નર્મદ-દર્શન/નર્મદની સર્જકતા
હેમચન્દ્રાચાર્ય અને તેમના શિષ્યો ગુણચન્દ્ર અને રામચન્દ્ર પછી ગુજરાતમાં સાહિત્યિક સંપ્રત્યયોની વિચારણા થઈ હશે તોય તે ઉપલબ્ધ થઈ નથી. ‘વસંતવિલાસ’ જેવી રચના આપનાર યુગનો સાહિત્યપદાર્થ અને કવિપ્રતિભા વિશેનો સંપ્રત્યય ધૂંધળો તો નહિ જ હોય. પરંતુ તે પછીના સાહિત્યની પારંપરિકતા અને પરોપજીવિતા જોતાં આ સંપ્રત્યય પુનઃ પુનઃ વિચારના અભાવે કુંઠિત થઈ ગયો હોવાનું સ્વીકારવું પડે છે. દયારામ સુધી આવતાં તો આ સ્થિતિ છેક કથળી ગઈ છે. લાંબા ધૂંધળા કાળ પછી સર્જકતા અને સાહિત્યપદાર્થ વિશેની વિચારણા આરંભાઈ નર્મદથી. દલપતરામને લાભ મળ્યો હતો ફાર્બસ જેવા સાહેબ-સંસર્ગનો. નર્મદને લાભ મળ્યો હતો પ્રત્યક્ષ અંગ્રેજી સાહિત્ય અને સાહિત્યવિચારણાનો. તેથી દલપતરામ અર્વાચીન કવિતાની આલબેલ પોકારતાં જે થોડાંક પ્રતિભાકિરણો પ્રગટાવી શક્યા તે પરાવર્તિત હતાં. નર્મદે જે ઉન્મેષો પ્રગટાવ્યા તે આત્મપ્રત્યયના અને સિદ્ધાંતપુષ્ટ હતા. દલપતરામનું આંતર્વ્યક્તિત્વ પણ ઠરેલ, પ્રૌઢ, ધીર, ગંભીર, તટસ્થ. પ્રવાહપતિત થઈ કાવ્ય રચવાનું તેમની પ્રકૃતિમાં નહિ. તેઓ કવિતા કરે તેમાં ઊર્મિના સંવેગને સ્થાને કસબ ઊપસતો જણાય. ચિત્તક્ષેાભ અથવા લાગણીનો ઉદ્રેક તેમની કવિતાનું પ્રેરક, મજબૂર કરનારું બળ ભાગ્યે જ બન્યું છે. કવિતા તેમનો સ્વભાવ, તેથી વિશેષ તો વ્યવસાય હતો. નર્મદના વિષયમાં કવિતા તેની પ્રકૃતિ તેથી વિશેષ આંતરિક અનિવાર્યતા હતી. નર્મદની પ્રત્યેક પ્રવૃત્તિની એક વિશિષ્ટ તરેહ છે. સામાજિક પ્રવૃત્તિ પણ ઉપાડે તો પ્રથમ તે માટે તે સૈદ્ધાંતિક ભૂમિકા બાંધે અને શાસ્ત્રોનાં પ્રમાણો ખોળે. તે વડે તે પ્રતિપક્ષનાં હથિયાર હેઠાં મુકાવતો. સુધારો પણ શાસ્ત્રસંમત અને પૂર્વાચારમાન્ય છે, સાંપ્રત આચાર શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધનો છે એમ ઠરાવી, ઠસાવી તેને તે આચારમાં ઉતારતો, ઉતારવા પ્રેરતો. સમાજસુધારાની પ્રવૃત્તિ તેણે ધર્મ તરીકે સ્વીકારી હતી. તેમાં વાલ્મીકિસદૃશ કરુણાધર્મ હતો. એ તેને એક તરફ સિદ્ધાંતચર્ચા તરફ દોરે છે તો બીજી તરફ આચાર તરફ પ્રેરે છે. આ તો તેના વ્યવહારજીવનના આવિષ્કારો થયા. આ સિદ્ધાંતચર્ચા અને રચનાત્મક પ્રવૃત્તિ જેનાથી પ્રેરાઈ તે આર્તજનો તરફની હૃદયાર્દ્રતા તેના શોકને શ્લોકત્વ આપવા તેને મજબૂર કરે છે. તેનાં સમાજસુધારાનાં કાર્યો, નિબંધો અને કાવ્યો તપાસવાથી તે ત્રણેની પરસ્પર અનુસ્યૂતતા તરત પ્રતીત થશે. લોકસંગ્રાહક નર્મદને કવિ નર્મદથી અળગો પાડી શકાશે નહિ. તેમ છતાં નર્મદ લોકસંગ્રહપ્રવૃત્તિને કારણે અને તેટલા પૂરતો જ કવિ છે એવુંયે કહી શકાશે નહિ. નર્મદની સર્જકતા લોકસંગ્રહ પૂરતી હેતુપ્રધાન છે. તેનાથી ઉપર સ્વાન્તઃસુખાય, નિતાન્ત ઊર્મિની નિર્ભેળ અભિવ્યક્તિ માટે પણ તે પ્રવૃત્ત થઈ છે. લોકસંગ્રહ અને તેના આનુષંગિક વિષયો તેની સર્જકતાના આવિષ્કારના પ્રેરક ખરા, પરંતુ કેવળ તેમાં જ સીમિત નહિ. સર્જકતાના વિષયમાં પણ નર્મદે કોઈ પૂર્વસંસ્કાર, શિક્ષણ કે ગુરુસાન્નિધ્ય વિના જ પ્રસ્થાન કર્યું. છંદ હસ્તગત કરવામાં તેને પડેલી વિપત્તિ હવે તો જગજાહેર છે. કવિતાલેખન તેની આંતરિક જરૂરિયાત બન્યું તેનું એક કારણ યશેચ્છા પણ ખરું. પરંતુ તે માટેનો તેનો ઉદ્યમ પણ અનન્ય છે. કવિતાલેખનનાં બધાં જ ઓજારો તેણે ભારે તકલીફ લઈ, છતાં ખૂબ ઓછા સમયમાં હસ્તગત કરી લીધાં. એટલું જ નહિ, તેમાં પારંગતતા મેળવી તેને આધારે કવિતાની સિદ્ધિ મળે તે પહેલાં તો તેણે તેના શાસ્ત્રગ્રંથોયે રચી નાખ્યા. જોડકણાં જોડવાનો તેણે આરંભ કર્યો ૧૮૫૧થી. પરંતુ વ્યવસ્થિત કવિતાલેખનનો આરંભ તેણે ગણ્યો ૨૩મી વર્ષગાંઠથી. છંદ તો તેણે આ પછી સિદ્ધ કર્યો, અને ‘પિંગળ પ્રવેશ’ પણ લખી નાખ્યો. ‘હરિગીત’માં સુધારો કરી ‘વિષમ હરિગીત’ આપી તેણે નવા છંદોની શોધ આરંભી. હિન્દુસ્તાની અને ગુજરાતી છંદશાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન હતો તે ‘લલિત’ છંદ તેણે પુરસ્કાર્યો. દલપતરામે પણ તે નર્મદ પાસેથી શીખી, ‘દલપતપિંગળ’માં દાખલ કર્યો. ‘લાવણી’ને સંવર્ધી ‘વિરવૃત્ત’ તો તેણે આ પછી ઘણે વર્ષે આપ્યો ‘અલંકારપ્રવેશ’ અને ‘રસ-પ્રવેશ’ પણ કવિતાનો ‘ક’ ઘૂંટવાનાં આરંભનાં વર્ષોમાં રચાયા. તેણે ‘નર્મકવિતા’ના વર્ષવાર અંકોનું પ્રકાશન આરંભ્યું ૧૮૫૮થી. ‘નર્મકવિતા’નો પ્રથમ અંક પ્રકાશન પામ્યો તે પહેલાં તો આ ત્રણે ગ્રંથો પ્રગટ થઈ ચૂક્યા હતા. ‘નાયિકાવિષયપ્રવેશ’ તેણે ૧૮૬૬માં, કવિ તરીકેની સિદ્ધિના ચરમબિંદુએ પહોંચી પ્રગટ કર્યો. અહીં પણ સર્જન પહેલાં તેની સિદ્ધાંતભૂમિકા સિદ્ધ કરી લેવાની તેની ચીવટ અને પદ્ધતિનું દર્શન થાય છે. તેની સર્જકતાની સૈદ્ધાંતિક ભૂમિકામાં કેવળ ભારતીય મીમાંસા નથી. તેની કાવ્યવિભાવના પશ્ચિમના સાહિત્ય અને તેના સંપ્રત્યયોથી પરિમાર્જિત થઈ હતી. અહીં પણ તે પાશ્ચાત્ય અને ભારતીય કાવ્ય-સંપ્રત્યયોનો સમન્વય કરીને સિદ્ધાંતનિરૂપણના ‘કવિ અને કવિતા’ જેવા વિષયના નિબંધો તો લખે જ છે. કવિતા માણસની અંદર છે; ભાષા, રંગ, આકાર એ સર્વ કવિતાની બાબતો અને કવિતા લખવાનાં સાધન છે એમ તે કહે છે ત્યારે આકૃતિ અને અંતસ્તત્ત્વની તેની સમજ સ્પષ્ટ છે તેનો ખ્યાલ આવે છે. કવિતા વિશેનો તેનો અભિગમ હેઝિ્લટ અને કંઈક અંશે વડ્ર્ઝવર્થથી પ્રભાવિત છે. ઊર્મિને તે ‘જોસ્સો’ અને કલ્પનાને ‘તર્ક’ કહે છે ત્યાં તેના વડે ઘડાઈ રહેલી કાવ્યની પરિભાષાની, આરંભકાળે સર્વત્ર હોય તેવી, મર્યાદા છે, સમજણની અપૂર્ણતા નથી. હેઝ્લિટની passon સંજ્ઞા સાથે વડ્ર્ઝવર્થની વ્યાખ્યાનો spontaneous overflow of powerful feelings એ વાક્યખંડ જોડાઈ જતાં તેના વિચારમાં ‘જોસ્સો’ દૃઢ થઈ ગયો છે. imagination માટે તે ‘કલ્પના’ને બદલે ‘તર્ક’ સંજ્ઞા ભલે યોજે, તેને તે ‘ચિત્ર પાડવાની શક્તિ’ તરીકે વર્ણવે છે ત્યારે તેની સમજણ તો સાચી જ છે એ વિશે સંદેહ રહેતો નથી. ‘જોસ્સો’ શબ્દ આ તબક્કે નિર્ણાયક એટલા માટે છે કે તે કવિતાને, દલપતશૈલીની શબ્દચમત્કૃતિ જ તેનું જીવાતુભૂત તત્ત્વ છે તેવી માન્યતામાંથી મુક્ત કરી આપે છે. Sentimental poetryને તે ‘લાગણીના ઊભરા’નું કાવ્ય કહે છે ત્યાં ‘જોસ્સો’ તે જ લાગણી, ઊર્મિ એ સમજણ વિશદ બનતી જણાય છે. ‘કવિતાની જણતી તર્કબુદ્ધિ છે’ એમ તે કહે છે ત્યાં પણ હેઝ્લિટના કવિતા વિચારની – it is strictly the language of imagination – ચર્વણા છે. ‘વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા’ અથવા ‘...સૂચના(વ્યંગ્ય)માંથી ઉત્પન્ન થતો આનંદ દુર્લબ્ધ...’ એમ કહીને તે શબ્દ મુખ્ય રચના કરતાં રસ અને ધ્વનિ જેનું પ્રાણતત્ત્વ છે તેવા કાવ્યનું ગૌરવ કરે છે. ‘કવિતાનું મુખ્ય તાકવું આનંદ તરફ છે.’ એમ કહીને તે સ્વકાલીન ઉપદેશહેતુક કવિતાનું ઊતરતાપણું દાખવી દે છે. કવિતાના કાર્ય વિશેની તેની દૃષ્ટિ સાંપ્રતની પાર જોનારી હતી. તે કહે છે : ‘કવિતાના બે ગુણ છે.’ વર્તમાનકાળની જ વાત સૂક્ષ્મ નજરથી જોય છે એટલું જ નહિ, તેની ખોડ બતાવી નવી સૂચના બતાવે છે; એટલું જ નહિ પણ વર્તમાનને જોઈને ભવિષ્ય ચીતરે છે.’ કવિતા વાસ્તવથી વિશેષ છે, ક્રાન્તદર્શી છે તેવો પ્રત્યય ફરી દૃઢ થતો આવે છે. ‘જે અલાપવાળું એટલે ખાલી ગાયન છે તે સાધારણ અર્થવાળી કવિતા કહેવાય ને વિચારવાળું (ભરેલું) ગાયન તે તો કવિતા છે જ’ અને ‘રાગ એ કવિતા નથી’ એમ કહીને તેણે લાગણીના કેવળ ઊભરાની રચનાને ઊતરતા ક્રમે દર્શાવી છે. બળવંતરાયે ‘કેકારવ’ની પોચટ આંસુ સારતી કવિતા સામે વિચારપ્રધાન કવિતાનો આદર કર્યો, તે પહેલાં નર્મદે દલપતરામની રાગપ્રધાન અને ગુણીભૂત અર્થની કવિતા સામે વિચારગર્ભ કવિતાનું ગૌરવ કર્યું છે. જોકે તેણે પોતેય ‘નિશામાં’ને ‘ઉભરામાં’ અનેક પદો લખ્યાં છે અને તે પ્રકારની નોંધ પણ કરવાનું તે ચૂક્યો નથી. કવિતાના વસ્તુવિષયની તેની વિભાવના પણ હેઝ્લિટથી પ્રભાવિત હતી, તેથી તે કુદરત સંબંધી વિચારની પ્રૌઢતા, પ્રબળ કલ્પનાશક્તિ, ઉત્કટ પ્રણયસંવેગ, ઈશ્વરી સૌન્દર્ય વિશે રસજ્ઞાનની ઉત્કંઠા, મનુષ્યહૃદયનાં વિવિધ સંચલનોનું જ્ઞાન અને સુન્દર, મહત્ તથા ગંભીરને આલેખનારો કવિ જ ઉત્તમ ગણાય એમ માનતો થયો હતો. આને કારણે તત્કાલીન પારંપરિક કવિતાના વિષયો ઉપરાંત તેની કવિતામાં સમાજવાસ્તવ, શૌર્ય, પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વરી લીલાનો અનુરાગ પ્રધાનપણે વ્યક્ત થયો છે. આમ સર્જકતા વિશેનો તેનો સંપ્રત્યય પૂર્ણપણે aesthetic અભિગમથી કેળવાયો છે. તેની પ્રતિભા તેથી જ સુન્દરને અને શિવને પામવા પ્રયત્નશીલ છે. તેનું સુન્દર અને શિવ વ્યક્તિલક્ષી નથી, સમષ્ટિનેય આવરી લે છે. તેથી તેની રચનાઓ કેવળ આત્મલક્ષી નથી, વસ્તુલક્ષી પણ છે.
