નવલકથાપરિચયકોશ/નીરવ પગલાં, ભાગ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૮

‘નીરવ પગલાં ભાગ ૧’ : રસિક મહેતા (રસિક હાથીભાઈ મહેતા)

– મીનાક્ષી ચંદારાણા
Nirav Pagla.jpg

નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૧૯.૧૧.૧૯૩૪ મૃત્યુતારીખ : ૧૧.૧૧.૨૦૧૧ વતન : માનકૂવા, જિ. કચ્છ અભ્યાસ : ધોરણ ૯ વ્યવસાય : ફિલ્મ અને અન્ય પત્રકારિત્વ, સાહિત્યસર્જન સાહિત્યિક પ્રદાન : ૧૫૦ ઉપર પુસ્તકો, ૯૦ નવલકથાઓ, ૪ ઐતિહાસિક નવલકથાઓ, ૩૧ ઐતિહાસિક સંશોધનો, ટૂંકી વાર્તા, જીવનઝરમર, પ્રેરણાત્મક સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, બાળસાહિત્ય, પૌરાણિક સાહિત્ય. કેટલાંક પુસ્તકોનું હિંદીમાં ભાષાંતર, કેટલીક આંતરરાજ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલાંક સર્જન પાઠ્યપુસ્તક તરીકે અને Ph.D.ની રેફરન્સ બૂક્સના વિષય તરીકે સ્થાન પામ્યાં. ગુજરાતમાં રાજકોટની સંસ્થા લેંગ લાઇબ્રેરી અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના, વિશ્વની પ્રાદેશિક ભાષાઓના સર્વે પ્રમાણે પ્રાદેશિક ભાષામાં સૌથી લોકપ્રિય અને સૌથી વધારે વંચાતા લેખકનું બિરુદ તેમણે પ્રાપ્ત કર્યું. ગુજરાતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં તેમને ગુજરાતી સાહિત્યની લોકપ્રિય નવલકથાઓના ‘આઇન્સ્ટાઇન’ તરીકે ઓળખાવવામાં આવ્યા. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (ગુજરાતી), ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘મુંબઈ સમાચાર’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, ‘ચેત મછંદર’, ‘રાષ્ટ્રવાણી’, ‘ચિત્રલેખા’, ‘સ્વતંત્ર યુગ’, ‘ચિત્રપ્રકાશ’, ‘આસપાસ’, ‘સંકેત’, ‘ફ્લેશ’, ‘ઈમેજ’ અને ‘પિનાક’ સહિત નામી-અનામીઓ અનેક અખબારો અને સામયિકોમાં તેમની કટારો અને વાર્તાઓ વર્ષો સુધી લોકપ્રિયતાના વિવિધ શિખર સર કરતી રહી. આફ્રિકા અને યુકે સહિત વિશ્વનાં વિવિધ સ્થળોએ ગુજરાતીઓ દ્વારા ‘રસિક મહેતા ફેન ક્લબ’ ચાલતી, અને સમયાંતરે તેમનાં સર્જનો અને પાત્રો સંદર્ભે વિશ્લેષણો અને સંવાદો યોજાતા. તેમનાં કેટલાંક પુસ્તકોની દસથી બાર આવૃત્તિ થઈ હતી. તે સમયના એ ગ્રેડ લેખક હોવાને નાતે પ્રકાશકો તેમનાં પુસ્તકોની ૨૨૫૦ નકલો છાપતાં, અને ૨૨૦૦ નકલોની રોયલ્ટિ અને ૨૫ નકલો ભેટ આપતા. કચ્છની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ‘ભણી નહીં શકે’ કહીને કાઢી મૂકવામાં આવેલા. આકાશ ચૂમે જ્યાં ધરતીને – હિંદીમાં ‘ઉષ્મા’ નામે અનુવાદ, અજમેરની કિશનગઢ યુનિવર્સિટીમાં સાઇકોલોજિમાં Ph.D.