નવલકથાપરિચયકોશ/સ્વપ્નદૃષ્ટા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦

‘સ્વપ્નદ્રષ્ટા’ : કનૈયાલાલ મુનશી

– વેદાંત પુરોહિત
Svapn drasta.jpg

લેખક પરિચય : કનૈયાલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭ – ૮-૨-૧૯૭૧) પિતાનું નામ : માણેકલાલ; માતાનું નામ : તાપીબાઈ કનૈયાલાલનો જન્મ ભરૂચમાં થયો હતો. બાળપણમાં ધોરણ ૩ સુધીનું શિક્ષણ તેમણે સુરતમાં મેળવ્યું અને ત્યાર પછી મેટ્રિક સુધીનો અભ્યાસ ભરૂચમાં જ કર્યો. ૧૯૦૧માં તેઓ પ્રથમ પ્રયાસમાં મેટ્રિક પાસ થયા. શિક્ષિત માતાને કારણે કનૈયાલાલમાં બાળપણથી જ વિવિધ કથા સાંભળવી, વાંચવી જેવી ટેવ વિકસાવી હતી. કનૈયાલાલ બાળપણમાં એક આદર્શ બ્રાહ્મણત્વ ખીલવી ધાર્મિક વ્યક્તિત્વ ધરાવતા હતા. પછી વાચન અને અભ્યાસ દ્વારા ધર્મની સમજ વધતી ગઈ તેમ આચારમાં ફેરફાર થતા ગયા. મેટ્રિક પાસ થયા બાદ ૧૯૦૨માં તેઓ બરોડા કૉલેજમાં દાખલ થયા. ત્યાં તત્ત્વજ્ઞાનના પ્રોફેસર જગજીવન શાહ અને અંગ્રેજી તથા ફ્રેન્ચના પ્રોફેસર અરવિંદ ઘોષનો મુનશીના વ્યક્તિત્વ-વિચારો પર ઘણો પ્રભાવ પડ્યો. ૧૯ વર્ષની ઉંમરે એલિસ પ્રાઇઝ સાથે બી.એ. પાસ થયા અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પદવી મેળવી, ૧૯૧૩માં મુંબઈ ખાતે વકીલાતનો પ્રારંભ કર્યો. ૧૯૩૭માં તે મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન થયા એ પછી ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય રહ્યા. ત્યારબાદ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાનની જવાબદારી સંભાળી. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ. રાજ્યની સેવા કર્યા પછી સાહિત્યની સેવા માટે તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ તરીકે સેવા આપી ૧૯૭૧માં મુંબઈ ખાતે અવસાન. સાહિત્યજગતમાં મુનશી નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે પરંતુ આ ઉપરાંત તે સારા નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, રાજ્યશાસ્ત્રી, ઇતિહાસકાર પણ છે. ‘વેરની વસુલાત’ (૧૯૧૩) નવલકથાથી તેમની સાહિત્ય યાત્રાનો પ્રારંભ થયો એ પછી ‘કોનો વાંક?’ (૧૯૧૫)માં તેમની બીજી નવલ આવી. ત્યારબાદ પંદર જેટલી નવલકથા તેમની પાસેથી મળે છે. આમાં ઐતિહાસિક કથાવસ્તુ લઈને લખાયેલ નવલકથા ઘણી લોકપ્રિય બની. આ સાથે મુનશી પાસેથી મહત્ત્વનાં નાટક પણ મળે છે. જેમાં ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧), ‘કાકાની શશી’ (૧૯૨૮), ‘ધ્રુવસ્વામિનીદેવી’ (૧૯૨૯) જેવાં બીજા બાર જેટલાં નાટકનો સમાવેશ થાય છે. ૧૯૨૧માં ‘મારી કમલા અને બીજી વાતો’ શીર્ષકથી મુનશીની એકમાત્ર નવલિકા મળે છે. ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર’ (૧૯૩૫)એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પુસ્તક પણ તે આપે છે. આ ઉપરાંત જીવનચરિત્ર, આત્મચરિત્ર, પ્રવાસ, નિબંધ અને બીજાં અંગ્રેજી પુસ્તકો તેમની પાસેથી સમયાંતરે આવતાં રહ્યાં. મુનશીની ધર્મ, સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, રાજનીતિની સમજ તેમના સાહિત્યને એક અલગ ઊંચાઈ આપે છે. કવિતા સિવાય ગદ્યના લગભગ બધા પ્રકારોમાં સર્જન કરી મુનશીએ ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. આટલી સર્જક વિશેની વાત કર્યા બાદ હવે અધિકરણ માટે પસંદ કરેલી નવલકથાની ચર્ચા કરીએ. ‘સ્વપ્નદ્રષ્ટા’ : કનૈયાલાલ મુનશી ઓગણીસમી સદીથી ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી અંગ્રેજોને ભારત બહાર કરવાના વિચારો શરૂ થયા અને આ વિચારને હકીકતમાં ફેરવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનો પણ પ્રારંભ થયો. ૧૯૪૭માં ભારતને જે આઝાદી મળી તેની માટેની લડાઈની શરૂઆત તો સો વર્ષથી થઈ ગઈ હતી. લગભગ સો વર્ષની આઝાદી લડાઈનો ઇતિહાસ આજ આપણને બે રીતે મળી શકે છે. જેમાં એક તો ઇતિહાસનાં પુસ્તકો છે. વિદેશી તથા ભારતીય ઇતિહાસકારોએ ભારતની આ આઝાદીની લડતને પોતાના વિવિધ ગ્રંથોમાં દર્શાવેલ છે. તો બીજી તરફ આ સો વર્ષોમાં બનેલી ઘટનાનો ઇતિહાસ ભારતીય ભાષાના સાહિત્યમાંથી પણ મળે છે. ભારતના વિવિધ ભાષાના સર્જકોએ સ્વતંત્રતાની આ લડતના પોતાના અનુભવને તેમની જુદી જુદી સાહિત્ય કૃતિમાં પ્રસ્તુત કરેલ જોઈ શકાય છે. આ સાહિત્યમાં રહેલો ઇતિહાસ સામાન્ય ઇતિહાસ ગ્રંથોની જેમ સ્પષ્ટ નથી, પરંતુ એમાં કેટલીક એવી હકીકતો પણ હોય છે, જે ઇતિહાસકારે નથી દર્શાવી હોતી. તો હવે આપણે આવા સાહિત્યમાંથી જ એક ગુજરાતી ભાષાના જાણીતા સર્જક તથા ઇતિહાસકાર કનૈયાલાલ મુનશીની નવલકથા ‘સ્વપ્નદ્રષ્ટા’ વિશે ચર્ચા કરીએ. કનૈયાલાલ મુનશીની નવલકથા ‘સ્વપ્નદ્રષ્ટા’ સૌપ્રથમ ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થઈ હતી. એ પછી ભારતીય વિદ્યાભવન દ્વારા ગુર્જર પ્રકાશનમાં આ નવલકથાનું પુનઃમુદ્રણ થયું. નવલકથાની શરૂઆતમાં લેખક ‘વાચકને’ શીર્ષકથી