□
જે સમયે વિચારગર્ભ નિબંધો પણ પદ્યમાં લખાતા અને નર્મદે પોતે પણ એવા નિબંધો લખ્યા છે ત્યારે પ્રતાપરુદ્રનું વિધાન ટાંકીને ‘કવિતા ગદ્યને વિશે પણ હોય’ એમ કહેનાર અને આજની કસોટીએ પણ ઉત્તમ ઠરે એેવો ગદ્યકવિતાનો ઉન્મેષ પ્રગટાવનાર પણ તે જ છે. તુલનાત્મક રીતે જોઈએ તો નર્મદનો સર્જકવિશેષ કવિતામાં, તો ચિંતકવિશેષ ગદ્યમાં પ્રગટ્યો છે. કવિ કરતાં ગદ્યકાર તરીકે તેનું પ્રદાન વિશેષ મૂલ્યવાન છે. નર્મદમાંના વિચારપુરુષ અને સર્જકપુરુષ નોખા તો ન જ પાડી શકાય એ રીતે તે તેના બંને પ્રકારના વાઙ્મયમાં પ્રગટ થયા છે. તેના નિબંધોમાં જે સર્જકતા પ્રગટી છે તે મુખ્યત્વે શૈલીની. કેટલાંક દૃષ્ટાંતોમાં સંવેદન અને શૈલીની સર્જકતા પણ છે. લલિત નિબંધોનો પ્રકાર પુરસ્કારનાર નર્મદ હતો. દલપતરામે ‘કાવ્યદોહન’નું સંપાદન કર્યું ત્યારે તેમાંની કનિષ્ઠ રચનાઓ જોઈ નર્મદે પુણ્યપ્રકોપથી ‘ગુજરાતી કવિતા’ શીર્ષકથી તેનું ‘વિવેચન’ કર્યું તે નવલરામનાં આ પ્રકારનાં વ્યંગ્ય-વિવેચનો પર પણ સરસાઈ મેળવે છે. તેમાંનો આ ફકરો વાંચો : “પટારા ઉઘાડયા ને ગુજરાતી ભાષાનાં પુસ્તકો બાહાર નિકળ્યાં, ને તેમાંથી હાલ કાવ્યદોહન નામનું પુસ્તક છપાઈ બાહાર પડ્યું છે. એ કાવ્યદોહન ગુજરાતી કવિતારૂપ છાસમાંથી કાડેલું માખણ છે. કાવ્યદોહનમાં આપેલા નમુના, કવિયોની સરસ કવિતાના નમુના છે, તો ગુજરાતી ભાષાની ઘણી સારી કવિતા પટારામાં પાછી બંધ પડી ઊંધાઈથી ખવાઈ જાય તો સારું; અથવા સરૈયા ગાંધીને દુકાને વેચાઈ જાય તો સારું; અને કાવ્યદોહનમાં આપેલા નમુના, કાવ્યદોહન નામ આપનાર અને કાવ્યદોહન કરનારની કાવ્યવિવેચન શક્તિના નમુના હોય, તારે તો જુની ગુજરાતી કવિતાનો દોષ નહિ પણ દોષ આપણા પોતાની મેળે કહેવડાવતા અથવા મૂરખાઓએ માનેલા, અથવા ગરીબને વધારવા સારુ કેટલાક અંગ્રેજોએ તતુડી ફુંકેલી તેથી કહેવાતા ગુજરાતના કવિશ્વર દલપતરામજી ડાહ્યાભાઈજીનો, અને થોડો ઘણો સરકારનો જે બે ત્રણ અંગ્રેજોની ભલામણ ઉપરથી પુરતી તપાસ કરયાવના રૂપીયા આપી મી. હોપની સાત ચોપડીને સારુ નવી કવિતા કરાવી અને કાવ્યદોહન કરાવ્યું અને વળી એક નવું કરાવે છે...” નર્મદે કેવળ દલપતરામ તરફની ઈર્ષ્યાથી આવું લખ્યું છે એમ નથી. અહીં તો સરકારની પણ ટીકા છે. તે ચમરબંધીની પણ શેહ ન રાખનાર નર્મદ એમ ને એમ તો નથી જ કરતો એમ કાવ્યદોહનના ગ્રંથો જોતાં નિઃશંક થાય છે. નવલરામે પણ આવો જ વ્યંગ્યલેખ દલપતરામ માટે લખ્યો છે — ‘જનાવરને સંસ્કૃત કર્યું’. તેની સાથે આ ફકરાની શૈલી સરખાવો. બંને લેખો વ્યંગ્યાત્મક વિવેચનના છે અને તેમાં શૈલીગત સર્જનાત્મકતાનો ગુણ છે. હવે ગંભીર અને વિધાયક વિવેચનમાં પ્રગટેલા શૈલીગત સર્જક અંશનું અવલોકન કરીએ. ‘નર્મકોશ’માં ‘ગુજરાતી ભાષા’ શીર્ષકનો પ્રાસ્તાવિક લેખ તેણે શાસ્ત્રીય અભિગમથી લખ્યો છે. તેમાં હેમચન્દ્રના સમયની અને તે પછીની ગુજરાતી ભાષાની ભૂમિકાઓનો પરિચય તે ભિન્ન ભિન્ન ગુણોથી સંપન્ન કુંવરીઓના રૂપકથી આપે છે.
અપભ્રંશ કાળની ગુજરાતી :
‘તે એકવડી, કરુણ કાઠીની ને તે પ્રમાણે જ લામ્બી, કંઈ એક થડ્ડાયેલી તથા ઢેકાઢૈયાવાળી પણ વળી કહીં કુમળી તથા સરળ, વર્ણે શ્યામ અને કુળમર્જાદ સાચવતાં સ્વતંત્ર વર્તનારી એવી ભિલ્લ રાજકુંઅરી સરિખી સોહઈ.’
નરસિંહ સમયની ગુજરાતી :
‘મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસરિત અંગની, ઠાવકી, લાડકી, કુમળી ને વર્ણે ભૂરી લીસી તેજી મારતી જેવી ગુરૂઅણ કુંવરી સોહી રૂઅડલી હરિગુણ ગાતી પ્રભાતસમે.’
પ્રેમાનંદ–શામળના સમયની ગુજરાતી :
‘મુગલાઈના ઉત્કર્ષકાળમાં ભાષા એકવડી પણ ભરાવ પણ કહીં કુમળી ને કહીં કઠણ એવી કાઠીની, ઘઉંવર્ણી કંઈક તેજસ્વી એવી, ઉજમાળી ને હોંસીલી, શકે વિપ્રતનયા મગ્ન રસમાં કથા કહેતી સોહંત.’
દયારામ અને સ્વામીનારાયણી કવિઓના સમયની ગુજરાતી :
‘એ સૈકાની ભાષા એકવડી કાઠીની પણ જરા ઠંસાએલી ભરેલી કુમળી ઘઉંવર્ણી કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાંથી સજેલી જેવી, ગાતી પરબ્રહ્મ જે શ્યામને કન્યા નાગરી શોભે.’ આ રૂપકો કેવળ શૈલીસુખ માટે નથી. નર્મદે જે તે સમયની ભાષાનાં લક્ષણો, સાહિત્ય આદિની ચર્ચા તત્કાલીન રાજકીય આદિ સંદર્ભમાં કરીને આ રૂપકો યોજ્યાં છે. દરેક રૂપકના અંતનું વાક્ય જે તે સમયની ભાષાનો વળોટ પણ પ્રગટ કરે છે. ભાષાના ઉત્તરોત્તર સંસ્કારવર્ધનને આલેખવામાં, શોધકાર્યની સાથે ભાષાગત સર્જકતાનો વિનિયોગ કરવામાં નર્મદ અનન્ય છે. ભાષા-સાહિત્યના વિવેચનમાં જ તેની શૈલી સર્જકતાનો ગુણવિશેષ દાખવે છે એવું નથી. ‘સંપ’ વિશેના નિબંધમાં તેણે સંપને ગૌરવર્ણના, બેઠી દડીના પણ પહેલવાન બાંધાના, મધ્યમ દેહયષ્ટિના, પહોળા સીનાના, તેજસ્વી અને તીક્ષ્ણ દૃષ્ટિવાળા, કર્તવ્યશીલ, કાર્યતત્પર, નિત્યસ્મિત, વિચારશીલ વીર ધીર પુરુષ તરીકે કલ્પ્યો છે તે આખો રૂપક લેખ પણ નિબંધમાં નીખરતી તેની સર્જકતાનું નોંધપાત્ર દૃષ્ટાંત છે. આ રૂપકમાં તેણે જે બાહ્ય આકાર-રેખા આંકી છે અને તેને વિશે જે ગુણસંભાર આરોપ્યો છે તે નર્મદે પોતાના ઉપરથી તો નહિ કલ્પ્યો હોય ને? સંવેદન અને શૈલી બંનેના સમન્વયથી નર્મદની કલમ dramatic monologue પ્રકારનું કેવું અપ્રતિમ ગદ્યકાવ્ય નિપજાવે છે તેનું ઉત્તમ દૃષ્ટાંત ‘સુરતની મુખતેસર હકીકત’માં છે. સુરત કેવું હતું ને કેવું થઈ ગયું – આસમાનીસુલતાનીના આઘાતો સહેતાં – તે વર્ણવતાં કવિ કહે છે : ‘અરેરે ખીલેલાં કમળ સરખું તે કિલ્લાનું મેદાન, આરસ જેવા ઓપતા તે ઓવારા, માણેકના ચોક જેવી તે મુગલીસરાહ ને નંગમાળ જેવું નાણાવટ, ચાંદ જેવું તે ચૌટું, રસે રાતો કસુંબા જેવો તે રહિયા સોનીનો ચકલો, બામદાદના રંગ જેવી તે બહરાનપુરી ભાગળ ને ગોકુળ જેવું તે ગોપીપરું ક્યાં ક્યાં ઊડી ગયા!... અફસોસ!’ ‘મારી હકીકત’માં પણ જ્યાં ઘટનાનું નિરૂપણ છે ત્યાં કવિની સર્જકતાને ઠીક મોકળાશ મળી છે. વિરામ ૩, ૪ અને ૫ માં આનાં દૃષ્ટાંતો છે. આમ નર્મદે અર્વાચીન ગુજરાતી ગદ્યનું માત્ર નવપ્રસ્થાન જ ન કર્યું, ઉપયોગી, શાસ્ત્રીય ગદ્ય અને નાગર – aesthetic – ગદ્ય બંનેના ઉત્તમ નમૂનાઓ પણ આપ્યા.