ના સંદર્ભપુસ્તક તરીકે વરણી. * ધબકાર, પ્રણયપ્રકાશ, રાધિકારાણી; (‘સારસબેલડી’ નવલકથા પરથી ‘થોડી સી બેવફાઈ’ ફિલ્મ, ‘નક્ષત્રોની નીલકૂંજમાં’ નવલકથા પરથી ‘ના તુમને કુછ કહા, ના હમને કુછ સુના’ સિરિયલ, બંનેમાં ક્રેડિટ મળી નથી) ઇનામો : ગુજરાત સાહિત્ય અકાદમીનાં ૨ પ્રથમ અને ૨ દ્વિતીય પારિતોષિકો, સાહિત્યરત્ન સહિત અનેક એવૉર્ડ નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૮૫ કુલ આવૃત્તિ : ૩ પૃષ્ઠ : ૨૯૫ નકલ સંખ્યા પ્રતિ આવૃત્તિ : ૨૨૫૦ પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ પ્રસ્તાવના : ના અર્પણ : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી ફિલ્મ : ના નવલકથાનો પ્રકાર : ઐતિહાસિક અનુવાદ : ના કથાનક : અંગ્રેજ ડૉક્ટર હેમિલ્ટન અને જયપુરના મહારાજા અજિતસિંહના રાજપુરોહિતની પાલ્ય દીકરી સુરમોહિની ઉર્ફે સુરોમાની પ્રેમકથાની આસપાસ આ ઐતિહાસિક નવલના તાણાવાણા ગૂંથાયા છે. વ્યાપાર અર્થે ભારત આવેલા, અને ભારતની આબોહવામાં ગોઠવાઈ ન શકવાને કારણે અંગ્રેજો મૃત્યુ પામતા હોવાથી, બીમાર અંગ્રેજોની સારવાર માટે ૧૭૧૪માં ઇંગ્લૅન્ડથી ભારત લાવવામાં આવેલા ડૉક્ટર હેમિલ્ટન ઔરંગઝેબના વારસ બાદશાહ ફરૂખસિયરની પીઠનું ભાઠું મટાડી તેના ઇનામ તરીકે હુગલીના મુખ સહિત પૂરા બંગાળી ઉપસાગરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે બિનજકાતી વ્યાપારનો માર્ગ ખોલી આપે છે. સરસૂબાના પુત્ર ગુલવર્દીના હાથે પકડાઈને બલિદાનની વેદી સુધી પહોંચેલી સૂરોમાને, કાપાલિકો-કાલ ભૈરવના પંજામાંથી બચાવીને લઈ જતા ડૉક્ટર હેમિલ્ટન અને સૂરોમાની મુર્શિદાબાદ ખાતે ધરપકડ કરવામાં આવે છે. તેની સમાંતરે જગત શેઠ, ધરમચંદ શેઠ, ધનાબા, વગેરે આર્થિક-ધાર્મિક સત્તાઓ પોતપોતાનો સ્વાર્થ સાધવા સૂરોમા અને ડૉક્ટર હેમિલ્ટનનો ઉપયોગ કરવા ધારે છે, તેની કથા વણાઈ છે. નવલકથાના પ્રથમ ભાગના અંતે સૂરોમાની બહેન મનોમા (મનમોહિની) સાથે યોજાઈ રહેલી બાદશાહ ફરૂખસિયરની શાદીને રોકવા હેમિલ્ટન અને સૂરોમા યોજના ઘડે છે. આગળની વાર્તા આ નવલકથાના બીજા ભાગમાં સમેટવામાં આવી છે. લેખનપદ્ધતિ : – સરળ અને પ્રવાહી, વેગવંતી શૈલી. – લાવણ્યમધુર ભાષાવૈભવ, ભાવોની ઊર્મિલતા, વિપુલ શબ્દભંડોળ, ત્વરિત પ્રસંગ નિરૂપણ, ક્રાંતદર્શી ઉદ્દામ વિચારો, વસ્તુ રજૂ કરવાની આગવી છટા, – વિશેષણો, ઉપમાઓ, ઉત્પ્રેક્ષા અને તારતમ્યોથી સભર વર્ણનો. – સચોટ પાત્રનિરૂપણ – પાત્રને અનુરૂપ ભાષા વૈભવ સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા : – કથાનો પટ ૧૭૧૪થી ૧૭૧૯, એમ પાંચ જ વર્ષનો હોવા છતાં તે ગાળામાં કેટલીક વિલક્ષણ અને ભારતમાં અંગ્રેજોના રાજ્યનો માણેકથંભ રોપતી ઊથલપાથલ આ નવલમાં ચર્ચાઈ છે. – પૃથક પાત્રોનાં સચોટ પાત્રનિરૂપણ દ્વારા અહીં માનવીય મનોમસ્તિષ્કમાં ભમતા અનેક વિચારો અને આદર્શોનાં પૃથક પૃથક પરિમાણો સામે આવે છે. – રાજમહાલયોનાં રહસ્યો, રહસ્યોદ્ઘાટન, ધર્માલયોનાં રહસ્યો અને તેનાં રહસ્યોદ્ઘાટન, અને ભીડમાં ભમતાં અનેક એકાકી મનમહાલયનાં રહસ્યો અને તેનું રહસ્યોદ્ઘાટન... આ ખેલ નવલકથાને અત્યંત રોચક બનાવે છે. – ભારતીય સમાજમાં સ્ત્રીઓને નિમ્ન દરજ્જો આપવાનો સ્વભાવ અને રિવાજ લેખકે ઠેરઠેર વ્યક્ત કર્યો છે, તે નવલકથાના પ્રવાહને તો ઉપયોગી થાય જ છે, પણ સાથેસાથે આ નવલને એક પ્રામાણિક નવલકથા તરીકે સ્થાપિત કરે છે. આપણા સમાજની વરવી બાબતોને પણ રજૂ કરતો આ આયનો જાગૃત નાગરિકને સ્પર્શ્યા વગર રહે નહીં. – વર્ણનોમાં ઉત્કૃષ્ટ ભાષાકર્મ નવલકથાના વાચનને રોચક બનાવે છે. – ઉપમા : પવિત્ર સૌંદર્ય માટેની આ ઉપમા જુઓ : અંગેઅંગમાંથી ગંગોત્રીધારા જેવું લાવણ્ય ઝરે છે. (પૃ. ૧૫) – ઉપમા : પ્રભાતની લાલરક્તિમ અરુણિમાંથી મંદ્રિત શ્વેત ગુલ વાદળમાંથી ઘડી હોય એવી એક અનુપમ બંગાળી સુંદરી! (પૃ. ૨૩) – કેટલીક જગ્યાએ વિશેષણ, ઉપમા અને ઉત્પ્રેક્ષાનો એક સાથે સુંદર વિનિયોગ રચાય છે : એ બે ફાટી રહેલા વિશાળ, સ્તબ્ધ, સ્તબ્ધ, ચંચલ, કજ્જલઘૂમ નેત્રોની બહાવરી કીકીઓમાંથી ધોધમાર વરસતા કરુણ નિઃસ્વર આર્તનાદે આ પહેલાં સંભળાયેલા ‘બચાવો, બચાવો’ના પોકારને જાણે કે એક પરિપૂર્ણ કરતા તાલ અને લય બક્ષી દીધા! (પૃ. ૨૬) – કોઈ કોઈ ઉપમા જે તે સમયની પરિસ્થિતિનો તાદૃશ ચિતાર આપે છે : ડૉક્ટરની ઘ્રાણેન્દ્રિયમાં મતવાલી ખુશબૂ એવી રીતે પેસી જતી હતી, જે રીતે ગંગાના મુખમાં અનધિકાર ચેષ્ટા વડે વિદેશી જહાજો પેસી જતાં હતાં. (પૃ. ૩૯); મહાનગરોના મહાજન શેઠોની મેદસ્વિની શેઠાણીના શરીર પર વધતા જતા ભારની માફક ગંગાની આ એક પાતળી શાખા. (પૃ. ) – ઉપમા : જેસોર અને ફરિદપુરની વચ્ચે લાંબો વળાંક લેતી ગંગાની પવિત્ર જળકાયાની તરેહ જ લલિત મનોહર અંગ ભંગિમા અનાયાસે જ લાવણ્યસભર અંગવિન્યાસ રચતી તેની સુકુમાર દેહવલ્લરીના અણુએ અણુમાંથી જાણે દિનમણિની વિદાયના માનમાં રણકતું હોય, તેવું કો’ નિઃસ્વર સંધ્યાગીત ગુંજી રહ્યું હતું. (પૃ. ૫૬) – ઉપમા : ભીના તરલ મુખ પર જય-વિજયના તારલાઓની જેમ ચમકતી આંખો. (પૃ. ૧૧૨) – ઉપમા : બંગાળનાં રસગીતો લલકારતા બાહુલોને કંઠેથી લસરતા કોઈ રસમનોહર ગીતની કડી જેવા બે સુંદર-લલિત અને અર્ધતિરોહિત રેખા સમાન ઉદરના સળો પર ગુલવર્દીની નજર એ રીતે ઘૂમવા લાગી, જે રીતે એકતારાના તાર ઉપર બાહુલ ગાયકોની અંગુલીઓ ઘૂમતી રહે છે. – વર્ણનોમાં અન્ય ભાષાઓના શબ્દોનો વપરાશ નવલકથાને પ્રતીતિજનક બનાવે છે. જે પરિવેષમાં નવલકથાનું કથાનક આગળ વધી રહ્યું છે, તે દરેક પરિવેશ માટે પૂરતા શબ્દભંડોળ સાથે નવલકથાકાર સજ્જ છે : આ ઉર્દૂ શબ્દોનો ભંડોળ જુઓ : મશવીરાગાહ, ઔઝોબિલ્લાહ, અસ્તગ્ફેરુલ્લાહ, ઝઝાકઅલ્લાહ, અલહમ્દોલિલ્લાહ, તબાબતે હિકમત, તાલિમયાફત, ફરમાબરદાર, લાલાફામ લબ, રોબતાબ, જલવોજલાલ, હુશ્નોશબાબ, ઉર્દૂભાષી રૂઢિપ્રયોગોઃ આપકી આવાઝ મક્કામદિના વગેરે. સંસ્કૃત શબ્દો જુઓ : નિદારુણ-પરિત્રાયક, ભયદ્, હરિતાભ, ઉત્ક્રોષ, તિમિરાંચલ, વિપન્નધ્વનિ, રસસિક્ત રક્તાંબુ અધરોષ્ઠ, પ્રપીડિત પ્રાણ, ઉષઃવલયિત ઓષ્ઠ; ગંગાજમની સંસ્કૃતિના પ્રતીક સમો આ શબ્દસમુહ જુઓ : સૂર્ખલાલિમા; (વિવેચનલેખોમાંથી એક લેખમાંથી અવતરણ)

મીનાક્ષી ચંદારાણા
નિવૃત્ત કેશિયર, સ્ટેટ બૅન્ક
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૯૯૮૦૦૩૧૨૮
Email: chandaranas@gmail.com