એક નોંધ મૂકે છે જેમાં નવલકથાનાં પાત્રો અને તત્કાલીન રાજકીય વાતાવરણ વિશે વાત કરે છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથા કુલ ૨૪૮ જેટલાં પૃષ્ઠમાં ફેલાયેલી છે અને વિવિધ શીર્ષકથી મુખ્ય ૧૬ પ્રકરણ રહેલાં છે અને કથાવસ્તુ મુજબ આ મુખ્ય પ્રકરણોમાં પેટા પ્રકરણ કરવામાં આવેલ છે. આ દરેક મુખ્ય પ્રકરણનાં શીર્ષક-નામ તે પ્રકરણની કથાવસ્તુ મુજબ રાખવામાં આવેલાં છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ મુખ્યત્વે સ્વતંત્રતાની લડાઈ વખતે કૉલેજમાં અભ્યાસ કરતાં યુવા વિદ્યાર્થી તથા અધ્યાપકની મનોસ્થિતિનો તથા સમકાલીન રાજકીય બળો દર્શાવતી નવલકથા છે. નવલકથાનો નાયક સુદર્શન પોતાની શાળાનો અભ્યાસ પૂર્ણ કરી, વડોદરા કૉલેજમાં અભ્યાસ માટે જાય છે. જ્યાં તેના અંગ્રેજી તેમ જ ફ્રેંચના અધ્યાપક અરવિંદ ઘોષના ભાષણથી પ્રભાવિત થઈને ભારતની સ્વતંત્રતાને પોતાના જીવનનું ધ્યેય બનાવી અને નવી નવી યોજના બનાવી તે મુજબ ચાલી સ્વતંત્ર ભારત જોવાનાં સપનાં સેવવા લાગે છે. આ વચ્ચે લેખક સમકાલીન રાજકીય ઘટના અને રાજકારણીઓ પણ નવલકથામાં લઈ આવે છે. નવલકથા વિશે વિશેષ ચર્ચા કર્યા પૂર્વે આપણે નવલકથાની મુખ્ય કથાવાસ્તુનો પરિચય મેળવીએ. નવલકથાની શરૂઆત ‘ભાવિ વેવાઈઓ’ નામના પ્રથમ પ્રકરણથી થાય છે. આ પૂર્વે લેખક કેટલીક તત્કાલીન રાજકીય ઘટનાઓ દર્શાવે છે જેથી નવલકથાનો સમય કયો છે તે ખ્યાલ આવી શકે. ઈ. સ. ૧૯૦૬ના સમયમાં નવલકથાની ઘટનાઓનો પ્રારંભ થાય છે. જેમાં અમદાવાદથી વડોદરા જતી આગગાડીમાં ‘ભાવિ વેવાઈઓ’ મિ. જગમોહનલાલ તથા રાવબહાદુર પ્રમોદરાય મળે છે. નામદાર મુંબઈ રહે છે અને પ્રમોદરાય તેની જ ન્યાતના હોવાથી બંને બાળપણમાં સાથે ભણેલા અને હજી સુધી મિત્રતા જાળવી રાખેલી. પ્રમોદરાય નાયક સુદર્શનને મળવા વડોદરા કૉલેજમાં જઈ રહ્યા છે. જગમોહનલાલ તેની પત્ની તથા પુત્રીને લેવા માટે મુંબઈથી આવ્યા છે. બંને મિત્રો અચાનક મળતાં પ્રમોદરાય સુદર્શનના વિવાહની વાત કાઢે છે જેમાં જગમોહનલાલ ધીરજ રાખવા સૂચવે છે. બંને મિત્રો સાથે જ સુદર્શનને મળવા છાત્રનિવાસ પહોંચે છે. પણ ત્યાં પહોંચતા સુદર્શનના મિત્રો દ્વારા જાણ થાય છે કે સદુભાઈ (સુદર્શન) અરવિંદ ઘોષનું વ્યાખ્યાન સાંભળવા ગયો છે. તેથી બંને વ્યક્તિ સુદર્શનની ઓરડીમાં જાય છે. જ્યાં તત્ત્વજ્ઞાન, સંસ્કૃત, ઇતિહાસ અને સાહિત્યનાં પુસ્તકોનો ઢગ પડેલો હોય છે. આ વાંચનથી જગમોહનલાલ તથા વાચકોને સદુભાઈની બુદ્ધિનો ખ્યાલ આવે છે. એ પછી સુદર્શન આવે છે ત્યારે જગમોહનલાલ, પ્રમોદરાય તથા સુદર્શનને રાજાભાઈને ત્યાં આવવા નિમંત્રણ આપે છે, જ્યાં પ્રથમ વખત નાયિકા સુલોચનાનો પ્રવેશ થાય છે. શહેરમાં રહેલી અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતી સુલોચનાને આ સદુભાઈ પસંદ આવતો નથી. તેથી તે લગ્નની ‘ના’ કહે છે. બીજી તરફ ભારતમાતાની સેવામાં જીવન સમર્પિત કરેલ સુદર્શન પણ લગ્નની ઇચ્છા ધરાવતો નથી. આ જ વખતે જગમોહનલાલ સુદર્શનને પરીક્ષા માટે મુંબઈ આવે ત્યારે પોતાને ઘરે ઉતારવાનો પ્રસ્તાવ મૂકે છે. આટલી ઘટના પછી નવલકથા ‘સંસ્કારજાગૃતિ’ નામના ત્રીજા પ્રકરણમાં સુદર્શનની માનસિક સ્થિતિનો પરિચય આપવા લેખક વાચકોને ૨૦ વર્ષ પાછળ સુદર્શનના બાળપણમાં લઈ જાય છે. હવે કથા સુદર્શનના જન્મથી આરંભાય છે. સુદર્શન ‘સ્વપ્નદ્રષ્ટા’ કેવી રીતે બને છે તેની હકીકત અહિયાં લેખક દર્શાવે છે. સુદર્શનને બાળપણથી જ એકાંત પસંદ હતું તેથી તે એકલો રહીને પોતાની કલ્પના દ્વારા, સાંભળેલી કથાનાં પાત્રોને પોતાના મિત્ર બનાવી લેતો થયો. તે પોતાના સ્વપ્નમાં આ કથાનાં પાત્રો સાથે વાતો કરતો અને પોતે પણ તે પૌરાણિક પાત્રમાંથી એક છે તેવું સમજી બેસતો. જે રીતે તેને શાળાનું શિક્ષણ મળતું ગયું તેમ-તેમ આ સ્વપ્નમાં આવનાર વ્યક્તિઓ વધવા લાગી. એવામાં એક દિવસ પ્રમોદરાયને કમિશનરની પત્નીના જન્મદિવસમાં જવાનું નિમંત્રણ મળ્યું ત્યાં સુદર્શન પણ સાથે જાય છે. ત્યાં તેને જાણ થઈ કે પોતાના પિતા કોઈ શાસક નહીં પણ અંગ્રેજ સરકારના નોકર છે. અંગ્રેજ લોકો ભારતીયને ગુલામ કે તેનાથી નીચી પ્રજા સમજે છે. આ હકીકત જાણી સુદર્શન ઘણો દુઃખી થાય છે. આજ સુધી તેણે જે સપનાં જોયાં હતાં તે હવે રહ્યાં નહિ. આ એક વાસ્તવિકતાથી તે હવે અંગ્રેજનો વિરોધી થઈ ગયો. એ પછી મેટ્રિક પાસ કરી સુદર્શન કૉલેજમાં અભ્યાસ કરવા બરોડા પહોંચે છે. જ્યાં સુદર્શનને આ વેદનામાંથી બહાર નીકળવાનો રસ્તો મળે છે. અને તેનામાં વિપ્લવપ્રેમ જન્મે છે. કૉલેજના અધ્યાપક, વાંચનથી સુદર્શનની સમજ વિસ્તાર પામે છે અને તે કોઈ પણ રીતે અંગ્રેજોને ભારત બહાર કાઢવાની યોજના બનાવવામાં લાગી જાય છે. આટલી ઘટના બાદ ‘ભારતીની આત્મકથા’ નામના પ્રકરણમાં લેખક ભારતના શાસનનો સૂક્ષ્મ ઇતિહાસ ભારતમાતાને મુખે દર્શાવે છે. આ ઘટનાથી સુદર્શનમાં અખંડ ભારતનું સપનું જાગૃત થાય છે. હવે પછીના પ્રકરણથી કથાપ્રવાહ આગળ વધે છે જેમાં