નવલકથાપરિચયકોશ/અને મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૦

‘- અને મૃત્યુ’ : ઈલા આરબ મહેતા

– વિપુલ પુરોહિત
Ane mrutyu.jpg

પ્રથમ આવૃત્તિ : માર્ચ, ૧૯૮૨ પ્રકાશક : ભગતભાઈ ભુરાભાઈ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ/અમદાવાદ. પ્રસ્તાવના : ‘મૃત્યુનું કેલિડોસ્કોપિક દર્શન’ – ભગવતીકુમાર શર્મા નવલકથા સર્જકનો પરિચય : ઈલા આરબ મહેતા ગુજરાતી કથા-સાહિત્યનું એક દીપ્તિમંત નામ છે. પિતા ગુણવંતરાય આચાર્ય અને માતા લલિતાબહેનની બે દીકરીઓ ઈલા અને વર્ષા(અડાલજા)એ ગુજરાતી કથાસાહિત્યને પોતાની સર્જકતાથી સમૃદ્ધ કર્યું છે. જામનગરના મૂળ વતની ઈલાબહેનનો જન્મ મુંબઈ-માટુંગામાં તારીખ ૧૬-૦૩-૧૯૩૮માં થયો હતો. પિતાના ધંધાર્થે મુંબઈથી રાણપુર, રાજકોટ, અમદાવાદ અને ફરી મુંબઈમાં – એમ સ્થળાંતરને કારણે ઈલાબહેનનું શિક્ષણ અને ઉછેર ગ્રામીણ અને શહેરી એમ બંને રીતિ-પરિવેશમાં થયું. અલબત્ત મુંબઈ જેવા મહાનગરની જીવનશૈલીનો પ્રભાવ વિશેષ રહ્યો. બાળપણથી જ સર્જક પિતાનો સાહિત્યિક વારસો તેઓએ સહજક્રમમાં મેળવી લીધો હતો. ઘાટકોપરની રત્નચિંતામણી શાળામાંથી એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી મુંબઈની રુઈયા કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ. થયાં પછી એમ.એ.નો અભ્યાસ પણ પૂર્ણ કરે છે. પહેલાં રુઈયા કૉલેજમાં અને પછીથી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપિકા તરીકે કામ કર્યું. ઈ. સ.૧૯૬૪માં ડૉ. આરબ મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. સલિલ અને સોનલ નામે બે સંતાનોના ઉછેરની જવાબદારી સ્વીકારી અધ્યાપનનું કામ છોડી દીધું જે થોડાં વર્ષો પછી ફરી સ્વીકાર્યું. ઈલાબહેનની સર્જક પ્રતિભાને ઘડવામાં પિતા ગુણવંતરાય આચાર્યની પ્રમુખ ભૂમિકા રહી છે. પુસ્તકો અને વાર્તારસના ભંડાર સમા તેમના ઘરમાંથી જ કલા અને સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવાઈ. મેઘાણી, મુન્શી, ધૂમકેતુ, ર. વ. દેસાઈ, જ્યોતીન્દ્ર દવેના નિબંધો, બકોર પટેલની વાર્તાઓ, પી. જી. વુડહાઉસની સાહસકથાઓ- એમ કંઈ કેટલુંય વાંચીને તેમની સર્જકતા ઘડાઈ છે. કુન્દનિકા કાપડિયાના આગ્રહથી નવલિકાલેખન કરે છે. ‘એક સાંજ’ નામે પ્રથમ નવલિકા ‘નવનીત’માં પ્રગટ થાય છે. કૉલેજકાળમાં અભ્યાસ દરમિયાન જ અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદની પ્રવૃત્તિ કરે છે. જે મોટેભાગે ‘નવનીત’માં પ્રકાશિત થતાં રહ્યાં. વાર્તાકાર તરીકે