નવલકથાપરિચયકોશ/મીરાં યાજ્ઞિકની ડાયરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૯

‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ : બિન્દુ ભટ્ટ

– આશકા પંડ્યા
Mira Yagnikni Diary.jpg

(‘મીરાં યાજ્ઞિકની ડાયરી’, પ્ર. આ. ૧૯૯૨, પુનર્મુદ્રણ : ૧૯૯૬, ૨૦૦૫ અને ૨૦૨૦) સર્જક પરિચય : વાર્તાકાર, અનુવાદક, વિવેચક, સંપાદક અને નવલકથાકાર બિન્દુ ભટ્ટનો જન્મ (તારીખ :૧૮-૦૯-૧૯૫૪) જોધપુર, રાજસ્થાનમાં. ત્યારબાદ લીંબડી અને અમદાવાદમાં નિવાસ. એચ. કે. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાંથી બી.એ. (ઈ. ૧૯૭૬). ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે એમ.એ. (ઈ. ૧૯૭૮). ‘આધુનિક હિન્દી ઉપન્યાસઃ કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ’ વિષય પર ભોળાભાઈ પટેલના માર્ગદર્શનમાં સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ. ઈ. ૧૯૯૧થી ઉમા આટ્ર્સ ઍન્ડ નાથીબા કૉમર્સ મહિલા કૉલેજ, ગાંધીનગરમાં હિન્દીનાં અધ્યાપક. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’, ‘અખેપાતર’ (નવલકથા), ‘બાંધણી’ (વાર્તાસંગ્રહ), ‘અંધી ગલી’ (ધીરુબેન પટેલની ‘આંધળી ગલી’નો હિન્દી અનુવાદ), ‘અપભ્રંશ વ્યાકરણ’ (હરિવલ્લભ ભાયાણી સંપાદિત વ્યાકરણનો હિન્દી અનુવાદ), ‘બીજાના પગ’ (શ્રીકાન્ત વર્માની વાર્તાઓનો ગુજરાતી અનુવાદ), ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ’, ‘આજ કે રંગનાટક : એક તુલનાત્મક અધ્યયન’ (હિન્દી વિવેચન) જેવા ગ્રંથો તેમની પાસેથી મળે છે. ‘અખેપાતર’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું વર્ષ ૨૦૦૩નું પારિતોષિક. કૃતિ પરિચય : ઈ. ૧૯૯૨માં પ્રગટ થયેલી ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ સર્જકે ભોળાભાઈ પટેલને અર્પણ કરી છે. તેનાં કુલ પૃષ્ઠ ૧૩૮ છે. નામ મુજબ ડાયરીરૂપે લખાયેલી આ કૃતિના કેન્દ્રમાં મીરાં છે. પાત્રપ્રધાન આ કૃતિમાં સર્જક અપૂર્વ કુશળતાથી મીરાંના સંકુલ વ્યક્તિત્વને, તેના અંતરના ઊંડાણને, પ્રથમ સ્પર્શ, જાતીયતા અને સ્નેહનાં તેનાં અત્યંત ઋજુ સંવેદનોને આલેખે છે. એ વડે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના અને સ્ત્રી-પુરૂષના જાતીય સંબંધોને સરાણે ચડાવીને ભાવકને તેના વિશે જુદી રીતે વિચારવા પ્રેરે છે. ત્યકતા- શિક્ષિકા માતાનું સંતાન એવી મીરાં યાજ્ઞિક ગુજરાત યુનિવર્સિટીના હિન્દી વિભાગની વિદ્યાર્થિની છે. તે ‘પ્રેમચંદોત્તર ઉપન્યાસમેં પ્રેમ એવં વિવાહકી સમસ્યાયેં’ વિષય પર પીએચ.ડી. કરી રહી છે. મીરાં પીએચ.