નવલકથાપરિચયકોશ/તરસઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૮

‘તરસઘર’ : મણિલાલ હ. પટેલ

– પાર્થ બારોટ

સર્જક પરિચય : પટેલ મણિલાલ હરિદાસ જન્મ : ૯ નવેમ્બર ૧૯૪૯. વતન : મોટાપાલ્લા, લુણાવાડા. અભ્યાસ : B.A, M.A., Ph.D. વ્યવસાય : અધ્યાપક, સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. સાહિત્યિક પ્રદાન : કવિ, વિવેચક, વાર્તાકાર, નવલકથાકાર, આત્મકથાકાર સંપાદક. પુરસ્કાર : (૧) ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. (૨) ઉશનસ્ પુરસ્કાર (૩) ધનજી કાનજી સુવર્ણચંદ્રક. (૪) અમરેલીનો મુદ્રા ચંદ્રક (૫) નવલકથા માટે કલકત્તાનો સાહિત્ય સેતુ એવૉર્ડ (૬) વિવેચન માટે ક્રિટિક્સ એવૉર્ડ (૭) ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પારિતોષિકો. (૮) ગુજરાતી સાહિત્ય પરિષદનાં છ પારિતોષિકો.

મણિલાલ હ. પટેલ કૃત ‘તરસઘર’ પ્રથમ આવૃત્તિ : ઈ. સ. ૧૯૭૮ પસંદ કરેલ નવલકથાનું વર્ષ : બીજી આવૃત્તિ : મે ૧૯૯૫. પ્રકાશક : આર. આર. શેઠની કંપની. તરસઘર નવલકથાની પ્રથમ આવૃત્તિ બાદ એ ઈ. સ. ૧૯૮૪ સુધી અપ્રાપ્ય હતી. ત્યાર બાદ પ્રકાશક આર. આર. શેઠ એ મણિલાલ હ. પટેલની બે નવલકથાને એક જ પુસ્તકમાં ‘તરસઘર અને કિલ્લો’ એ શીર્ષકથી છાપી હતી. અર્પણ : સૌ. ગોપી, ચિ. પારુલ પટેલ, ચિ. વિસ્મય અને મલય પટેલ. સ્વ. જીજી અને રામીમાની યાદ સાથે.

