નવલકથાપરિચયકોશ/દિવ્યચક્ષુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧

‘દિવ્યચક્ષુ’ : રમણલાલ. વ. દેસાઈ

– પાર્થ બારોટ
Divya Chakshu.png

લેખક પરિચય : રમણલાલ વસંતલાલ દેસાઈ. જન્મ : ૧૨/૦૫/૧૮૯૨ – અવસાન : ૨૦/૦૯/૧૯૪૨. વતન : શિનોર ગામ. અભ્યાસ : અનુસ્નાતક. વ્યવસાય : શિક્ષક. સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ, નિબંધકાર, વિવેચક, આત્મકથાકાર, ચરિત્રકાર, ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ. નોંધપાત્ર પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક, હરગોવિંદદાસ કાંટાવાળા પુરસ્કાર. અધિકરણ માટે પસંદ કરેલ નવલકથાઃ રમણલાલ. વ. દેસાઈકૃત ‘દિવ્યચક્ષુ’ પ્રથમ આવૃત્તિ વર્ષ : ઈ સ ૧૯૩૨ પસંદ કરેલ નવલકથાનું વર્ષ : પંદરમી આવૃત્તિ ડિસેમ્બર-૧૯૮૨ પ્રકાશક : આર. આર. શેઠની કંપની, મુંબઈ. અર્પણ : આ નવલકથા ર. વ. દેસાઈએ તેમની પત્નીને અર્પણ કરતાં લખ્યું છે, મારી સ્વર્ગસ્થ પત્નીને કે તેના સ્મરણને? ગાંધીજી ભારતમાં આવે છે ત્યારે તેમના આભામંડળમાં સમગ્ર દેશ આવે છે. જેમાંથી સાહિત્યકારો પણ મુક્ત રહ્યા નથી. ઘણા સર્જકોએ સ્વતંત્રતાને પોતાની કૃતિમાં વણી લીધી છે. યુગમૂર્તિ વાર્તાકાર તરીકે જાણીતા બનેલા સર્જક ર. વ. દેસાઈની ‘દિવ્યચક્ષુ’ નવલકથા ઈ. સ. ૧૯૩૨માં પ્રગટ થઈ હતી. તે કુલ ૪૨ પ્રકરણોમાં વિસ્તરેલી છે, જેના દરેક પ્રકરણની શરૂઆત કાવ્યપંક્તિથી થાય છે. આ નવલકથા અરુણ, રંજન, જનાર્દન, પુષ્પા, કૃષ્ણકાંત, સુરભિ, ધનસુખલાલ, ધના ભગત, નૃસિંહલાલ, કિસન, રહીમ વગેરે જેવાં પાત્રોથી સભર છે, જેમાં અરુણનું પાત્ર કેન્દ્રસ્થ છે. નવલકથાની શરૂઆતમાં જનાર્દનના આશ્રમમાં ધ્વજવંદન નિમિત્તે બધા પ્રતિજ્ઞા કરે છે કે તેઓ આજીવન અહિંસા વ્રતનું પાલન કરશે. અરુણ હિંસક ક્રાંતિમાં માનતો હતો પણ રંજનના કહેવાથી તે એક વર્ષ સુધી અહિંસા વ્રતનું પાલન કરશે એવી પ્રતિજ્ઞા લે છે. તરત નવલકથા Flashbackમાં જાય છે. અરુણ અને તેના મિત્રોને સરકાર વિરુદ્ધ કામ કરવા માટે સજા થાય છે. તેના પિતાને એમ હતું કે અરુણ સરકારી નોકરીમાં ગોઠવાઈ જાય અને એ માટે ભલામણ પણ કરે છે. નોકરી માટે અંગ્રેજ અધિકારીની મુલાકાતે ગયેલો અરુણ અંગ્રેજ સરકારના નેજા હેઠળ નોકરી કરવાની ચોખ્ખી ના પાડે છે, એને ગુલામી ગણે છે. જેના લીધે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થાય છે. એવા સમયે બનેવી કૃષ્ણકાંત આવે છે, જે મિલમાલિક હોવાની સાથે અંગ્રેજો સાથે ખૂબ સારી મિત્રતા ધરાવે છે. એ અરુણને પોતાના ઘરે લઈ જાય છે. સ્ટેશન પર કૃષ્ણકાંતની બહેન રંજન લેવા માટે