સ્વીકાર પામ્યાં પછી ધીરુબહેન પટેલના નિમંત્રણથી ‘સુધા’ સામયિક માટે નવલકથાઓ લખવાનું શરૂ કરે છે અને સફળતા મેળવે છે. તેમની વાર્તાઓ અને નવલકથાઓ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થતી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પણ તેમની સર્જકતાને પોંખી છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન નવલિકા અને નવલકથાક્ષેત્રમાં રહ્યું છે. તેઓની પ્રમુખ સાહિત્ય કૃતિઓ આ મુજબ છે. નવલકથા : ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ (૧૯૬૬), ‘થીજેલો આકાર’ (૧૯૭૦), ‘એક હતા દીવાન બહાદુર’ (૧૯૭૬), ‘આવતીકાલનો સૂરજ’ (૧૯૭૭), ‘વારસદાર’ (૧૯૭૮), ‘રાધા’ (૧૯૭૮), ‘શબને નામ હોતું નથી’ (૧૯૮૧), ‘-અને મૃત્યુ’ (૧૯૮૨), ‘બત્રીસ પૂતળીની વેદના’ (૧૯૮૨), ‘બત્રીસ લક્ષણો’ (૧૯૮૨), ‘દરિયાનો માણસ’ (૧૯૮૫), ‘વસંત છલકે’ (૧૯૮૭), ‘પરપોટાની આંખ’ (૧૯૮૮), ‘નાગપરીક્ષા’ (૧૯૯૫), ‘પાંચ પગલાં પૃથ્વી પર’ (૧૯૯૫), ‘ધી ન્યુ લાઈફ’ (૨૦૦૪), ‘ઝીલી મેં કૂંપળ હથેળીમાં’ (૨૦૦૭) અને ‘વાડ’(૨૦૦૯). નવલિકા : ‘એક સિગારેટ, એક ધૂપસળી’ (૧૯૮૧), ‘વિયેના વુડ્ઝ’ (૧૯૮૯), ‘ભાગ્યરેખા’ (૧૯૯૧), ‘બળવો, બળવી, બળવું’ (૧૯૯૮), ‘યોમકિપૂર’ (૨૦૦૬), ‘કાળી પરજ’ (૨૦૧૪) સંપાદન : ‘વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૨) સંકલન : ‘મૃત્યુ નામે પરપોટો પરે’ (૧૯૮૫) પરિચય પુસ્તિકા : ‘આના કેરેનીના’(૧૯૯૭), ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’ (૧૯૯૯) કથાના તંતુઓમાં માનવસ્વભાવની વિવિધ સ્થિત-ગતિઓને, તેના સંઘર્ષો સાથે સર્જનાત્મક ભાષારીતિમાં આલેખવાની કુશળતાને કારણે ઈલા આરબ મહેતાની સર્જકતા વાચકો અને વિવેચકોના સમભાવની અધિકારી બની છે. નવલકથાનું કથાનક : ઈલા આરબ મહેતા કૃત ‘-અને મૃત્યુ’ (૧૯૮૨) એક વિલક્ષણ લઘુનવલ છે. સ્વયં મૃત્યુ આ કથાનો નાયક છે. આ કથા એક અર્થમાં મૃત્યુની મીમાંસા છે. મૃત્યુ જેવો ગૂઢ અને ગંભીર વિષય હોવા છતાં આશ્ચર્યની વાત એ છે કે ઈલાબહેને પોતાની સર્જકીય કુશળતાથી આ નાનકડી કથાને રસાળ અને ભાવવાહી રીતે આલેખી છે. કથાનાયક નચિકેતાના પ્રશ્નોથી આ કથા ઊઘડે છે. અહીં નચિકેતા સાંપ્રતકાલીન છે પરંતુ તેનો અનુબંધ ઉપનિષદકાલીન નચિકેતા સાથે જોડાયેલો જણાય છે. ‘નગાધિરાજ’ પુસ્તકથી પ્રભાવિત થઈ નચિકેતા અને રવિ હિમાલયના પ્રવાસમાં નીકળે છે. હરિદ્વારમાં સ્વામી સત્યાનંદ મળે છે. તેની સાથે ચારધામની જાત્રાએ નીકળે છે. એ યાત્રા દરમિયાન ગંગોત્રીથી આગળ ગૌમુખ સુધી જવા નીકળેલા નચિકેતા અને રવિ પહાડી વરસાદ અને તોફાનમાં ફસાઈ જાય છે. ત્યાં અકસ્માતે રવિનું મૃત્યુ થાય છે. નચિકેતાની પત્ની અમિતાના નાના ભાઈ રવિના અપમૃત્યુથી આ કથાપ્રવાહને વેગ મળે છે. એ ઘટના પછી નચિકેતા સાવ બદલાઈ જાય છે. તેના મનમાં સતત એક અજ્ઞાત ભય ઘોળાયા કરે છે. પોતાની આસપાસનાં સ્વજનો-મિત્રો પ્રત્યે શંકાશીલ અને સ્વાર્થી બનતો જાય છે. જ્યોતિષીની આવનારો સમય અશુભ હોવાની ભવિષ્યવાણીથી ભયભીત અને ચિંતિત થાય છે. પત્ની અમિતા તેના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. બંને હવાફેર અને મનફેર માટે મસૂરી જાય છે. ફરી હિમાલયની પહાડીઓમાં આવતાં અમિતાને નચિકેતાના વ્યક્તિત્વનાં બે અલગ અલગ રૂપોની પ્રતીતિ થાય છે. આલોકને મળવા તેના ઘરે જતાં રસ્તામાં વરસાદ પડે છે અને ઢોળાવ પરથી અમિતા લપસી પડે છે ત્યારે ખૂબ આજીજી કરવા છતાં નચિકેતા તેને બચાવવા પાંચ-સાત ડગલાં નીચે ઊતરતો નથી. જાણે કોઈ અજ્ઞાત તત્ત્વએ તેને રોકી રાખ્યો હોય. આલોક આવી જતાં અમિતા બચી જાય છે. પણ તેના હૃદયમાંથી નચિકેતા પ્રત્યેનો પ્રેમ મરી જાય છે. કથાને અંતે નાચિકેતા આત્મહત્યા કરી મૃત્યુનું શરણ સ્વીકારી લે છે. નચિકેતાની ચિતા પાસે તેના પિતા ‘ૐ પૂર્ણમદ્ પૂર્ણમિદ્ં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |’નો શ્લોક બોલતા સંભળાય છે અને કથા પૂરી થાય છે. નવલકથાની લેખન પદ્ધતિ : સુરતથી પ્રગટ ‘ગુજરાતમિત્ર’માં ભગવતીકુમાર શર્માએ આ કથાને ધારાવાહિક રૂપમાં ક્રમશઃ પ્રગટ કરી હતી. આ નાનકડી લઘુનવલ લેખિકાના ‘પોઇન્ટ ઑફ વ્યૂ’થી આલેખાઈ છે. સર્વજ્ઞ પદ્ધતિથી નિરૂપિત આ કથામાં લેખિકાએ નચિકેતાના પાત્રને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ કથાના સૂત્રને સુગ્રથિત કરવાનો પ્રયાસ કર્યો છે. એકથી દસ ઘટકોમાં વિભાજિત આ કથામાં નચિકેતાની સમાન્તરે અગોચર એવું મૃત્યુ પણ એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ધરી બન્યું છે. પ્રથમ ઘટકની શરૂઆતમાં ખલિલ જિબ્રાનના શબ્દોથી માંડીને અંતિમ દસમા ઘટકની પૂર્વે રવીન્દ્રનાથ ટાગોરના અવતરણની વચ્ચે કાકાસાહેબ કાલેલકર, સ્વામી પ્રણવતીર્થ, હરીન્દ્ર દવે, જોર્જ લુઈસ બોર્ગેસ, ટોલ્સટોય વગેરેના ઉદ્ધરણ આ કૃતિની સંકલનામાં એક ચોક્કસ ભાત ઉપસાવે છે. લેખિકાએ બહુ કુશળતાથી નચિકેતા અને મૃત્યુનાં સૂત્રોનો વણાટ કરી આ કથાને ગૂંથી છે. કથામાં આવતા પત્રો – જે નચિકેતાએ લખ્યા છે – તેમાં તેના ચરિત્રનું આત્મકથ્ય આલેખવાની સરસ તક