નવલકથાપરિચયકોશ/દરિયાની દીકરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૨

‘દરિયાની દીકરી’ : હસમુખ અબોટી

– સુશીલા વાઘમશી
દરિયાની દીકરી.jpg

સૌથી વધુ દરિયાકિનારો ધરાવનાર ગુજરાત પાસે સાગરજીવનને લગતું બહુ ઓછું સાહિત્ય સર્જાયું છે! આ ફરિયાદ નવલકથાના ઇતિહાસ તરફ નજર નાખતાં સાચી લાગે. પરંતુ ગુણવંત આચાર્ય, ચન્દ્રશંકર બુચ ‘સુકાની’, વનુ પાંધી, મનુભાઈ પાંધી, રામજી જેઠવા, નારાયણ દામજી, મકરંદ મહેતા અને હસમુખ અબોટી ‘ચંદન’નું કથાસાહિત્ય આશા જગાવનારું છે. હસમુખ અબોટીએ ‘દરિયાની દીકરી’ નવલકથા આપીને આ પંરપરાને વેગ આપ્યો છે. હસમુખ અબોટી ‘ચંદન’નો જન્મ ૧૯-૦૪-૧૯૬૪ના રોજ કચ્છ જિલ્લાના કોઠારા ગામે થયો છે. પી.ટી.સી., બી. એડ.નો અભ્યાસ અનુક્રમે ભુજ અને મુન્દ્રામાં થયો છે. વ્યવસાયે પ્રાથમિક શિક્ષક તરીકે માંડવીમાં ફરજ બજાવતા સર્જક હાલે નિવૃત્ત થઈ સાહિત્યમાં પ્રવૃત્ત છે. ‘દરિયાની વાટે વાટે’ (૨૦૧૨), ‘સાગરના સુસવાટા’ (૨૦૧૨), ‘હુડિયો કોઠો’ (૨૦૧૩), ‘સાગરનો સાદ’ (૨૦૧૬) જેવી સાગરકથાઓની સાથે તેમની પાસેથી ‘દરિયાની દીકરી’ (૨૦૨૧) નવલકથા, ‘દાસ્તાન અપની દુનિયા કહેગી’ લઘુનવલકથા, ‘ગાજૂસ’ દરિયાઈ કચ્છી વાર્તાસંગ્રહ અને ‘ધરિયાજા ભીડા’ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થાય છે. શિક્ષણ અને સર્જનની સાથે ગુજરાતી અને કચ્છી વર્તમાનપત્રોમાં દૈનિક અને અઠવાડિક કોલમલેખક તરીકે પણ પ્રવૃત્ત છે. શિક્ષક અને સાહિત્યકાર તરીકે તેમનું અનેક વાર જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેક એવોર્ડથી સન્માન થયું છે. ‘દરિયાની દીકરી’ નવલકથાની પ્ર. આ. ૨૦૨૧માં ગૂર્જર પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રગટ થઈ છે. પુસ્તક રૂપે પ્રગટ થતા પહેલાં આ નવલકથા કચ્છમિત્ર વર્તમાનપત્રની બુધવારપૂર્તિમાં ધારાવાહિક નવલકથા તરીકે ૧૭-૦૯-૨૦૨૦થી ૨૨-૦૯-૨૦૨૧ સુધી પ્રગટ થઈ હતી. સર્જકે આ નવલકથાને સાહિત્યસાગરમાં ડૂબકી મારવાનું શીખવનાર માતા-પિતા : સ્વ. દયારામ પુરુષોત્તમ ઠાકર, સ્વ. મીઠાબહેન દયારામ ઠાકર મોટાંબા અને સ્વ. મોંઘીબહેન લક્ષ્મીશંકર ઠાકરને અર્પણ કરી છે. નવલકથાના આરંભમાં વીનેશ અંતાણીનો અભ્યાસલેખ મૂકવામાં આવ્યો છે. ૨૫ પ્રકરણોમાં વિભાજિત ‘દરિયાની દીકરી’ નવલકથાનું કથાનક ગુજરાતમાં પ્રથમ દરિયો ખેડનાર સ્ત્રી કબી કષ્ટાના જીવન અને સાહસની સત્યઘટના પર આધારિત છે. નવલકથાનો આરંભ વહાણના ભડવીર નાખુદા એવા કબીના પતિ મીઠુ માલમનું વહાણ સમયસર ન પહોંચતાં દરિયાનું ‘ઓરગ’ (દરિયાદેવનું પૂજન-અર્ચન) કરતી ચિંતિત નાયિકા કબીથી થાય છે. પરંતુ કબીની પ્રાથનાઓના ફળરૂપે મીઠુનું વહાણ રામપાસા આખરે ફરદે લાંગર્યુ અને કબીની તપસ્યાનો અંત આવ્યો! મોડું આવવાના કારણ તરીકે મીઠુ દ્વારા પોતાને પજવનાર સંગ્રામજી અને તેનાં કાર્યોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. જે દરિયાઈ અધિકારીઓ દ્વારા સાગરખેડુઓને કરવામાં આવતી ખોટી હેરાનગતિનો સંકેત કરે છે. સંગ્રામજી કાવતરું કરી મીઠુ અને રામપાસાને દુશ્મનોને હથિયારો પહોંચાડવાના ખોટા આરોપમાં બંદી બનાવે છે. પરંતુ મીઠુની હોશિયારીથી વહાણ અને ખલાસીઓને મુક્તિ મળે છે! આ સફર બાદ મીઠુ ક્ષયનો ભોગ બને છે અને ડૉક્ટર દ્વારા તેને દરિયો ખેડવાની અને પત્ની સાથે શારીરિક સંબંધ જોડવાની મનાઈ કરવામાં આવતાં તે કબીને પોતાની જગ્યાએ દરિયો ખેડવાનું કહે છે! શિક્ષિકા તરીકે નોકરી કરતી કબી માટે પ્રથમ આ સ્વીકારવું અધરું બને છે કારણ કે પોતાના પંથકમાં આજ સુધી કોઈ સ્ત્રીએ દરિયો ખેડ્યો નથી. પરંતુ પતિ મીઠુ, સાસુ અને પિતાની સમજાવટ અને પોતાના ઘરની આર્થિક સ્થિતિને જોતાં કબી નોકરી છોડી દરિયો ખેડવા માટે તૈયાર થાય છે! પિતા પાસેથી માલમવિદ્યા શીખી કબી નાતાલના દિવસે પોતાની પ્રથમ દરિયાઈ સફરે નીકળે છે. આ સફર દરમ્યાન વહાણના નાખુદા તરીકેના દરિયાઈ વાવાઝોડાં અને જાપાની સબમરીનનો સામનો કરવાના પ્રયાસો દ્વારા કબીનું પાત્ર વિકાસ પામે છે. સતત ત્રણ દિવસનું વાવાઝોડું, એમાં ઝઝૂમતી કબી, તેની આશા-નિરાશા, પતિની યાદ, અન્ય સાથીઓના સાથને કારણે તેમાંથી ઊગરવું વગેરે ઘટનાઓ તેને ઘડવામાં મદદરૂપ બને છે. કલિકટ બંદરેથી મુબંઈ જતા જાપાનીઝ સબમરીન તુબ્બણ દ્વારા ઘેરાવું, કૅપ્ટન સાથે કબીનો વિવેકભર્યો વર્તાવ અને સચ્ચાઈ જાપાની કૅપ્ટનને પ્રભાવિત કરે છે. ભુદા માલમ દ્વારા હંસા માલમે આપેલી ચામડાની મહોર કૅપ્ટનને આપતાં ‘જય હિંદ’ના નારાથી કૅપ્ટન સમજી જાય છે કે તેને આ મહોર સંગ્રામ પાસેથી મળી છે! અને કબીના આગ્રહ છતાં વહાણની તપાસ કર્યા વગર જ બધાને છોડી દે છે અને એક કાગળ મુંબઈ પહોંચાડવા આપે છે. પરંતુ આ કાગળ કબી અને તેના સાથીઓ માટે દહેશતનું કારણ બને છે. આ દહેશતમાંથી પાર ઊતરે ત્યાં જ સરકારી અધિકારી સંગ્રામ અને તેના સાથીઓથી ઘેરાય છે પરંતુ આ સ્થિતિમાં કબીનું જગદંબા રૂપે આવી પોતાના સાથીઓની વહારે થવું સંગ્રામને પણ ચોંકાવે છે. સંગ્રામનો પરિચય થતાં પતિને થયેલા તેના અનુભવોથી વાકેફ કબી બરાબર તેનો ઉધડો લે છે અને પ્રમાણ સાથે પૂર્વે મીઠુ સાથે બનેલી ઘટના યાદ અપાવી સંગ્રામને પીછેહઠ કરવા મજબૂર કરે છે. એક સાચા હિન્દુસ્તાની તરીકેની ફરજો યાદ કરાવતા ભાઈ તરીકેનું સંબોધન સંગ્રામ જેવા સંગ્રામ પર જાદુઈ અસર કરે છે, છતાં સંગ્રામ પીછેહઠ કરતો નથી અને વહાણને તપાસવાનું ચાલુ રાખે છે. આખરે ભુદા માલમ દ્વારા તેના અસલી ઇરાદાઓ જાણવાની વાત સાંભળતાં અને પોતાની ચામડાની મહોર ભુદા પાસેથી મળતાં ‘આઝાદ હિન્દ ફોજ’ના કાર્યકર તરીકે ખુલ્લો પડે છે. અંતે કબી તથા પોતાના ઉદ્દેશ્યો સરખા જ છે એવું જાણતાં નમે છે. સંગ્રામ દ્વારા જાપાની કૅપ્ટને આપેલ કાગળની વાત નીકળતાં કબી અને તેના સાથીઓ આશ્ચર્ય અનુભવે છે પણ સંગ્રામ દ્વારા બધી સ્પષ્ટતા થતાં કબી અને તેના સાથીઓને વિશ્વાસ બેસે છે અને સંગ્રામ પોતાના જહાજમાં સંતાડેલ ગુલામ ભારતમાતા રૂપે બંગાળથી વિદેશ મોકલાતી ૩૨ કન્યાઓ જે જાપાનિઝ કૅપ્ટને છોડાવીને તેની જવાબદારી સંગ્રામને સોંપવામાં આવી છે તેનો સાક્ષાત્કાર કરાવે છે. અહીં સંગ્રામનાં વ્યક્તિત્વનું બીજુ પાસું સામે આવે છે. તો આ પ્રકારે અનેક વાર ભારતીય કન્યાઓનો વેપાર વિદેશમાં પૂર્વે થયો છે! એનો પણ સંકેત મળી રહે છે. આ કન્યાઓને સુરક્ષિત પોતાના સ્થાને પહોંચાડવા માટે સંગ્રામ કબીનો સાથ માંગે છે અને કબી ઉત્સાહપૂર્વક આ જબાવદારી સ્વીકારે છે. કન્યાઓની ઇચ્છા પ્રમાણે તેમને પોતાના વતન મૂકવાની જવાબદારી સંગ્રામ અને કબી સાથે સ્વીકારે છે અને વતન ન જવા ઇચ્છતી સાત છોકરીઓને યોગ્ય ઠેકાણે પરણાવે છે. આમ પ્રથમ ગોસ પૂરી થાય છે. પ્રથમ ગોસમાં જ કબી સફળ નાખુદાની સાથે રાષ્ટ્રભક્ત તરીકે સામે આવે છે. આ તરફ મીઠુના સ્વાસ્થયમાં પણ સુધારો થયો છે જે ઘેર આવેલી કબીના આનંદને બેવડાવે છે. દીર્ઘ સમયના ઝુરાપાને કારણે જાગેલી તલપ મીઠુ માટે અસહ્ય બનતાં ડૉક્ટરની ભલામણને ભૂલી કબી સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે અને કબી પત્નિ તરીકે તેને ખાળી શકતી નથી! નવી ગોસ પર નીકળતી કબીમાં પહેલા કરતાં દરિયો ખેડવાનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ વધ્યાં છે જે તેના પાત્રના આંતરિક વિકાસને સૂચવે છે. આ બીજી ગોસ દરમ્યાન ઝાંઝીબાર બંદરના લોકોનો અનુભવ તેને વધારે ઘડે છે. સમુદ્રી ચાંચિયાઓ જ્યારે કબીના સાથીઓ પર હથિયારોથી હુમલો કરે છે ત્યારે ચપળતાથી તલવાર લઈ તેના સરદારને હંફાવે છે અને બંદી બનાવે છે પંરતુ તેની સામે લડતાં ખાંસી ઊપડે છે અને ગળફામાં લોહી દેખાય છે! જે પતિની બિમારીનો ચેપ લાગ્યાનો સંકેત છે. અહીંથી નવલકથાની અંત તરફી ઝડપી ગતિમાં શિબુની કહાની અને બાંભણીની કરતૂતનું પ્રકરણ વિલંબ સર્જે છે. ખાંસીનું જોર સતત વધતું રહે છે અને બંદરેથી નીકળતા કબીના વહાણમાં સંતાઈને મા-દીકરી ચડી જાય છે તેની જાણ કબીને થતાં તથા ચાંચિયાઓ માને મારી નાખતાં દીકરી લછુને સાચવવાની મૂંઝવણ અનુભવે છે કારણ કે પોતે જાણી ચૂકી છે કે પોતાને ક્ષય લાગુ પડ્યો છે. પણ સાથી ધનજી લછુની જવાબદારી સ્વીકારી તેને હળવી કરે છે. ઘરે પહોંચતાં મીઠુની હાલત જોઈ ભાંગી પડે છે, ડૉક્ટર પણ જવાબ આપી દે કે મીઠુ હવે જીવી શકવાનો નથી. પોતાના અંત વિશે જાણતો મીઠુ હૃદયને પત્ની સામે ઠાલવી અપરાધની લાગણી અનુભવતાં પ્રાણ છોડે છે. અંતે ક્ષય અને પતિવિયોગમાં કબી ઘસાતી જાય છે અને એક વરસમાં તો મરણ પથારીએ પડી અંતિમ શ્વાસ લે છે! પરંતુ ભારતીય ઇતિહાસમાં દરિયો ખેડનાર સાહસી મહિલા તરીકે પોતાની છાપ અંકિત કરી જાય છે. નવલકથાનું કેન્દ્રિય પાત્ર કબી છે. પરિણામે સર્જકે દરિયાઈ સફર દરમ્યાન તેને થતા અનુભવોથી તેને ઘડ્યું છે. પરંતુ બાહ્ય અનુભવોનું જેટલું આલેખન થયું છે એના પ્રમાણમાં કબીના આંતરમનનું એકાદ બે પ્રસંગને બાદ કરતાં પ્રાપ્ત થતું નથી! તો અન્ય પાત્રોમાં મીઠુ, સંગ્રામજી, ભૂદા માલમ, ભોલુ માલમ, બુધુભા, હરભમજી, રતનશી વગેરે પાત્રો તેનાં કાર્યો અને વર્તનને કારણે યાદગાર બન્યાં છે. સંગ્રામજી ઉર્ફે જખરા તરીકે શરૂઆતમાં ખલ પાત્ર તરીકે સામે આવતું પાત્ર વિશેષ અભ્યાસ માંગી લે તેવું છે. તેના બેવડા વ્યક્તિત્વને ઉપસાવવામાં લેખક સફળ થયા છે. એક બાજુ સાગરખેડુઓને હેરાન