નવલકથાપરિચયકોશ/અમાનત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૧

‘અમાનત’ : નારણ દામજી ખારવા (ઝાલા)
અધિષ્ઠાનરીતિની નવલકથા : ‘અમાનત’

– હસમુખ અબોટી ‘ચંદન’

નવલકથાના વિવિધ પ્રકારો પૈકી દરિયાઈ નવલકથાનું પોત, કથાસાહિત્યપટ વિસ્તૃત છે. છતાં લગભગ કથાલેખકો આ સૂના વિસ્તાર તરફ વળ્યા નથી યા તો વળી શક્યા નથી. અને મોટેભાગે કહેલું જ કથ્યા કરે છે. એવું તે શું છે, આ પ્રકારમાં? આ વાતનું સમર્થન કરતાં ડૉ. ધીરેન્દ્ર મહેતા સ્પષ્ટપણે કહે છે, ‘આ પ્રકારના કથાલેખનનો દરિયો માત્ર કલ્પનાના બળે ખેડી શકાતો નથી, એ માટે તદ્વિષયક જાણકારી, અભ્યાસ અને ક્ષેત્રીય કાર્ય માટેનું સાહસ પણ જોઈએ. આપણા ઉત્સાહી સશક્ત લેખકો પણ એ બાબતની આળસને લઈને એથી કિનારો કરતા જણાય છે. સાગરકથા, એ વિશિષ્ટ તેમજ વિલક્ષણ કથાસ્વરૂપ પણ છે. સમુદ્રના ઉલ્લેખમાત્રથી, તેને કાંઠે આવેલા ગામ કે શહેરનો સ્થળ તરીકે ઉપયોગ કરવાથી કોઈ કૃતિ સાગરકથા બની જતી નથી. સાગરકથામાં પહેલી શરત એના વસ્તુમાં સમુ્દ્રની સંડોવણીની છે- ઘટનામાં, પાત્રોમાં – પાત્રોમાં એટલે પાત્રસૃષ્ટિમાં – એના વ્યક્તિત્વ, માનસ, બાહ્યાંતર બંધારણ, ખાસ તો એના જીવનને સતત સળંગ દોરતી નિયતિ, એની વર્તણૂક, રીતરિવાજો, બોલી અને બોલછા, વર્ણન, યથોચિત લાક્ષણિક પ્રયોગો સાથેની ભાષાશૈલી.’ આ વાત એકદમ ન્યાયોચિત ને સટીક કહેવાઈ છે. એના ખેવટિયા ગણ્યા-ગાંઠ્યા જ છે. એ સફરના ખેવટિયાઓમાં નારાણ દામજી ખારવાનું નામ પણ લેવું પડે. લેખક : નારાણ દામજી ખારવા (ઝાલા) પ્રકાર : ઐતિહાસિક દરિયાઈ નવલકથા સમગ્ર રીતે જોતાં શી છે આ નવલકથાની લાક્ષણિકતાઓ ને વિશિષ્ટતાઓ? સૌથી પહેલાં આવે છે આ કથાની અધિકૃતતા. ‘અમાનત’ના લેખક નારાણ દામજી ખારવાનો દરિયાનો સળંગ અનુભવ – પોતે દરિયાખેડૂ બની દરિયાની હરેક વિભીષિકાને જાણી છે, જોઈ છે. તેના તળમાંથી ઊઠતાં પ્રત્યેક ઝંઝાવાતના પ્રત્યદર્શી બન્યા છે. તેમનો જન્મ પંદરમી ઓગસ્ટ-૧૯૨૯ના દિવસે વતન માંડવી-કચ્છમાં. અઢાર વર્ષની વયે વહાણવટુ ખેડીને પાંચ વર્ષ સુધી સતત અધિષ્ઠાનરીતિના પ્રત્યક્ષ સાક્ષી રહેલા. એ પછી ક્લીયરીંગ ફોરવર્ડીંગના વ્યવસાયમાં જોડાયા. સાહિત્યિક વર્તુળો સાથે સતત સંબંધમાં