નવલકથાપરિચયકોશ/કૂવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૩

‘કૂવો’ : અશોકપુરી ગોસ્વામી
તેજસ્વી નારીની કથા : કૂવો

– નરેશ શુક્લ
Koovo.jpg

‘કૂવો’, અશોકપુરી ગોસ્વામી, પ્ર. આ. જુલાઈ-૧૯૯૪, (પુનર્મુદ્રણ : જૂન-૨૦૧૪) પ્ર. આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ-૪૦૦ ૦૦૨, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિં. ૧૭૩-૦૦, કાચું પૂંઠું. નવલકથાકારનો પરિચય : અશોકપુરી ગોસ્વામી (જન્મ-૧૯૪૭) અશોકપુરી ગોસ્વામીનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે મધ્ય ગુજરાતના બોરસદ ખાતે પિતા કૈલાસભારતી અને કમલાબેનને ઘરે થયો હતો. આણંદ પાસેના નાવલી ગામમાં પ્રાથમિક શિક્ષણથી માંડી એસ.એસ.સી. સુધીનું શિક્ષણ લીધું. સ્નાતક થવા માટે સરદાર પટેલ યુનિવર્સિટીની વી. પી. કૉલેજમાંથી બી.એસ.સી.નો અભ્યાસ શરૂ કર્યો પણ આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી અધૂરા વર્ષે અભ્યાસ છોડવો પડ્યો અને ખેતીમાં સંકળાયા. ૧૯૬૫ના વર્ષમાં અનસૂયા સાથે લગ્ન કર્યાં હતાં. સાહિત્યસર્જનનો આરંભ એમણે કવિતાથી કરેલો. બહુ નાની વયે એટલે કે, એસ.એસ.સી.ના અભ્યાસ વખતે પહેલી વાર કવિતા લખી. પછી તો ‘અર્થાત્’ (૧૯૯૦) અને ‘કલિંગ’ (૨૦૦૫) ગઝલ સંગ્રહો આપ્યા. ‘મૂળ’ નામની એક નવલકથા ૧૯૯૦માં પ્રકાશિત થઈ હતી પણ ખ્યાતિ મળી ‘કૂવો’ (૧૯૯૪)થી. અનેક વિવેચકો દ્વારા આ રચનાને પોંખવામાં આવી, પુરસ્કારો પ્રાપ્ત થયા અને અનુવાદો પણ થયા. આ પછી ‘નીંભાડો’ (૧૯૯૫), ‘વેધ’(૧૯૯૯) ‘અમે’ (૨૦૧૫), અને ‘ગજરા’ નામે નવલકથાઓ આપી. ‘રવરવાટ’ (૧૯૯૪) નામે આત્મકથા આપી. ‘વીણેલા મોતી’(૧૯૯૫) નામનું વાર્તાસંગ્રહનું સંપાદન કર્યું. બિનનિવાસી ભારતીયો માટેનું સાહિત્યિક સામયિક ‘સેતુ’ (૨૦૦૩)ના સંપાદનમાં જોડાયા અને આણંદમાં યોજાયેલ ૨૦૦૫ના અધિવેશન વેળાએ ‘રૂપલબ્ધિ’નું સંપાદન પણ કર્યું. થોડાં ભાષાંતર કરવાના પ્રયત્નો પણ કર્યા છે. ‘કૂવો’ : અશોકપુરી ગોસ્વામી ૧૯૯૭ના વર્ષમાં જેને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિ તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો એ અશોકપુરી ગોસ્વામીની નવલકથા ‘કૂવો’. જુલાઈ ૧૯૯૪માં પહેલી વાર પ્રકાશમાં આવેલી આ નવલકથાની આવૃત્તિઓ થતી રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમી, અન્ય સંસ્થાઓના પુરસ્કારો પ્રાપ્ત થતા રહ્યા. વિવિધ યુનિવર્સિટીઓમાં નારીવાદી વલણોને પ્રોત્સાહન આપતી રચના તરીકે અભ્યાસક્રમોમાં પણ સામેલ થઈ. કૂવો નવલકથા હિન્દી, મરાઠી, ઉર્દૂ, અંગ્રેજીમાં પણ અનુવાદિત થઈ છે. ભારતભરમાં, ખાસ કરીને ઉત્તરભારતીય પ્રદેશોમાં એ ખાસ્સી લોકપ્રિય થઈ છે. પં. યોગેન્દ્રનાથે કહ્યું છે, ‘ઐસી ચોપાલ, ઐસે ખેત ખલિહાન, મુખિયા ઔર મહાજનકી ઐસી ટોલી હમારે વહાં ભી હૈ.’ (દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના) તો મરાઠી વાચકોનો પ્રતિભાવ કંઈક આવો હોવાનું લેખકે એ જ પ્રસ્તાવનામાં નોંધ્યું છે, ‘હી કથા તર આમચી આહે. અરે! હી તર આમચી ભાષા બોલયેત્.’ આ નવલકથા લેખકે એમના દાદાને અર્પણ કરી છે. ‘કૂવો’ નવલકથાનું કથાનક પ્રમાણમાં બહુ પાતળું છે. કથાની નાયિકા દરિયાના મજબૂત મનોબળને આલેખતી આ નવલકથામાં પરિમાણોનું વૈવિધ્ય બહુ ઓછું છે. લક્ષ્યગામી ગતિથી આલેખાયેલ આ નવલકથામાં સમયપટ, ઘટનાપટ અને વૈચારિક પીઠિકાનું ઊંડાણ બહુ સીમિત માત્રામાં આલેખાયું હોવાથી ક્યાંક લાંબી વાર્તા જેવી સઘન અનુભૂતિ થવાનો સંભવ છે. અશોકપુરીની વાર્તા કહેવાની, બહેલાવવાની અને અભિધા સ્તરે રહીને જનમાનસને પોતાના કથનમાં ખેંચવાની સહજ શક્તિનો અનુભવ સમગ્ર કથાના વાચન દરમિયાન રહે છે. ડુંગરને વારસાઈમાં મળેલ ખેતરની સાથે કૂવોય મળ્યો છે. કૂવાની સાથે ખેડૂતનો જીવ જોડાયેલો હોય છે કેમ કે, એ કૂવાનું પાણી એને પાક લેવામાં ને એથી કરીને જીવનને સમૃદ્ધ કરવાનું માધ્યમ છે. નાયક ડુંગરને વારસાઈમાં મળેલ આ કૂવા સાથે ત્રીજા ભાગે જોડાયેલ ખંધા મૂખીનો ભાગ પણ મળ્યો. બસ, આ આખીએ નવલકથાની કેન્દ્રવર્તી સમસ્યા તે આ કૂવામાં રહેલો મુખીનો ત્રીજો ભાગ. મૂખી ખંધો છે, મુખી દાંડ છે ને એમાં ભળ્યા એના સાથીદાર વાણિયો, ડાભી અને બીજો એક. એમની મીલીભગત ગામ આખાને તો વિવિધ પ્રકારે રંજાડે છે પણ સૌથી વધારે ભોગવવાનું આવે છે ડુંગરને. ડુંગરના ખેતરમાં કૂવો હોવા છતાં પિયતનું પાણી પહેલાં મુખી વાપરે ને પછી જો વારો આવે તો ડુંગરનો પાક પીવાય. આ રંજાડથી થાકેલો ડુંગર અકળાય છે પણ કંઈ કરી શકતો નથી. મુખીના કળ અને બળ પાસે એ રાંક બનીને રહી જાય છે – ત્યાંથી આરંભાતી નવલકથામાં વાંસના કોંટા જેમ ફૂટી આવે છે ડુંગરની પત્ની દરિયા. આ દરિયા પાસે જુસ્સો છે, જોમ છે, યુક્તિ અને બુદ્ધિ છે. સાથે ભળી છે એની કોઠાસૂઝ. એનામાં રહેલું આ કોઠાડહાપણ આખીએ નવલકથામાં વિસ્તારથી આલેખાયું છે. પોતાનો ઊભો પાક સુક્કાઈ રહ્યો છે ને પતિ બિચારો બની જોઈ રહે છે પણ દરિયાથી એ જોવાતું નથી એટલે એ પતિને પાનો ચડાવે છે. એનો ભાઈબંધ ભીખો સાથ આપે છે. ડુંગર મુખીને લાગ જોઈને ભીડવે છે – ત્યાંથી સંઘર્ષનાં મંડાણ ખુલ્લી રીતે થાય છે. મુખીની પાછળ રહીને વાણિયો જાત-ભાતની યુક્તિઓ લડાવીને ડુંગર-દરિયાને મ્હાત કરવા મથે છે, કેટલીક રીતે સફળ પણ થાય છે. મુખીના સાથી એવા વસ્તાને વચ્ચે રાખીને ડુંગરની જે વલે કરે છે એનાથી ડુંગરનું મગજ છટકી જાય છે, આખીએ નવલકથામાં એક રાત્રે ઘટેલી આ ઘટનાનું આલેખન ચિત્ત પર અસર કરી જાય એવું ઘાટું પોત ધરાવે છે. બપૈયાનો જે રીતે નાશ કરે છે, જે રીતે કેળના પાકને નુકસાન કરીને ડુંગરને કોશ સાથે જોતરે છે ને બળદની જેમ આર ઘોંચીને એના અહમ્-ને ઠેસ પહોંચાડે છે, દરિયાનું અપમાન કરવા સાથે બાળક મફાને ય હેરાન કરવામાં આવે છે તે આ કથાના ઉઘાડા સંઘર્ષની ટોચ છે. એ પ્રસંગે ડુંગર ગાંડો થઈ જાય છે. દરિયાને હવે એકાધિક મોરચે લડવાનું આવે છે. પતિને માનસિક રોગ થઈ ગયો એટલે એની સારવારનો ખર્ચ, એ પહેલાં પતિ ડુંગરે જોયેલું પાણી ખેંચવાનું મશીન લગાવવાનુ સપનું સાકાર કરવાનું છે, સાથે આ કજિયાના મૂળ જેવો કૂવો જ બૂરી નાંખવો અને મુખીનો કાયમી કાંટો કાઢી નાંખવા નવો કૂવો ખોદવો- એ મનસૂબો કરીને મથતી દરિયાની કુનેહ, દરિયાની દરયાવદિલી, દરિયાની માનસિક મજબૂતાઈ અને દૃઢ સ્વભાવ ઉપરાન્ત અભણ હોવા છતાં સામેનાને માત કરી દેતી દલીલોમાં મેળવેલી હથોટી એને વિરલ સ્ત્રી તરીકે ઉપસાવે છે. એમાં એના જેઠ, ગામના ભગત અને પતિનો મિત્ર ભીખો તથા પુત્ર મફાનો સાથ મળે છે. ગામ આખું છક્ક થઈ જાય એવું કામ કરી બતાવતી દરિયા આ નવલકથાને એકલા ખભે ઊંચકી ચાલે છે. બીજાં બધાં જ પાત્રો ગૌણ બની રહે છે. હા, મુખી અને વાણિયાનું પાત્ર ખલપાત્ર તરીકે સરસ રીતે આલેખાયું હોવા છતાં એમનામાં ય ખલનાયક તરીકેની કોઈ મૌલિક ઉપલબ્ધિ નથી. ભીખાના પાત્રનો આરંભે જે પરિચય આપ્યો તે પછીથી બહુ ફલિત થયો નહીં, ડુંગર પણ લેખકની યોજના મુજબ સ્થગિત બની રહી ગયો. ભગતનું પાત્ર – ગુજરાતી નવલકથાઓની પરંપરામાં હવે આગવો સંદર્ભ બની ચૂક્યું છે. સરસ્વતીચંદ્રથી આરંભીને મહત્ત્વના બધા જ નવલકથાકારોએ આવા ભગત જેવાં ઓલિયા પાત્રો સર્જી આપ્યાં છે, તેના અનુસંધાને જ અહીં પણ આલેખાયા હોવાનું જણાયા વિના રહેતું નથી. સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા ભગત પણ દરિયાના વ્યક્તિત્વને પોષવાના કામ જ આવ્યા છે. કૂવો ચણાવવાની નેમ સાથે મથતી દરિયા જે રીતે પતિના સાથસહકાર