નર્મદ-દર્શન/‘દેશવ્યવહારવ્યવસ્થા’ના ભાષાંતરકાર કોણ?
આ સદીના પ્રથમ ચરણમાં આપણા કેટલાક સાહિત્યકારોની રચનાઓના કર્તૃત્વ વિશે કેટલીક શંકાઓ ઊઠી હતી; ભોળાનાથ દિવેટિયાની ‘પ્રાર્થનામાળા’ દલપતરામે રચી આપી હતી. ‘કરણઘેલો’ નંદશંકરને કોઈ મહેતાજીએ લખી આપી હતી; મલબારીની કવિતાઓ રણછોડ ગલુરામે લખી હતી; ‘ચન્દ્રકાન્ત’ ઇચ્છારામને લખી આપનાર કોઈ બાવો કે હરદાસ હતો – એ પ્રકારની ચર્ચાઓનું બજાર એ સમયમાં ગરમ હતું. આ જ સમયમાં ‘દેશવ્યવહારવ્યવસ્થા’નું ભાષાંતર નર્મદે નહિ, અંબાલાલ જાનીએ કર્યું હતું તેવો પણ વિવાદ ઊઠ્યો હતો. અને તે વિવાદ ચગાવનાર હતા નર્મદસાહિત્યની પ્રકાશન સંસ્થા ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’ના છૂટા પડેલા ભાગીદાર મણિલાલ ઇચ્છારામ દેસાઈ. ‘દેશવ્યવહારવ્યવસ્થા’ ગ્રંથ મરાઠીમાં છે અને તેના લેખકો છે વિશ્વનાથ નારાયણ માંડલિક અને હરિ કેશવજી પાથારે. નર્મદે કરેલું તેનું ભાષાંતર ઇચ્છારામ દેસાઈએ ૧૯૧૧માં પ્રકાશિત કર્યું હતું. આ સમયે ઇચ્છારામની તબિયત નાદુરસ્ત હોઈ, તેના સંપાદનનું કાર્ય મણિલાલે સંભાળ્યું હતું. તેની પ્રસ્તાવના તેમ જ ‘પ્રગટકર્તાની નોંધ’ પણ તેમણે જ લખી હતી. આ અગાઉ ૧૯૧૦માં, ‘ગુજરાતી’ના દીપોત્સવી અંકમાં તેનું ત્રીજું પ્રકરણ નમૂનાદાખલ છપાયું હતું અને ત્યારે પણ તેના ભાષાંતરકાર તરીકે નર્મદનો જ ઉલ્લેખ હતો. ગ્રંથના પ્રકાશન સમયે મણિલાલે જ નોંધ કરી હતી કે ‘આ ગ્રંથ સ્વ. કવિ નર્મદના અપ્રગટ લેખોમાંનો એક છે.’ આ નોંધ અનુસાર નર્મદે ડૉ. બ્યૂલરની સૂચનાથી, મુંબઈ સરકારના કેળવણી ખાતા માટે આ ગ્રંથ તૈયાર કર્યો હતો અને તે માટે તેને ‘પારિતોષિક’ આપવાનું પણ ઠર્યું હતું. આ લખાણની શુદ્ધ નકલ ‘કવિના પરમ સેવક રા. નરભેરામ પ્રાણશંકરે’, કવિના કહેવાથી કરી આપી હતી. અને તે સમયે હયાત નરભેરામે આ બાબતની ખરાઈ પણ કરી હતી એમ મણિલાલે નોંધ્યું છે. આ પછી ઇચ્છારામ ગુજરી જતાં, તેમના પુત્રો જુદા થયા. મણિલાલે, ‘ગુજરાતી’માંથી ભાગ ઉઠાવી લીધો. એ પછી તેમણે ગુજરાતી પ્રેસનાં કેટલાંક પ્રકાશનો અંગે કેટલોક વિવાદ ઉઠાવ્યો તેમાં આ પ્રકાશન વિશે પણ કેટલુંક લખ્યું હતું. નર્મદ-જન્મ-શતાબ્દીના વર્ષમાં તેમણે ‘વીસમી સદી’ના ૨૭-૮-૩૩ના અંકમાં ‘એક ખુલાસો’ શીર્ષકથી જાહેર કર્યું કે આ ‘ભાષાંતર કવિએ કરેલું નથી’ અને ટૂંકનોંધ ઉમેરી કે, ‘ભાઈ અંબાલાલ જાનીએ એના ભાષાંતરમાં ભાગ લીધેલો જાણીતો છે.’ તેમણે તો એમ પણ જાહેર કર્યું કે, ‘ગુજરાતના સર્વસંગ્રહ અને કાઠિયાવાડ સર્વસંગ્રહ પણ ભાષાંતર છે. કવિને અને તેના કુટુંબીઓને લાભ મળે તે માટે કવિના મિત્રોએ તે ભાષાંતરો કરેલાં.’ અંબાલાલ જાની ૧૯૦૮માં ‘ગુજરાતી’માં જોડાયા હતા. ૧૯૧૦ના દીપોત્સવીમાં આ ગ્રંથનું ત્રીજું પ્રકરણ છપાયું ત્યારે તેનાં પ્રૂફ વાંચતાં તેમને લાગ્યું કે મૂળ મરાઠી પુસ્તક તેમણે વાંચ્યું છે. તેમણે તેમને મામા ગુણવંતરાય મણિરામ પંડ્યાના પુસ્તક સંચયમાંથી તે શોધી ઇચ્છારામને બતાવ્યું હતું, ગુજરાતી ભાષાંતરમાં પહેલાં પચ્ચીસેક પાનાં ખોવાયાં હતાં તેથી ઇચ્છારામે તેટલાં પૃષ્ઠોનું ભાષાંતર કરી આપવા સૂચવ્યું. ગ્રંથ પ્રગટ થયો ત્યારે તેના પહેલાં છાપેલાં તેર પાનાં (હસ્તપ્રતનાં પચીસ પાનાં) આમ અંબાલાલનાં છે અને બાકીનો ભાગ કવિએ જ તૈયાર કર્યો હતો. આ પ્રકારની વીગતવાર સ્પષ્ટતા, અંબાલાલે પોતે ‘ખુલાસા’નો મારો ખુલાસો’ શીર્ષકથી, ‘ગુજરાતી’ ૩ સપ્ટે. ૧૯૩૩ના અંકમાં કરી. પહેલાં તેર પાનાંની આ ઘટના મણિલાલ જાણતા હતા. તેમણે ‘ગુજરાતી’નાં પ્રકાશનોની શ્રદ્ધેયતા ઘટાડવા, આ સમગ્ર ગ્રંથને તરકટી ઠેરવવાનો આ પ્રકારનો કારસો કર્યો. તેથી ‘ગુજરાતી’ના નવા માલિક નટવરલાલ ઇચ્છારામે અને અંબાલાલે આરંભનાં ખોવાયેલાં પૃષ્ઠો, જયશંકરે સોંપેલા દફતરમાંથી ખંખોળવા માંડ્યાં તો, આ પૃષ્ઠોમાંનું એક –સત્તરમું પૃષ્ઠ – મળી આવ્યું, જેના મથાળે એક નોંધ હતી; ‘આમાંનાં ૧૬ પૃષ્ઠો સને ૧૮૫૯ના ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’માં છપાયાં છે. જુઓ પાને ૩૩૬ અને ૩૬૨ મે.’ આમ ખૂટતાં પાનાંનો ઉકેલ મળી આવ્યો. નર્મદે નકલ કરવાને બદલે મૂળ પ્રતમાંથી જ તેટલાં પૃષ્ઠો ‘બુદ્ધિવર્ધક’માં છાપવા આપી દીધાં હતાં, અને પોતાની યાદી માટે આ નોંધ મૂકી હતી. આ પ્રકરણનું પૂર્ણવિરામ અહીં આવી જવું જોઈતું હતું. પરંતુ મણિલાલે આ ખુલાસો અમાન્ય ગણી, ‘વીસમી સદી’ના તા. ૧૭-૯-’૩૩ના અંકમાં ફરી આ પ્રશ્ન ચગવ્યો, જેનો ઉત્તર નટવરલાલે ‘ગુજરાતી’ના ૮-૧૦-૩૩ના અંકમાં સવિસ્તર આપ્યો. મણિલાલે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે પાછળથી મળી આવેલ પાનું અને તેના પરનો શેરો કવિના હાથનાં છે તેનો શો પુરાવો? આને ઉત્તર આપતાં નટવરલાલે જણાવ્યું હતું કે પાનાનું મૂળ લખાણ બ્લ્યુબ્લૅક શાહીનું છે અને તે અક્ષરોની શાહી ફિક્કી પડી ગઈ છે. શેરો ગામઠી કાળી શાહીનો છે. બંનેના અક્ષરો જુદા અને જૂના છે. મૂળ પ્રત તો નરભેરામના હસ્તાક્ષરમાં હતી. પરંતુ શેરો