નવલકથાપરિચયકોશ/અશ્રુઘર
‘અશ્રુઘર’ : રાવજી પટેલ
રાવજી પટેલ જન્મ : ૧૫-૧૧-૧૯૩૯ જન્મસ્થળ-વતન : વલ્લવપુરા (ડાકોર પાસે) પિતા છોટાલાલ પટેલ, ખેડૂત, પરિશ્રમી માણસ. માતા ચંચળબેન, પ્રેમાળ, સંસ્કારી ગૃહિણી. બે બહેનો અને ચાર ભાઈઓમાં રાવજી સૌથી મોટા. ગરીબી અને અભાવો વચ્ચે રાવજીએ પ્રાથમિક અને નવમા ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ વતનગામ વલ્લવપુરામાં, પાસેના સૂઈ ગામમાં અને ડાકોરની સંસ્થાનમાં સ્કૂલમાં લીધું હતું. ચતુરકાકા સાથે અમદાવાદ, સ્વેચ્છાએ ગયા. ત્યાં દસમું-અગિયારમું ધોરણ (મેટ્રિક) ભણવા સાથે નોકરી પણ કરવાનું અનિવાર્ય હતું. શાળાના દિવસોથી જ રાવજી કવિતા લખતા હતા. અમદાવાદમાં ચિનુ મોદી ને લાભશંકર જેવા કવિ મિત્રો મળતાં રાવજીની કવિતા પોંખાઈ. વિવિધ વર્તમાનપત્રોમાં અનિયમિત નોકરી, કવિતા-વાર્તા-નવલકથાનું સર્જન, લગ્ન, ક્ષયની વધતી બીમારી વચ્ચે રાવજી સંઘર્ષ કરતા રહ્યા. ક્ષયમાં ફેફસાં ખવાતાં ગયાં. દવા નાકામ રહી. તા. ૧૦-૮-૧૯૬૮ની સવારે ૨૯ વર્ષની કાચી વયે, પત્ની લક્ષ્મી અને એક વર્ષની દીકરી અપેક્ષાને એકલાં મૂકીને, સૌના લાડીલા સર્જકે કાયમી વિદાય લીધી. રાવજીના અવસાન પછી એમનો કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૧) તથા ‘વૃત્તિ’ અધૂરી નવલકથા અને વાર્તાઓ ગ્રંથસ્થ થયાં હતાં. ૧૯૫૫થી ૧૯૬૮નાં જે વર્ષોમાં રાવજી પટેલ સાહિત્યસર્જન કરતા હતા એ ગાળો સાહિત્યમાં આધુનિકતાનો હતો. પણ કોઈથી-કશાથી પ્રભાવિત થયા વિના રાવજી પોતાની સર્જક પ્રતિભા અને અંતરસૂઝથી લખતા રહેલા.