લેખિકાએ ઝડપી લીધી છે. અહીં નક્કર કહી શકાય તેવી ઘટનાઓનું પ્રમાણ જૂજ છે. નચિકેતાના જાગ્રત-અર્ધજાગ્રત મનોજગતમાં વિસ્તરતું-વિલસતું મૃત્યુ આ કથાને એક વિશિષ્ટ પરિમાણ બક્ષે છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : ‘-અને મૃત્યુ’ ગુજરાતી સાહિત્યની એક નોંધપાત્ર કથાકૃતિ છે. મૃત્યુ જેવા શાશ્વત અને રહસ્યમય વિષયને કેન્દ્રમાં રાખતી હોવા છતાં આ કથા માત્ર ખોખલા વિચારો કે શુષ્ક ચિંતનથી ભારેખમ બની નથી. ઈલાબહેને પોતાની સર્ગશક્તિથી નચિકેતાના ચરિત્રની આસપાસ વિલસતા-વિહરતા મૃત્યુને એક ચરિતે રૂપે નિરૂપિત કરીને આ કથાને રસપૂર્ણ બનાવી છે. પ્રસંગો કે ઘટનાઓના પૂરપાટ વેગમાં કથાપ્રવાહને વેગવાન રાખવાને બદલે લેખિકાએ અહીં એકાધિક મૃત્યુના સંકેત-સ્પર્શ માત્રથી નચિકેતાના મનોવિશ્વમાં વિહરતા મોતને કથારૂપ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે. આ લઘુનવલનું ચરિત્રવિધાન લેખિકાની સર્જકતાનું બીજું નોંધપાત્ર પાસું છે. નચિકેતા ઉપરાંત અહીં રવિ, અમિતા, અનુરાધા, આલોક, સ્વામી સત્યાનંદ(મિશેલ), કિશોર, નચિકેતાના પિતા, ડૉ. પાઠક વગેરેનાં ચરિત્રોની ઝીણી-મોટી રેખાઓ સહજ અને સર્જનાત્મક રીતે ઉપસાવી છે. નચિકેતાનું ભાવજગત અને મનોજગત તેના ચરિત્રને સ્પષ્ટ કરે છે. અમિતાની સંવેદનશીલ અને પરોપકારી પ્રેમમૂર્તિ પ્રભાવ છોડી જાય છે. નચિકેતાના પિતાની સ્વસ્થતા અને સમજણ, વ્યાપક જીવનદૃષ્ટિ તેમના પાત્રને વિશિષ્ટ બનાવે છે. અલ્પકાળ માટે આવતું છતાં સમગ્ર કૃતિ પર પોતાના વ્યક્તિત્વની મુદ્રા અંકિત કરતું બાળરવિનું પાત્ર પણ અસરકારક રહ્યું છે. આલોક અને અનુરાધાની ભૂમિકા કથામાં મૃત્યુ વિષયક સંવેદનને તીવ્ર બનાવવાની રહી છે. આ કથાનું ફલક લઘુ હોવાથી તેમાં દીર્ઘ વર્ણનોને અવકાશ રહ્યો નથી. પરંતુ કથાના પૂર્વાર્ધમાં હરિદ્વાર અને હિમાલયની પહાડીઓના સૌન્દર્યને ઓછા શબ્દોમાં પણ પ્રભાવક રીતે લેખિકાએ વર્ણિત કર્યું છે. કેટલેક ઠેકાણે ગદ્યની કાવ્યાત્મકતા ધ્યાન ખેંચે છે. કથાની શરૂઆતમાં નાનકડા બાળકનું મૃત્યુ, મરી ગયેલો ઉંદર, નચિકેતાની ગાડી નીચે ચગદાઈ જતું ગલુડિયું – જેવાં પ્રતીકો કથામાં વ્યાપ્ત મૃત્યુના સંવેદન સાથે સરસ રીતે સંયોજાયા છે. કથાનાયક નચિકેતા સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસી હોવાને કારણે કથામાં આવતા ઉપનિષદોના કે કાલિદાસના કાવ્યસાહિત્યના સંદર્ભોથી આ કથાને એક પ્રશિષ્ટ પરિમાણ મળ્યું છે. ‘-અને મૃત્યુ’ જેવું અરૂઢ શીર્ષક આ કથાને વિશિષ્ટ અર્થ પૂરો