આવે છે, જે બિન્દાસ મિજાજ ધરાવનારી યુવતી હતી અને આવી યુવતીને અરુણ પહેલી જ વાર જુએ છે. સુરભિ અને કૃષ્ણકાંતનું દાંપત્ય જીવન ખાસ સારું ન હતું, જેનું કારણ કૃષ્ણકાંતનું દારૂનું વ્યસન હતું. અરુણ વિશે અંગ્રેજોને ખબર પડતાં તેઓ કૃષ્ણકાંત સાથે વાત કરવાનું બંધ કરી દે છે અને પરોક્ષ રીતે અપમાન કરે છે. અરુણ રંજનની સાથે બીજા દિવસે જનાર્દનના આશ્રમમાં જાય છે. ત્યાં જનાર્દન અને અરુણ વચ્ચે હિંસા-અહિંસાની ફિલસૂફી પર ચર્ચા થાય છે, જે સમજાવવા માટે જનાર્દન ચિત્રોનો સહારો લે છે. બારમા પ્રકરણમાં નવલકથા વર્તમાનમાં આવે છે. જ્યાં નૃસિંહલાલ જેવા પોલીસ કે જેને ભારતીય હોવા છતાં અંગ્રેજરાજમાં કશું જ દુઃખ જેવું નથી એમ લાગે છે છતાં એનો પુત્ર કંદર્પ લડતમાં જનાર્દન સાથે છે. નૃસિંહલાલ અરુણને પૂછપરછ માટે ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યારે રસ્તામાં કેટલાંક લોકો એક છોકરાને પીટતા હતા. સાથે એક અંધ વ્યક્તિ પણ હતો જેનું નામ ધના ભગત હતું. કોઈ કારણે કિસન ઉચ્ચવર્ગની વ્યક્તિને સ્પર્શે છે. એ સ્પર્શને કારણે અભડાઈ ગયેલા લોકો કિસનને મારતા હતા. અરુણ ગાડીમાંથી નીચે આવી બધાને ન મારવા કહે છે અને બધા મારવાનું બંધ કરે છે, ત્યારે સૌપ્રથમ વાર અહિંસાની તાકાત તેને સમજાય છે. જાતિવ્યવસ્થાને કારણે સવર્ણસમાજ દ્વારા ધિક્કારાતા દલિતોની વેદના અદ્ભુત રીતે આલેખી છે. તેની સાથે અંત્યજવાસમાં જઈને તેમની સાથે આત્મીયતા બાંધનાર સુશીલા, રંજન, પુષ્પા, જનાર્દન, અરુણ જેવા લોકોનું પણ સુંદર આલેખન છે. કૃષ્ણકાંતના અંગ્રેજ મૅનેજર વિશ્વાસઘાત કરીને ૨૫-૩૦ લાખનો ગોટાળો કરીને ભાગી જાય છે. કૃષ્ણકાંતના લેણીયાતોને ધનસુખલાલ પોતાની વાણીથી ચૂપ કરી દે છે. એવામાં સરકારી ધ્વજ સિવાય બીજો કોઈ ધ્વજ ન ફરકાવવો એવો આદેશ અપાય છે, જેના વિરોધમાં આશ્રમવાસીઓ પોતાનો ધ્વજ લઈને અહિંસક સરઘસ કાઢવાનું નક્કી કરે છે. પચાસ જણથી શરૂ થયેલ સરઘસમાં પાંચ હજાર માણસો જોડાય છે. પોલીસવાળા રોકવાનો પ્રયત્ન કરે એટલામાં સરઘસમાંથી કોઈ પથ્થર મારે છે જે સાર્જન્ટના માથામાં વાગે છે. જેથી પોલીસ લાઠીમાર શરૂ કરે છે. કંદર્પ ધ્વજ લઈને આગળ ચાલતો હોવાથી તેના પર લાઠીમાર શરૂ થાય છે. ઘાયલ કંદર્પના હાથમાંથી ધ્વજ અરુણ લે છે અને એના પર પણ લાઠીમાર શરૂ થાય છે. અરુણને એક લાઠી માથામાં વાગે છે જેના લીધે તે બેભાન થઈને નીચે પડે તે પહેલાં રંજન ધ્વજ લઈને ચોકમાં લગાવી દે છે. પોલીસે કરેલ લાઠીમારને કારણે ઘણા લોકો ઘવાયા હતા, એ લોકોને તાત્કાલિક ઉપચાર માટે નજીકમાં આવેલ ધનસુખલાલના ઘરે ખસેડવામાં આવ્યા. જ્યાં