વિના (ડુંગર ગાંડો થઈ ગયો એટલે) ચંડાળ ચોકડી સામે માથું ટટ્ટાર રાખીને ઝઝૂમે છે એમાં એક વિશિષ્ટ નારી તરીકે ઊપસી આવે છે. આ નિમિત્તે આલેખાયેલ ગામ-લોકનું વર્તન યથાતથ રીતે ઊભરતું જણાય છે. એ આલેખવા તરફ લેખક લાપરવાહ જણાય છે, પણ જેટલું આલેખાયું એમાં લેખકનું અનુભવવિશ્વ ડોકાયા વિના નથી રહેતું. કૂવાની અને કૌટુંબિક સમસ્યા સિવાય આડા-અવળા ભટક્યા વિનાનું આલેખન થયું હોવાથી ગામની ભૂગોળ, સંસ્કૃતિ, પ્રસંગો, વ્યક્તિત્વોનું વૈવિધ્ય ઇત્યાદિ કશુંય ઊભરતું નથી. અન્ય કોઈને કશોય હિસ્સો અપાયો ન હોવાની એક વિશિષ્ટ તરસ જન્મ્યા વિના ન રહે. કથાના અંતભાગે સુખની એંધાણી છે. મુખીના પક્ષે સતત હાર, ખુવારી અને કર્યા ભોગવવાનો વારો આવ્યો ને દરિયાના પક્ષે કૂવામાંથી મીઠા પાણી ફૂટવા, કજિયાનું મૂળ જેવો કૂવો બૂરાઈ જાય ને ત્યાં આંબો વવાય. પતિ ડુંગરના સાજા થવાના સમાચાર આવે, દરિયાની દરિયાદિલી જાણી ચૂકેલા ભગતની મદદથી બધું સચવાઈ જાય – ને દરિયાના દૃઢ નિર્ધારનો જય થતો હોય એવો અંત ભાવકના ચિત્તને પ્રસન્ન કરી મૂકનાર બની રહે. કેટલાકને કૂવો જીવન સંઘર્ષનું પ્રતીક પણ લાગે જેને ગાળતા જઈ શ્રદ્ધા અને ધીરજ રાખવાથી તળ ઝમશે, મીઠું પાણી પ્રાપ્ત થશે. સીધી લીટીનું કથાનક, કથનની ય સીધી અને જમાના જડ રીતિનો ઉપયોગ, બોલી અને ભાષાનો પ્રયોગ, નારીની ચમકતી છબીઓ આલેખતી ગુજરાતી રચનાઓનો પરોક્ષ પ્રભાવ, આરંભ-મધ્ય અને અંતના ભાગે એકદમ સુરેખ લાગે એવું આયોજનબદ્ધ વણાટ, કેટલાક સંવાદોમાં સહજપણે વણાઈ આવેલું જીવન-અમૃત જેવું વિચારજગત, સંવાદોમાં રહેલી સાદગી આ રચનાને જનપ્રિય બનાવે છે. આ નવલકથા વિશે ૧૯૯૦ પછીના મોટાભાગના સમીક્ષકોએ સમીક્ષાઓ લખી છે. સૌને એમાં નારીચેતનાનું સરસ આલેખન લાગ્યું છે. કેટલાકે એની મર્યાદારૂપે સીધું-સપાટ અને એક પરિમાણીય આલેખન ગણાવ્યું છે. મને પણ એમ જ લાગ્યું છે. સંકલનકલાની રીતે એકધારાપણું છે, લેખકે પૂર્વનિયોજિત કથાને બાંધી રાખી છે. પાત્રો વશવર્તી બની રહે એ હદે લેખકની હાજરી બધે જ વર્તાય છે. એ કારણે વચ્ચે વચ્ચે રહેલ અવકાશમાં હજી ઘણી શક્યતાઓ હોવાનું દેખાયા વિના નથી રહેતું. શરીફા વીજળીવાળાએ લખ્યું છે તેમ આ કથા જો યાદ રહેશે તો એ એની નાયિકા દરિયાના કારણે.

નરેશ શુક્લ
પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
ઉધના-મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭,
મો. ૯૪૨૮૦૪૯૨૩૫
Email: shuklanrs@yahoo.co.in