ભીમનાથ તળાવમાં સુદર્શન તેના સાથી પાઠક, મગન પંડ્યા, કેરશાસ્પ, ધીરુ શાસ્ત્રી, સનતકુમાર જોશી, ગિરિજાશંકર શુક્લ, નારણ પટેલ અને મોહનલાલ પારેખ સાથે બીજા મિત્રોની રાહ જોઈ રહ્યો હોય છે. આવનાર મિત્ર મુંબઈના શિવલાલ શ્રોફ અને અંબેલાલ દેસાઈ હતા. આ બધાએ સાથે મળી ભારતને સ્વતંત્ર કરવા માટે એક મંડળની સ્થાપના કરી જેમાં કેરશાસ્પને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી અને સદુભાઈને મંડળના મંત્રી બનાવવામાં આવ્યા. સ્વપ્નદ્રષ્ટા સુદર્શને તો આ મુલાકાત ઐતિહાસિક લાગી. જાણે આ જ મંડળ દેશને સ્વતંત્ર કરશે તેવું તે માનવા લાગ્યો. સુદર્શન પછી લેખક હવે સુલોચના તરફ વાચકોની દૃષ્ટિ લઈ જાય છે. સુલોચના મા-બાપ સાથે મુંબઈ આવે છે અને પોતાનું હંમેશનું જીવન શરૂ કરવાનો પ્રયાસ કરે છે. તે કૉલેજ જાય છે ત્યાંથી તેના મિત્ર કેકી અને ગમન સાથે ડ્રાઇવ પર જાય છે પરંતુ રસ્તામાં જગમોહનલાલ મળે છે તે સુલોચનાને આ મિત્રો સાથે જવા દેવાને બદલે પોતાની સાથે પ્રોફેસર કાપડિયાને ત્યાં લઈ જાય છે. જગમોહનલાલ કાપડિયા પાસે બંગાળના ભાગલા વિશે અને બીજી કેટલીક રાજકીય બાબતો વિશે ચર્ચા કરે છે. સુલોચના આ વાતચીતમાં પહેલાં તો કંટાળો અનુભવે છે ત્યારબાદ કાપડિયાની વાતોમાં તેને પણ રસ પડે છે. આ જ સમયમાં સુદર્શન પરીક્ષા માટે મુંબઈ આવવાનો હોય છે. તેથી જગમોહનલાલ સુલોચનાને સદુભાઈને સ્ટેશનથી લેવા જવા કહે છે. સુલોચના સદુભાઈની મસ્તી કરવા પોતાના મિત્રોને પણ સ્ટેશન પર લઈ જાય છે. અને ફર્સ્ટક્લાસના ડબ્બા પાસે સુદર્શનની રાહ જુએ છે. પરંતુ સદુભાઈ થર્ડક્લાસમાં જ આવે છે જેથી સુલોચનાને થોડો વધુ અણગમો થઈ જાય છે. સુદર્શન જગમોહનલાલને ત્યાં જવાને બદલે પોતાના મિત્ર અંબેલાલને ત્યાં રોકાય છે. જ્યાં સદુભાઈનો પરિચય અંબેલાલની નાની બહેન ધની સાથે થાય છે. ધનીબેનમાં સુદર્શનને એક દિવ્ય તેજ દેખાય છે. જે તેજથી તેને ઊર્જા મળે છે. હવે સદુભાઈ પિતાના આગ્રહથી જગમોહનલાલને ત્યાં જાય છે. જગમોહનલાલ સુદર્શન સ્વતંત્રતાના સ્વપ્નમાંથી બહાર આવે એ માટે તેને પ્રોફેસર કાપડિયા પાસે લઈ જાય છે. ત્યાં કાપડિયા ઘણી વાતો કરે છે પણ સુદર્શનના નિર્ણયને બદલાવી શકતા નથી. સુદર્શન જગમોહનલાલને ત્યાં રાત રહેતો નથી અને ફરી અંબેલાલને ત્યાં ચાલ્યો જાય છે. અંબેલાલ મિસ. વકીલ સાથે મળી વિસ્ફોટક બનાવવાના પ્રયોગ કરતો હોય છે તેથી સુદર્શન તેના આધારે પોતાની યોજના બનાવવા પરીક્ષા