નવલકથાપરિચયકોશ/કોરું આકાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૦

‘કોરું આકાશ’ : અજય સોની

– પ્રભુદાસ પટેલ
Koru Aakash.jpg

નવલકથાકારનો પરિચય : અજય સોની, વ્યવસાય - સુવર્ણકાર જન્મ અને જન્મસ્થળ : ૨૧ -૧૧-૧૯૯૧ આણંદ (ખેડા) વતન : અંજાર(કચ્છ) અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ : અંજાર પ્રાથમિક શાળા નંબર-૧ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ : સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, અંજાર ઉચ્ચ શિક્ષણ : મુખ્યવિષય અર્થશાસ્ત્ર સાથે બી.એ- તોલાણી આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, આદિપુર. પારિતોષિકો - ‘રેતીનો માણસ’ વાર્તાસંગ્રહને ગુ.સા.પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, કુમાર આટ્ર્સ ફાઉન્ડેશન, અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ પારિતોષિક ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ૨૦૧૯નો યુવાગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે તથા ‘કોરું આકાશ’ લઘુનવલને ‘કલાગુર્જરી પારિતોષિક’ પ્રાપ્ત થયું છે. સાહિત્યસર્જન : ‘રેતીનો માણસ’ (વાર્તા સંગ્રહ), ‘કથા કેનવાસ’ અને ‘રંગછાબ’ (સંવેદન કથાઓ), ‘કોરું આકાશ’ (લઘુનવલ) ‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’ (સંપાદન) નવલકથાની આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ : ૨૦૨૦; બીજી આવૃત્તિ  : ૨૦૨૧ નવલકથાનું કથાવસ્તુ : ‘કોરું આકાશ’માં માનવમન અને માનવ સંબંધોની સંકુલતાનું સામાજિક વિષયવસ્તુ નિરૂપાયું છે. જમના, કેસર અને રણમલ આ રચનાનાં ધરીરૂપ પાત્રો છે. આ ત્રણ પાત્રોની આસપાસ કથાવસ્તુના તાણાવાણા ગૂંથાયા છે. જમના અને કેસર અનન્ય સહિયરો છે. નિયતિની વક્ર દૃષ્ટિને લીધે બંનેના સુખી દાંપત્યજીવનમાં અપાર વ્યથા-પીડા અને નિરાશા વ્યાપી છે. પરણ્યાના બીજા જ વર્ષે પતિ હરિનું અકાળે અવસાન થતાં નિઃસંતાન કેસરના જીવનમાં દુઃખ જ દુઃખ વ્યાપી ગયું છે. તો જમના અને રણમલ પણ નિઃસંતાન હોવાથી પીડાય છે. કેસર અને જમનાને લોકોનાં મહેણાં સાંભળવાં પડે છે. જમના તો શિવભક્તિમાં મન લગાડી તેનું મન હળવું કરે છે, પરંતુ પતિ રણમલનું પુત્રઝંખનામાં પીડાવું-રહેસાવું અને વ્યસનની લતે ચડી જવું જમનાને અકારું લાગે છે. સખી કેસરની વૈધવ્ય દશાથી પણ જમના દુઃખી છે. વહેલા પરોઢિયે આવેલું સપનું જમનાને મહાદેવજીનો સંકેત લાગે છે અને સ્વપ્નસંકેતને સાકાર કરવા માટે તે ભગતની ઇચ્છા જાણી લે છે, તથા રણમલ અને કેસરને મનાવી લઈ તેમનો સંસાર વસાવીને પોતે સંન્યસ્ત જીવન ગુજારે છે. જમનાએ કદીય સંસારજીવન અને ગામમાં નહીં પ્રવેશવાની આકરી પ્રતિજ્ઞા લીધી છે. અને મહાદેવમય બની અઢી અઢી દાયકા સુધી તેનું ચુસ્ત પાલન કર્યું છે, પરંતુ એક મોડી રાત્રે રણમલનું મરણ થાય છે ત્યારે કેસર જમના ના આવે ત્યાં સુધી અંત્યેષ્ટિ સંસ્કાર ના