‘અશ્રુઘર’નો નાયક સત્ય ક્ષયનો દર્દી છે. કથાનું સ્થળ છે આણંદનું ક્ષય સેનેટોરિયમ. આ કૃતિ નિરૂપણની નવતા અને ભાષા-લેખનની તાજપને કારણે ભાવકોને આકર્ષે છે, એ જ રીતે ભાવકોને એની કથામાં – દર્દભરી કરુણ સંવેદનકથામાં રસ પડે છે, કેમ કે ભાવકો ‘અશ્રુઘર’ના નાયક સત્યમાં સર્જક રાવજીને જ જુએ છે. સત્યની રુગ્ણાવસ્થા અને અભાવોભરી દુનિયા તથા પ્રબળ જિજીવિષા ખરેખર તો રાવજીની જ જીવનસૃષ્ટિ છે. સર્જક-હૃદયના અનુભવોનું પ્રામાણિક અને હૃદ્ય આલેખન ‘અશ્રુઘર’ને વિશિષ્ટ સ્તરની કૃતિ ઠેરવે છે. સત્ય કવિ છે – લેખક છે. અતિ સંવેદનશીલ છે. સત્ય ટીબી પેશન્ટ છે અને સારવાર અર્થે આણંદના સેનેટોરિયમમાં દાખલ થયેલો છે. એક દિવસ પોતાના ક્ષયગ્રસ્ત પતિને લઈને લલિતા નામની શિક્ષિકા અહીં આવે છે. સત્યની બાજુનો જ પલંગ લલિતાના પતિને મળે છે. પરગજુ અને લાગણીશીલ સત્ય લલિતાને ય ગમે છે. બંને વચ્ચે પ્રેમ જાગે છે. લાગણી ઊંડે સુધી વહે છે. પણ સત્ય સાજો થતાં સેનેટોરિયમ છોડીને ઘેર-ગામડે જાય છે. અલબત્ત, લલિતાની યાદો લઈને! સત્યને ટીબી છે એવી વાત ફેલાઈ જાય એ પહેલાં સત્યનાં માબાપ એને ભાભીની બહેન સૂર્યા સાથે પરણાવી દેવાની યોજના ઘડે છે. સૂર્યા બહુપુરુષભૂખી છે. સત્ય એના તરફ આકર્ષાય છે પણ સૂર્યાના ફરેબોની વાત એને મોડેથી – અહેમદ દ્વારા – સમજાય છે. દરમ્યાન ક્ષયમાં પતિ ગુમાવી બેઠેલી લલિતા સત્યના ગામમાં જ બદલી થઈને આવે છે. સત્ય એને મળીને હળવો થાય છે - પ્રેમ પાછો વેગ પકડે છે. પણ સંજોગો લલિતાને મજબૂર કરે છે એ સત્યને જાકારો આપે છે અને સત્ય સૂર્યા સાથે પરણીને એની ચારિત્ર્યહીનતા - પેટમાં બીજાનું સંતાન છે તે - જાણીને દુઃખી થાય છે. આમાં એનો ક્ષય ઊથલો મારે છે. સૂર્યા ફરેબ કરે છે. સત્યને ફરીથી દવાખાને લઈ જવામાં આવે છે. એના બચવાની આશા નથી. લલિતા બધું છોડીને સત્યની બની રહેવા દોડી જાય છે પણ સત્ય પુનઃ એને અશ્રુઘરમાં એકલી છોડીને મૃત્યુ પામે છે. કથા સાવ નવી નથી પણ રસપ્રદ છે. કથા અને માવજત બંનેને હવે વિગતે જાણીએ. આણંદના ક્ષય ચિકિત્સાલયમાં આ કથાનું પ્રથમ એકમ રચાય છે. ત્યાં સત્ય અને લલિતા એકબીજાને મળે છે ને સંબંધાય છે. સર્વદમન એમની વાતચીતનો આધાર અને એકલતાનો વિભાવ બને છે. ક્ષયગ્રસ્ત દર્દીઓની ઘરગથ્થુ વાતો, નલિની અને જન્નુની પાગલ દુનિયા, ડૉક્ટરો, નર્સો, તડકો અને આંબો. આવતાંજતાં સ્વજનો કે પત્રોની વાતો – આ સર્વ મળીને એક વાતાવરણ રચાય છે. સત્યને આવે સમયે લલિતાની તાજગી આકર્ષે છે. ઘરનાંની લાગણી માટે એ લાલયિત થઈ ઊઠે છે. અભાવ એની ભીતરમાં નાગફેણ શો બેઠો થાય છે, ને લલિતામાં એ આધાર ઝંખ્યા કરે છે. આ બધું ઉપસાવવામાં રાવજીએ કાળજી લીધી છે. નિરૂપણમાં ચોકસાઈ, ઝીણવટ અને સહજતા છે. ભાવકની સાક્ષીએ બધું ઘટી રહ્યું હોય એવું લાગે છે. કૃતિમાં Being કરતાં Becomingની પ્રોસેસનું મૂલ્ય વધુ હોય છે. અહીં એ પ્રોસેસનો અનુભવ થાય છે. કૃતિનું બીજું એકમ, સત્ય રજા મળતાં ચિકિત્સાલયેથી ઘેર જાય છે, ત્યાંથી આરંભાય છે. અહીં સત્ય-સૂર્યા એકબીજાની નજીક આવે છે. દીવાળીબા, પિતાજી, ભાઈ, ભાભી, અહેમદ, રતિલાલ જેવાં પાત્રોની વચ્ચે સત્ય જીવે છે. ગ્રામીણ પરિવેશ, ખેતી, તમાકુનો વેપાર, બાધા-ઉજાણી, સૂર્યાની પુરુષભૂખ બધું વર્ણવાય છે. સત્યનું લગ્ન નક્કી થાય છે. વળી દ્વિધા જન્મે છે. વિધવા થઈને લલિતા સત્યના ગામમાં શિક્ષિકા તરીકે આવે છે. સત્યની લાગણીઓ તીવ્ર બને છે, પોતે લલિતા સાથે હક્કપૂર્વક વર્તે છે. પણ લલિતાને પોતાનું ઘર નથી આપી શકતો. સૂર્યા સાથેનું લગ્ન પણ અટકાવી શકતો નથી. સત્ય વધુ વ્યગ્ર બને છે. ને પોતાની એકલતાનો કે આનંદનો આધાર એવી રમતીને (બકરીને) એ મુક્કીથી મરણશરણ કરી દે છે. એની તબિયત માનસિક ઉત્તાપોથી કથળી ઊઠે છે. લગ્ન પછી એનો ક્ષય ઊથલો મારે છે. કૃતિનો આ મધ્યભાગ ઘણો વિસ્તાર રોકે છે. લેખકે મોકળાશથી વર્ણન કર્યું છે, સત્ય અને એની સંદર્ભિત સૃષ્ટિનું. સત્યનાં માનસિક સંચલનો ઉપસાવવા ઘણી વિગતો આવે છે, બહુધા કલ્પનરૂપે. સત્યના આંતર્-બાહ્ય વ્યક્તિત્વનો એની વેદના સહિત અહીં સઘન પરિચય થાય છે, કૃતિનું ત્રીજું અને અંતિમ એકમ ટૂંકું પણ એટલું જ અગત્યનું છે. સત્યને ફરીથી સેનેટોરિયમમાં લાવવામાં આવ્યો છે. સૂર્યાની અવળચંડાઈ એને પીડ્યા કરે છે. એમાંથી એ વિકૃત આનંદ લેવા સુધી જાય છે. લલિતાનો જાકારો એને હજી કઠે છે. બચવાની કોઈ આશા નથી ત્યારે એ વધારે શ્રદ્ધાવાદી બને છે, ચિંતક બને છે. સૂર્યા શાંત છે. અહેમદ અહીં સત્યની સાથે રહીને સક્રિય પાત્રરૂપે ઊપસે છે. બીજા એકમમાં આ અહેમદે સૂર્યાના ચારિત્ર્યને જાણી લીધું હતું. એની નૈતિકતાને એણે બચાવી હતી, પણ મિત્રને એ સૂર્યાથી બચાવી શક્યો નહીં! લલિતા અચાનક આવી ચઢે છે. બધું છોડીને-કાયમ માટે. પણ બધું બદલાઈ ગયું છે. સત્ય પહેલી વખત લલિતાને અહીં મૂકીને એને ગામ જતો રહેલો. આ વખતે સત્ય કાયમ માટે ચાલ્યો જાય છે. લલિતા, ફરીથી એકલી પડી જાય છે. (બીજીવારનું વૈધવ્ય