પછી મુંબઈમાં જ રહેવાનું નક્કી કરે છે. સદુભાઈ મુંબઈમાં રહીને તત્કાલીન રાજકારણને સમજે છે અને કૉંગ્રેસ વિશે માહિતી મેળવે છે. એ પછી સુરત કૉંગ્રેસની વાત આવે છે. મુંબઈથી સદુભાઈ અને તેના મિત્રો સુરત જાય છે. આ બધાં કેરશાસ્પને ત્યાં રોકાય છે. સુરતમાં મળેલ કૉંગ્રેસમાં બે પક્ષ પડે છે અને કૉંગ્રસ તૂટે છે. આ વાતથી સદુભાઈ નિરાશ થાય છે. આ વચ્ચે સુલોચના કેકીને પ્રેમ કરે છે તેના ખુલાસાની ઘટના ‘કેકીની ક્લબનું નવજોત’ નામના પ્રકરણમાં આવે છે. જેમાં સુલોચના અને કેકી વચ્ચેનો સંબંધ પૂર્ણ થાય છે. હવે પછી કથા તેના અંત તરફ ગતિ કરે છે. સદુભાઈ પોતાના મંડળની સભા નજીક આવતાં પોતાની યોજના તૈયાર કરે છે. યોજનાને વધારે સફળ બનાવી શકાય તે માટે સદુભાઈ કાપડિયાની પણ મુલાકાત કરે છે. અંબેલાલ પણ પોતાના પ્રયોગમાં સફળ થાય છે અને સુદર્શનને લાગે છે, હવે તો તેનું મંડળ સ્વતંત્રતા મેળવીને રહેશે. તે વડોદરા સભામાં જવાની તૈયારીમાં હોય છે ત્યાં એક પછી એક મિત્રો પોતાના વિવિધ કારણોને લીધે સભામાં નહિ આવી શકે એવા સમાચાર આવે છે. છતાં પણ સુદર્શન વડોદરા જાય છે. આ જ વખતે નારણભાઈ પણ આગગાડીમાં વડોદરા માટે નીકળે છે. ત્યાં જગમોહનલાલ સાથે તેની મુલાકાત થાય છે. નામદાર પોતાની ચતુરાઈથી નારણભાઈ પાસેથી સુદર્શનના મંડળની માહિતી મેળવી લે છે. સુદર્શન વડોદરા પહોંચે ત્યારે એકદમ હતાશ થઈ ગયો છે. એવામાં ગિરિજા શુક્લ સ્વતંત્રતાના સ્વપ્નમાં માનસિક સંતુલન ખોઈ બેસે છે અને મંડળની સભા થતી નથી. સુદર્શન દુઃખી થઈ વડોદરા કૉલેજની છત પર પોતાની યોજનાને આગ લગાવે છે ત્યાં તેના પિતા આવે છે. જગમોહનલાલ બનાવટી વોરંટ અપાવી સુદર્શનને આ માર્ગથી પાછો લાવે છે અને વિદેશમાં બેરિસ્ટર બનવા મોકલી દે છે. જ્યારે સુદર્શન પરત આવે છે ત્યારે સુલોચના સાથે તેનાં લગ્ન થાય છે અને ત્યાં નવલકથા પૂર્ણ થાય છે. હવે નવલકથાની પાત્રસૃષ્ટિ વિશે વાત કરીએ તો કથામાં કથાનાયક સુદર્શન, નાયિકા સુલોચના, નામદાર જગમોહનલાલ, રાવબહાદુર પ્રમોદરાય અને પ્રોફેસર કાપડિયા મુખ્ય પાત્ર છે. આ સાથે અંબેલાલ, ધની, કેકી જેવાં સહાયક પાત્રો પણ કથાને આગળ વધારવામાં સહાયક છે. હવે આ મુખ્યપાત્રો વિશે થોડી વાત કરીએ. સુદર્શન – કથામાં સૌથી મહત્ત્વનું અને કેન્દ્ર સ્થાને રહેનાર પાત્ર સુદર્શન છે. નવલકથાનાં અમુક પ્રકરણ લેખકે માત્ર સુદર્શનના પાત્રને વાચક વધારે સ્પષ્ટતાથી ઓળખી શકે તે માટે દર્શાવેલાં