પાડે છે. ‘નચિકેતા અને મૃત્યુ’, ‘મનુષ્ય અને મૃત્યુ’, ‘જીવન અને મૃત્યુ’ – એમ કંઈક અર્થછાયાઓ ઊઘડી શકે તેમ છે. નવલકથાનો પ્રકાર : ‘-અને મૃત્યુ’ એક દાર્શનિક, ચિંતનકેન્દ્રી લઘુનવલ છે. આ કથામાં મૃત્યુ વિશેનું ચિંતન-દર્શન, સંવેદનની તીવ્ર અભિવ્યક્તિ સાથે આલેખાયું છે. રવિના આકસ્મિક મૃત્યુથી અપરાધબોધના ભાવથી પીડાતો નચિકેતા સતત ભય અને ચિંતામાં મૃત્યુના ઓથાર તળે જીવે છે અને અંતે એ ભારથી મુક્ત થવા આત્મહત્યા કરી મૃત્યુનો વિજય સ્વીકારે છે. મૃત્યુવિષયક ચિંતન આ કથામાં આલેખાયું હોવા છતાં ‘-અને મૃત્યુ’ લેખિકાની સર્જકતાને કારણે શુષ્ક ચિંતનની મર્યાદામાંથી બચી ગઈ છે. મનોવૈજ્ઞાનિક અભિગમથી આલેખિત આ કથા એક આધ્યાત્મિક લઘુનવલ બની છે. નવલકથા વિશે વિવેચક : “...ચિંતન અને સંવેદનના બે કાંઠાઓ વચ્ચે ઈલાબહેન લઘુનવલનો તરાપો કુશળતાથી હંકારી શકયાં છે. લાઘવના ખોળિયામાં કૃતિ નીખરી ઊઠી છે. નાનકડા ચંદનકાષ્ઠમાં ખીચોખીચ છતાં ભીડ-ભર્યું ન લાગે તેવું ઝીણું, ફોરા હાથનું કોતરકામ લેખિકાએ કરી બતાવ્યું છે. નચિકેતા, અમિતા, અનુરાધા, આલોકનાં પાત્રો પોતીકાં વધારાનાં પરિમાણો પ્રગટાવી શક્યાં છે. રવિના મૃત્યુ પહેલાંનો નચિકેતા તેનું એક પરિમાણ, રવિના મૃત્યુ પછી ક્ષણે ક્ષણે ક્ષુદ્રતા પ્રગટ કરતો નચિકેતા એ તેનું બીજું પરિમાણ અને એ ક્ષુદ્રતાની ત્વચા હેઠળનો તેનો માણસની હયાતી વિશેનો આદિમ અજંપો એ તેનું ત્રીજું પરિમાણ...” – ભગવતીકુમાર કુમાર શર્મા.( પ્રસ્તાવનામાંથી)

સંદર્ભગ્રંથ : ૧. સંપા. દેસાઈ, પારુલ કંદર્પ. ‘નવલકથાકારોઃ ૧’, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ-૨), વર્ષ ૨૦૧૮. ૨. મહેતા, ઈલા. ‘આંખે ભરી હૃદય, ઘૂમ તું સૃષ્ટિચોક’, સંપા. ત્રિવેદી, હર્ષદ ‘નવલકથા અને હું’ : શબ્દસૃષ્ટિ વિશેષાંક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. ૩. શર્મા, ભગવતીકુમાર. ‘મૃત્યુનું કેલિડોસ્કોપિક દર્શન’ પ્રસ્તાવના, ‘-અને મૃત્યુ’, માર્ચ, ૧૯૮૨. ૪. શુક્લ, ડૉ. રમેશ મ. ‘-અને મૃત્યુ – અધિમનોવૈજ્ઞાનિક કથા’, ફા. ગુ. સ. ત્રૈમાસિક, અંક -૨ પૃ.૧૭૫-૧૭૬, એપ્રિલ-જૂન-૧૯૮૪. ૫. ભટ્ટ, મહેન્દ્ર એમ. ‘આત્માની ઓળખ-અને મૃત્યુ’, ‘શબ્દસૃષ્ટિ’, પૃ. ૨૬, સપ્ટે. ૧૯૯૫. ૬. ત્રિવેદી, શ્રદ્ધા. ‘જીવનમૃત્યુના સંગાથની કથા’, ‘પરબ’, અંક ૧૨, પૃ. ૪૩, ૧૯૮૩

ડૉ. વિપુલ પુરોહિત
એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
વિવેચક, સંપાદક, સંશોધક
મો. ૯૧૦૬૫૦૬૦૯૪
Email: v૧૩purohit@gmail.com