ડી. થાય એ માતાનું એક સ્વપ્ન છે. મીરાંને કોઢ છે. આથી તે લઘુતાગ્રંથિથી પીડાય છે. માતા પછી મીરાંના જીવનમાં મહત્ત્વની વ્યક્તિ છે એક વેળાની તેની શાળાની શિક્ષિકા વૃંદા. શાળાના આચાર્ય કામાણીને વૃંદા પ્રેમ કરે છે. કામાણી પરિણિત હોવાના લીધે વૃંદા તેની સાથે લગ્ન કરતી નથી. તે રાજીનામું આપીને એમ.એ.નું ભણતર પૂરું કરવા અમદાવાદ (મીરાંની સાથે તેની જ હોસ્ટેલમાં) આવી જાય છે. ત્યાં મીરાં અને વૃંદા વચ્ચે જાતીય સંબંધ બંધાય છે. સંતાન ઝંખતી વૃંદા મીરાંની સખી રુચિના મામા ડૉ. અજિત તરફ આકર્ષાય છે. અજિત ડિવોર્સી છે અને મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવે છે. વૃંદા અજિત સાથે લગ્ન કરવા માટે, મીરાંને જણાવ્યા વિના મુંબઈ જતી રહે છે. આ પ્રસંગે મીરાંને ઊંડો આઘાત લાગે છે. મન બીજે વાળવા તે હિન્દી સાહિત્ય સર્જન શિબિરમાં ભાગ લે છે. જ્યાં તેની મુલાકાત ડાબેરી વિચારક, કવિ ઉજાસ અગત્સ્ય સાથે થાય છે. ઉજાસની પત્ની મૃત્યુ પામી છે. તેની પુત્રી પંચગની બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. મીરાં આ સંબંધથી પોતાના સ્ત્રીત્વને હજુ તો પામવાની શરૂઆત કરે ત્યાં એક દિવસ ઉજાસ મીરાં સાથે બળજબરીથી સંબંધ બાંધે છે. એટલું જ નહીં, એ વેળાએ તિવારીજી આવે છે ત્યારે ઉજાસ મીરાંને તેની ચંપલ સાથે બાથરૂમમાં ધક્કો મારીને સંતાડી દે છે. એક મિત્ર તરીકે પણ ઉજાસે પોતાને સ્વીકારી નહીં અને માત્ર શરીરની ભૂખ સંતોષી એ સમજાતાં મીરાં ભાંગી પડે છે. ઘરે ગયેલી મીરાંને વૃંદાએ મોકલેલું જન્મદિવસનું કાર્ડ મળે છે અને મીરાં પોતાના ‘નિતંબપુર કેશ’ને કાપી નાંખે છે. સંબંધમાં તરછોડાયેલી મીરાંની અકથ્ય ગૂંગળામણ આગળ કૃતિ પૂરી થાય છે. મીરાંના જીવનના એક વર્ષની(૩૧ ડિસેમ્બર એ પ્રથમ દિવસ અને ૩૦ ડિસેમ્બર અંતિમ દિવસ) ઘટનાઓનું ડાયરીરૂપે આલેખન થયું છે. શીર્ષક મુજબ કથાનું મુખ્ય કેન્દ્ર મીરાં છે. મીરાંની જ ડાયરી હોઈ કથક પણ મીરાં જ છે. મીરાંની નજરે વૃંદા, મમ્મી, ઉજાસ, સલિલ, રુચિ, ઉજ્જ્વલા આદિ પાત્રો આલેખાયાં છે. ઉજ્જ્વલાની બ્રાની ક્લીપ કાયમ મીરાં પાસે બંધ કરાવવાની ચેષ્ટા. તેનો એક જ સંવાદ, ‘મારું ચાલેને તો ન્યૂડીઝમનો ઝંડો ફરકાવું. ઘણી વાર તંદુરસ્તી અને સુંદરતાના ભોગે આપણે ત્યાં કપડાંનો મહિમા થાય છે.’ ચાની લારી પરનો દેવી કે તોફાની રુચિ અને ભુલકણો સલિલ. સર્જક એકાદ લસરકામાં જ ગૌણ પાત્રોને પણ ઉપસાવી દે છે. મીરાંનું પાત્ર માનસશાસ્ત્રીય રીતિએ તપાસીએ તો કૃતિનાં જુદાં જ પરિમાણો જોવા મળે છે. ત્યક્તા માતા મીરાંને એકલે હાથે ઉછેરે છે પણ સક્ષમ મા ક્યારેય ખૂલીને મીરાં સાથે બોલતી નથી. તે મીરાં જાતે જ વાત કરે તેમ ઇચ્છતી જોવા મળે છે. પિતાનો સ્નેહ મળ્યો નથી. તેમાં કોઢના લીધે કાબરી, કાળી-ધોળી જેવા શબ્દો બાળપણથી સાંભળતી