છે. સુદર્શનના જન્મથી લઈને યુવાની સુધીની દરેક બાબત લેખકે નવલકથામાં આપી છે. સુદર્શન રાષ્ટ્રીયતાના ઊછળતા જુવાળમાં આદર્શઘેલાં અવાસ્તવિક સ્વપ્નોની દુનિયામાં મસ્ત રીતે ફરતો રહે છે અને અંતે કઠોર વાસ્તવિકતાના ભૌતિક સ્પર્શથી અવઢવ અનુભવતો આલેખાયેલો છે. હિંદના ઓલવાઈ જતા પ્રાણને ફરીથી જાગૃત કરવાનાં સપનાં સેવતો સુદર્શન અન્ય કોઈ નહિ પણ મુનશી પોતે જ છે. મુનશી પોતાના અનુભવો આ પાત્ર દ્વારા આપણી સામે રાખે છે. તો સુદર્શન બુદ્ધ કે ગાંધીજીના અહિંસક માર્ગે ચાલવામાં નહીં પણ પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામ, ઔર્વ કે ચાણક્યના માર્ગે ચાલવાનું પસંદ કરે છે. અહિયાં સુદર્શન મારફતે લેખક દરેક સ્વપ્નદ્રષ્ટા યુવાનની વાત કરે છે. સુલોચના – મુંબઈના શ્રીમંત કુટુંબમાં જન્મેલી અને ઊછરેલી યુવતી નવલકથાની નાયિકા સુલોચના છે. સુલોચના પોતાની નોખી દુનિયામાં જીવે છે. જેને રાષ્ટ્રની સ્વતંત્રતા કે રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. તે પોતાના મિત્રો સાથે કૉલેજ જાય છે અને આ મિત્રો વચ્ચે જ તેની દુનિયા રહેલી છે. પિતાએ સુલોચનાને સ્વતંત્રતા આપી છે તેથી તે સુદર્શન સાથે લગ્ન કરવા તૈયાર નથી હોતી. મુંબઈમાં પોતાની કૉલેજમાં ભણતા યુવક કેકી અને ગમન સામે સુદર્શન તો ગામડાનો ગમાર લાગે છે. આ ઉપરાંત નવલકથામાં જગમોહનલાલ એક મહત્ત્વનું પાત્ર છે. પોતે રાજકારણમાં સક્રિય છે અને વાસ્તવિકતાની તે પૂરી જાણકારી રાખે છે. તેથી તેમના નિર્ણય હંમેશાં બધી બાજુથી વિચારીને કરેલા હોય છે. જગમોહનલાલ પોતાની સમજદારીથી રસ્તો ભટકી ગયેલા રાષ્ટ્રસેવાનાં સપનાં જોતા સુદર્શનને પોતાની ઇચ્છા મુજબ બેરિસ્ટર બનાવી દે છે અને પોતાની પુત્રીને પણ સમજાવીને સુદર્શન સાથે પરણાવી દે છે. સુદર્શનના પિતા પ્રમોદરાય પણ એક અગત્યનું પાત્ર છે. તે પોતાનો સ્વાર્થ જુએ છે. જે અંગ્રેજ સરકારથી તેને સારો હોદ્દો મળ્યો છે તે સરકાર અન્યાય કરે તો પણ તેનો વિરોધ ના કરાય તેવું સૂચન તે સુદર્શનને ઘણી વખત કરે છે. તો શરૂઆતમાં સુલોચના સાથે સુદર્શનનાં લગ્નની ઉતાવળ પ્રમોદરાયની સ્વાર્થી વૃત્તિનાં દર્શન કરાવે છે. આ બધાં પાત્રોથી અલગ પાત્ર પ્રોફેસર કાપડિયા છે. મુનશીની દરેક નવલકથામાં એક આવું પાત્ર ભાવકનું ધ્યાન ખેંચે છે. કાપડિયા બહુ વાચનાર વ્યક્તિ છે. તે દુનિયાને જ્ઞાનથી સમજવા માંગે છે. તેથી તેની પાસે કોઈ પણ બાબત વિશે તટસ્થ મત