□
નર્મદની સર્જકતાનો સૌથી પ્રબળ આવિષ્કાર તેની કવિતામાં છે. ૧૮૫૦ પછીના ગુજરાતી કવિઓમાં, દલપતરામને બાદ કરતાં, બહુલ, વિપુલ કાવ્યસર્જનમાં તેની સાથે બેસી શકે એેવો કવિ કોઈ નથી. ૧૮૮૮ની આવૃત્તિ અનુસાર ડિમાઈ ૯૭૦ પૃષ્ઠોની તેની ૫૫૦ (લગભગ) પદ્યરચનાઓમાંથી શુદ્ધ અને ઊંચી ઇયત્તાવાળી રચનાઓ ત્રીજા ભાગથી વધારે નથી. પરંતુ આ સમયે જે રીતિનાં અને વિષયનાં કાવ્યો દલપતરામ જેવા કવિવર અને ઇતર કવિઓ રચતા તેનાથી ઊતરતી પદરચના તો આ ૫૫૦માંથી એકેય નથી. તેના સમયની સરેરાશ કવિતાથી નર્મદની સરેરાશ કવિતા અવશ્ય ઊંચી છે. આજના માપદંડે તે થોડી ઊણી ઊતરે, પરંતુ ઐતિહાસિક મૂલ્યવત્તાએ, સામાજિક અને સાહિત્યિક સંદર્ભે, તેની પ્રત્યેક રચનાની એક અથવા બીજી પ્રસ્તુતતા છે. તેની સર્જકતાનું મૂલ્યાંકન કરવા માટે વસ્તુવિષય, રીતિ ઉપરાંત સામયિકતાનો સંદર્ભ પણ મહત્ત્વનો છે. કવિતા લખવા માંડ્યા પછી ત્રીજા વર્ષથી તેણે નર્મકવિતા, અંક ૧, ૨, ૩, એમ કુલ દશ અંકોમાં, બે વર્ષમાં (૧૮૫૮-૬૦) પ્રગટ કરી. તે પછી ૧૮૬૨, ૧૮૬૩ અને ૧૮૬૪માં નર્મકવિતા પુ. ૧, ૨, ૩માં તે સંકલિત કરી પ્રકાશિત કરી. આ ત્રણ પુસ્તકોને ‘નર્મકવિતા’ની પ્રથમ આવૃત્તિ ગણવામાં આવે છે. આ પછી ૧૮૬૬માં નર્મદે બધી કવિતાનું સંકલન કરી, કાવ્યોની પાદટીપ લખી, બેવડા ડિમાઈ ૪૪૦ પૃષ્ઠોમાં (જેમાં તેનાં કાવ્યશાસ્ત્રસંબંધી પુસ્તકો પણ આવી જાય) બીજી આવૃત્તિ તરીકે પ્રકાશન કર્યું. નર્મદના જીવનકાળ દરમ્યાન પ્રકાશિત આ છેલ્લી આવૃત્તિ, જેમાં માત્ર અગિયાર વર્ષનાં જ કાવ્યો સંપાદિત થયાં છે. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ વિશેનો નવલરામનો લેખ આ આવૃત્તિને અનુલક્ષીને લખાયેલો. આ પછી તે ઓગણીશ વર્ષ જીવ્યો. તે દરમ્યાન લખાયેલાં કાવ્યો ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ની ત્રીજી આવૃત્તિમાં સંપાદિત થયાં છે. આ બંને આવૃત્તિઓ સરખાવી જોતાં વિષય, સંખ્યા આદિ દૃષ્ટિએ, તેની સર્જકતાના અનુષંગમાં, કેટલાંક મહત્ત્વનાં તારણો નિષ્પન્ન થાય છે. રામનારાયણ પાઠકે (નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા પૃ. ૩, ૪, ૫.) આ બંને આવૃત્તિઓની તુલના કરી જે તારણો આપ્યાં છે તે સિવાયનાં તારણોનો આલેખ નીચે પ્રમાણે છે :
(બ) ૧૮૬૭ ફેબ્રુ. ૮૬ના ઓગણીશ વર્ષના ગાળામાં રચાયેલાં કાવ્યો : ૧૩૫ (લગભગ).}}
| વિભાગ | ૧૮૬૬ | ૧૮૮૮ |
| વીરકવિતા | ૪૮ | – |
| જ્ઞાનપૂર્વક ભક્તિ | ૭૭ | ૨૦ |
| જ્ઞાનપૂર્વક વૈરાગ્ય | ૧૫ | ૧૦ |
| જ્ઞાનપૂર્વક એકતા | ૮ | ૬ |
| ફારસી ઢબની કવિતા | ૫ | – |
| નીતિસંબંધી | ૨૫ | ૫ |
| દેશાભિમાન સંબંધી | ૭ | ૫ |
| સ્ત્રીશિક્ષણ સંબંધી | ૧૦ | ૧૧ |
| ઘરસંસાર સંબંધી | ૧૨ | – |
| મૈત્રી | ૫ | – |
| પ્રિયાની વાણી | ૩૫ | – |
| પ્રિયની વાણી | ૬૮ | ૧૯ |
| ગ્રામ અને સૃષ્ટિસૌન્દર્ય સંબંધી | ૧૧ | ૪ |
| સ્ત્રીઓને ગાવાનાં ગીત | – | ૯ |
| વિવિધ વિષય | ૬૯ | ૨૮ |
| હિંદવી ભાષા કવિતા | ૨૫ | ૩ |
| ૧૮૮૮ : પુરવણી | – | ૧૫ |
□
નર્મદ તો કવિતા માટે ever charged રહેતો હતો. કોઈ પણ ક્ષણ, કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વિષય તેને માટે કવિતાને યોગ્ય હતો. તેણે કહ્યું હતું : ‘I can write on any subject, because I see poetry in everything.’ પરંતુ ઉપરનું વિશ્લેષણ જોતાં જણાય છે કે ૧૮૫૫–૬૬નાં દશ વર્ષ દરમ્યાન કવિતાનો જેટલો ફાલ તેણે ઉતાર્યો તેથી ચોથા ભાગનો પણ પછીનાં વીશ વર્ષ દરમ્યાન તેણે ઉતાર્યો નથી. ૧૮૬૭ના આરંભે ‘વીરસિંહ’ કાવ્યની ટીપમાં તેણે નોંધ્યું છે કે તે ‘નર્મકોશ’ની તડામાર તૈયારીમાં પડી ગયેા હતો તેથી તે કાવ્યનું કામ ખોરંભે પડી ગયું હતું. નર્મદ બહુમુખી પ્રતિભાનો અને અનેકવિધ ક્ષેત્રનો તેમ પ્રવૃત્તિનો માણસ હતો. ‘નર્મકોશ’ જેવું એકાગ્રતા અને વૈજ્ઞાનિક ચોકસાઈ તેમ જ પુષ્કળ સમય માગતું કાર્ય તેનામાંના કવિને ‘અટક’ કહી દે છે. તે જ રીતે તે ઇતિહાસ અને ધર્મનાં અભ્યાસ, મનનચિંતનમાં વ્યસ્ત થાય છે ત્યારે પણ તેની કવિતાની પ્રવૃત્તિને અવરોધ થાય છે. આથી મોટું કારણ એ છે કે તેની હૃદયદ્રુતિનાં જે કારણો હતાં તેનાથી તે છિન્નસંશય પણ થયો હતો, તેથી તે વિષયની કવિતા રચવાથી તે વિમુખ થયો છે. આમ તેની સર્જકતાને પ્રેરનારાં, કુંઠિત કરનારાં કે conditioned કરનારાં પરિબળેાના પરિપ્રેક્ષ્યમાં તેનું મૂલ્યાંકન કરવું વિશેષ ઉપકારક બને છે.
□
નર્મકવિતાનો મુખ્ય વિષય સમાજસુધારો અને તેમાંય પ્રમુખ તે વિધવાનાં દુઃખો. આ વિષય પર તો તેણે તેના જીવનનો મુખ્ય જંગ ખેલ્યો – મહારાજ જદુનાથ સાથે. આ વિષય પર તેણે શાસ્ત્રોનાં અને ઇતિહાસ-પુરાણનાં પ્રમાણો આપી પુનર્લગ્નને ધર્મ્ય અને ન્યાય્ય ઠેરવ્યું તેમ વિધવાઓ તરફ સહાનુભૂતિ દાખવી, બે વિધવાઓને આશ્રય આપી ઉપદેશ અને આચાર વચ્ચેની ભેદરેખાય ભૂંસી. આ હતો તેનો સમાજધર્મ અને કરુણાધર્મ. આ કરુણાધર્મ તેને વિધવાની વેદના સાથે સમવેદન પ્રેરે છે જેમાંથી તેનાં ‘વૈધવ્યચિત્ર’ જેવાં કાવ્યો અને ‘તુલજી વૈધવ્યચિત્ર-સંવાદ’ જેવી નાટ્યકલ્પ વિડંબિકાઓ આવે છે. નિબંધોમાં વિધવા પર ગુજરતા ત્રાસનું જે વર્ણન આવે છે તેવું જ આ પ્રકારનાં કાવ્યોમાં પણ છે. બાળવિધવા યુવાની જાગતાં આડે માર્ગે જાય, સગર્ભા બને, ગર્ભપાત કરાવાય, તેમ ન થાય તો બાળકનો જન્મ થતાં તેને ગળાચીપ દેવાય – એ પ્રકારનાં વર્ણનોમાં અશ્લીલતા આવે, બીભત્સતા આવે, દલીલબાજી આવે તે બધાનું ધ્યેય એક જ – સમાજમાં અરેરાટી ઊભી કરી, વિધવા પ્રત્યે અનુકંપા જન્માવી વિધવાલગ્નની છૂટ અપાવવી. નિબંધોમાં પણ તે આ જ પ્રકારનો ઉપક્રમ યોજે છે. તે સંદર્ભમાં આ હેતુલક્ષી કાવ્યો, ગાંધીયુગના અગ્રણી કવિઓનાં કાવ્યો વિશે પણ કહેવાયું છે તેવાં, પદ્યનિબંધો બંને છે. આ પ્રકારની રચનાઓ કેવળ નિબંધ બનતાં બચી ગઈ છે એમાંની કલ્પનાશીલતાથી અને કાવ્યસહજ કલ્પનો, પ્રતીકો આદિથી. ‘વૈધવ્યચિત્ર’ કાવ્યના બીજા ભાગમાં ‘પિયુ એકલડો ક્યમ કીધો સ્વર્ગવાસ’ અને ‘વિધવાવ્રેહ’ જેવાં પદો કાવ્યગુણે સંપન્ન છે. પોતાની સખીઓ ઉમંગથી વરની સંગે રંગે રમે અને પોતાની કર્મની આરસી ફૂટી ગઈ તેનો નાયિકાનો વિષાદ પહેલા પદમાં છે. પિયુ વિના ચૈતન્ય-શૂન્ય મડા જેવી સ્થિતિ ભોગવતી અબળા નિઃશ્વાસપૂર્વક કહે છે :
નંગ જોબનનું નંદવ્યું તેં રે કારમું,
દેહ પ્રત્યક્ષ તે સ્વપ્નાવત વહી જાય જો,
પિયુ વિના પ્રીતે હું વહાલા ક્યાં રમું,
જંપ નહિ કંઈ દહાડે રાતે હાય જો.
બીજા પદમાં પતિસુખને પોપટનું રૂપક આપતાં નાયિકા કહે છે :
પોપટ બેઠો બારીએ, સાહેલી રે,
દેખી હું દોડી ઝટ્ટ બની બહુ ઘેલી રે;
ઝડપતાં હું ચૂકી ખરે, સાહેલી રે,
ભાંયે પડી હું ભટ્ટ કર સુખ હેલી રે.
પોપટ તો ઊડી ગયો, સાહેલી રે,
ઊઠો રંગીલો કામ, બની બહુ ઘેલી રે;
જોતાં જોતાંમાં ગયો, સાહેલી રે,
હાથ ઘસી રહી આમ કર સાહેલી રે.
જે કામ નર્મદના નિબંધોએ ન કર્યું તે આ ‘વૈધવ્યચિત્ર’ કાવ્યે કર્યું. નવલરામે નોંધ્યું છે તેમ, ‘આ વૈધવ્યચિત્રે દેશમાં હોહા કરી મૂકી, સુધારાપક્ષ બહુ જોર પર આવ્યો ને જૂના પક્ષને લાગ્યું કે આ કોઈ સમર્થ પુરુષ સામો આવ્યો છે. આ વખતથી કવિની કીર્તિ અંગ્રેજી ભણેલા ને સુધારાવાળાની હદમાંથી બહાર નીકળી સામાન્ય લોકોમાં પ્રસરી.’ કવિની સર્ગશક્તિને આથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે? Uncle Tom’s Cabin નવલકથાએ નિગ્રો ગુલામો માટે જે કામ કર્યું હતું તે વિધવા-પ્રશ્ન-સંદર્ભે આ કાવ્યે કર્યું. કવિએ પોતે જ જેને ‘સુધારાનું બાઇબલ’ કહ્યું હતું તે ‘હિન્દુઓની પડતી’, ૧૫૦૦ પંક્તિનું, મહાકાવ્યની હેસિયત કેળવવા મથતું મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે. કાવ્યના પ્રથમ ભાગમાં વિદ્યા, ધર્મ, રૂઢિ, વહેમ, દેશી રજવાડાં, પરદેશી રાજ્ય, નીતિ એમ ભિન્નભિન્ન ક્ષેત્રોમાં આ દેશની અને સમાજની થયેલી પડતીનું આલેખન થયું છે. બીજા ભાગમાં પ્રારંભમાં પ્રેમશૌર્યનો મહિમા ગાઈ, હિન્દુત્વના રક્ષણ માટે ભૂતકાળમાં તેમણે કરેલાં પરાક્રમોનું વર્ણન કરી, વહેમ યવન સામેના સુધારાદિત્યના યુદ્ધમાં પોતે સેનાની બન્યો છે એમ કહી કવિ ગુજરાતની પ્રજાને શૌર્યનો મહિમા સમજાવી યુદ્ધમાં ઝંપલાવવાનું ઉદ્બોધન કરે છે. ત્રીજા ભાગમાં યુરોપ-અમેરિકાની પ્રજાએ સ્વાતંત્ર્ય રક્ષણ માટે કરેલા પ્રયાસોને બિરદાવી તેમને માર્ગે જવાનો આ પ્રદેશની જનતાને તે અનુરોધ કરે છે. આ ત્રણે ખંડના નિરૂપણમાં સામાજિક, રાજકીય, ધાર્મિક એ ત્રણે ક્ષેત્રોમાં પ્રવર્તતાં દંભ, પાખંડ, શોષણ, અન્યાય, સત્તાંધતા એમ અનેક અનિષ્ટો દર્શાવી, આદર્શ વ્યવસ્થા માટે સર્વક્ષેત્રીય સાહસનો માર્ગ તે ચીંધે છે ત્યારે એક ઇતિહાસજ્ઞ, ધર્મચિંતક, સમાજહિતવિચારક, દેશપ્રેમી એવા સંનિષ્ઠ અને નિર્ભીક વિચારપુરુષ તરીકે નર્મદનો પરિચય થાય છે. ચારણી સાહિત્યમાં યુદ્ધોત્સાહનાં કાવ્યો મળે છે તેમાં પરંપરાગત તત્ત્વો વિશેષ હૈય છે. આ કાવ્યના શૌર્યવિષયક ખંડો પરંપરાના પ્રભાવથી મુક્ત, મૌલિક, રસ અને સાહસના તેમ સ્વકીય ઇબારતના છે.
સ્વતંત્રતા ને હક્ક, ના જ ખોવા હુંપણથી
—એમ કહેતો કવિ રાજકીય સ્વાતંત્ર્ય માટે તો લડવાનું કહે જ છે. સાથે આંતરિક શત્રુઓ સામે પણ લડવાનું કહે છે. પરંતુ સર્વ પ્રકારનાં દુરિતો નિવારવા ઐક્ય અનિવાર્ય અને ઐક્યમાં રાજકીય ઐક્ય ન હોય તો બીજું વ્યર્થ છે એમ કહીને, બ્રિટિશ સરકારની પણ ઊંઘ ઉડાડી દે એવી વીરવાણી પણ તેણે આ કાવ્યમાં ઉચ્ચારી છે !
રાજ ઐક્ય વણજોર, નકામું દેશી જનનું,
કરવા સારુ ઐક્ય, પ્રેમ ને શૌર્ય ગજાવો.
નર્મદ તો ૧૮૫૭ની ક્રાન્તિનો પણ સાક્ષી હતો. તેણે તે ક્રાન્તિના વીરો નાનાસાહેબ, તાત્યા ટોપે અને ઝાંસીની રાણીની બિરદાવલી પણ આ કાવ્યમાં ગાઈ છે. ક્રાન્તિનો આ નાદ નર્મદ સિવાય આ સમયના કયા કવિએ ઉચ્ચાર્યો હતો? જગતભરનાં સ્વાતંત્ર્યયુદ્ધોનો ખ્યાલ આપી પ્રજાને વહેમ અને દાસત્વ સામેના યુદ્ધમાં કયા કવિએ પ્રેરી હતી? વહેમ અને દાસત્વનો અંધકાર ટળી નવજાગૃતિના પ્રભાવનું સુમંગલ સ્વપ્ન આ સમયના કયા કવિએ સેવ્યું હતું? સ્ત્રીઓ સમાન હક ભોગવશે, વિદ્યાકળા-ઉદ્યમો વિકસશે, ધન-સંપત્તિ આવશે, બાળલગ્ન નહિ – સ્વયંવર-લગ્નો થશે, દેશીજનો પરદેશ જશે, જાતિભેદ ટળશે, પાખંડી પંથ જશે અને પ્રજામાં એક ધર્મ પ્રવર્તશે ત્યારે –
દિવસ હતો છે રાત, વળી પાછો દી ઊગશે;
તનમનધનબળ તેહ, ફરીથી બહાર નીકળશે
.
—આવું એક ઊજળું ભાવચિત્ર કવિએ પ્રજા સમક્ષ મૂક્યું છે. મૂર્છિત પ્રજાને તે ભાનમાં લાવવા આશા રૂપી જડીબુટ્ટી સૂંઘાડે છે અને ઉદ્યમનું અનુપાન આપે છે. કવિએ આ દેશના ધર્મ, ઇતિહાસ અને સમાજને આવરી લઈ, વિશ્વના દેશોના સંદર્ભમાં તેનાં અતીત અને વર્તમાનને પરીક્ષી તેમાં પરમ ચૈતન્યની જે ઝંખના કરી છે તે પંડિત યુગ અને ગાંધી યુગના સાહિત્ય માટે ભૂમિકા રચી આપે છે. વહેમ યવન સામે સુધારાદિત્યના યુદ્ધનું રૂપક આ સમગ્ર કાવ્યને રૂપકકાવ્ય નથી બનાવતું તોયે એક વ્યાપક અલંકાર તરીકે તે રૂપક ઉપકારક તો બન્યું છે. ભાષાનો ઓજસ ગુણ ગુજરાતી કવિતામાં ‘કાન્હ્ડદે પ્રબંધ’ અને ‘રણયજ્ઞ’ પછી પહેલી વાર આ કવિતામાં પ્રગટ્યો છે. આ કાવ્ય લખતાં ત્રણ વર્ષ થયાં હતાં તે દર્શાવે છે કે એક જ ‘જોસ્સા’માં આ અને આ પ્રકારનાં કાવ્યો લખાયાં નથી. આ ઓજસ ગુણ તેની વીરકવિતામાં અને રાષ્ટ્રભાવનાનાં કાવ્યોમાં પણ છે. ‘હિન્દુઓની પડતી’ જેવાં કાવ્યોમાં કવિનો વિશ્વના દેશોના સ્વાતંત્ર્યસંઘર્ષના ઇતિહાસનો અભ્યાસ અછતો રહેતો નથી. એ અભ્યાસે તેને પ્રખર રાષ્ટ્રવાદી બનાવ્યો હતો. તે તો સશસ્ત્ર ક્રાન્તિનો પણ હિમાયતી હતો. કંપની સરકારે પ્રજા પાસેથી શસ્ત્રો લઈ લીધાં તેને ‘પુરુષપણું હરી લીધું’ એ રીતે વર્ણવે છે અને કહે છે :
શસ્ત્ર ને સ્વતંત્રતા ન હેાય માનવી કને,
ઢેર પે જોરવાન મારશે કજોરને.
બીજા એક પદમાં તે કહે છે :
સર્વસ ખોયું છતે પણ આપણ, પુરુષ વળી કહેવાતા;
શસ્ત્ર આપી દીધાથી વૃંદલ બન્યા છ પાટુ ખાતા.
ગુલામી અવસ્થાને ધિક્કારતાં તે ઉદ્ગારે છે :
ધિઃક ધિઃક દાસપણું દાસપણું;
બળ્યું તમારું શાણપણું...
....
કાયર થઈ અરિને નવ મળતાં, દાસપણામાં મરવું?
.....
સ્વતંત્રતા જળ હલકાં મીઠાં, દાસ્યનાં ભારી ચરકાં.
‘કરેંગે યા મરેંગે’ની હાકલ નર્મદે આ પંક્તિઓમાં કરી છે :
કાં તો મરવું કાં તો લડવું, હવે જીવવું ભૂંડું,
અથવા
ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું,
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
ન્હાનાલાલનો યુદ્ધટંકાર ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ – નર્મદની આ પંક્તિઓમાં પૂર્વોચ્ચાર પામ્યો છે :
જુદ્ધ જુદ્ધ જુદ્વ હવે નથી ઉપાય બીજો.