કરવાની આકરી જિદ લઈને બેઠી છે. જમનાને પણ કઈ રીતે મનાવીને પાછી લઈ અવાશેની અવઢવ અનુભવતાં નારણ, ભગત અને મંજુકાકી મોડી રાતમાં જમનાની મઢીએ જવા નીકળે છે. અડગ જમના છેવટે નારણ અને ભગતની સમજાવટથી ઝૂકે છે. કાળાં વસ્ત્રો ધારણ કરી આવે છે. કેસરનો ચૂડલો વધેરે છે. અંતે રણમલના અગ્નિસંસ્કાર વિધિમાં જોડાઈ, રણમલની સ્મૃતિરૂપ અંતિમ નિશાની સમાન કમરબંધ ભડભડતી ચિતામાં નાખીને પુનઃ મઢીનો માર્ગ અખત્યાર કરે છે. નવલકથા લેખનની પદ્ધતિ : નવલકથાની કથનભાષા મોટે ભાગે શિષ્ટ, સરળ અને પ્રાસાદિક છે. સંવાદભાષામાં કચ્છી બોલીનો પાત્રાનુરૂપ વિનિયોગ થયો છે. તો પાત્રોના મનોગત, અને પરિસ્થિતિના નિરૂપણમાં કાવ્યત્વસભર ભાષા યોજાઈ છે. નવલકથા વિશે : નવલકથાનું કથાવસ્તુ ચરિત્રપ્રધાન અને સામાજિક કહી શકાય તેવું છે. મધરાતે થતા રણમલના મૃત્યુથી આરંભાતી આ રચના વહેલી સવારે રણમલના અંતિમ સંસ્કારથી અંત પામે છે. આમ, સમયના અત્યન્ત લઘુપટમાં આકાર પામતી આ નવલકથાની માત્ર ચૌદ પ્રકરણમાં વસ્તુગૂંથણી થઈ છે. આરંભે પમાતી રણમલના અંતિમ સંસ્કાર માટે જમનાને બોલાવવાની જિદ પછી – રણમલના મૃતદેહ પાસે બેઠેલી કેસરની સ્મૃતિઓ, જમનાને લેવા ગયેલાં નારણ, ભગત અને મંજુકાકી જેવાં પાત્રોની જમના-કેસર અને રણમલના સંસારજીવનની સ્મૃતિઓ, રણમલના મૃત્યુની હકીકત જાણ્યા પછી અને ગામમાં પાછાં ફરતાં જમનામાની મનોદશા અતીત રૂપે વણીને સરસ વસ્તુગૂંથણી થઈ છે. વર્તમાન, અતીત, અતીત અને વર્તમાનમાં થયેલી વસ્તુગૂંથણી ભાવકની જિજ્ઞાસાને પોષે તેવી છે. સર્વજ્ઞ કથનરીતિમાં કથન-વર્ણન અને સંવાદોની સાથોસાથ અતીત દર્શન, સ્વપ્ન, સંકેતો અને સર્જનાત્મક ભાષાના સમન્વયથી સરસ કૃતિરૂપ સધાયું છે. માગશરની રાતનું ગામ, ટાઢ, નદી, મઢીનાં સ્વાભાવિક અને ચિત્રાત્મક વર્ણનોથી ગ્રામીણ પરિવેશ ખડો થઈ શક્યો છે. તો રણમલ-કેસર અને જમના જેવાં મુખ્ય પાત્રો અને દેવજી, નારણ, મંજુકાકી, ભગત જેવાં ગૌણ પાત્રોના પરસ્પરના સહજ સબંધો સાથે વણાઈને આવતું કથાવસ્તુ પણ સ્વાભાવિક બન્યું છે. જમનાથી ‘જમનામા’ સુધીની પાત્રગતિ પણ સ્વાભાવિક લાગે છે. કોરું આકાશ માત્ર વૈધવ્યસૂચક જ નહીં, પણ કોરા આકાશમાં સૂર્યદર્શનને લીધે અધ્યાત્મ જીવનનાં અજવાળાંને ઇંગિત કરે છે. અન્ય વિવેચકનું નિવેદન : જમના-કેસર અને રણમલના આંતરમનને પ્રગટ કરતા સંવાદો, પાત્રગત ભાષાની વિશેષતા સર્જક દાખવી શક્યાં છે. ત્રણ પાત્રોની મનોસ્થિતિને વર્ણવવાની તક સર્જકે ઊભી કરી, પત્ની પોતે જ પતિની જેમ પરિવારની સંતાનએષણાને પૂર્ણ કરવા અન્ય સ્ત્રી સાથે પતિને પુનઃ પરણાવે એ સામાજિક ઘટનામાં પાત્રગત સંવેદનાઓનું ઝીણું નકશીકામ મહત્ત્વનું બની રહે છે. (અક્ષરની આરાધના -કિશોર વ્યાસ)

ડૉ. પ્રભુદાસ પટેલ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
શેઠ શ્રી. બી. સી. શાહ આર્ટ્સ કૉલેજ, વડાલી
વાર્તાકાર, લઘુકથાકાર, વિવેચક-સંશોધક
મો. ૭૬૦૦૯૪૬૦૪૪
Email: prabhudas૪૧૦@gmail.com