તે સમયના પ્રમાણમાં પુસ્તકની કિંમત ઠીક ઠીક વધારે રાખતો, ‘ગુજરાતી’ પ્રેસે આપેલી સરખામણી રસપ્રદ છે :
| નર્મદ-પ્રકાશન | કિંમત | ‘ગુજરાતી’ પ્રકાશન | કિંમત | |
| ૧. | નર્મકવિતા (૧૮૬૬) | ૧૦-૦૦ | ૧૮૮૮ | ૪-૦૦ |
| ૨. | નર્મગદ્ય (૧૮૬૫) | ૬-૦૦ | ૧૯૧૨ | ૩-૦૦ |
તેના અવસાન પછી તેનાં લખાણોનો ‘કૉપીરાઈટ’ જયશંકરનો હતો. અને તેણે ‘ગુજરાતી’ પ્રેસના સહકારથી નર્મગ્રંથોનાં પ્રકાશન અને વેચાણની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જયશંકરના અવસાન પછી, એવી હવા ફેલાઈ કે હવે કવિના ગ્રંથો ગમે તે છાપી, છપાવી શકે છે. મુનશી જેવા કુશળ વકીલે પૂરી તપાસ કર્યા વિના, ‘મારી હકીકત’ની એક નકલ ગમે તે રીતે મેળવી અને તેનો થોડો ભાગ ‘ગુજરાત’માં છાપી નાખી, તેની ‘ઉકમાઈ’ પણ મેળવી હતી. પરંતુ જયશંકરે, ૧૯૧૦માં તેનું અવસાન થયું તે પહેલાં જ, વીલ કરીને કવિના પ્રગટ-અપ્રગટ ગ્રંથોના ‘કૉપીરાઈટ’ ‘ગુજરાતી’ પ્રેસને સોંપી દીધા હતા. ઇચ્છારામના અવસાન પછી, લવાદના ફેંસલા પ્રમાણે મણિલાલ ‘ગુજરાતી’ની માલિકીમાંથી છૂટા થયા. અને તેનું સંચાલન નટવરલાલ ઇચ્છારામ પાસે આવ્યું. નર્મદની જન્મશતાબ્દીના વર્ષમાં ‘મારી હકીકત’ છાપવાની બૂમ ઊઠી ત્યારે, તેમણે ‘ગુજરાતી’ના ૨૭-૮-’૩૩ના અંકમાં તેનું સચિત્ર પ્રકાશન કર્યું અને ‘ગુજરાતી’ના ગ્રાહકોને તે વિનામૂલ્યે આપ્યું. આ સાથે તેમણે મુનશીને ‘ગુજરાત’માં ‘મારી હકીકત’ છાપતા અટકાવ્યા. ‘ગુજરાતી’એ ‘નર્મકવિતા’ અને ‘નર્મગદ્ય’ની એકથી વિશેષ આવૃત્તિઓ કરી, નર્મદનાં નાટકોનાં પ્રકાશનો કર્યાં અને નર્મદ સાહિત્યની ઉમદા સેવા કરી. તેનાં આ પ્રકાશનોમાંથી તેને આર્થિક વળતર કેટલું હશે એ તપાસનો વિષય છે. પરંતુ કવિના ‘બાલ-કૃષ્ણવિજય’ (પ્ર. ૧૮૮૬) અને ‘રામજાનકીદર્શન’ (પ્ર. ૧૮૯૧)ની પ્રથમ આવૃત્તિની સેંકડો નકલો શતાબ્દીના વર્ષમાં (૧૯૩૩)માં પણ પડતર હતી. આ પ્રકાશનોમાં ઇચ્છારામની નર્મદનિષ્ઠા જ પ્રેરકબળ હતી. ડૉ. બ્યૂલરે ‘નર્મગદ્ય’ના હક ખરીદી ૧૮૭૪માં તેનું શાલેય સંપાદન કવિ પાસે કરાવ્યું હતું. તેમાં ‘રાજ્યરંગ’ના બંને ભાગો સામેલ હતા. પરન્તુ ‘ગુજરાતી’માંની તા. ૭-૧૦-૧૯૩૩ના અંકમાંની એક નોંધ અનુસાર, કવિને આપવા ધારેલી રકમ અને છપામણીનો ખર્ચ વધી જવાથી સરકારે ‘રાજ્યરંગ’નો એક જ ભાગ આ ‘નર્મગદ્ય’માં (૧૮૭૪ અને ૧૮૭૫) છાપ્યો હતો. આથી બીજો ભાગ પોતાના જીવનકાળમાં છપાઈ નહિ જાય તો ગેરવલ્લે જશે એ ભયે, કવિએ ‘મારી હકીકત’ની જેમ, તેની થોડી નકલો ૧૮૭૬માં છપાવી રાખી હતી, જેમાંની કેટલીક તેણે વેચી પણ હતી. ૨૧૬ પૃષ્ઠોના આ પુસ્તકનો મુદ્રણખર્ચ વાળી લેવા કવિએ તેની કિંમત, આ સમયે વધારે કહેવાય તેટલી, ‘રૂપિયા બે’ રાખી હતી. ‘રાજ્યરંગ’નો બીજો ભાગ પણ છે એ હકીકતનું પણ હવે તો વિસ્મરણ થઈ ગયું છે, સિવાય કે ‘ગુજરાતી’ની અને તેને આધારે તૈયાર થયેલ સૂચિઓ. કવિના બે ગ્રંથો અદ્યાપિ અપ્રગટ છે. ડૉ. બ્યૂલરે કવિ પાસે વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’નો ગુજરાતી અનુવાદ કરાવ્યો હતો. તેમની ધારણા સરકારના કેળવણીખાતા દ્વારા તેનું પ્રકાશન કરાવવાની હતી. પરંતુ તે બર ન આવતાં, નરભેરામ પાસે કરાવેલી તેની મુદ્રણપ્રત કવિ પાસે પડી રહી હતી. કવિએ ‘નર્મકોશ’ અને ‘નર્મકથાકોશ’ ઉપરાંત એક ત્રીજો કોશ, ‘પર્યાયકોશ’ પણ તૈયાર કર્યો હતો. શબ્દાર્થકોશ અને કથાકોશ તો આ પછી પણ પ્રકાશિત થયા છે પરન્તુ ગુજરાતી ભાષામાં હજુ સુધી એક પણ ‘પર્યાયકોશ’ તૈયાર થયો નથી. અને આ તૈયાર થયેલો પ્રકાશિત થઈ શક્યો નથી. આ ‘પર્યાયકોશ’ પણ તેના બીજા બે કોશોની જેમ જ ઝીણી શાસ્ત્રીય દૃષ્ટિ અને અનવરત ઉદ્યમનું પરિણામ હોવું જોઈએ. પરંતુ નર્મદના અપ્રગટ લેખો અને અન્ય કાગળો સાથે ‘ગુજરાતી’ને સોંપાયેલી સામગ્રી સાથે સોંપાયેલા આ બંને અપ્રગટ ગ્રંથો ૧૯૩૩ સુધી તો ‘ગુજરાતી’માં જર્જરિત અવસ્થામાં સચવાયેલા હતા. આજે તેની શી સ્થિતિ છે તે તો ‘ગુજરાતી’ના આજના માલિકો કહી શકે.
રાજકોટ : ૭-૧-૮૪