મીરાં અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. તેથી તેની કથા કહેવા તો ડાયરી જ જોઈએ. આથી અહીં ડાયરી માત્ર પ્રયુક્તિ નથી પણ વિષયની અનિવાર્ય જરૂરિયાત છે. વૃંદા તેનાથી અંતર રાખે કે તેની જાણ બહાર લગ્ન કરે ત્યારે પણ તે હકભાવથી વૃંદાને કંઈ પૂછી શકતી નથી. ઉજાસને પણ તે મોઢે કશું કહેતી નથી. ત્યાં સમજાય કે મીરાં અંતર્મુખી છે, માત્ર લઘુતાગ્રંથિથી પીડાતી યુવતી નથી. એડલરના ક્ષતિપૂર્તિના સિદ્ધાંત મુજબ કોઢથી હાંસીપાત્ર બનતી મીરાં ભણવામાં અવ્વલ છે. સંવેદનશીલ હોઈ સાહિત્ય, કલા તરફ આકર્ષાય તે પણ સહજ છે. કૃતિમાં મીરાંનો વૃંદા અને ઉજાસ બંને સાથે જાતીય સંબંધ સર્જક દર્શાવે છે. ઉપલક રીતે તો ત્યાં મીરાંની શારીરિક ભૂખ જ કે વૃંદા, મીરાંને કામાણીની અવેજીરૂપે જુએ છે તેમ લાગે. પણ કૃતિનું માનસશાસ્ત્રીય રીતે વાચન કરીએ ત્યારે સર્જકની પાત્રાલેખનની સૂઝ માટે માન થાય. પ્રથમ પ્રકરણમાં જ મીરાં લખે છે કે, ‘આ નિતંબપુર કેશપાશમાં કોણ બંધાશે? આ કાબરચીતરા સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે મારા સુધી?’ ૪ જાન્યુઆરીની મીરાંની નોંધમાં તે આઠમા ધોરણમાં હતી તે વેળાનો વૃંદા સાથેનો પ્રસંગ જોવા મળે છે. ‘આ મારી કાબરી’ કહી મીરાંનો પક્ષ લેતી વૃંદાની આંખોમાં આંસુ જોઈ મીરાં કહે છે, ‘એ દિવસ પછી મને ક્યારેય લાગ્યું નથી કે મારા શરીરે કોઢ છે અને વૃંદા મારી ટીચર છે.’ એની આગળ મીરાં વૃંદાના ચહેરાનું વર્ણન કરે છે તે શબ્દો નોંધપાત્ર છે. ‘ચંપઈ ગૌર રંગ, તીણું નાક અને માંસલ હોઠનો પડઘો ઝીલતાં ગાલના ખંજન’. ત્યારબાદ વૃંદા હોસ્ટેલ આવવાની હોય છે તે દિવસે પણ આખો દિવસ તેની રાહમાં ભૂખી રહેલી મીરાંના શબ્દો છે, ‘આ મીરાં એની રાહમાં ભૂખી રહી તે!’ ત્યારબાદ મમ્મીના પેટ પર હાથ મૂકતી મીરાં ટેવવશ હોસ્ટેલમાં પડખે સૂતેલી વૃંદાના પેટ પર હાથ મૂકી દે છે – આ પ્રસંગ આવે છે. (આઠમા ધોરણમાં ૧૪ વર્ષની વયે, એટલે કે યુવાનીના ઉંબરે ઊભી હોઈ નૈસર્ગિક શારીરિક ફેરફાર અનુભવતી હોય) ત્યારે વૃંદાની આંખમાં જોયેલ સહાનુભુતિ, સહજ લાગણી, (કોઢના લીધે મિત્રો, સહેલીઓ વિનાની) મીરાંની ભીતર વયસહજ અન્ય સ્પંદનો જગાડે છે. તેથી જ તેની આંખો વૃંદાના માંસલ હોઠ, ગાલના ખંજન જુએ છે. વૃંદાની રાહમાં ભૂખ્યા રહેવું એ પણ સંકેત છે. વૃંદાના પેટ પર મૂકેલો હાથ એ ‘નિતંબપુર કેશપાશમાં’ વૃંદાને બાંધવાની ઝંખના દર્શાવે છે. કિશોરવયનું આકર્ષણ મીરાંને વૃંદા સાથે જાતીય સંબંધે જોડે છે. વૃંદા સાથેનો આ સંબંધ જાતીયતા સુધી સીમિત ન રહેતાં મીરાંના રોમરોમ સુધી વ્યાપી વળે છે. ‘વૃંદાને ચાહવાની સાથોસાથ હું મારા શરીરને ય ચાહવા લાગી છું.’ વૃંદાનું સ્વપ્ન એક સુંદર બાળકની મા બનવાનું છે. ‘એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રીનો અધિકાર છીનવવાનું પાપ ન કરવું પડે’ એ માટે કામાણીથી દૂર થયેલી વૃંદા માટે મીરાં અવેજી નથી. પોતે અજિત સાથે જોડાવાની છે એ વાત કદાચ મીરાં ન સ્વીકારી શકે કે મીરાં સાથેનો ગાઢ સંબંધ તેને રોકી દે એવી કોઈ ભીતિથી વૃંદા મીરાંને જાણ કરતી નથી. અંતે તેણે મોકલેલું કાર્ડ તેની મીરાં માટેની લાગણી સૂચવે છે. ડાયરી મીરાંની હોઈ વૃંદા શું વિચારે છે એ સર્જક ન જ બતાવી શકે. તેમણે વૃંદાના પાત્રને પામી શકાય તેટલા સંકેતો તો મૂક્યા જ છે. ઉજાસની હાજરીમાં સ્ત્રી હોવાનું અનુભવતી મીરાં પર ઉજાસ તૂટી પડે છે ત્યારે મીરાં લખે છે, ‘એની આંખોના ઝનૂને મારી બધી આર્દ્રતા ચૂસી લીધી... આ સમય બળાત્કારના અંધારમાં પલટાતો જતો હતો ને હું એનામાં મારા ઉજાસ શોધતી રહી.’ ઉજાસ પણ મીરાંની લાગણીઓ કચડી નાંખે છે. કેશ કાપવાની ઘટના પોતાની સ્નેહની ઝંખનાને કાયમ માટે ઊતરડી, ઉઝરડી નાંખીને જીવવાના મીરાંના નિર્ણયને સૂચવે છે. કૃતિની ભાષા મીરાંના સૂક્ષ્મતમ, આંતરિક સંવેદનોને રજૂ કરે તેવી, તેના સંકુલ મનોજગતને ઉજાગર કરે તે મુજબની છે. સંશોધનની વિદ્યાર્થિની અને કલા તરફી ઝુકાવવાળી મીરાંની પ્રેમ માટેની તીવ્રતમ તરસ અને બીજી તરફ તેના બૌદ્ધિક પાસાને રજૂ કરે તેવા સાહિત્ય કૃતિઓ, ચિત્રકલા, ફિલ્મ આદિના ઉલ્લેખો વડે સચોટ રીતે, ભાષાનાં સ્તરો વડે પામી શકાય છે. સર્જકો, સાહિત્ય અને કલાના ઉલ્લેખો કે કાવ્ય પંક્તિઓ માત્ર નવીનતા ખાતર આવી નથી. તેના વડે મીરાંનું પાત્ર ઊઘડે છે, સાથે જ મીરાંની ક્રમશઃ બદલાતી માનસિકતાનો પણ આલેખ મળે છે. શિરીષ-ફૂલો, લીમડો, સાબરમતી આશ્રમ, લકીની ચા, મેકઅપ, લિપસ્ટિક, સાડીના રંગો જેવી નજીવી લાગતી વિગતોની રંગોળીથી આખો પરિવેશ મીરાંના અંતઃકરણમાં શી રીતે ઝિલાય છે તે રીતનું આલેખન સર્જકની કથનકેન્દ્રની સૂઝ દર્શાવે છે. ઉજ્જ્વલાની બોલ્ડનેસ, રુચિ-સલિલનો પ્રેમ સંબંધ, ઉજાસની છેતરામણી વાણી પણ અહીં જોવા મળે છે. લેડીઝ હોસ્ટેલનો પરિવેશ આછા લસરકામાં ઉપસાવી દીધો છે. સુરેશ જોષીની ‘વિદુલા’ની નાયિકા વિદુલા જેવી અત્યંત વિલક્ષણ અને ગુજરાતી નવલકથા સાહિત્યના ઇતિહાસમાં નોખી તરી આવે તેવી મીરાં વિશે રમેશ દવે લખે છે, “મીરાંની આ ડાયરી તત્ત્વતઃ એની કરુણપર્યવસાયી કથા છે. પણ આ કરુણની નિષ્પત્તિનું કારણ, રસની પરિભાષા યોજીને કહીએ તો તેનો ઉદ્દીપન અને આલંબન વિભાવ મીરાં પોતે જ છે.” ગીતા નાયક ‘સંવેદનાની તીક્ષ્ણ ધાર પર ચાલતી મીરાં યાજ્ઞિકની ડાયરી’ નામના લેખમાં આ કૃતિને ‘ગુજરાતી ભાષાની અનવદ્ય અને રમણીય રચના’ કહીને બિરદાવે છે.

આશકા પંડ્યા
નવલકથાકાર, વિવેચક
aashkapandya@gmail.com