નવલકથાપરિચયકોશ/હીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૩

‘હીર’ : રાજેશ વણકર

– અનંત રાઠોડ
Heer Book Cover.jpg

(‘હીર’, પ્રકાશન વર્ષ : ૨૦૨૨, પ્રકાશક : પોતે, પ્રત : ૫૦૦) રાજેશ વણકરનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાં તેમના મોસાળ ખાતે થયો હતો. તેમનું વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું રામપુરા (જોડકા) ગામ છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ વતનમાં, હાઈસ્કૂલનું શિક્ષણ નજીકના મહેલોલ ગામમાં, સ્નાતકનું શિક્ષણ કાલોલ અને કાંકણપુરની કૉલેજોમાં, અનુસ્નાતકનો અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં કર્યો. UGCની રિસર્ચ ફેલોશિપ મેળવીને, પ્રા. જયેશ ભોગાયતાના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા’ વિષય પર મહાશોધનિબંધ લખીને તેઓએ ૨૦૧૦માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. આ સંશોધનગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનું ૨૦૧૨ના વર્ષનું સંશોધન વિભાગનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘માળો’ (૨૦૦૯)ને સાહિત્ય અકાદમી, દિલ્હીનો યુવા પુરસ્કાર ૨૦૧૫માં મળ્યો. તેમની ‘હીર’ નવલકથા ૨૦૨૨માં પ્રગટ થઈ. નવલકથાના નિવેદનમાં લેખકે નોંધ્યું છે તે પ્રમાણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વાંકોડ ગામમાં હીરબાઈ માતાનું સ્થાનક આવેલું છે. આ પ્રદેશની લોકકથા પ્રમાણે હીર નામની યુવતીએ આદિવાસી સ્ત્રીઓને સંગઠિત કરીને આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય જંગમાં ઝંપલાવ્યું હતું. ગોધરાના કિલ્લા ઉપર આ સ્ત્રીઓએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. આ આંદોલનનું કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, પરંતુ કંઠોપકંઠ ચાલતી વાતો અને કથાગીતોનો આધાર લઈને લેખકે તેને નવલકથાસ્વરૂપ આપ્યું છે. આ નવલકથા ૧૮૫૭નો વિદ્રોહ નિષ્ફળ ગયો એ પછીના સમયમાં આકાર લે છે. નવલકથાનો આરંભ ‘હીર’ની યાદમાં વર્ષોથી ભરાતા મેળાથી થાય છે. મેળામાં ભેગા થયેલા લોકોની ભક્તિભાવપૂર્ણ વાતોમાંથી આ નવલકથાની નાયિકા હીરનો પ્રથમ પરિચય ભાવકને મળે છે. બીજા પ્રકરણથી હીરના પાત્ર સાથેનું સ્પષ્ટ અનુસંધાન રચાય છે. આરંભે જ હીરના પિતા જનકાનું અંગ્રેજ સિપાહીની ગોળીથી થયેલ મૃત્યુનો કરુણ પ્રસંગ આલેખાયો છે. આ ઘટનાથી જ હીરના મનમાં અંગ્રેજો પ્રત્યે વિદ્રોહનાં બીજ રોપાય છે. નવલકથામાં નોંધાયું છે એ પ્રમાણે આ ડુંગરાળ જંગલોમાંથી આદિવાસીઓને અંગ્રેજો મજૂરી કરવા લઈ જતા. તેમાંથી બહુ ઓછા લોકો પાછા પોતાના વતનમાં આવી શકતા. જે ખોવાઈ જતાં એમની કોઈ ભાળ મળતી નહીં, પરંતુ જાંબુઘોડા તરફ ગયેલા જનકાની અંગ્રેજો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવે એવી ઘટના આ પંથકમાં પ્રથમ વાર બની હતી. આ ઘટના પછી ક્યાંક દૂરથી આવેલા એક જ્યોતિષ(ગોરબાપા)ને હીર અંગ્રેજો કેવા હોય એ વિશે જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછે છે ત્યારે ગોરબાપા તેને અંગ્રેજ બતાવવાનું વચન આપે છે. જાંબુઘોડાના ચોરામાં અંગ્રેજો આવવાના છે એવી માહિતી ગોરબાપા દ્વારા મળતાં હીર પોતાની બહેનપણીઓ સાથે ત્યાં પહોંચે છે. ત્યાં હીર જુએ છે કે અંગ્રેજોના ભારતીય સિપાહીઓ અર્ધઉઘાડા દેહવાળા આદિવાસીઓને જંગલમાંથી પકડી લાવ્યા છે અને તેમની પાસે કર ઉઘરાવવા માટે બળજબરી કરી રહ્યા છે. આ દૃશ્ય જોઈને હીરના મનમાં તેના પિતાનું મૃત્યુ ફરીથી તાદૃશ થાય છે. હીરના ચહેરા પર આક્રોશ જોઈને તેની બહેનપણીઓ તેને પકડીને ઘરે લઈ આવે છે. આ ગામની ભાનુ નામની છોકરીને લગ્ન માટે પરગામના લોકો માંગું લઈને આવ્યા હતા તે જ સાંજે ભાનુ, હીર અને બીજી યુવતીઓ જગલમાં લાકડાં લેવા માટે જાય છે. ત્યાં કોઈ અંગ્રેજ સિપાહી ભાનુને પકડીને તેના પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે છે. આ જોઈને ગુસ્સે ભરાયેલી હીર સિપાહીનો પૌરુષીય જુસ્સાથી સામનો કરે છે. અચાનક એક યુવતી દ્વારા થયેલા હુમલાથી ડઘાઈ ગયેલો સૈનિક ત્યાંથી ભાગી છૂટે છે, પરંતુ ગભરામણમાં પોતાની રાઈફલ ત્યાં જ છોડી આવે છે. મૂંઝાઈ ગયેલી હીર એ રાઈફલ સંતાડીને પોતાને ઘેર લઈ જાય છે. અંગ્રેજોની છાવણીમાં આ ઘટનાની બહુ ઘેરી અસર પડે છે. વાંકોડ ગામના મંગળ મુખીને અંગ્રેજો બોલાવે છે. મુખી આ વાત જાણીને ગભરાઈ જાય છે. અંગ્રેજ તેને દંડરૂપે દારૂ, મરઘાં અને બકરાં આપવા કહે છે. મુખી ગામના લોકોને ભેગા કરીને અંગ્રેજોએ માંગેલા દંડની વાત રજૂ કરે છે ત્યારે ગામલોકો તેની આ વાત સાથે સહમત થતાં નથી. મુખી કહે છે કે અંગ્રેજો ગામમાં આવીને લોહી વહેવડાવશે ત્યારે હીર ગુસ્સાથી લાલચોળ થઈને આખા ગામવચ્ચે વિદ્રોહના સૂરમાં બોલે છે કેઃ “આપડા લોકો તો વરહોથી અંઇ હચવાયેલા જ સે ને. એ આવે કે ના આવે આપણને કોનો ડર છે? આપણને ડર હોય તો આપણાવાળાનો જ સે. એમના ભેગા ભળીને આપણું ખોટું કરે એમનો ડર, બાકી બહારથી તો કોની તાકાત સે કે આવીને હળી કરે. ભોડું તોડી નાખનારા તમારા જેવા કેટલાય સે આપણી પોંહે. તે પાસા એમ કે અમે તમને હાચવવા આઈએ સીએ. એ ભઈના હારા હાચવવા નઇ પણ લૂંટવા આવે સે. બેનબેટી પર હાથ નાખવા, આ કહ્યું.” (‘હીર’, પૃ. ૪૯) હીરનું આવું નવું જ વિદ્રોહી રૂપ જોઈને લોકો તેનામાં કોઈ દૈવીશક્તિનો સંચાર થયો હોવાનું માની બેસે છે. કોઈ પણ રીતે મુખી અંગ્રેજોને દંડરૂપે માંગેલી વસ્તુઓ પહોંચાડે છે. આ તરફ ગામલોકો પણ સંકટ ટાળવા માટે એક બકરાનો બલી ગામટોળાંની માતાને આપવા માટે ભેગા થાય છે, પરંતુ પરંપરાગત માન્યતા મુજબ બકરામાં માતાના સ્વીકારની કોઈ નિશાની દેખાતી નથી ત્યારે ગામના વડીલ જગાડોસા આ ગામમાંથી નાળિયેર અને એક તીર સાગના પાનમાં બાંધીને બીજે ગામ મોકલાવીને એ ગામમાં પણ બકરાનો બલી આપવાનું કહેણ મોકલાવે છે. આમ, આસપાસનાં તમામ ગામોમાં લોકો ભેગા થઈને, ઢોલ વગાડીને વિદ્રોહના પ્રતીક જેવું તીર ગામેગામ ફેરવે છે. અંગ્રેજ છાવણીમાં આ વાત પહોંચતાં, ગામેગામના લોકો સંગઠિત થઈ રહ્યા છે એવી જાણકારી મળતાં, તેઓ ઘોડા પર સવાર થઈને ડુંગરોમાં ઊતરી પડે છે. લોકો ડરના માર્યા