નર્મદ-દર્શન/ગુજરાતી ગદ્યનો પ્રારંભ ‘ડાંડિયો’થી?
નર્મદના પત્રકારત્વનો મહિમા કરતાં, તેના સૌથી મોટા અર્પણ તરીકે હરીન્દ્ર દવે જણાવે છે કે, “આ પત્રકારત્વ શરૂ થયું તે પહેલાં ગુજરાતી ગદ્ય હતું જ નહિ... ગદ્ય લખવાનો પ્રયાસ શરૂ કરવા માટે પણ ‘ડાંડિયો’નો ફાળો ઓછો નથી.” (‘પત્રકારત્વનું મોટું અર્પણ’ : ‘પરબ’ વિશેષાંક, ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩.) આ વિધાન કરતાં હરીન્દ્ર દવે ભૂલી ગયા કે ૧૮૬૪માં શરૂ થયેલું ‘ડાંડિયો’ ગુજરાતી ભાષાનું પહેલું વૃત્તપત્ર નથી. તેઓ એ પણ ભૂલી ગયા કે તે પહેલાંનાં વૃત્તપત્રો પદ્યમાં લખાતાં ન હતાં. નર્મદ-મિત્ર કરસનદાસ મૂળજીનું ‘સત્યપ્રકાશ’ (૧૮૫૫) પણ પહેલું નહિ. ગુજરાતી ગદ્યનો આરંભ કોઈ વૃત્તપત્રથી ગણવાનો આગ્રહ પત્રકાર હરીન્દ્ર દવેને હોય તો ‘બુદ્ધિપ્રકાશ’ (૧૮૫૦) ક્યાં નથી? નર્મદના ‘મંડળી મળવાથી થતા લાભ’ (૧૮૫૧) એ વ્યાખ્યાન-લેખને ગુજરાતી ગદ્યનું પ્રસ્થાન કરવાના યશથી વંચિત રાખવાનો ઉત્સાહ કશુંક નવું કહેવાની ધગશ અવશ્ય દાખવે છે. પરંતુ તેમ કરતાં આખું કોળું શાકમાં જતું રહ્યું છે.
રાજકોટ : ૧૩-૨-૮૪
‘શબ્દસૃષ્ટિ’ : એપ્રિલ ’૮૪