‘તરસઘર’ એ મણિલાલ હ. પટેલની પ્રથમ લઘુ નવલકથા છે. આ કૃતિ ૭૩ પાનાં અને ૧૭ પ્રકરણોમાં વિભાજિત થયેલ છે. કલકત્તાના સાપ્તાહિક ‘નવરોઝ’ એ લઘુનવલ સ્પર્ધા યોજેલી જેમાં ‘તરસઘર’ને બીજું ઇનામ મળ્યું હતું. શહેરની કૉલેજમાં અધ્યાપકનો વ્યવસાય કરતો મહીકાંઠા નજીકના ગામનો વતની એવા એક બુદ્ધિજીવી અપૂર્વની સ્મૃતિકથા આરંભાય છે. સાંજના સમયે તે તળાવ કિનારે ચાલવા જાય છે અને પ્રકૃતિના વર્ણનથી નવલકથાની શરૂઆત થાય છે. અપૂર્વ ફરવા જાય છે પણ વાતાવરણમાં તેને ભાર વર્તાય છે. તેને નરી એકલતામાં રહેવાનું પસંદ હોવાથી તે રોજ સાંજે આ જ રીતે તળાવ કિનારે ચાલવા જતો રહેતો. અપૂર્વ પરણેલો હતો અને તેની પત્ની મીનુ મૃત્યુ પામી હતી. અપૂર્વને સતત એની યાદ આવ્યા કરે છે. કેમ કે મીનુને માતૃત્વની ઝંખના તીવ્ર હતી પણ તેની આ ઇચ્છા જીવનભર અધૂરી રહી. જેનું કારણ અપૂર્વ નહિ પણ મીનુ મા બની શકે એમ ન હતી એવું ડૉક્ટરે જણાવ્યું હતું. ગામમાં મહાભારતની વાર્તા વંચાતી એ સંભાળવા ગયેલી મીનુએ સાંભળ્યું કે કુંતાને મંત્રપુત્ર થયા હતા. એ વાત સાંભળીને પોતે પણ એ રીતે મા બનશે એવી આભાસી કલ્પનામાં તે સતત રિબાયા કરતી. ક્યારેક પક્ષીનાં ઈંડાં જોઈને તે કલ્પનામાં સરી પડતી અને ભાનમાં આવતાં પોતાને સંતાન નહિ થાય એ વાતથી મનોમન સતત પીડાયા કરતી. અપૂર્વ અધ્યાપક હતો અને એના ક્લાસની વિદ્યાર્થિની મનીષાને પહેલી વાર જોઈને તે તેની તરફ આકર્ષાયો હતો. એ આગળ જતાં પ્રેમસંબંધમાં પરિણમે છે. મીનુને આ પ્રેમસંબંધની જાણ હતી પણ તેને એમ થયા કરતું કે પોતે મા બની શકે એમ નથી તેથી અપૂર્વનું આકર્ષણ મનીષા માટે હતું. ડૉક્ટરે કહ્યું હતું કે મીનુ મા નહિ બની શકે છતાં તે વ્રત, ઉપવાસ કર્યે જતી. તેણે શ્રદ્ધા ગુમાવી ન હતી અને આ બધું જ વ્યર્થ છે એવું જાણતી હતી. તળાવના કિનારે ફરતાં-ફરતાં અચાનક તે બાળપણની સ્મૃતિમાં જતો રહે છે અને એને બાનું સંભારણું થઈ આવે છે. તે છ વર્ષનો હતો ત્યારે બાનું અવસાન થયું તે ઘટના સ્મૃતિપટ પર ઊપસી આવી. બા વિનાની થયેલી અવદશા, લાગણી શૂન્યવાળું એ ઘર, પિતાજીની લાગણીની કૃત્રિમતા, પિતાજીની નિઃસહાય અવસ્થા એ બધું સ્મરણ થઈ આવ્યું. એક વાર તેઓ સૂર્યમંદિરનાં દર્શન કરવા જાય છે, જે વનમાં હોય છે. રસ્તામાં આદિવાસી સમુદાયના વિસ્તારની પ્રકૃતિને જોઈને તેને કાન્તના ‘વસંતવિજય’નાં પાંડુ-માદ્રીનો પ્રણય યાદ આવે છે. એ સાથે ઋષિનો આશ્રમ આવી જ કોઈ જગ્યામાં હશે જ્યાં દુષ્યંત-શકુંતલા પહેલી વાર એકબીજાને જોયા હશે, પ્રેમ કર્યો હશે, ગાંધર્વવિવાહ અને ગર્ભવતી થઈ હશે. આ બધું સતત અપૂર્વના ચિત્તમાં ચાલતું હતું એ જ વખતે બંને જણ સૂર્યનારાયણના મંદિરે પહોંચે છે. આ મંદિર વિશે એવી ધારણા હતી કે સાત અશ્વધારી રથ અને રથીની મૂર્તિ હશે પણ એ અપેક્ષા ખોટી પડી હતી. મંદિરનું ગર્ભગૃહ સાવ ખાલી પડ્યું હતું, પત્નીના ગોદ જેવું. દામ્પત્યજીવનની શરૂઆતમાં મીનુ રડતી બાળકની વાતને લઈને તો અપૂર્વ તેને બાથમાં લઈને મનાવતો