ઘરોમાં પુરાઈ રહે છે. હીંમતવાળા કેટલાક લોકો સામનો કરે છે. આ દરમિયાન ગોરબાપાના માધ્યમથી એક ભારતીય સૈનિક જગતસિંહ હીરને મળે છે અને તેને ૧૮૫૭ના વિપ્લવની માહિતી આપે છે, સંગઠિત થઈને વિદ્રોહ કરવા તૈયાર કરે છે, રાઈફલ ચલાવતાં પણ શીખવે છે. લોકો વૃક્ષો પર ચઢીને અંગ્રેજોનો તીરકામઠાંથી સામનો કરે છે. અંગ્રેજો સંખ્યાબળ વધારીને ‘હૂંઢીમારો’ કાયદા હેઠળ આડેધડ અત્યાચાર ગુજારે છે. આખરે હીર રાઈફલ લઈને બહારવટે ચઢે છે. આસપાસનાં ગામોની, અંગ્રેજોના અત્યાચારના લીધે વિધવા થયેલી, બાપવિહોણી બનેલી સ્ત્રીઓ સંગઠિત થાય છે અને હીરના નેતૃત્વ હેઠળ માથે માતાનો ગરબો લઈને ગીતો ગાતાં ગાતાં ગોધરા તરફ સામૂહિક કૂચ કરે છે. અષાઢની અમાસની અંધારી રાતે જગતસિંહ અને ગોરબાપા દ્વારા ગોધરા પહોંચેલા હથિયારો લઈને અંગ્રેજોના કિલ્લા પર હુમલો કરી દે છે. કેટલીય સ્ત્રીઓ અને સૈનિકો મૃત્યુ પામે છે. હીરને મુખ્ય અધિકારી પર હુમલો કરવા જતાં ગોળી વાગે છે અને ત્યાં જ તે મૃત્યુ પામે છે. અંગ્રેજ અધિકારી આ મહિલાઓની હિંમત જોઈને તેમનાં શબ વતન સુધી માનભેર પહોંચાડે છે. ગામલોકોને રોજગારી આપવાનું વચન આપીને નિર્ભય રહેવાનું કહે છે. ત્યારે ગોરબાપા બધા વચ્ચે હીરબાઈ માતાની જય બોલાવે છે. આમ, નવલકથામાં હીરનું પાત્ર ક્રમશઃ વિદ્રોહની પરાકાષ્ઠાએ પહોંચે છે અને શહીદ થાય છે એની આ વિદ્રોહગાથા છે. ત્રીજા પુરુષ એકવચન કથનકેન્દ્રથી લખાયેલી આ નવલકથામાં જીવંત બની જતાં પાત્રોની વીરતા, ગતિશીલ અને રોમાંચક રીતે નિરૂપણ પામેલું કથાનક, આદિવાસી સમાજને ઉજાગર કરતું જીવન, પાત્રાનુસારી બોલી અને કથકની શિષ્ટ ભાષાશૈલી, ડુંગરાળ ગ્રામ્યજીવનનું સજીવસ્પર્શી આલેખન વગેરે ઘટકતત્ત્વો કાર્યસાધક નીવડ્યાં છે. સ્ત્રીઓનો સામૂહિક વિદ્રોહ નારીવાદની દૃષ્ટિએ નોંધપાત્ર છે તો અંગ્રેજો સામેનો ભારતીય પ્રજાનો જુવાળ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. નવલકથામાં આવતાં પહેરવેશ, લોકબોલી, બાધા-આખડી, વિધિવિધાનો-માન્યતાઓ, મેળો, રૂઢિગત પરંપરાઓ, ડુંગર-નદી-જંગલ અને રહેણાંકનાં વિગતપ્રચુર વર્ણનો, અભાવો વચ્ચે જિવાતું લોકજીવન વગેરેથી આદિવાસી નવલકથા તરીકે પણ આ નવલકથા નોંધપાત્ર છે. પાત્રનિરૂપણની દૃષ્ટિએ જયંત પાઠકકૃત ‘વનાંચલ’ અને પરિવેશ નિરૂપણની દૃષ્ટિએ કિશોરસિંહ સોલંકી કૃત ‘અરવલ્લી’ અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘આરણ્યક’ સાથે સરખાવી શકાય એવી આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વની બની રહે છે. મોહનદાસ નૈમિષરાયની નવલકથા ‘ઝલકારીબાઈ’માં રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને અંગ્રેજો સામે વિદ્રોહ કરતી ‘ઝલકારીબાઈ’ની સમકક્ષ મૂકી શકાય તેવી જ નાયિકા હીરબાઈ અહીં નિરૂપણ પામી છે. આમ, આદિવાસીચેતના, ગ્રામચેતના, નારીચેતના, નારિવાદ, પર્યાવરણ અને ઐતિહાસિક નવલકથાની દૃષ્ટિએ ‘હીર’ નવલકથા મહત્ત્વની છે.

અનંત રાઠોડ
સંપાદક, ગુજરાતી વિભાગ,
રેખ્તા ફાઉન્ડેશન, નવી દિલ્હી
કવિ, સંશોધક, Archivist
Email: anant.rathod@rekhta.org