જુદા અક્ષરમાં હતો, તે અક્ષરો નર્મદના હતા કે કેમ તેની સ્પષ્ટતા નટવરલાલે કરી નથી. તેમની પાસે નર્મદના અક્ષરમાં પણ કેટલુંક સાહિત્ય હતું. પરંતુ આ શેરો નર્મદના હસ્તાક્ષરમાં હોવો અનિવાર્ય નથી. પોતાના કોઈ પણ મિત્ર, શિષ્ય કે કારકુનને તે શેરો લખવાનું તેણે સૂચવ્યું હોય. આ શેરો પ્રમાણે આગળનાં પૃષ્ઠો ‘બુદ્ધિવર્ધક’ના ૧૮૫૯ના નવેમ્બરના અંકમાં પૃ. ૩૩૬, ૭, ૮ ઉપર અને ડિસેમ્બરના અંકમાં પૃ. ૩૬૨–૭૪ ઉપર છપાયેલાં છે જ. પરંતુ મણિલાલ કહે છે કે ત્યાં ભાષાંતરકારનું નામ નથી. તો બીજા કોઈનું પણ નામ નથી! આ સમયે ‘બુદ્ધિવર્ધક’માં (જેમ પછીથી ‘સુદર્શન’માં) લેખકનું નામ ન છાપવાનો શિરસ્તો હતો. તેથી નર્મદના નામની ગેરહાજરીમાં તે લેખ નર્મદનો નથી જ એમ કહેવું તાર્કિક નથી. કવિએ પોતે જ ‘બુદ્ધિવર્ધક’માં છપાયેલા લેખોમાંથી ચૂંટીને ‘નર્મગદ્ય’ (૧૮૫૬)માં સામેલ કર્યા હતા. ‘નર્મકવિતા’ પુસ્તક ૩માં તેણે પોતાના અપ્રગટ લેખો અને ભાષણોની યાદી આપી છે. તેમાં ન હોય તેવા લેખો આ સાલ પછી લખાયેલા માનવા ઘટે. આ ભાષાંતરનાં પ્રથમ પૃષ્ઠો ૧૮૫૯માં ‘બુદ્ધિવર્ધક’માં છપાયાં હતાં તેથી એ સાલમાં તો તે તૈયાર થઈ ગયું હશે કે તૈયાર થઈ રહ્યું હશે એમ માની શકાય. ૧૮૬૩ની અપ્રગટ લેખોની યાદીમાં તેનો ઉલ્લેખ નથી તેથી કેટલોક સંદેહ થાય ખરો. સામે પક્ષે એમ પણ કહી શકાય કે આ મૌલિક ગ્રંથ ન હોવાથી અથવા આ ભાષાંતર ૧૮૫૯માં આરંભાયા પછી ૧૮૬૩ સુધી પૂરું થઈ શક્યું ન હોય તેથી તેનો ઉલ્લેખ નથી. બીજું કારણ વધારે તાર્કિક એટલા માટે છે કે પોતાનું બધું જ લખાણ સત્વરે, તત્કાલ છપાવી નાખવાને ઉત્સાહી કવિ, ‘બુદ્ધિવર્ધક’ જેવું સામયિક હાથવગું છતાં બાકીનો ભાગ તેમાં છપાવી શક્યા નથી. ‘બુદ્ધિવર્ધક’ ગ્રંથમાં છપાયેલાં ઘણાં લખાણો લેખકની ઓળખાણ વિનાનાં રહ્યાં છે. ‘ગુજરાતી પ્રેસ’ને સોંપાયેલા કવિના દફતર પ્રમાણે તૈયાર થયેલી છપાયેલી અગ્રંથસ્થ લેખોની યાદીમાં નથી એેવો લેખ ‘આપણી દેશજનતા’ વિશ્વનાથ ભટ્ટે ‘બુદ્ધિવર્ધક’ની ફાઈલમાંથી તારવી આપ્યો છે. એ લેખ નર્મદનો જ છે એમ તેમણે શૈલી ઉપરાંત આંતરપ્રમાણોથી સિદ્ધ કર્યું છે. કવિના મિત્ર નવલરામને પણ કવિના લેખો વિશે પૂરી માહિતી ન હતી. આમ ‘બુદ્ધિવર્ધક’માં તે આરંભનો ભાગ છે. જયશંકરના અવસાન પછી ‘ગુજરાતી’ને સોંપાયેલાં કવિનાં લખાણો અને હિસાબના કાગળોમાં આ ગ્રંથની હસ્તપ્રત મળે છે, એ હસ્તપ્રતમાં ‘બુદ્ધિવર્ધક’માં છપાયેલા ભાગનાં પૃષ્ઠો નથી, એ પ્રકારની નોંધ પણ ત્યાં મોજૂદ છે. ત્યારે તેનું ભાષાંતર-કર્તૃત્વ અસંદિગ્ધ રીતે કવિનું રહે છે. મણિલાલનો બીજો તર્ક એવો છે કે આ નરભેરામના હસ્તાક્ષરમાં છે માટે તે જ ભાષાંતરકાર છે. આ સૂચન ખૂબ તોફાની છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમા ગામના વતની નરભેરામ પ્રાણશંકર નર્મદના કારકુન હતા તે પ્રસિદ્ધ વાત છે. કેવળ આ જ ગ્રંથ નહિ, નર્મદના પ્રગટ-અપ્રગટ લેખો, કાવ્યો નરભેરામના હસ્તાક્ષરમાં હોય જ. તે સિવાય તેમણે બીજું કરવાનું પણ શું હતું? મણિલાલનો તુક્કો સ્વીકારાય તો નરભેરામના હસ્તાક્ષરમાં મળે તે બધું જ નર્મદસાહિત્ય નર્મદનું મટી નરભેરામનું બની જાય? વરરુચિકૃત ‘પ્રાકૃતપ્રકાશ’નો નર્મદે કરેલો અપ્રગટ અનુવાદ નરભેરામના હસ્તાક્ષરમાં છે. આ અનુવાદ કરવાનું ગજું તેનું હતું ખરું? નરભેરામને બિચારાને સ્વપ્નેય ખ્યાલ ન હોય કે સર્જકતાનો અને ચિંતકતાનો આટલો બધો ભાર તેણે વહેવાનો આવશે! મણિલાલનો ત્રીજો તર્ક એ છે કે નર્મદ તેનાં બધાં જ લખાણો છપાવી રાખતો. આ ગ્રંથ તેણે છપાવ્યો નથી માટે તે તેનો અનુવાદક નથી. એ વાત સાચી છે કે નર્મદ પોતાનાં લખાણો અટવાઈ ન જાય માટે છપાવી રાખતો. વેચાણમાં કદાચ નયે મૂકતો. ‘મારી હકીકત’ તેનું દૃષ્ટાંત છે. સાથે એ પણ સાચું છે કે આ પ્રકારની ‘લક્ઝરી’ તેને હંમેશાં પરવડી નથી. ‘પ્રાકૃતપ્રકાશ’ ઉપરાંત ‘પર્યાયકોશ’ પણ આ રીતે વણછપાયેલો અને અપ્રગટ છે. આ ગ્રંથની નકલ પણ નરભેરામના હસ્તાક્ષરમાં છે! આ ત્રણેય ગ્રંથોમાં નકલ કરનારનું નામ નથી. આ મુદ્દો નગણ્ય છે. લાલશંકરે નર્મદનાં કેટલાંક લખાણોની નકલ કરી આપી હતી, તેમાં કેટલાંકમાં તેણે લહિયા તરીકે પોતાનો નામોલ્લેખ કર્યો છે, તો કેટલાંકમાં કર્યો નથી. આ હસ્તપ્રતોનો જમાનો ન હતો, છાપખાનાંનો હતો. આ હસ્તપ્રતો ગ્રંથરૂપે જાળવણી માટે નહિ, મુદ્રણપ્રત, પ્રેસકૉપી તરીકે તૈયાર થતી હતી. તેથી તેમાં લહિયાનો નામોલ્લેખ ન જ હોય. આ હસ્તપ્રતો નરભેરામના હસ્તાક્ષરમાં છે અને લખાણ કવિનું જ છે તે બાબતની ખાતરી કેવળ નરભેરામ પાસેથી જ નહિ, કવિના અંતેવાસી રાજારામ શાસ્ત્રી અને કવિના અંતરંગ મિત્ર ખાપર્ડે પાસે કરાવીને જ ‘ગુજરાતી’ પ્રેસે તેનું પ્રકાશન કરવાનો શિરસ્તો રાખ્યો હતો. ત્યારે પ્રથમ તેમાં સામેલ થઈ પછીથી તેમાંથી છૂટા પડતાં મણિલાલને શંકા કરવાનું કોઈ કારણ ન હતું, સિવાય કે પોતાને જે મળી શક્યું નથી તે ઢોળી નાખવું.
‘દેશવ્યવહારવ્યવસ્થા’નો ભાષાંતરકાર તો નર્મદ.
રાજકોટ : ૬-૧-૮૪