નવલકથાપરિચયકોશ/કોણ? ઉત્તરાર્ધ
‘કોણ?’ ઉત્તરાર્ધ : લાભશંકર ઠાકર
લાભશંકર ઠાકર ગુજરાતી ભાષાના જાણીતા સર્જક. મુખ્યત્વે કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને બાળસાહિત્યકાર તરીકે એમના પ્રદાનથી સાહિત્ય ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તેમનો જન્મ ૧૯૩૫, ૧૪ તારીખે સેડલા ગામમાં થયો હતો. વતન પાટડી જિ. સુરેન્દ્રનગર. આઠ ધોરણ સુધી અભ્યાસ પાટડીમાં, પછીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. ૧૯૫૭ બી.એ., ગુજરાત કૉલેજ, ૧૯૫૯ એમ.એ. ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું. ૧૯૫૯થી ૧૯૬૫ અમદાવાદની જુદી જુદી કૉલેજમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક. ૧૯૬૪માં ડી.એસ.એ.સી. (શુદ્ધ આયુર્વેદનો ડિપ્લોમા) કરી વૈદ્ય તરીકે વ્યવસાય. ૨૦૧૬ છઠ્ઠી જાન્યુઆરીએ અમદાવાદમાં દેહવિલય. સાહિત્યસર્જન માટે કુમાર ચંદ્રક ૧૯૬૨, રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૮૧, નર્મદ સુવર્ણચંદ્રક ૧૯૮૨, ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર’ ૧૯૯૧માં; ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૦૩માં મળ્યો હતો. એમના વિવિધ સાહિત્યસ્વરૂપનાં ૭૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમાંથી ૧૨ જેટલી નવલકથાનો સમાવેશ થાય છે. તો, આયુર્વેદને લગતાં ૩૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે. કોણ? પૂર્વાર્ધ (૧૯૬૮), ઉત્તરાર્ધ (૧૯૯૩) કોણ? લાભશંકર ઠાકરની બીજી નવલકથા છે જેનો પૂર્વાર્ધ ૧૯૬૮માં લખાયો અને પ્રકાશિત થયો હતો. આ કૃતિનું અર્પણ પરમાત્મા ને મિત્ર માણેકલાલ ઠક્કરને થયું છે. ૨૬ પ્રકરણમાં વિભાજિત ૧૫૭ પાનાંની આ નવલકથાનો નાયક – વિનાયક, એક ભ્રાંતિને લીધે સંસારમાંથી નિભ્રાન્ત થઈને જીવનની બધી જવાબદારીઓ છોડીને આત્મતત્ત્વની ઓળખ કરવા નીકળી જાય છે, છેવટે ક્યાંક ચાલ્યો જાય છે એની કથા છે. એ કહે છે : ‘મારી જાતને ઓળખવા માંગું છું’ (પૃ.૩૩) સ્વની ઓળખ કે આત્મઓળખ એ નવલકથાનું ચાલકબળ બને છે. અને એમાં અંતરાય ઊભો કરતી સંસારી બાબતો કે જેને વિનાયક જથા કહે છે, એને સભાનતાથી છોડતો રહે છે. નોકરી, શહેર, સામાજિકતા, મિત્રો એક પછી એક ક્રમશઃ છોડતો જાય છે. વિનાયકને થાય છે કે કામૈષણા, ૫છી ધનૈષણા પછી પુત્રૈષણા આ સહજ નથી. પણ એની પાછળ માણસનો ડર છે, મૃત્યુનો ડર. અને મૃત્યુ એ શરીરને છે, આત્માને નહીં. વિનાયક સભાનપણે આત્મતત્ત્વની શોધમાં – આનંદથી કુટિર છોડી દે છે! - ‘ક્યાં ચાલ્યા ગયા હશે?’ એવા ગામલોકોના પ્રશ્ન સાથે કથાનો પૂર્વાર્ધ વિરમે છે. કથા આરંભે વિનાયક પત્ની કેતકીને પડોશના યુવાન અનિકેતના સ્કૂટર પર પાછળ સાથે બેસીને જતી જુએ છે. આ ઘટના એને આઘાત આપે છે. આ સંસાર સુખને છોડવા તૈયાર થાય છે. કેતકીની બેવફાઈથી આહત નાયક આત્મહત્યાના વિચારો કરે છે, પણ પછી ઈસુ અને બુદ્ધના ઉદાહરણમાં આશ્વાસન પામે છે, કેતકી એના બદલાયેલા વર્તનને જોઈને કારણ પૂછે છે તો કહેતો નથી. અતિઆગ્રહ પછી કેતકી અનિકેતના સ્કૂટર પાછળ બેઠી હતી એ કહી દે છે. કેતકી ફોડ પાડે છે કે, અનિકેતના સ્કૂટર પાછળ એ નહીં, પણ એની બહેન છાયા એની પિન્ક સાડી પહેરીને જોઈ હશે. કેમ કે, પોતે તો આજે બહાર નીકળી જ નથી. કથાનાયક વિનાયકે આ ભૂલથાપ ખાધી એમ સ્વીકારીને કેતકીને જીવન સમજ વિશે કહે છે કે, આપણે એ વિશે ક્યારેય મૂળમાં ઊતરીને વિચાર્યું નથી. અને પછી વિનાયકને થાય છે કે, કેવળ પરંપરા પ્રમાણે ચાલવું નથી. એ સભાન બને છે. આમ વિનાયકને લાગતો આઘાત એ હવે પછી આવનારી ઘટનાઓ માટે એક ભૂમિકા ઊભી થાય છે. ને નવલકથા પછીનાં પ્રકરણોમાં એ દિશામાં આગળ વધે છે. વિનાયક સમાજ કહે એમ ન કરવા નક્કી કરે છે. એની શરૂઆત દાઢી ન કરવાથી કરે છે. સલામતી છોડવા – વગર કહે રજા લે છે. કારણ તો ઊંઘવા! દેરાસરીસાહેબ આવા નજીવા કારણે રજા માટે ખખડાવે છે, ચા વાળા છોકરા શંભુના પ્રસંગથી બોધ લઈને એ પણ નોકરીમાંથી રાજીનામું આપી દે છે. કેતકી, તેના સસરા કે મિત્રોની સલાહ નથી માનતો. એટલું જ નહીં, શહેરનું ઘર ખાલી કરીને નામપુર ગામમાં રહેવાનો નિર્ણય કરે છે. કેમ તો ઓછા ખર્ચથી જીવી શકાય. કેતકી પણ સભાન બને એમ ઇચ્છે છે, કામેચ્છા જાગે છે તો પણ એની સાથે સંબંધ બાંધતો નથી. દિવસે દિવસે એનું વર્તન વિચિત્ર થતું લાગે છે. વિનાયક ઘડો લઈને પાણી ભરવા જાય છે, એથી કેતકી કાકલૂદી કરીને સમજાવે છે. છેવટે એ સાથ છોડીને પાછી શહેર જાય છે તો બળદેવ અને નિરંજન જેવા મિત્રોનો સાથ સંબંધ છોડે છે. આત્મઓળખના માર્ગને સમાજની સ્વીકૃતિ નથી મળતી તો પણ એ નિર્ધારિત રસ્તે એકલો આગળ વધે છે. થોડો સામાન હતો એ ચોરાઈ જાય છે. અને જે જરાક બંધન હતું એ હવે ન રહેતાં ઘર છોડીને ચાલી નીકળે છે . અબુધ છોકરી સાથે મુલાકાતથી એને થાય છે, વિચાર વગર પણ જીવી શકાય. એને થાય છે કે મારો માર્ગ બરાબર છે, એને ગામના છોકરાઓ ગાંડો ગણે છે, પથરા મારે છે ને પછી સાધુ તરીકે સ્વીકારે છે, ને કુટિર બાંધી આપે છે. પણ એનાથી એ બંધાતો નથી. એ ક્યાંક જતો રહે છે. નવલકથા રૈખિક ગતિએ આગળ વધે છે. ભાષા વાસ્તવલક્ષી છે. વિનાયકને નચિકેતા અને સનત્કુમારના ઉદાહરણથી આત્મઓળખના માર્ગને સમર્થન મળે છે. કોણ? ઉત્તરાર્ધ(૧૯૯૨)માં લખાયો અને પૂર્વાર્ધ સાથે ૧૯૯૩માં પાર્શ્વ પ્રકાશન, અમદાવાદે પ્રકાશિત કર્યો. લાભશંકર ઠાકર કહે છે કે, ‘પ્રથમ ભાગમાં જે કંઈ ‘સ્થપાયું’ તે બીજા ખંડમાં ઉથાપાયું છે, કશું જ સ્થિર રાખીને સ્થાપી શકાય એવી મનુષ્ય ચિત્તની સ્થિતિ નથી. માણસ સતત સ્થિરતા ઝંખે છે અને જીવન સમગ્ર માનવચેતના સતત અસ્થિર છે. પ્રવાહી છે. ઉત્તરાર્ધ આઠ પ્રકરણ ને ૮૦ પાનાંમાં છે. અહીં લેખક લા.