રહેલો હોય છે. પોતાની આર્થિક સ્થિતિની પણ ચિંતા કર્યા વિના કાપડિયા બસ પોતાના વાચન અને લેખનમાં જ રસ ધરાવે છે. તો આ જ કાપડિયાના આસક્ત સ્વભાવનાં પણ લેખક આપણને દર્શન કરાવે છે. મુખ્ય પાત્રો ઉપરાંત લેખક કૉલેજકાળના રસિક અનુભવોની સામગ્રી પીરસવા માટે સુદર્શનની કૉલેજના મિત્રોને પાત્ર રૂપે લઈ આવે છે. આ દરેક પાત્ર મુનશીને પોતાના કૉલેજકાળ દરમિયાન મળેલાં પાત્રો જ છે. તેથી જ્યારે પણ આ પાત્રોને લગતા પ્રસંગ આવે ત્યારે આ પાત્રોનું વર્ણન અતિ વાસ્તવિક અને સચોટ લાગે છે. તો કેકી અને ગમન દલાલ જેવાં પાત્રો કેવી રીતે શહેરમાં રહીને પોતાની યુવાની બરબાદ કરે છે તે દર્શાવે છે. તો સાથે જ એલ્ફિન્સ્ટન જેવી મોટી કૉલેજમાં તે વખતે કેવું વાતાવરણ હતું તેની વાત પણ અહિયાં જોઈ શકાય છે. નવલકથાની કથાને બાજુ પર રાખીએ તો આ નવલકથા વાસ્તવિક ઘટનાને એક અલગ દૃષ્ટિકોણથી પ્રસ્તુત કરે છે. આપણે જ્યારે કોઈ સામાન્ય નવલકથામાં આઝાદીના વખતની કથા જોઈએ તો તેમાં આદર્શ વ્યક્તિની જ વાતો થતી હોય છે, પણ આ સાથે જ તે સમયની વાસ્તવિકતા આ નવલકથામાં જોવા મળે છે. જે સ્વતંત્રતા અપાવવાના કાર્યને આજે આપણે એક મહાન કાર્ય ગણીએ છીએ એ જ કાર્ય ત્યારે ઘણાને માટે દેશદ્રોહ સમાન પણ હતું. આ સિવાય તે સમય હોય કે આજનો સમય હોય યુવાનીમાં નાયક સુદર્શન જેવો જુસ્સો દરેક વ્યક્તિમાં જોવા મળે છે. એ પછી ધીમે ધીમે ઘર-પરિવારની જવાબદારી આવતાં એ જુસ્સો શાંત પડી જાય છે અને મન સમાધાન કરીને સામાન્ય જીવનનો સ્વીકાર કરી લે છે. અહીંયાં નવલકથામાં દર્શાવેલી ઘટના માટે જ નહિ પણ આજે દરેક બાબતમાં કૉલેજમાં ભણતો યુવાન વિચારો કરતો હોય છે અને અભ્યાસ પૂર્ણ થતાં તે કોઈ ને કોઈ કારણે આ વિચારો છોડીને સામાન્ય જીવન જીવતો થઈ જાય છે. સમાજની આ હકીકત અને સ્વાનુભવને મુનશીએ ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથામાં ક્લાત્મક રીતે રજૂ કરી છે. આમ ભલે નવલકથામાં વીસમી સદીની વાત થઈ છે પરંતુ આ વાત આજે એકવીસમી સદીમાં પણ કોઈ ને કોઈ રીતે પ્રસ્તુત જણાય છે. જ્યારે કોઈ કૉલેજનો વિદ્યાર્થી આ નવલકથા વાંચે ત્યારે તે નવલકથાનાં પાત્રોમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ રહ્યો હોય એમ લાગે છે.

વેદાંત પુરોહિત
એમ.એ. (અનુસ્નાતક) ગુજરાતી,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા
મો. ૭૯૯૯૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com