કરનાર છે તો બીજી બાજુ સુભાષબાબુની ‘આઝાદ હિન્દ ફોજ’ના સહાયક અને ભારતીય કન્યાઓને વિદેશમાં વેચાતી બચાવી હેમખેમ વતન પહોંચાડનાર રાષ્ટ્રભક્ત તરીકેની છાપ છોડી જાય છે! નવલકથામાં કચ્છી મિશ્રિત ખારવાની બોલી પ્રયોજવામાં આવી છે. નવલકથામાં પ્રયોજાયેલ કચ્છી શબ્દો, તેનાં ઉચ્ચારણો, સામુદ્રિક શાસ્ત્ર અને તેની સાથે જોડાયેલ પરિભાષાઓ સર્જકના સામુદ્રિક જ્ઞાન અને અભ્યાસને પ્રગટ કરે છે. સમુદ્રશાસ્ત્ર સાથે સંબંધિત પારિભાષિક શબ્દો, ખારવાઓના રીતરિવાજો, દરિયામાં આવતાં તોફાન, દિશાની ગણના, ચાંચિયાઓની હેરાનગતિ, માંડવી, કલિકટ, ઝાંઝીબાર જેવાં બંદરોનું વર્ણન વગેરે યોગ્ય પરિવેશ ઊભો કરવામાં કાર્યસાધક ભૂમિકા ભજવે છે. શિબુની કહાની અને બાંભણીની કરતૂત વાળા પ્રકરણને બાદ કરતાં મોટાભાગે સર્વજ્ઞ કથક દ્વારા કથા કહેવાઈ છે. નવલકથાના કેન્દ્રમાં કબી હોવાથી આ બંને પ્રકરણો નવલકથાની સંકલનામાં ઉપકારક જણાતાં નથી. બીજું કળા દૃષ્ટિએ ઉપસંહાર તરીકે આવતું અંતિમ પ્રકરણ બિનજરૂરી લાગે છે. ૨૪મા પ્રકરણમાં કબીના મૃત્યુ પર નવલકથા અંત પામી હોત તો તેનો ધ્વનિ જળવાઈ શક્યો હોત. કબીના મૃત્યુ પછી શું થયું તે જાણવામાં ભાવકને રસ રહેતો નથી. ઉપરાંત કથક તરીકે ઘણીવાર સર્જક પાત્રનાં કાર્યોનું આલેખન કર્યા બાદ પણ તેની પ્રશસ્તિ (પૃ. ૧૪૮) સ્વ મુખે કરે છે ત્યારે તે વધારાનું અને નિરસ લાગે છે. આવી કેટલીક મર્યાદાઓને બાદ કરતાં વિનેશ અંતાણી નોંધે છે તેમ – “ ‘દરિયાની દીકરી’ સત્યકથા પર આધારિત છે, છતાં એ માત્ર વૃત્તાંતકથા બનતી નથી. કથા અને પાત્રનો ક્રમબંધ વિકાસ, અલગ-અલગ પરિસ્થિતિનો ઉઘાડ, તે સમયનું માંડવી બંદર, ખારવા સમાજ, કાંઠે ચાલતી પ્રવૃત્તિઓ અને દરિયા પર બનતી ઘટનાઓ અને અંતમાં એક છોકરી દ્વારા સૂચવાતું વહાણવટાનું સંભવિત ભવિષ્ય ‘દરિયાની દીકરી’ને સફળ નવલકથાના કાંઠા સુધી દોરી જાય છે.” (પૃ. ૦૭)

સંદર્ભ : ૧. ‘દરિયાની દીકરી’, હસમુખ અબોટી ‘ચંદન’, પ્ર. આ. ૨૦૨૧, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ.

ડૉ. સુશીલા વાઘમશી
મદદનીશ પ્રાધ્યાપક,
મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
દયાપર, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧૪૦૮૮૮
Email: vaghamshisushila૬૨@gmail.com