પ્રિયતમાએ પણ પ્રિયને ‘પ્રેમમસ્ત’ થવાને બદલે ‘જંગમસ્ત’ થવા પ્રેરવો જોઈએ અને પ્રિયતમે પણ સંકલ્પ કરવો જોઈએ :
સમરપંથ સમરપંથ લક્ષવો હવે,
એ જ છે નિર્માણપંથ બક્ષવો હવે.
‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’; ‘મહેબૂબની બગલ તજીને જંગ-શું કર યારી’; ‘ઘાયલ જંગી હો, રણમાં જીત દીસેજી’ એ બધાં પદોમાં જે યુદ્ધહાક છે તે જેટલી રાજકીય સ્વાતંત્ર્ય માટેની છે એટલી જ સામાજિક અને આર્થિક શોષણ સામેની પણ છે. રાષ્ટ્રવાદનો પહેલો ગાયક નર્મદ આ ત્રણે પ્રકારનાં સ્વાતંત્ર્ય વિના સાચું સ્વાતંત્ર્ય નથી એ સમજતો હતો. તેની રાષ્ટ્રભાવના ઉદાર અને મુસલમાનો, પારસીઓ આદિને પણ સમાન હક આપનારી હતી. ‘વજેસંગ અને ચાંદબા’ કાવ્યમાં તે નાયકને હિન્દુ અને નાયિકાને મુસલમાન કલ્પે છે તેમાં તેની કેવળ ધર્મસહિષ્ણુતા જ નહિ, ધર્મસમન્વયની ભાવના વ્યક્ત થઈ છે. ‘ગુજરાત કોની કોની’ એ કાવ્ય કવિની રાષ્ટ્રીયતા કેવળ ગુજરાત પૂરતી અથવા હિન્દુત્વ પૂરતી હતી તે આક્ષેપનો ઉચ્છેદ કરવા પર્યાપ્ત છે. આ કાવ્યો અને કવિની ‘આપણી દેશજનતા’, ‘સ્વદેશાભિમાન’, ‘ગુજરાતીઓની સ્થિતિ’ જેવા નિબંધો સાથે સાથે વાંચીએ તો સમાજ-સુધારાવિષયક નિબંધો અને કાવ્યો વચ્ચે અનુબંધની જે તરેહ છે તે આ વિષયમાં પણ સ્પષ્ટ થશે. આ સંદર્ભમાં ૧૮૬૬ અને ૧૮૮૮ની આવૃત્તિઓનું તારણ કશુંક મહત્ત્વનું સૂચવે છે. ૧૮૬૬ પછી પુનર્લગ્ન જેવા સમાજ-સુધારાના વિષયો પર કે રાષ્ટ્રભાવનાવિષયક વીરકાવ્યો રચાયાં નથી. તેમ ‘નર્મગદ્ય’માં પણ આ વિષયના નિબંધો આ સાલ પછી ઓછા લખાયા છે. કવિમાં વિચારપરિવર્તન આરંભાયું છે તેનો સ્પષ્ટ અણસાર અહીં મળે છે. ‘નર્મગદ્ય’ની ૧૮૬૫ની આવૃત્તિના આરંભે પોતાનાં ગદ્યલખાણોમાંના વિચારોની સ્વસ્થતા અંગે તેણે પોતે જ શંકા દર્શાવી હતી : ‘એ લખાણ, પ્રસંગના જોસ્સાઓની નિશાની છે માટે એમાંના વિચારોને ચોમાસાનું ડહોળાયેલું પાણી સમજવું – અલબત્ત થોડાં વરસ પછી (ફેરફાર સાથે છપાય તો) એ વિચારો શરદઋતુનાં પાણી જેવાં થાય ખરાં.’ જે તેણે આ વિષયના નિબંધો માટે કહ્યું તે તદ્વિષયક કાવ્યો માટે પણ તેનું મંતવ્ય છે એમ માનવું તાર્કિક છે. આ વિષયોનાં કાવ્યો રચાતાં બંધ થયાં તેનું કારણ પણ આ જ. ‘રણ તો ધીરાનું, ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું’ એ કાવ્યનો tone બદલાયો છે તે પણ કવિના બદલાયેલા અભિગમનો જ દ્યોતક છે. આ કાવ્ય ૧૮૬૬ની આવૃત્તિમાં છે, તે દર્શાવે છે કે કવિનો આજ સુધીનો તારસ્વર ૧૮૬૬થી જ મન્દ્ર અને મન્દ થવા માંડ્યો હતો. નવલરામે નોંધ્યું છે તેમ ૧૮૬૫–૬૬ થી કવિની વિચારણામાં ‘ચિદ્ભાગ અને કાળ કે યોગબળ રૂપે પ્રારબ્ધ દાખલ થવા લાગ્યું’ હતું. ઇતિહાસ અને ધર્મના ઊંડા અભ્યાસ પછી કાળમાહાત્મ્યનો તેણે સ્વીકાર કર્યો. તેના સુફલ રૂપે ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ના લેખોની ભૂમિકા ૧૮૭૦–૭૪માં તૈયાર થઈ. પરંતુ તે પહેલાંથી, ૧૮૬૫થી જ તે નષ્ટમોહ થવા માંડ્યો હતો. સુધારાવિષયક વિચારોમાં તે અંતિમમાર્ગી રહ્યો ન હતો અને રાષ્ટ્રવાદ મોળો પડ્યો ન હતો છતાં ધર્મવાદ વિશેષ સપરાણો બન્યો હતો. પુરુષાર્થદ્યોતક વીરહાકને સ્થાને પ્રારબ્ધાભિમુખી અને ઈશકેન્દ્રી ધીરવાણી પ્રગટવા માંડી હતી. છતાં નોંધવું જોેઈએ કે ગુજરાતભક્તિનાં તેનાં ઉત્તમ કાવ્યો ‘ઉઠો રે ગુજરાત પુત્ર’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત?’ અને ‘જુઓ જુઓ ગુજરાતી’ ૧૮૬૬ પછી લખાયાં છે. ગુજરાતની અસ્મિતાનું ગૌરવ તેના પરિવર્તનકાળમાં પણ લવલેશ લંછાયું નથી. રાધાકૃષ્ણનાં ઓઠાં વિના જાતીય વૃત્તિના ઉદ્રેકનાં કાવ્યો લખવામાં નર્મદ આજેય કદાચ અદ્વિતીય છે. ‘સ્ત્રી કવિતા ગાયન વિના, મને ન ભાવે કાંઈ’ – એમ કહેનાર નર્મદમાં પ્રબળ લિંગસંસ્કાર હતો. પોતાને સ્ત્રીની ગંધ આવે છે એમ છડેચોક કહેનારો, વાજીકરણના પાક ખાતો, નશો કરતો અને સ્ત્રીઓમાં મહાલતો, અનેક લગ્નેતર સંબંધો કેળવતો ને તે જાહેર કરતો નર્મદ ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’માં તેણે કહ્યો છે તેવો ‘કીર શૃંગારી વન તણો’ છે. અનંગના તાપથી તે સતત ધીકતો રહેતો, કહેતો પણ ખરો :
નામ મારું નર્મદ રૂડું, કહું છું સાચું,
કુળે ઊંચું ને નાગર નામ, તનડે તાવ ધીકે હો.
બહાર રંગીલો બહુ દીસતો રે, કહું છું સાચું,
રહું દાધ્યો અંતર આઠે જામ, તનડે તાવ ધીકે હો.
‘પ્રીતિ ઉજળીમાં ઝંપલાવું’ – એ તેની નિત્યની ઝંખના હતી. તે ન સંતોષાઈ માટે તેનામાં મુક્તવિહાર આવ્યો એમ મણિલાલ સાથે તેને સરખાવતાં ન કહી શકાય. મણિલાલની પત્ની તે કર્કશા અને અસંસ્કારી હતી. નર્મદને બે પત્નીઓ મળી તેમાંથી પહેલી તરફથી કંઈક અસંતોષ તેથી દામ્પત્યમાં પ્રસંગોપાત્ત અસંવાદ છતાં તેના પ્રત્યે તેને સદંતર અણગમો તો નહિ જ. બીજી પત્ની તો નામ પ્રમાણે ડાહી હતી. અને નર્મદાશંકરની બધી જોહુકમી સહન કરનારી હતી. તેના લોહીમાં ઇશ્કનો આતશ નિત્ય જલતો હતો – ‘ધમ ધમ ધમ લોહિ વેહ, ઈશકડો મ્હાલે.’ મનુષ્યની આ પ્રાકૃતિક વૃત્તિને કાવ્યનિમિત્ત બનવા ગમે તે તક, પરિસ્થિતિ, સંજોગ તેને માટે પર્યાપ્ત હતાં. તેણે આ વિષયની bedroom poems, in camera વાંચી શકાય એવી સંખ્યાબંધ રચનાઓ કરી છે. ‘ચાલતી ગાડીમાંથી એક ગૃહસ્થની એક સ્ત્રી બારીએ દીઠી’ અથવા ‘કેટલાક દોસ્તો નિશાપાણી કરી ઉજાણી જમ્યા હતા ને પછી ગાન સાંભળતા હતા એ પ્રસંગે એક દેાસ્ત’ તેના ખોળામાં સૂઈ ગયો અથવા એક ઉજાણી પ્રસંગે એક મિત્રે તેને પૂછ્યું – ‘જે વેળા સ્ત્રીપુરુષ વિલાસ કરે છે તે વેળા તેઓનાં મ્હોડાં પર કેવો રંગ બિરાજે છે તેનું તમારી કવિતામાં વર્ણન છે?’ – આવું કોઈ પણ સૂચન કે કારણ તેને માટે શૃંગાર કવિતાનો ઉદ્દીપન વિભાવ બનવા પર્યાપ્ત હતું. આ પ્રકારની તેની સંભોગ-શૃંગારની કવિતામાં ઇન્દ્રિયગમ્યતાનું તત્ત્વ પણ ઉઘાડી રીતે આવે છે. નવલરામે જેને ‘નાનું પણ પંડિત શૈલીનું મહા રસિક કાવ્ય’ અને વિશ્વનાથ ભટ્ટે જેને ‘પ્રકૃતિકાવ્ય’ કહ્યું છે તે ‘ઋતુવર્ણન’ કાવ્ય ‘મહા’ રસિક બનવા જતાં શૃંગારને સ્થાને જાતીયતાનાં વર્ણનનું, ‘પંડિત શૈલીનું’ બનવા જતાં કાલિદાસ અને ટૉમ્સનના અપક્વ અનુકરણ જેવું બની ગયું છે. આ કાવ્યનાં કેટલાંક લક્ષણો અ-પૂર્વ છે ખરાં. કવિએ નોંધ્યું છે તેમ તે સમયે ‘ગુજરાતી ભાષામાં આરંભથી અંત સુધી અક્ષરવૃત્તમાં લખેલો ગ્રંથ’ તે આ પ્રથમ જ. અર્વાચીન કવિતામાં એક પ્રવિધિગત લક્ષણ તરીકે જેની પ્રચુરતા છે તે વાતચીતની શૈલી આ કાવ્યમાં પ્રગટ થઈ છે. ઋતુકાવ્ય તરીકે પારંપરિક સ્વરૂપનું છતાં રીતિ અને રસના ઉદ્રેકથી વિશિષ્ટ આ કાવ્ય નર્મદની કવિતાના ગુણ અને દોષ બંને દર્શાવે છે. કાવ્યમાં ઉઘાડો શૃંગાર છે તેનાથી સભાન કવિ તેનો બચાવ પણ વિલક્ષણ રીતે કરે છે : ‘...