એને ઘેરી વળતું હશે ને?) સત્યની વેદના સાથે લલિતાની કરુણતા આપણને ભીંજવે છે, સત્યના ભુલાઈ જવાયેલા શર્ટને પેટીમાં આધારરૂપ રાખીને જીવેલી લલિતા પાસે અંતે કશું બચતું નથી. ખાલીખમ અશ્રુઘરમાં સત્ય વિનાની લલિતા ફસડાઈ પડતી સંભળાય છે. આમ, જોઈ શકાશે કે ત્રણે એકમોમાં કૃતિનું વસ્તુવિધાન ચુસ્ત છે. એનું નિરૂપણ સઘન છે. કૃતિની રચનારીતિમાં લઘુનવલમાં અપેક્ષિત ‘વર્ટીકલ સિચ્યુએશન’ સાંકેતિક વર્ણન, વ્યંજનાગર્ભ ભાષાનો પ્રયોગ સફળ રીતે થયાનું પમાય છે. વસ્તુસંકલનામાં સુગ્રથિતતા છે. કૃતિમાં વર્ણવાતા વાસ્તવજગતને રાવજીએ બળવાન ઈમેજરી (કલ્પનાવલિઓ)થી તિરોભૂત કરી દીધું છે. કલ્પનોનાં એકમો એકબીજા સાથે સંદર્ભાય છે ને પરિસ્થિતિ કે વેદનાને વધારે સ્પષ્ટ કરી આપે છે. સૂક્ષ્મને સંકેતવામાંય કલ્પનોનો ઉપયોગ થયો છે. આમ, અહીં કાવ્યસ્પર્શ કે કવિતામય ભાષા વાયવ્ય કે હવાઈ ન બનતાં નિરૂપણરીતિનો અકાટ્ય ભાગ બને છે, નહીં કે એ એક વિશેષ બની રહે છે. સત્યના જીવનની નકરી વેદનાનું રૂપાંતર આવી ભાષારીતિ વિના અશક્ય બની રહેત. એક પછી એક આવતાં કલ્પનો કૃતિમાં એકમો રચે છે, આ એકમો પેલી ક્લ્પનાવલિઓથી મંડિત હોવાથી રાવજીના સર્જકઉન્મેષનાં પરિચાયક બની રહે છે. કૃતિમાં આવાં આસ્વાદ્ય એકમો ઓછાં નથી. ‘અશ્રુઘર’ને સર્જકઉન્મેષનાં એ મોજાં વારંવાર કળાત્મકતાની ‘ઑરબીટ’માં લઈ જાય છે. ચિકિત્સાલયના રુગ્ણ, જડ અને કઠોર વાતાવરણને એકથી પાંચ પ્રકરણમાં વર્ણવ્યું છે. અહીં સત્ય અને લલિતાના પ્રેમોપચાર વડે અભિવ્યક્તિને જીવંત કરી શકાઈ છે. એ સાથે હૉસ્પિટલની સ્થિતિ – જડતા, કરુણતા અને રુગ્ણતામાંથી જન્મતી વેદનાને વાચા મળી રહે તેવું વર્ણન છે. સત્ય અને લલિતાનો સંબંધ કૃતિનાં એકમોને આસ્વાદ્ય બનાવે છે. મૃત્યુની સામે અહીં પ્રેમ મુકાય છે. જડતાની સાથે કે રુગ્ણતાની સામે થનગનવા આતુર ચેતના મુકાય છે. ‘અશ્રુઘર’ કલ્પનપ્રધાન ગદ્યમાં આલેખાયેલી સંવેદન કથા છે. ઊર્મિપ્રધાન કથાને આલેખવા રાવજીએ મહદંશે લલિત ગદ્યનો સફળ પ્રયોગ કર્યો છે. ‘અશ્રુઘર’ ગુજરાતી સાહિત્યમાં ‘લીરીકલ નોવેલ’ તરીકે સદાકાળ યાદ રહેશે.
પ્રો. ડૉ. મણિલાલ હ. પટેલ
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ગુજરાત
કવિ, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, ચરિત્રકાર, સંપાદક
‘દસમો દાયકો’
હાલ ‘સંચયન’ ઑનલાઇન એકત્ર ફાઉન્ડેશનના સંપાદક
મો. ૯૪૨૬૮૬૧૭૫૭, ૯૫૧૦૦૩૬૩૨૧
Email: manilalpatel૯૧૧@gmail.com