રહ્યા. સ્વ. ડૉ. જયંત ખત્રીના સાંન્નિધ્યમાં તેમની અંદરના સર્જકને પાંગરવાની પ્રેરણા મળી. માંડવી પોર્ટ કામદાર યુનિયનના મંત્રી, કચ્છ નાવિક મંડળના મંત્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ અને ખારવા સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે. ડૉ. ખત્રીના શબ્દોમાં, ‘છેલ્લાં દશેક વર્ષથી મારી દરેક પ્રવૃત્તિના એકના એક સાથી છે. એમના સૌથી મોટા ભાઈ જાપાનીઝ ગોલંદાજીમાં માર્યા ગયા હતા, બીજા ભાઈએ સિંગાપુરમાં યુદ્ધકેદી તરીકે બે વર્ષ ગાળ્યાં હતાં. બચપણથી દરિયાઈ સફરોના શોખીન... દરિયો ખૂંદી વળ્યા છે, સફરો દરમ્યાન અંગ્રેજીનો સારો અભ્યાસ કર્યો. ગુજરાતી વાચન પણ સારું. વર્તન, ચિંતન અને વ્યવહારમાં સાફ દૃષ્ટિ અને એક પ્રકારની ઝિંદાદિલી ને પ્રમાણિકતા, ઉદ્દામવાદી વિચારસરણી.’ અભ્યાસ આઠ ગુજરાતી જેટલો, પણ ગણતર ઝાઝેરું મેળવી શક્યા. ૧૯૯૬માં પહેલો વાર્તાસંગ્રહ ‘દરિયા કિનારા’ પ્રગટ થાય છે. જેમાં બાવીસ વાર્તાઓનો સમાવેશ થયો છે. એ પછી આ નવલકથા પ્રગટ થઈ. બીજા ઘણા લેખો આકાશવાણી તથા છાપાઓમાં પ્રગટ થયેલા. અનેક સન્માનો, અકરામો ને પુરસ્કાર મેળવનારા નારાણભાઈને દશમી એપ્રિલ બે હજારના દિવસે બ્રેઈન સ્ટ્રોક આવવાથી વાચા બંધ પડી ગયેલ. આખરે છવ્વીસમી એપ્રિલ-૨૦૧૪ના દિવસે અંતિમ શ્વાસ લીધો. ‘અમાનત’ નવલકથાનું પ્રકાશન વર્ષ : પ્રથમ આવૃત્તિ જૂન -૧૯૮૮ અને બીજી આવૃત્તિ : ૨૦૦૯, નકલ પ૦૧, પ્રકાશક : હરેશ નારાણ ખારવા, વહાણવટી માર્ગ, માંડવી-કચ્છ. નવલકથાની પ્રસ્તાવનામાં જટુભાઈ પનિયા ‘દરિયા છોરૂના અજંપાનું અવતરણ...’માં લખે છે, ‘દરિયા છોરૂ પરમણ, સુકાન અને હલેસાં છોડી કલમ ઉપાડે ત્યારે એ કલમમાંથી દરિયા ખેડૂની વ્યથા અને અજંપાનો જન્મ થાય છે. ‘અમાનત’ એ દરિયા છોરૂના અજંપાનું અવતરણ છે. આ જીવંત કથા છે, અલબત્ત થોડાંક કલ્પનાના રંગો પુરાયા છે. છતાં એમાં અનુભૂતિની તીખાશ ટપકે છે... સત્યનો રણકો સંભળાય છે. તેથી જ કથાના પાનેપાને બે વાક્યોની વચ્ચે સાગર છોરૂઓનો અજંપો છદ્મવેશે વહેતો રહે છે. એ અજંપો કોનો હશે...? લાલાનો...? નવિનનો...? ભરાડનો...? અભરામાનો...? કે પછી દરિયાનું ખેડાણ છોડી કિનારા પર બેઠાબેઠા માંડવી બંદરની ભૂતકાલીન જાહોજલાલી પછીની વેરાન વર્તમાન અને ભાવિને વાગોળતા આ કથાના સર્જકનો...? હું કંઈ કહું તે કરતાં વાચકો જાતે નક્કી કરે તે વધુ યોગ્ય રહેશે.’ (તા.૧૪-૬-૧૯૮૮) આ નવલકથા પોતાના મિત્ર ડૉ. જયંત ખત્રીને અર્પણ કરતાં લખે છે, ‘જેમણે સાગરખેડૂઓની યાતના સાચી રીતે ઓળખી હતી એવા સાગર છોરૂના હમદર્દ અને મારા પથદર્શક સ્વ. ડૉ. જયંત ખત્રીને....’ નવલકથાનું કથાનક : ઓખા બંદરેથી વહાણ ‘ફતેહ હુબ આબ’માં નમક ભરી માલદીવ જાય છે. તેમાં ચૌદ ખલાસીઓ હતા. લાલા અને ભરાડ વચ્ચે સથા પર બેસી વાતચીત ચાલે છે. વચ્ચે મનિકો આવી પોતાની વાત માંડે છે. અભરામો વર્ષો પહેલાં ગુમ થયો છે. તેની પત્ની કુરસુમ તેના આવવાની રાહ જોઈ રહી છે. એ હવે આવવાનો નથી એમ સમજી મનિકાને કુરસુમ સાથે શાદી કરવી છે. એનાં કારણો પણ આપે છે. એ વાત કરી ચાલ્યો જાય છે. વહાણ એક ટાપુ પર થોભે છે. નવીન આવી, ત્રણેય જણ અન્ય ટાપુ પર જાય છે. હોડીમાં બે માછલીઓ પકડે છે. એક નર અને બીજી ધનુષ્યાકારની માદા. એના વિશે અનેક વાતો થાય છે. આ માછલીઓને રૂપક તરીકે ઉપયોગમાં લેવાઈ છે. નર માછલી એ મનિકો ને માદા તે કુરસુમ કહેતાં ભરાડે લાલાને ફોડ પાડ્યો. અંતે બંને માછલીઓને પાણીમાં છોડી મૂકે છે. આગળ વધતી કથામાં લાલાને વિચારો આવતા રહ્યા, તેની નજરમાં... તા. ૧૧-૧૨-૧૯૪૩ના દિવસે ‘ફતેહજંગ’ વહાણ માલદીવથી સિલોન આવતાં જાપાની સબમરીનમાંથી ગોલંદાજીનો ભોગ બનેલા તેનું સ્મરણ વેધક શૈલીમાં કરાવાય છે. વાર્તા આગળ વધતી રહે છે. આ વહાણનો નાખુદા દેવા દામા હતો. બચેલા સત્તર અને ત્રણ જણ કંઈ સૂઝ કે સમજ વગર દરિયાલાલના ભરોસે તરતા હતા. જાપાની સૈનિકોએ બધાને સબમરીન પર ખેંચી લીધા. દરેકના હાથ પાછળથી બાંધી લીધા. દેવા દામાની અમાનત જેવા જદૂને સબમરીનની અંદર લઈ ગયા ત્યાં જદૂએ રાડ પાડી ‘લાલા...!’ બીજા વિશ્વયુદ્ધની કહાનીની ભયંકર વિભીષિકા આલેખાયેલી છે. જદૂ, મનિયો ને લાલો માત્ર બાર-તેર વર્ષની ઉંમરના હતા. એ ત્રણને બાદ કરતાં બધાયને દરિયામાં હોમી દેવાય છે. નવીન દેવા દામાનો દીકરો છે. એ ખબર પડતાં બંદા શેઠ પાંચ હજારમાં એક જૂનું વહાણ- વલસાડી ‘બતેલા’નો સોદો કરે છે. સમારકામનો ખર્ચ શેઠ ઉઠાવે છે. વહાણનું