નર્મદ-દર્શન/‘નર્મગદ્ય’ કયું સ્વીકારીશું?
૧. ‘નર્મગદ્ય’ કયું સ્વીકારીશું?
‘નર્મગદ્ય’-૧૮૭૪ની આવૃત્તિનું પુનઃ સંપાદન, પ્રકાશન કરીને પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરાએ ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે. નર્મદના કેટલાક નિબંધોની મહીપતરામ દ્વારા સુધારાયા વિનાની અને કાટછાંટ વિનાની વાચના આ સંપાદનમાં ઉપલબ્ધ થઈ છે. પરંતુ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરનાર વર્ગમાં પણ કેટલાકને નર્મદ-સાહિત્યની પૂરી માહિતી નથી તે સંદર્ભમાં, એક તબક્કે વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’ (ગદ્ય અને પદ્ય)માં જ સમગ્ર નર્મદ-સાહિત્ય સમાઈ ગયેલું માનવામાં આવતું હતું તેમ, આજે આ સંપાદન તે જ નર્મગદ્ય એવી સંતુષ્ટિ થઈ છે તે હકીકત ચિંતા ઉપજાવે એવી છે, મહત્ત્વના નર્મદ નિબંધો આ આવૃત્તિમાં નથી કારણ મૂળ ૧૮૭૪ના નર્મદ-સંપાદનમાં પણ તે ન હતા. સંપાદકો તો આ વિષયમાં ખૂબ સ્પષ્ટ છે. ૧૮૭૪ની નર્મદ સંપાદિત વાચના સરકારે રદ કરી હતી અને તેમાં નર્મદની સંમતિ વિના રાવસાહેબ મહીપતરામે કરેલા ફેરફારો સાથેની વાચના ૧૮૭૫માં છાપી હતી. તે સરકારી છેડછાડવાળી આવૃત્તિને સ્થાને આ સંપાદકો મૂળ અલભ્ય વાચના સુલભ કરી આપે છે. આથી વિશેષ તેમનો દાવો નથી. ૧૮૭૪ની આવૃત્તિ પણ મર્યાદિત હેતુવાળી હતી. મુંબઈ સરકારના કેળવણી ખાતાના તે સમયના વડા ડૉ. બ્યૂલરની સૂચનાથી, સરકારી ગુજરાતી શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે ચાલી શકે તે હેતુથી નર્મદે તે તૈયાર કરી આપી હતી. સ્વાભાવિક છે કે શાળાના વિદ્યાર્થીઓની અભ્યાસ અને વયની કક્ષાનો વિચાર કરી તેમની આગળ અમુક વિષય મૂકવા ન મૂકવાનો વિવેક નર્મદે પોતે કર્યો હતો અને ૧૮૬૫ની આવૃત્તિમાંથી અમુક નિબંધો પડતા મૂકી, તે પછી લખાયેલા નિબંધો ઉમેરી, ‘રાજ્યરંગ’ સાથે આ સંપાદન તૈયાર કર્યું હતું. આ સંપાદન છપાઈને, બંધાઈને પુસ્તક રૂપે તૈયાર થઈ ગયું હતું. તે સમયે ડૉ. બ્યૂલરને સ્થાને ચેટફીલ્ડ આવ્યા હતા. તેમણે તે વિશે કેળવણી ખાતામાં ‘ગૂજરાતી ટ્રાન્સલેટર’ના પદે નોકરી કરતા મહીપતરામ નીલકંઠનો અભિપ્રાય માગ્યો. તેમણે લખી જણાવ્યું કે ઘણાક નિબંધેામાં એવું લખાણ છે કે જે નિશાળોમાં ચલાવી શકાય નહિ. ચેટફીલ્ડે તેટલો ભાગ તે સંપાદનમાંથી રદ કરાવડાવ્યો. ઉપરાંત કથા અને ઇતિહાસના ભાગમાં પણ મહીપતરામ પાસે સુધારા કરાવડાવ્યા. એવી વિકલાંગ બનેલી પ્રથમ આવૃત્તિ ૧૮૭૫માં ચલણમાં આવી. ચેટફીલ્ડ સાહેબની ‘આજ્ઞા’ હતી : ‘બીજી આવૃત્તિને સમયે રદ કરેલા ૧લા ભાગમાંથી જે કાઢી નાંખવું ઘટે તે કાઢી નાંખવું, અને સુધારવું અને ફેરવવું ઘટે તે સુધારવું અને ફેરવવું.’ તે પ્રમાણે ૧૮૮૦માં તેની બીજી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી. સુધારા કરવાના કામમાં ‘પોતાના અભિપ્રાય જણાવવાની વિનંતિ ગ્રંથકર્તાને કરવામાં આવી હતી, પણ તેનો ઉત્તર નહિ’ તેથી આ કામ ‘મારે એકલાને’ કરવું પડ્યું એવું દુઃખ રાવસાહેબે પ્રસ્તાવનામાં વ્યક્ત કર્યું છે. રાવસાહેબે સુધારા-વધારા માટે કેવળ લેખક પાસેથી સૂચનો માગ્યાં ન હતાં, જાહેર જનતા પાસેથી પણ આવકાર્યાં હતાં; ‘બીજી આવૃત્તિને સારુ જેઓ વધારે સુધારા કરવાની સૂચના કરશે તેમનો હું ઉપકાર માનીશ.’ આને પરિણામે કેટલાક કટ્ટર સાંપ્રદાયિકોએ ઠીકઠીક ભાગ દૂર કરવાની કે સુધારવાની ફરમાઈશ કરી હશે. આવી સરકારી દખલગીરી સાથે નર્મદ સંમત તો ન હતો, તેણે વિરોધ નોંધાવ્યો હતો કે કેમ તેની નોંધ મળતી નથી. ગમે તેમ આ ‘સરકારી’ છાપનું ‘નર્મગદ્ય’ જ તેની હયાતીમાં – ૧૮૭૫ (પ્ર. આ.), ૧૮૮૦ (બી.આ) —અને તે પછી ૧૯૧૨માં ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસે’ મૂળ ૧૮૬૫ના ‘નર્મગદ્ય’ની અક્ષત આવૃત્તિ ‘જૂનું નર્મગદ્ય’ નામથી સુલભ કરી આપી ત્યાં સુધી ચાલ્યું! ‘જૂનું નર્મગદ્ય’ ફરી અપ્રાપ્ય બનતાં અને હવે નર્મદ છાપનું પરંતુ મર્યાદિત સંખ્યાના લેખોવાળું ‘નર્મગદ્ય’ (૧૯૭૫) સુલભ થતાં ફરી આ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. ૧૮૭૪ની, અને તેથી ૧૯૭૫ની આવૃત્તિનું મૂલ્યું અદકું છે. ૧૮૬૫ પછી લખાયેલા નિબંધો ૧૯૧૨ની આવૃત્તિમાં પણ પ્રકાશકે સામેલ કર્યા ન હતા, તે આ આવૃત્તિઓમાં મળે છે. ૧૮૭૪ના સંપાદનમાં નર્મદે ‘વ્યભિચાર-નિષેધક’, ‘વિષયી ગુરુ’, ‘ગુરુની સત્તા’ અને ‘ભક્તિ’ એ ચાર નિબંધો સામેલ કર્યા ન હતા. ઉપરાંત ‘ભિખારીદાસ ગરીબાઈ’ અને ‘તુળજી-વૈધવ્યચિત્ર’ એ બે સંવાદો, ‘સ્ફુટ વિષય’ શીર્ષક નીચેના ‘બુધિવર્ધક ગ્રંથ’માંના, અને ‘ડાંડિયો’-માંના લેખો તેમ જ કેટલાક પ્રકીર્ણ વિષયોના લેખો - કુલ ૧૦૦ ઉપરાંત લેખો આ સંપાદનમાં નથી. આટલા બધા લેખો ૧૮૭૪ના સંપાદન પછી રદ થયા છે એમ જો કોઈ માને, મનાવે તો તે અજ્ઞાનમૂલક છે. ૧૮૬૫ની આવૃત્તિમાંના અને ૧૮૭૪ના સંપાદનમાં સામેલ ન થયેલા ઉપરના ચારેય નિબંધો નર્મદનાં વિચાર અને કાર્યના પ્રતિનિધિ લેખો છે, જેના પર તેનો સુધારાના કડખેદ તરીકેનો યશ સુપ્રતિષ્ઠ છે. આ લેખો વિનાનો નર્મદ લગભગ નિષ્પ્રાણ થઈ જાય છે. આ લેખો તો નર્મદે જ રદ કર્યા છે તેથી ‘નર્મદનો જમાનો’ પાઠ રદ કરવાનું તેને પણ અભિપ્રેત ગણવું એવી ઢાલ કોઈ ધરે તો તે અપ્રસ્તુત જ નહિ, તોફાની ગણાય. એ ચાર નિબંધોમાં જે મધ્યવર્તી મુદ્દો છે તે ૧૮૭૪ અને ૧૯૭૫ની આવૃત્તિઓમાંના નિબંધ ‘સ્ત્રીના ધર્મ’માં સંક્ષેપથી ચર્ચાયો તો છે જ. ૧૯૭૫ની આવૃત્તિના પૃ. ૧૮૨ અને ૧૮૩ પરના જે પાંચ ફકરાઓ આ વિષયના છે તે ૧૮૭૫ની સરકારી સેન્સર પછી માન્ય થયેલી આવૃત્તિમાંથી, રાવસાહેબ મહીપતરામને વાંધાભરેલા લાગવાથી, પડતા મુકાયા છે. એ ઉપરથી સમકાલીન અમુક જ્ઞાતિઓની સ્ત્રીઓની ઘેલાઈ અને મહારાજના આચાર વિશેના ઉલ્લેખો નર્મદે જ રદ કરી દીધા હતા એવી ઢાલ કોઈ ન ધરે. આમ વ્યાવહારિક ઉદ્દેશ માટે ૧૮૭૪ અને ૧૯૭૫ની ‘નર્મગદ્ય’ની આવૃત્તિઓ ભલે સ્વીકારાય, ઉચ્ચ વિદ્યાકીય હેતુઓ માટે ૧૮૬૫ (પુનઃમુદ્રિત ૧૯૧૨)માંના લેખો તેની સાથે સામેલ થવા જોઈએ. વસ્તુતઃ ૧૮૬૫ પછી લખાયેલા લેખો ૧૮૭૪માંથી લઈ સમગ્ર ‘નર્મગદ્ય’નું શ્રદ્ધેય સંપાદન થવું જોઈએ.
રાજકોટ : ૧-૭-૮૩
‘બુદ્ધિપ્રકાશ’ : ડિસે. ૧૯૮૩