ધનસુખલાલની બંને દીકરી સુશીલા અને પુષ્પા તેમજ આશ્રમના અન્ય લોકોએ ઉપચાર માટે મદદ કરવાનું શરૂ કર્યું. ઘવાયેલા અરુણની સેવા પુષ્પા અને રંજન બંને કરે છે કેમ કે બંને અરુણને ખૂબ ચાહે છે. અહિયાં પ્રણય ત્રિકોણ રચાય છે. બીજે દિવસે પોલીસ પકડહુકમ લઈને આવે છે અને અરુણ, જનાર્દન, કંદર્પ ત્રણેયને અદાલતમાં લઈ જવામાં આવે છે. જામીન લેવાની ના પાડતા ત્રણેય કાર્યવાહી ચાલતા સુધી જેલમાં રહેવાનું પસંદ કરે છે. બીજી તરફ કિસનની તબિયત વધારે ખરાબ થતાં રંજન, સુશીલા અને પુષ્પા અંત્યજવાસમાં ડૉક્ટર લઈને જાય છે. આ લોકો સાથે રૂઢિચુસ્ત લાગતા ધનસુખલાલ પણ હતા, જે ત્યાંથી ઘરે જઈને નાહ્યા પછી ગીતાપાઠ કરવા બેસે છે ત્યારે છૂત-અછૂત વિશે વિચારે છે. ધર્મમાં કહેલી વાત કરતાં મનુષ્ય તદ્દન ઊલટું વર્તન કરે છે તે ધનસુખલાલને પ્રતીત થાય છે. કિસનને મટી જશે તો પોતાના ઘરે ઠાકોરજીનાં દર્શન કરાવશે એવી બાધા સુશીલા લે છે, જે ધનસુખલાલ અંતે પૂરી પણ કરે છે. કૃષ્ણકાંતના ચહેરા પર વ્યગ્રતા જણાઈ આવતાં રંજન પૂછે છે, શું થયું? તે જણાવે છે કે, જેલમાં ભયાનક આગ લાગી છે. જેલમાં બેઠેલા અરુણ, કંદર્પ અને જનાર્દનને કોઈ બાળકની ચીસનો અવાજ આવે છે અને ખબર પડે છે કે, જેલની બાજુમાં રહેતા અંગ્રેજોના રહેઠાણમાં આગ લાગી છે અને ત્યાં એક મા અને બે બાળકો ફસાયેલાં છે. સળિયા તોડીને અરુણ અને કંદર્પ બચાવવા જાય છે અને ત્રણેયને બચાવી લે છે પણ અરુણ ખૂબ દાઝી ગયો હોવાથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ભાનમાં આવતા અરુણ કશું જ જોઈ શકતો ન હતો, તેણે આંખ ગુમાવી હતી. આ ચક્ષુરહિત અવસ્થામાં તે પોતાની જાતને નિરાધાર માને છે. હૉસ્પિટલમાં તેની ખૂબ સેવા પુષ્પાએ કરી હતી પણ અરુણ સતત રંજનને ઝંખતો હોવાથી પુષ્પા માર્ગમાંથી ખસી જાય છે. આગ કેવી રીતે લાગી હશે એ બાબતે સરકાર અને પ્રજા બંનેના મત જુદાજુદા હતા, પણ જે અંગ્રેજને કંદર્પ અને અરુણે બચાવ્યાં હતાં તેમણે કાર્યવાહીમાં અરુણનો સાથ આપીને નિર્દોષ જાહેર કર્યા અને જેલમાંથી મુક્તિ મળી. જનાર્દન અરુણને કહે છે કે તે ચાર અંગ્રેજને માત્ર તારા જ નહીં પણ હિન્દનાં બનાવ્યાં. નવલકથાના અંતે અંધ અરુણ સાથે રંજન લગ્ન કરવાની વાત કરે છે અને ત્યાં નવલકથા પૂર્ણ થાય છે. ગાંધીયુગની આ નવલકથામાં સતત ગાંધી અનુભવાય છે. સત્ય, અહિંસા, કેળવણી, એકતા, સ્વરાજ્ય, અસ્પૃશ્યતા નિવારણ, સ્વાભિમાન વગેરે જેવા ગાંધીવિચારને નવલકથામાં કલાત્મક રીતે વણી લેવાયા છે, જે આ નવલકથાની વિશેષતા છે.

પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth૫૧૭@gmail.com