નામ અપાયું : ‘બુરહાની’. એ વહાણ લઈ નવીન પોતાના વતન ભણી રવાના થાય છે. સાથે લાલો ને ભરાડ ચાલે છે. બંદાશેઠની ગોઠવણી મુજબ તેની દીકરી આયશા, જે રહીમની મંગેતર હતી. પણ તેને વતન માંડવીમાં આવવું હતું એટલે આયશા અને લાલાને ચાહતી કુરસુમ મનિકાને જરાય ખબર ન પડે તે રીતે એક ઓરડીમાં સંતાઈને બેઠાં છે. વચ્ચે રસ્તામાં ભરાડ માહિતી આપે છે કે અભરામો મર્યો નથી એ જીવતો છે. એ વચ્ચે રસ્તે અભરામો વહાણ પર ચઢે છે. એને બધી ખબર પડે છે. તે જાતે કુરસુમને તલાકનામાના સહી કરેલાં કાગળિયાં આપી વહાણ ‘ફતેહ મુબારકમાં બેસી મનિકા સાથે માલદીવ નીકળી જાય છે. બંદાશેઠ ખુદ કહે છે, માલદીવમાં હજી અન્નજળ ખૂટ્યાં નથી, ખૂલતી મોસમમાં મારો ઇરાદો બુરહાનીને નિમક ભરી માલદીવ હંકારવાનો છે, તે પહેલાં મારે મૂળ કામ આટોપવાનું છે તે એ કે મારી પુત્રી આયશા છે તેવી જ કુરસુમને પણ મારી પુત્રીથી કમ સમજતો નથી. એ બન્નેની ઇચ્છા જાણી લઈ આયશા નવીનને અને કુરસુમ લાલાને... બન્ને પુત્રીઓનું કન્યાદાન કરું છું. અંતે વહાણ સુખરૂપ વતન પહોંચે છે. આયશા અને કુરસુમ બન્ને ઊઠી નવીનની માના ચરણસ્પર્શ કર્યા. અને માએ વહુવારૂઓને બાથમાં લીધી. નવલકથાનું શીર્ષક ‘અમાનત’ યથાર્થ નીવડ્યું છે. ખુદ કુરસુમ પણ કહે છે : ‘લાલા! આપણો નિર્ણય મનિકાને પસંદ ન હોય એમ લાગે છે. અભરામાને દેવા દામાએ તને અમાનત જેમ સાચવવા આપ્યો હતો. હું એ અમાનતની અમાનત છું. મને સાચવી લેજે...’ વાસ્તવમાં દરિયે ખલાસીઓ સાથે ખેલાયેલો જંગ-નાખુદાના ભરોસે આવેલા ખલાસીઓ કોની અમાનત કહેવાય? જેમને ડુબાડી માર્યા તે કોની અમાનત હતી? અંતે આયશા ને કુરસુમ અમાનતરૂપ નીવડીને કથાને યોગ્ય દિશાએ પહોંચાડી છે. પંદર પ્રકરણમાં વહેતી કથા સત્ય ઘટનામૂલક છે, તો પણ લેખકે ક્યાંક કોઈક જગ્યાએ કલ્પનાશક્તિનો વિનિયોગ કર્યો છે. હજુ સુધી પોતે વહાણવટું ખેડ્યું હોય અને સાથે કલમ ઉપાડી હોય એવી ઘટના માત્ર ને માત્ર નારાણ દામજી ખારવામાં જોવા મળી છે. એનાથી ઊલ્ટું, લેખક હોય તો પ્રત્યક્ષ રીતે દરિયો ન ખેડ્યો હોય અને દરિયો જેણે ખેડ્યો છે તે કલમસ્વામી નથી બની શક્યા. જે હકીકત અહીં પુરવાર થાય છે. સાદી, સરળ ને સૌષ્ઠવપૂર્ણ લેખનશૈલી, રૂઢિપ્રયોગ, કહેવતો, રૂપકો, અલંકારો અને હિન્દી-ઉર્દૂ શબ્દોની ભાષાભિજ્ઞતા દેખાઈ આવે છે. લાલો અને ભરાડ સાથે નવીન વિશે એક રૂપકમાં ઉપમેય-ઉપમાન સાધ્યું છે, ‘દરિયાનાં ગૂઢ પાણી અને આ ટાપુનાં નીલાં કંચન જેવાં પાણીમાં જૈફ અને જુવાન જેટલો ફરક હતો... આ ત્રણેયમાં નવીન બચ્ચું હતું.’ વહાણવટાને લગતા શબ્દો-વિશિષ્ટ પ્રકારની બોલી, વર્ણનોના વ્યાપની વચ્ચે ક્યાંક કથારસ પાંખો જણાય તો પણ એમનાં વર્ણનોમાંથી મળતી માહિતી દરિયાઈ પરિવેશ માટે ખપ લાગે તેવી છે. હા, જોડણીની કે ક્યાંક વાક્યરચના ખોડંગાતી જણાય છે. આ બાબતે જશવંત શેખડીવાળા તા. ૩૦-૧૦-૧૯૯૭ના લેખકને લખેલા પત્રમાં ઘણું લખ્યું છે, એમાંનું એક વિધાન – ‘શામજી માલમ, નાખવા પુત્ર નવીન, સુકાની લાલો, વડોખલાસી ભરાડ, અભરામો, બંદાશેઠ, કુરસુમ, આયશા આદિનાં પાત્રો અને તેમની આસપાસ ગૂંથાયેલ ઘટનાઓ-કાર્યો દ્વારા – સુરેખ ચિતાર અપાયો છે. તેમાં અભરામો-કુરસુમ-લાલાની સંકુલ તેમ કરુણ-મંગલ પ્રણયકથા હૃદયંગમ બની છે.’ પ્રો. ભગીરથ બ્રહ્મભટ્ટે નોંધ્યું છે : ‘દરિયાઈ પરિવેશનાં વાસ્તવિક ચિત્રો પોતાની આગવી અદાથી વર્ણવી શકવામાં નારાણભાઈ સફળ નીવડ્યા છે. તેમની વર્ણનકલામાં બહુશ્રુતતા દેખાઈ આવે છે.’ દેવા દામા તે લેખકના મોટા ભાઈ દેવજી દામજી ઝાલા છે. પોતાનું પાત્ર (નાના નાખવા) નવીન લે છે. ત્રણ છોકરાઓ જે બચી ગયેલા તે જદુ (દામજી રામજી હોદાર), મનિકો (મનુ જીવા જેઠવા) અને લાલો એ તેમના મોટા ભાઈ (કાનજી દામજી ઝાલા) એમાં અન્ય પાત્રોમાં મજીદ, જોસેફ, ઘેલાભાયા, મોંભોલ, ઝુબેદા અને તેનો બાપ રાડમામદો છે. આ બધાં પાત્રો જાણે કાલ્પનિક હોય તેમ અને સાચે જ કલ્પનાના રંગો દ્વારા સંવાદો ઉપકારક નીવડ્યાં છે. અંતતઃ ‘અમાનત’ નવલકથા સાગર સાહિત્યમાં અનન્ય સ્થાન પામી શકી છે. વાચકવર્ગ ને ભાવકને રંજક બનાવશે, જે લેખકનું અધિકૃત કતૃત્વ બનાવશે.

હસમુખ અબોટી ‘ચંદન’
નિવૃત્ત શિક્ષક, કચ્છી-ગુજરાતીમાં ગદ્ય પદ્યમાં સર્જન.
ખાસ કરીને દરિયાઈ સાહિત્યના સર્જક.
નવલકથા, વાર્તા, લેખ, કાવ્ય, સંપાદન સિવાયના અગિયાર પુસ્તકો પ્રગટ થયાં છે.
રહેઠાણ : હરિનગર-૧, શીતળા રોડ, માંડવી, કચ્છ ૩૭૦૪૬૫
મો. ૯૪૨૮૫૬૭૯૦૦, Email: hasmukhaboti@gmail.com