હતો, નાની નાની વાતોની કાળજી રાખતો હતો. બાળકને સમજાવતો હોય એ રીતે સમજાવતો હતો. પણ છેલ્લાં વર્ષોમાં અપૂર્વ કંટાળી જતો મીનુની બાળક ઝંખનાની એકની એક વાતથી. હવે તે ગુસ્સે થઈ જતો મીનુ પર અને મીનુ દિવસો સુધી ફફડ્યા કરતી. અહીંયાં માનવીય સ્વભાવના પરિવર્તનનું નિરૂપણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. મીનુના મૃત્યુ પછી સાવ એકલા પડી ગયેલા અપૂર્વને સતત મનીષાની યાદ આવે છે. મનીષાનો અભ્યાસ પૂરો થયો અને પછી તે બીજા સાથે પરણી ગઈ હતી. એ વખતે મીનુ જીવતી હતી છતાં પ્રેમનાં બધાં જ પરિમાણો અપૂર્વએ મનીષામાં પામ્યાં હતાં. મીનુની સંતાનઝંખના મનીષા પૂરી કરવા માંગે છે કેમ કે તે અપૂર્વને ખૂબ ચાહે છે અને તેને પિતૃત્વથી વંચિત રાખવા માગતી નથી. મીનુના મૃત્યુ પછી અપૂર્વના પિતા અને સમાજના અન્ય લોકો એને બીજાં લગ્ન કરવા માટે સમજાવે છે પણ તે સ્પષ્ટ ના કહીને ઊભો થઈને ચાલ્યો જાય છે. ચાલતાં ચાલતાં તેને તરસ લાગે છે પણ પાણી પીધા વિના તે બસમાં બેસીને શહેર ચાલ્યો જાય છે, પણ ત્રીજા દિવસે તે પાછો આવી જાય છે. તે તદ્દન બદલાઈ ગયો હતો. તેના ચહેરા પર વંધ્ય અભાવ જોડાઈ ગયો હતો. કેમ કે એક મહિના પહેલાં જ બાળકના જન્મટાણે જ મનીષા શહેરની હૉસ્પિટલમાં મૃત્યુ પામી હતી. મીનુ બાળક વિનાની ખાલી ગોદે મૃત્યુ પામી અને મનીષા... અહીંયાં નવલકથા પૂરી થઈ છે. મીનુ અને મનીષા વિનાનું અપૂર્વનું જીવન ‘મિથ ઑફ સિસિફસ’ના સિસિફસની જેમ યંત્રવત્ અને એકવિધ થઈ ગયું હતું. સુરેશ જોષીથી ચિનુ મોદી સુધી સર્જકોએ એમની કૃતિમાં ભાવ-અભાવ, છિન્ન જીવનના કે મરણોત્તર વેદનાના જે અધ્યાસો ગુજરાતી કથા સાહિત્યમાં સુલભ થયા છે એ બધા માટેની મણિલાલની પ્રીતિ તાજી છે. અપૂર્વ વેકેશન ગાળવા પોતાના વતનમાં આવ્યો છે. વતનનાં વિવિધ સ્થળો સાથે સંકળાયેલાં એનાં સ્મૃતિ સાહચર્યો, બાળક મેળવવા તરફડતી પત્ની સાથેના પ્રસંગ, પ્રિયતમા મનીષા સાથેનાં સંસ્મરણ, માતાના મૃત્યુનો પ્રસંગ ઇત્યાદિના અસરકારક આલેખન દ્વારા લેખકે અપૂર્વના વિરતિના ભાવ આસ્વાદ્ય રીતે મૂર્ત કર્યા છે. ત્રણેય પાત્રો અહીંયાં તરસ્યાં રહી જાય છે. અપૂર્વને જીવનનું રહસ્ય પામવાની ઝંખના, મીનાની માતૃત્વની ઝંખના અને મનીષાની અપૂર્વને પ્રેમતરબોળ કરી દેવાની ઝંખના વંઘ્ય જ રહે છે. પણ એ ત્રણમાંથી બેના અવસાન બાદ એક પોતે જ અંદરથી ગોઠવાઈ શકતો નથી એવા અપૂર્વની સ્મૃતિવેદના આ લઘુનવલના વાચકને તરસ્યો રાખતી નથી એ લેખકની સિદ્ધિ છે. તરસઘર નવલકથા વિશે રઘુવીર ચૌધરી જણાવે છે કે, “બાળકની ઝંખના લઈને જ મૃત્યુ પામેલી વંધ્ય પત્ની અને જેની સાથે પ્રેમની ક્ષણો અનુભવેલી એ પ્રિયતમા અન્યને પરણીને બાળકને જન્મ આપવાની ક્ષણે જ મૃત્યુ પામી એ ઘટના કથાનાયક અપૂર્વના માનસને રિક્તતારૂપે વેદનાનો અનુભવ કરાવે છે. આ અનુભૂતિનો તંતુ જ કથાનું સંયોજન તત્ત્વ છે, જે અંતે સઘન અને પ્રબળ થાય છે.

પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth૫૧૭@gmail.com