કેટલાક જણ પોતાના ખભા સંકોચશે એ હું સારી પેઠે સમજું છ, હું કંઈ અવિવેકી નથી; તો પણ ગ્રંથને અપૂર્ણતાનો દોષ ન આવે તેને માટે સંસ્કૃત અને હિન્દુસ્તાની ગ્રંથોની રીત પ્રમાણે કામશાસ્ત્રના રંગો પણ મેં બતાવ્યા છે.’ નર્મદનો ‘સંપૂર્ણતા’નો ખ્યાલ ભ્રામક છે. તે કામશાસ્ત્રનો કે કાવ્યશાસ્ત્રનો ગ્રંથ લખતો નથી, કાવ્ય લખે છે. સંસ્કૃત કે વ્રજભાષામાં રતિ-શૃંગાર વ્યંગ્ય રૂપનો હોય છે જ્યારે આ કાવ્યમાં તે અભિધાની કક્ષાથી ઉપર ઊઠતો જ નથી. કવિ એક પ્રસન્ન દંપતીના વિરહને, વિપ્રલંભને આલેખે છે, નાયિકાના રતિક્રીડાનાં અપૂર્ણ અરમાનો વર્ણવે છે, તે વર્ણવતાં તેના મનોગતમાંય ઊતરે છે ત્યારે નાયિકા અને સખી વચ્ચે જેમ કોઈ પડદો રહેતો નથી તેમ નાયિકા અને કવિ અને ભાવક વચ્ચે કોઈ પડદો નથી રહેતેા. કવિનાં શૃંગારરસિક કાવ્યો અને તે કાવ્યોની પાદટીપોમાં તે કેવળ પ્રગલ્ભ નથી, pornographic inclination દાખવવાની હદે જાય છે. આ કાવ્યમાં અને બીજાં કેટલાંય પદોમાં શૃંગાર અને બીભત્સ, રસાન્વિતતા અને અશ્લીલતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે. ‘મારી હકીકત’માં પોતાને સ્ત્રીની ગંધ આવવા માંડી હતી તેવી છડેચોક જાહેરાત જે કરે તે આ નાયિકાના શયનખંડમાં પ્રવેશી તેની નાયક સાથેની અતીતરૂપ બનેલી દિનચર્યા અને સામ્પ્રતની ચર્વણરૂપ બનેલી મનોચર્યા આલેખે તેમાં કશું આશ્ચર્ય નથી. નર્મદે આ તબક્કે કોઈ સામાજિક inhibitions સ્વીકાર્યાં ન હતાં તેનું આ દૃષ્ટાંત છે. સ્વભાવોક્તિ કાવ્ય નથી એવોે કેટલાક ભારતીય આલંકારિકોનો મત આ કાવ્યના કેટલાક ખંડો માટે પ્રસ્તુત બનતો હોય તેમ જણાય છે. નર્મદનો આ sex complex તેની આ વિષયની રચનાઓને સામાન્યતયા aesthetic સ્તરે પહોંચવામાં અવરોધક નીવડે છે. તેમ છતાં કાવ્યમાં સરસતાનાં અનેક સ્થાનો છે. ઋતુઋતુના વિભાવો સાથે નાયિકાના અનુભાવોના અનુબંધ રૂપે પ્રકૃતિ અને આંતરસંવેદનના સંવાદનું તેનું નિરૂપણ ગુજરાતી કવિતામાં અપૂર્વ છે. અ-પૂર્વ એટલા માટે કે પારંપરિક ઋતુકાવ્યોમાં છે તેથી ભિન્ન કલ્પનો, રૂપકો અને રીતિના વિન્યાસો તેમાં છે. શરદઋતુજન્ય વિપ્રલંભનું વર્ણન કવિએ આ રીતે કર્યું છે :
નદિનાં સરતાં નિર થીર રહ્યાં,
મળથી છુટિ આરસ શુદ્ધ થયાં;
સઘળે સ્થિરતા જ સફાઈ થઈ,
પણ જેવિ હું તો હતિ તેવિ રહી.
દરિયો તજિ ગર્વ ધિમો જ પડ્યો,
બહુ થાકથિ વ્હાણશું ના જ નડ્યો.
સહુ બંદર કેરિ જુદાઈ મટી,
પણ જેવિ હું તો હતિ તેવિ રહી.
આ નાયિકા પ્રિયતમ વિના માણેકઠારી પૂનમ વ્યર્થ જાય છે તેનો વસવસો, ‘દૂધપૌંઆ’ ન ખાધા પૂરતો જ નથી કરતી – ‘સૂઉં માણક ઝીલવા સજિ કરી, ના ના પલંગે હરે’ — એ રીતે પોતે આપન્નસત્ત્વા ન બની શકી તેનો ધોખો વિશેષ કરે છે. પછીની પંક્તિઓથી આ પંક્તિનો વ્યંગ્ય કેવળ અભિધા બને છે તેાયે આપન્નસત્ત્વા બનવાની ઝંખના આવી પ્રગલ્ભ રીતે વ્યક્ત કરતી નાયિકાની રાહ નર્મદ પછી ઠેઠ વિનોદ જોશી સુધી જોવી પડી છે! કવિએ નાયિકાભાવનાં તેમ નાયકભાવનાં બન્ને પ્રકારનાં પદો લખ્યાં છે, જેમાંનાં ઘણાં સામાન્ય રતિભાવનાં છે. પરંતુ ‘સખી રૂઠ્યો છે આજ રસિક સામળો જો’, ‘વાંસળીની મોહની’, ‘નંદકુમાર, પૂરી હવે હું હારી રે’, ‘સજનડા શા સારું ના’વે?’ જેવાં પદો રતિભાવની પ્રાકૃતતામાંથી ઊંચાં આવ્યાં છે. ‘સખી રૂઠ્યો છે આજ રસિક સામળો જો’ એ પદ પ્રેમલક્ષણા ભક્તિની કોટિનું કાવ્ય બન્યું છે. તો ‘સજનડા શા સારું ના’વે?’ લૌકિક પ્રેમનું ચારુ પદ બન્યું છે. નર્મદ કેવળ લૌકિક પ્રેમ કે લૈંગિક સુખમાં રાચનારો નથી. ઊંચા શિવપરક પ્રેમની ઝંખના પણ તેનાં કેટલાંક પદોમાં છે :
પ્રેમ મટોડી દેહની, વળી પ્રેમ રૂપ આ જીવ,
પ્રેમ જમીને રોજ ટકે, શુદ્ધ પ્રેમ થકી બનું શિવ.
સઘળું સમજે છે સાહ્યબા, સત પ્રેમે રોજ રિબાવ,
માની લઈને રે વીનંતી, લઉ પછી સત સુખ લ્હાવ.
પ્રિયકાન્તના ‘પ્રબલ ગતિ’ના ‘તું વસ્ત્રમાં હોય છે ત્યારે’ કાવ્યમાં છે તેવા લિંગસંસ્કારવાળી અથવા આદિલ મન્સૂરી કે ગુલામમહમ્મદ શેખની છે તેવી લિંગવાદી કવિતા તેમના પહેલાં મળી તે નર્મદમાં. પરંતુ ૧૮૬૬ પછી તો તેય શૃંગાર કવિતાથી ઉન્મન થઈ ગયો હતો. ‘સત પ્રેમે રોજ રિબાવ’નો સાત્ત્વિક ઉન્મેષ ૧૮૬૬ પહેલાં પ્રગટી ચૂક્યો હતો. તે પછી રચાયેલાં ૧૯ પદોમાં પ્રીતિ છે, રતિના વિલાસનો ઉન્માદ નથી. ‘સુધારો ને સુધારાવાળા’ (૧૮૮૧) એ લેખમાં ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ભ્રષ્ટ મતિ.’ તેનો આ અભિપ્રાય કેવળ સમકાલીન યુવાનો માટે નથી, તેની પોતાની આ વિષયની કવિતા માટેય તેણે સ્વીકારી લીધો છે. તે પોતેય તેનાથી ઓચાઈ ગયો છે એમ જણાય છે. અહીં પણ જગતની સંસ્કૃતિ અને સ્વધર્મના આરંભાયેલા મનનનો પ્રભાવ જોઈ શકાય છે. ‘મૈત્રી મારે કુદરત તણી’ અથવા ‘કુદરત મારી છે માશુક’ એમ પ્રકૃતિમાંથી મિત્ર અને માશૂક બંનેની હૂંફ પામતો નર્મદ ‘ઋતુવર્ણન’ અથવા ‘વનવર્ણન’ જેવાં કાવ્યોમાં ઉદ્દીપન વિભાવ તરીકે અથવા સ્વતંત્ર વિષય તરીકે ઋતુઋતુની પ્રકૃતિનાં ચિત્રો મૌલિક કલ્પનાશીલતાથી આલેખે છે. તે સ્વભાવોક્તિ અલંકારનો કવિ છે. પરંતુ બીજા અલંકારોય તેને સહજ છે. અન્યને કવિતાયોગ્ય ન લાગતાં ઉપમાનોને પણ તે કવિતામાં લઈ આવે છે, ક્યાંક તે વરવાં લાગે છે તો ઘણે સ્થળે તે નરવાં લાગે છે. ગ્રીષ્મના આતપની અસહ્યતા વર્ણવવા ‘...ગધેડો હઠીલો ભમે ભૂંકિ રોતો...’ એમ તે કહે ત્યાં તે વિન્યાસ માણવા જેવો લાગે, તો ચોમાસાના આરંભે ‘ફડ ફડ ફફડાવે ધૂળમાં ચલ્લિ પાંખ...’ એમ તે વર્ણવે ત્યારે ત્યાં તેની અવલોકનશક્તિનો કાવ્યોચિત વિનિયોગ લાગે. કવિનાં પ્રકૃતિકાવ્યોમાં ‘કબીરવડ’ અનવદ્ય રચના છે. તેમાં ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા તેમ જ પ્રતીપની સંસૃષ્ટિનું આ દૃષ્ટાંત જુઓ :
ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધૂમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો.
તેના જટાજૂટથી શંકર પણ શરમાઈ હિમાલયમાં જઈ વસ્યા એ પ્રતીપ અલંકાર ઉપરના વર્ણનના પરમ ઉત્કર્ષ બિંદુ રૂપ છે.
નર્મદની પ્રકૃતિકવિતામાં ધરતીની સોડમ છે ને ધાન્યની ફોરમ છે. દાણાથી ફાટ ફાટ કણસલાંથી નમેલા જુવારના છોડવાઓને પૂરા દહાડાવાળી બાલા સાથે – ‘છોડો નમેલા કણથી ભરેલા ગર્ભે પૂરે કષ્ટિત જેમ બાલા’ – સરખાવે છે તેમાં અનૌચિત્ય જોવાને બદલે કલ્પનાની તાજપ કેમ ન જોવી? કૂવાની રહેંટ માટે સારંગીનું કલ્પન યોજવામાં કેટલી બધી તાજગી – freshness છે?
સુણું અટકતી ગાતી કુંજ ધીમે જ સૂરે
સરખિ મધુર ચૂં ચૂં કૂપ સારંગિ વાગે....
બાવળનેય કવિતામાં લાવવાનો યશ તે પ્રજારામને માટે અનામત રાખતો નથી.
હાં રે બાવળ ઝાડીમાંથી સૂર્ય–અસ્ત જોઈને;
હાં રે સિંદૂર રંગથી ન કેમ રહૂં મોહિને...
હાં રે રુડાં ખેતરો ખુલા તે પાસ તેડતાં;
હાં રે રંગીન બાવળો તે આંખમાં રંગ ખેલતાં.
પ્રજારામનું બાવળ કાવ્ય અહીં બેરંગ લાગે એવા તેજ રંગે ઓપ્યો છે નર્મદનો બાવળ.