ઠા. સ્વયં જેને મળવા પચીસ વર્ષ પહેલાંનો વિનાયક આવે છે. લેખક એને ઓળખતા નથી. અબુધ છોકરીનું જીવન વિચારોની ધમાલ વગર પસાર થઈ રહ્યું છે. એમ વિનાયકને એને મળ્યો ત્યારે લાગતું હતું. અત્યારે એની સાથેના સંવાદમાં નવલકથાકાર લા.ઠા. વિનાયકના અસ્તિત્વમાં આવતા પરિવર્તનને બતાવે છે. એની શરૂઆત દેખાવથી કરે છે, એના લાંબા વાળને બચુ વાણંદ પાસે કપાવે છે. શરૂઆતના વિચારગ્રસ્ત એવા વિનાયકને સર્જક કહે છે, ધેટ વોઝ સ્ટયુપીડ. અને કહે છે વિચાર તો ડેડ છે. આમ, સર્જકને વિચારમાં આસ્થા નથી. તો સર્જકને શામાં આસ્થા છે? જવાબ છે, મને રસ પડે છે એક એક શબ્દમાં. સર્જક અને સર્જેલ પાત્ર વિનાયક વચ્ચે ખેંચતાણ ચાલે છે, તું (વિનાયક) પપેટ છું, તને હું નચાવું છું ...ઘણીવાર એવું લાગે છે કે તું મને નચાવે છે. તો સર્જકને એમ થાય છે કે એ આત્મવેત્તા વિનાયકની વાત ફેક Fack હતી તો વિનાયક કહે છે, તો લખી શાં? લા.ઠા.નો જવાબ લખવાનો આરંભ કર્યો ત્યારે એ ફેક લાગતી ન હતી. આમ ક્ષણનું સત્ય કે જિવાઈ રહેલું જીવન જ સર્જક સામે છે. તો, પૂર્વાર્ધની બધી માન્યતાથી વિપરીત અહીં વિનાયક નોકરી કરવા તૈયાર છે. કેતકી સાથે રહેવા માટે તૈયાર છે, જે એનું બાળક નથી એની જવાબદારી લેવા તૈયાર છે. અમૂર્ત આત્મતત્ત્વને સ્થાને યૌન અનુભવને મૂકે છે. કથામાં દાખલ કરે છે ને આ બધુ નાટ્યપ્રયુક્તિ ઇમ્પ્રોવાજેશનની રીતે લીલયા કરે છે. અંત વિશે રાધેશ્યામ શર્મા લખે છે, ‘શબ્દ વડે કલા સર્જન અવશ્ય થઈ શકે પણ સત્ય દર્શન આત્મસાક્ષાત્કાર ક્યારેય ના સંભવે. ઉપકરણ તરીકે ભાષા પાંગળી છે, શૈલી આંધળી છે. એનો તીવ્ર અહેસાસ થતાં નાયક વતી સર્જક કોણના અંતે દયનીય બાળ બબળાટમાં સરી પડે છે. હું સાક્ષર છું, બ્રહ્મ જિજ્ઞાસુ સાક્ષર પેટીમાં છું...’ ગમે ત્યાં અટકવાનું છે તો અહીં અટકી જાવ. તમારી મારી ભાષાના એક બધિર મૂક બાળક બનીને. (પૃ. ૨૩૮) અહીં સર્જક સાથોસાથ મનુષ્ય જાતિની પરિસ્થિતિગત કરુણતાનો વીજ ઝબકાર અનુભવાય. પૂર્વ કોણ?ની કથાથી જે સ્થાપ્યું હતું એને જ સર્જક સ્વયં ઉથાપે છે, કેમ? તો જવાબ છે કે કશું જ સ્થિર રાખીને સ્થાપી શકાય એવી મનુષ્યચિત્તની સ્થિતિ નથી. માણસ ભલે સ્થિરતા ઝંખતો હોય પણ જીવન સમગ્ર સતત અસ્થિર છે અને પ્રવાહી છે તે કોણ? નવલ પણ એવો જ એક પ્રયોગ છે કહો કે, સર્જનાત્મક પ્રયોગ છે.
સંદર્ભનોંધ : ૧. શર્મા, રાધેશ્યામ. ‘પ્રત્યક્ષ’ ઑક્ટો.-ડિસે. ૧૯૯૩, પૃ. ૧૫.
પ્રો. ડૉ. અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫૦૬૯૪૨
Emailઃ ajayraval૨૨@gmail.com