તૈયારી છે ચૂપ ચૂપ કહે કાગડાઓ નકીબ
—એમ કાગડો નવવર્ષાની છડી પોકારતો નર્મકવિતામાં આવ્યો છે ત્યારે તે શુભસંદેશો લાવનાર કુંજ પક્ષી જેવો શોભ્યો છે. ‘નાહોલિયાને આજીજી’માં ‘પીળા ડોળાના કાળા રંગના નાહોલિયા’નું સૌન્દર્ય પરખનાર નર્મદે વસ્તુતઃ રંગ સૌન્દર્યની જ રગ પકડી છે. ‘ઢોલા સામલા ધણ ચંપાવણ્ણી, જાણઈ સુવણ્ણરેહ કસવટ્ટઈ દિણ્ણિ’માં શ્યામ-રાધાનું સલૂણું સૌન્દર્ય વર્ણવનાર અપભ્રંશકાળના લોકકવિ અને ‘શ્રાવણી મધ્યાહ્ને’માં પંકમાં સુસ્ત બેઠેલા મહિષીધણની પીઠ પર રમતા દાદૂરનું સૌન્દર્ય વાર્ણવતા રાજેન્દ્ર શાહ — તે બંનેનું અનુસંધાન આ વર્ણનથી નર્મદમાં જણાય છે. તેની ‘ચિત્ર પાડવાની શક્તિ’ તો પ્રકૃતિકાવ્યમાં સૌથી સફળ રીતે વિનિયોગ પામી છે. એમાં તો રંગનું પણ અવનવું સૌન્દર્ય ઉપરના દૃષ્ટાંતમાં તેમ અનેક અન્ય કાવ્યોમાં નિષ્પન્ન થયું છે. ‘સાંજની શોભા તે રળિયામણી’ અથવા ‘નર્મદા શૂં ગાઉં શોભા સાંજની’માં તો તેણે રંગોની ઓકળીઓ પાડી, તેને તેજે મઢી છે. પ્રકૃતિમાં કવિને પરબ્રહ્મની લીલાનાં દર્શન થતાં ભરચોમાસે તે પ્રકૃતિની શોભાને નિહાળવા નાશકત્ર્યંબકની યાત્રાએ નીકળી પડતો અને ‘સૃષ્ટિ-સૌન્દર્ય રૂપી બ્રહ્મમાં’ લીન થઈ જતો.
બ્રહ્મ તણી લીલાનાં દર્શન થયાં શૂભ સાક્ષાત્
થયાં શૂભ સાક્ષાદાનંદે કહે નર્મદ ચંદ્રાવળા છંદે,
ભૂખ તરસ લેશ ન દમતાં...
તે દુન્યવી વ્યવહારથી ખિન્ન થતો ત્યારે મુંબઈની બહાર ટેકરીઓમાં ફરવા નીકળી પડતો અને નિસર્ગમાંથી આશ્વાસન અને પ્રોત્સાહન મેળવતો. આવી એક ટેકરીને તો તેણે શ્લેષપૂર્વક ‘નર્મટેકરી’ નામ પણ આપ્યું હતું. એ ટેકરી અને તેના પરિસરની પ્રકૃતિનું વર્ણન કરતાં તે પરમાત્મા સાથે એકાત્મભાવનો અનુભવ વ્યક્ત કરે છે :
જ્ઞાન ચંદ્ર ને મનઆકાશ જોઈ કરું કર્તામાં વાસ,
જીવનમુક્ત થાઉં ખરો, પછી હોય શેનો ખર્ખરો?
આવી અનુભૂતિ જ તેને વસંતને કામના ઉદ્દીપનને સ્થાને ‘સલૂણી સાધવી બ્રહ્મબાલા’ તરીકે; તેના રંગ, સુગંધ, ઉત્ફુલ્લતા, પ્રમોદ અને લલિતતામાં ઈશના પરમ ઐશ્વર્યના આવિષ્કાર તરીકે અભિવંદવા પ્રેરે છે. એ જ ઉન્મેષથી ‘ચન્દ્રોદય’માં તે તેની ઉદ્દીપકતાને પ્રેમલક્ષણા ભક્તિના વિભાવરૂપે વર્ણવે છે :
ઉત્ફુલ્લ આ માલતી પોયણી છે,
હિમાંશુ કિર્ણે ચમકે ઘણી છે;
પ્રસન્ન રાગી વન ચન્દ્રિકા છે,
પ્રસન્ન હું છું, પણ ગોપી ક્યાં છે?
આ તો પ્રેમલક્ષણાના વ્યત્યયનું, કૃષ્ણ ગોપીને ઝંખે તેનું અનુભાવન થયું. આ ઉદ્દીપન વિભાવ અને પાત્રવ્યત્યય કામભોગનું નહિ, કામવિજયનું ગૌરવ કરે છે :
હેમંતમાં મેં ભણ્યું વેણ જેહ,
આજે શરદમાં કરૂં પૂર્ણ તેહ,
રાસે રમાડું યુવતી પ્રિયાને,
કંદર્પ જીતું લખું એકતાને.
૧૮૬૭ પછી કવિએ સુરત ખાતે મુકામ કર્યો. સુરતથી મુંબઈ જતાં માર્ગમાં, મુંબઈની ટેકરીઓ અને સાગરતટે ફરતાં, કે નાશક-ત્ર્યંબકના પ્રવાસે જતાં જે પ્રકૃતિદર્શન થતું તે હવે ઓછું થયું. કવિની કાવ્યપ્રવૃત્તિ જે અન્ય કારણે મંદ પડી તે સાથે પ્રકૃતિકાવ્યની સંખ્યા પણ ઓછી થઈ. તેમ છતાં માનવભાવની અભિવ્યક્તિમાં પ્રકૃતિ તેને કલ્પનો, પ્રતીકો પૂરાં પાડતી જ રહી હતી. વાસ્તવમાં પ્રકૃતિએ તેને પરબ્રહ્મની નિકટ લાવી મૂક્યો હતો. તે સ્થાનેથી તે હવે પછી તસુયે ખસ્યો નથી એ ‘રાજ્યરંગ’માં તેણે આપેલા વિશ્વરૂપ દર્શનમાં પ્રતીત થાય છે. જેમ રતિના ભાવસંઘર્ષની અનેક ક્ષણનાં કાવ્યો રચાયાં છે તેમ ઉપરતિના ભાવસંઘર્ષનાં પણ સંખ્યાબંધ કાવ્યો રચાયાં છે. પ્રેમમાં હતાશા, દ્રવ્યસંપાદનમાં કે સ્વજનમિત્રો પાસેથી રાખેલી અપેક્ષામાં નિરાશા મળે તો તરત તેનું એકાદ પદ તો રચાઈ જતું. આવાં પદોમાં ભક્તિની રેખા પણ પ્રગટી જતી. ‘જ્ઞાનપૂર્વક ભક્તિ’, ‘જ્ઞાનપૂર્વક વૈરાગ્ય’ અને ‘જ્ઞાનપૂર્વક ઐક્યતા’ એ ત્રણ વિભાગોને કવિએ ‘ઈશ્વરસંબંધી’ કાવ્યોના ખંડમાં મૂક્યાં છે. ‘જ્ઞાનપૂર્વક વૈરાગ્ય’માં પિતાના મૃત્યુ વિશેનાં કાવ્યોમાં ઉપરતિની ઉત્કટતા છે. ‘દુનિયા જુઠાંની જુઠાંની’, ‘દુનિયા બઈરી તોબા તારી સૂજથી’, ‘નર્મદ આખરે ધૂળેધૂળ’ પણ નિર્વેદની ઉદ્રેકતાએ નોંધપાત્ર છે. ‘જ્ઞાનપૂર્વક ભક્તિ’માંનાં ભક્તિપદોનું નિમિત્તવૈવિધ્ય, ભાવવૈવિધ્ય અને ઉપાસ્યવૈવિધ્ય ધ્યાન ખેંચે છે. નર્મદ નિરીશ્વરવાદી તો ક્યારેય થયો ન હતો. વહેમયવન સામે સુધારાદિત્યનું યુદ્ધ જાહેર કરતાં ઘરનાં દેવલાં કૂવામાં પધરાવ્યા પછીયે તે સગુણનો ઉપાસક મટ્યો ન હતો, તેમ તેણે મંત્રતંત્રમાંની શ્રદ્ધા પૂર્ણતયા ખંખેરી પણ નાખી ન હતી. ભાગવતના દશાવતારની, ગણપતિની કે સાંબસદાશિવની સ્તુતિનાં અનેક પદો આ વિભાગમાં છે. શારદાસ્તુતિનાં પદો તેમ બ્રહ્મસ્તુતિનાં પદોની સંખ્યા પણ ઠીક છે. આર્થિક સંકડામણ કે મનસ્તાપ તેને ઈશચરણે જવા પ્રેરે છે. શારદવ્રતના ટેક છતાં, ‘નાણાંના ગભરાટમાં’ તે નોકરી કરવાય તત્પર થયો તેના વિષાદનું પદ ‘દયાળૂ દેવ તું તો દિનાનાથ રે’ રચાયું. એક નાતીલાને કોઈએ મૂઠ મારી છે એેવો વહેમ હતો. તેને તેનાથી મુક્ત કરવા – ભલે માનસિક આશ્વાસનના હેતુથી – નર્મદે ‘જે જે અંબા શક્તિ તું સાચી જગમાતા’ એ સ્તોત્ર રચ્યું હતું, અને તેનાથી મંતરેલું પાણી પીવા સૂચવ્યું હતું. ‘પ્રિયાને શિક્ષા’ આપવાના હેતુથી પ્રિયા અને હરિ વચ્ચેનો સંદર્ભ સચવાય તેવાં પદો પણ તેણે લખ્યાં છે. પુષ્ટિમાર્ગમાં સાયુજ્યમુક્તિ ચારે મુક્તિમાં શ્રેષ્ઠ મનાઈ છે. પુષ્ટિમાર્ગનો કટ્ટર ટીકાકાર નર્મદ ‘ખરી ભક્તિ તો સાયુજ્યમુક્તિ આપે’ – એ પદ અને તેય પરમ સાત્ત્વિક ભાવથી – લખે છે પરંતુ તેનું નિમિત્ત તો ઘણા કાળના વિજોગ પછી પ્રિયાને મળવાનું થયું તેના આનંદનું હતું. ઇહલોક અને પરલોક બંનેને અંકે કરી લેવાની આ ચતુરાઈમાં રાચતા કવિને ‘વાહ કવિ, વાહ’ કહેવાનું મન થાય છે. ગમે તે નિમિત્તેય હરિનું સ્મરણ કરતો છતાં, ભૌતિકતામાં રાચતો આ જીવ ખરેખર નિર્વેદનેય વટીને શાંત રસમાં અને પછી ભક્તિના દ્રવમાં ઠર્યો હતો. ‘નવ કરશો કોઈ શોક...’ નું પદ તે વિના ન આવ્યું હોય. ‘જીવ, સુધારસ બ્રહ્મપ્યાલો પી લે’માંની આરાધના નૈમિત્તિક નથી, અંતરની આરતની છે. ‘બ્રહ્મ તું, બ્રહ્મ તું, આપ ભક્તિ મુને...’ એ ઝૂલણામાં રચાયેલું પ્રભાતિયું ભવરણના જોદ્ધાને જેબ આપે એવું છે. આ પંક્તિઓ વાંચો :
પર્વતે ઊગતું ફૂલ બ્હાદુર છે,
વાયુ વંટોળ સું જુદ્ધ માંડે;
ભક્તના ઉરમાં, બ્રહ્મ રંગ ફૂલતે,
ભવતણા વાયુને શાંત પાડે.
આરબી આફ્રીકી રેત તાતી મધે,
ઊંટ ધીરું જ્યમે માર્ગ માપે;
ભક્તજન તે રીતે, ભવપીડા ઝાળમાં,
ધર્મધીરજ ધરી મોહ કાપે.
સહરાની તાતી રેતીમાંના ઊંટનું કલ્પન ભક્તિકાવ્યમાં તો – તાજા-બ-તાજા નૌ-બ-નૌ–નો શોખી નર્મદ જ લાવી શકે. ભવતાપમાં રિબાતા ભક્ત માટે તે કેટલું બધું ઉપયુક્ત છે! આ ભવરણ વટાવ્યું કે તરત બ્રહ્મ રંગનું પુષ્પકમળ હાથવગું બનશે એ શ્રદ્ધા પણ આ તાતી રેતીમાં કોળે, તિતિક્ષાને અંતે મોરે તો જ સાર્થક ને? ૧૮૬૭ પછી આ વિષયનાં પણ જૂજ કાવ્યો લખાયાં છે. તેનો અર્થ એ નથી કે તે ઈશ્વરવિમુખ બન્યો હતો. પ્રકૃતિ અને ભક્તિ બંનેનો સમવેત આવિષ્કાર એક તરફ બ્રહ્માનુભવ તરફ તેને લઈ જાય છે તો બીજી તરફ નિતાન્ત પ્રેમલક્ષણા ભક્તિ પ્રતિ દોરે છે. ૧૮૮૮ની આવૃત્તિની પુરવણીનાં કાવ્યોનો મુખ્ય ધ્વનિ સદાચાર અને આરાધનાનો છે. ‘ભૂધરો જ જાણે એનો ભેદ’ એમ રહસ્યનો ઉકેલ પ્રભુને ભળાવતાં, ‘ભક્તિ હરીની ભીડને ભાજે, ઇચ્છિત અર્થ આપે રે’ એ શબ્દોમાં આર્તભક્ત તરીકે પરિચય પામતા નર્મદમાં નરસિંહ-દયારામની વાણી રણકે છે :
મારે મોહોલે માણીગર આવો, વાલા શાને લોચન લલચાવો... મારે
ઘણા દિવસની ગવાઉં છું જૂઠી, તે આજ લઈએ લાવો... મારે
ના નવ કોહો ક્યાં મળશે કેશો, ફરી અવસર આવો... મારે
મન માણી મોજો માણીશે, ફરી તો નહીં ફાવો... મારે
જ્યારે ત્યારે પણ હું છૂં તમારી, સીદને તરસાવો...મારે
અધર સુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો... મારે
આ નર્મદનું છેલ્લું કાવ્ય. તેને નિત્ય તડપાવતી રતિ આમ પરમ પ્રેમરૂપા ભક્તિમાં ઠરી છે. જે પુષ્ટિભક્તિને, તેના આચાર્યોના અનાચારને કારણે ઇષ્ટ ગણી ન હતી તે જ પુષ્ટિભક્તિની વાણી તેની કવિતા ઉદ્ગારે છે! પોતાનાં પદોમાં નામાચરણ ન ચૂકનાર આ નર્મદા, ગોપી તો સ્વભાવ પણ ઓગાળી બેઠી છે! નર્મદની સર્ગશક્તિનો આ વિરામ અભિરામપૂર્વકનો છે.
□
આ સર્વને અંતે લાખ રૂપિયાનો પ્રશ્ન તો ઊભો જ છે કે ૧૮૬૬ પછી નર્મદના સર્જનમાં મંદતા કેમ આવી? કાવ્યની સંખ્યા પરથી કવિની સર્જકપ્રતિભાની મંદતા કે વિકાસનો આંક ન મુકાય. કાવ્યત્વમાં પણ તાજપ ઓછી થતી આવી છે. નર્મદ સ્વભાવથી જ સંવેગશીલ, impulsive પુરુષ. તેથી એક તરફ તેનો કરુણાધર્મ તેને કાવ્ય રચવા દોરે છે, અંગત વેદન તેને અંગત ઊર્મિના પદો રચવા પ્રેરે છે, જીન્સીવૃત્તિ ચિત્તની ચંચલતાના તરંગોને શબ્દાકાર આપવા મજબૂર કરે છે – એ તથ્ય સાથે બીજું તથ્ય પણ તેના ઘડતરમાં છે. તે વિચારપુરુષ અને કાર્યપુરુષ પણ હતો. કાર્યપુરુષે તેને વીરકવિતા તરફ દોર્યો. વિચારપુરુષ સમષ્ટિગત સર્વ પ્રશ્નોને તાગવા, ઉકેલવા મથે છે. તેમાંથી એક તરફ નિબંધો રચાયા છે, બીજી તરફ તે વિષયની કવિતાઓ રચાય છે. કાર્યપુરુષ તરીકેના તેના ક્ષેત્રમાં તેના મિત્રો તરફથી પુરુષાર્થલક્ષી ટેકો અપેક્ષા અનુસારનો ન મળ્યો. કટોકટીની પળે કેટલાકોએ તેને છેહ દીધો. આ વિચારપુરુષ લૌકિક અને ભૌતિક પ્રશ્નોની પારના સત્યને શોધવા શાસ્ત્રોનો, ધર્મોનો, સંસ્કૃતિઓનો, ઇતિહાસોનો અભ્યાસ કરે છે; પરિશીલન કરે છે ત્યારે સુધારો તેને કેવળ તત્કાલ ઉદ્દેશનો, ચિરંજીવ મૂલ્ય વિનાનો સમજાય છે. સમાજ અને રાષ્ટ્ર કરતાં ઊંચું સત્ય સ્વધર્મમાં, આર્યત્વમાં છે તે પણ તેને સમજાય છે. સમાજસુધારા તરફ ઉદાસીન થતાં તે વિષયનાં કાવ્યોમાં ઓટ આવી. પ્રકૃતિગત ચાંચલ્ય મંદ પડતાં રતિપ્રધાન કાવ્યોમાં મંદી આવી. કુદરતે તેને પ્રભુની પ્રભુતા તરફ દોર્યો અને પ્રિયજનો તરફની નિર્ભ્રાન્તિએ તેનામાં નિર્વેદ પ્રેર્યો. બંનેને પરિણામે ભક્તિ તરફની રતિ તેનામાં વધી. ‘સંસારની ઉષ્ણતામાં કવિતાચંદ્ર મનને શાંત કરે છે’, ‘કવિતા એ જ મારી જડીબુટ્ટી છે, એથી હું અખંડાનંદમાં રહું છઉં’—એમ કહેનાર કવિ હવે ‘નર્મકવિતા’ને ફેંકી દે છે, કહે છે : ‘ખાપર્ડે, મને આ કવિતાઓ બિલકુલ ગમતી નથી.’ આ ઘટના બની ૧૮૮૩માં પરંતુ આસ્થાનો પલટો તો ૧૮૬૫–૬૬થી થવા માંડ્યો હતો. તેની સર્જકતાએ નાટકલેખનની દિશા પણ પકડી હતી. ‘તુલજી-વૈધવ્ય ચિત્ર-સંવાદ’માં તેણે farceનો પ્રયોગ કર્યો તે તો સુધારાપ્રવૃત્તિના મધ્યાહ્નકાળે. તે પછી ‘કૃષ્ણ-કુમારી’નું ઐતિહાસિક નાટક લખ્યું આ પરિવર્તન આરંભાયા પછી તરત – ૧૮૬૯માં. ‘અભિજ્ઞાન શાકુન્તલ’નું ભાષાન્તર નહિ, ઉપસર્જન કહી શકાય એ રીતે—સાનુમતી જેવું એક પાત્ર કાઢી નાખવા ઉપરાંત બીજા અનેક ફેરફારો અને કાપકૂપ સાથે – રૂપાન્તર કરી ‘સારશાકુન્તલ’ આપ્યું ૧૮૮૧માં. આજીવિકા હવે પછી સૌથી મોટું પ્રશ્નાર્થ ચિહ્ન હતી. ટેક છોડી નોકરી સ્વીકારી તેથી આવેલી હતપ્રભતાએ પણ તેની સર્જકતાને નિરુત્સાહ કરી હતી. આજીવિકાને નિમિત્તે લખાયેલાં ત્રણ નાટકો – ‘બાલકૃષ્ણ વિજય’, ‘રામજાનકીદર્શ’ન’ અને ‘દ્રૌપદીદર્શન’ પણ દોદળાં નીવડ્યાં. તેમાં સર્જકતાનો અંશ પ્રગટ્યો માત્ર ‘દ્રૌપદીદર્શન’ના વિદૂષક રુદ્રદત્ત રૂપે, જે ‘રાઈનો પર્વત’ના વંજુલના જેટલો જ વિદગ્ધ છે. ૧૮૬૭ પછીનું નર્મદનું લેખન અલ્પ નથી તેમ અલ્પપ્રાણ પણ નથી. આ પછીનાં તેનાં લખાણોની યાદી તપાસો, એક વિદ્યાપીઠ જ કરી શકે તેવાં અને તેટલાં સંશોધન, લેખન અને પ્રકાશનનાં કાર્યો તેણે કેવળ આપબુદ્ધિએ, આપબળે અને આપખર્ચે કર્યાં છે. આ સમયગાળામાં તેની કલ્પકતાપ્રધાન સર્જકતા અલ્પક્રિય બની છે, શૈલીગત સર્જકતા તો વધુ તેજસ્વી, ઓજસ્વી બની છે. ‘રાજ્યરંગ’માંની શાસ્ત્રીય ગદ્યશૈલી, ‘ધર્મવિચાર’ની ઉદ્બોધન શૈલી, ‘ડાંડિયો’ની વ્યંગ્યશૈલી પરસ્પર વિરેાધી ગુણની છતાં એકસરખી તાજપ ગુણવાળી છે. એક વ્યક્તિ યથાવિષય અનુરૂપ શૈલી યોજી શકે એ વિરલ ઘટના નર્મદ વિશે બની છે. ૧૮૬૬–૬૭ પછીનું નર્મદનું લેખન મુખ્યત્વે ચિંતનશીલ, અને ગદ્યમાં. કવિતાથી ઉદાસીન અથવા વિરક્તભાવ અનુભવતો કવિ ગદ્યમાં વધુ વિકસ્યો છે. તે કવિતાનો ઉપાસક હતો, પરંતુ ગદ્યનો તો સિદ્ધપુરુષ હતો. ગદ્યમાં તેનું દર્શન વિશદ બંને છે, ત્યારે તે શૈલીની અવનવી વિચ્છિત્તિ પ્રગટ કરે છે. ‘રાજ્યરંગ’ ભા. ૧ને અંતે તો નર્મદ-કવિએ આર્ષ કવિનાં દર્શન અને વાગ્ બંને સિદ્ધ કર્યાં છે; જે ઔપનિષદિક ઊંચાઈનાં છે : ‘એક છે, અનેક છે, નિવર્તે છે, પ્રવર્તે છે, આનંદે છે, એકને અનેક અર્થ છે, એકને અનેક કામ રાજે છે, એકને અનેક ધર્મ પ્રતાપે છે, પ્રેમ પોષે છે, શૌર્ય પ્રકાશે છે ને જય વિલાસે છે : સર્વકાળ શ્રીરંગ. બીજ, વૃક્ષ ને ફળ, લય, ઉત્પત્તિ ને સ્થિતિ, સ્વભાવ, જ્ઞાન ને યોગ, સદુદ્દેશે ને સત્કર્મે! અકળલીલા! અનંત શક્તિ! અગાધ જ્ઞાન! પ્રેમભક્ત હું વંદુ : વિજય વિજય શ્રીરંગ! બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધુ રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તો પણ કાંઈ છે, ને રંગ છે... ઉદય ઉદય શ્રી રંગ!’
રાજકોટ : ૧૨-૧૦-૧૯૮૩
‘દીપે અરુણું પરભાત’ : સ્મરણિકા સ્વાગત સમિતિ, સુરત ગુજરાતી સાહિત્ય પરિષદ ૩૨મું અધિવેશન. ડિસે. ૧૯૮૩.