નવલકથાપરિચયકોશ/ઇંધણ ઓછાં પડ્યાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૫

‘ઇંધણ ઓછાં પડ્યાં’ : ચુનીલાલ મડિયા

– રાઘવજી માધડ
ઇંધણ ઓછાં પડ્યાં.jpg

જન્મ : ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ – અવસાન : ૨ ડિસેમ્બર ૧૯૬૮ વતન : ધોરાજી, જિ. રાજકોટ, અભ્યાસઃ બી.કૉમ. ઉપનામો : અખો, રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચી પહેલી આવૃત્તિ : ૧૯૫૧, પુનર્મુદ્રણ : ૧૯૬૧, ૧૯૬૬ સાહિત્યસર્જન : નવલકથા - ૧૪, નવલિકા સંગ્રહ - ૧૭, ચરિત્ર - ૨, નિબંધ - ૨, વિવેચન - ૫, નિબંધ - ૨, નાટક - ૭, કવિતા - ૧, સંપાદન - ૩, પ્રવાસ - ૧ એવૉર્ડ : નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, મહારાષ્ટ્ર સરકારનાં ઇનામો... નવલકથાનું કથાનક : દેશની સ્વતંત્રતા પૂર્વેના યુદ્ધકાળની આ કથા બે ખંડમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં ૨૪ અને બીજા ખંડમાં ૨૬ પ્રકરણ છે. બ્રિટીશરાજ મુર્દાબાદ, હિન્દ છોડી ચાલ્યા જાવ...ના નારા સાથે પ્રગટ થતી આ કથાનો પરિવેશ મુંબઈ અને સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) આસપાસ વ્યાપકપણે પથરાયેલો છે. તેમાં ટપાલપેટીની ભાંગપછાડ, રેલના પાટા ઉખેડી નાખવા, દારૂગોળો બનાવવો, પત્રિકાઓ છાપવી, હથિયારો મેળવવાં... જેવી પુનિત અને રાષ્ટ્રોત્થાનની પ્રવૃત્તિઓથી રચાયેલી આ કથામાં મુખ્ય પાત્ર લીલુ શેઠ છે. જેમની પાપલીલાના કારણે, દાણો અનાજ માટે વલખાં મારતી પ્રજા... ને છેવટે ભૂખ્યાંજનોનો જાગશે જઠરાગિન...અનુસાર લીલુ શેઠનું ધનોતપનોત નીકળી જાય છે. મૂળ તો પરબડી ગામનો પરિવાર પણ કાળી કમાણીના લીધે મુંબઈ રહેવા જાય છે. આર્થિક સદ્ધરતા બાદ પરિવારમાં બદલાવ આવે છે. શેઠાણી સૂરજ બહેન, અધઃપતનની ગર્તામાં ધકેલાયેલા પતિ-શેઠની શાન ઠેકાણે લાવવા મુંબઈની અઠંગ ને અદ્દલ શેઠાણી બને છે. અહીં નિહારિકાનું પાત્ર જે શેઠની મેતીજીમાંથી પ્રેમ-વિહાર સુધી વિસ્તરે છે. આ પાત્રનું શેઠ પરનું વર્ચસ્વ અથવા સર્વથા આધિપત્ય શેઠાણીથી સહન ન થતાં રૂપ-રંગ બદલી તેનાં જેવી ‘સ્માર્ટ’ બને છે. પણ તે બેરિસ્ટર હરિનના સંપર્કથી તેનામય બને છે. હરિન સાથે દીકરી કાલિન્દીની લગ્ન-ગોઠવણ તે શેઠાણીને ગમતી વાત નથી. પોતાનું મનગમતું પાત્ર ઝૂંટવાઈ જવાની દહેશત અનુભવે છે. શેઠમાં કશું નથી, બધું જ હરિનમાં છે એવું સમજી, નીજી સ્વાર્થ ખાતર દીકરીના લગ્નને પણ વિઘ્નો નાખીને અટકાવે છે. તેમાં સફળ થાય છે. આ નિહારિકાનું પાછળથી રહસ્ય પ્રગટ થાય છે – અનાથાશ્રમમાં ઊછરેલી પણ અંતે એક પરિચિતની પુત્રી તરીકે પરખાય છે. અંત ભાગે શેઠે નિહારિકાને ત્યાગવી પડે છે. શેઠની દીકરી કબુ જે ભૂપત જેવા ભડવીરને ભરપૂર ચાહતી હતી પણ ભૂપતની શહીદી બાદ, મુંબઈમાં આવી તે કબુમાંથી કાલિન્દી બને છે. ઓછું ભણેલી છે પણ વધારે સુધરેલી ને ઉચ્ચ અભ્યાસ કરેલી છે એવા ડોળ, દેખાવ સાથે ખાદીના પરિધાનમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સામેલ થાય છે. કાલિન્દીના ‘ગ્લેમર ગર્લ’ બનવા માટેનો સઘળો યશ નિહારિકાના ફાળે જાય છે. કાલિન્દી પાછળ રદ્દી નોટ જેવો બેરિસ્ટર હરિન પડ્યો હોય છે. તે એક સમયે કાલિન્દીના હાથનો માર ખાય છે... પણ કસમયે તેનાથી જ ગર્ભવતી બને છે. બેરિસ્ટર હરિન તેને સ્વીકારવા તૈયાર છે. પણ સરોજબહેનને મંજૂર નથી. છંછેડાયેલો હરિન ભયંકર રીતે બદલો લે છે. તે પૂર્વે કાલિન્દી ગામડે આવી નલિનભાઈ અને કીર્તિના સંપર્કમાં આવે છે. જે ગુપ્તપણે અંગ્રેજ વિરુદ્ધની પત્રિકાઓ છાપવાનું કામ કરતાં હોય છે. કાલિન્દી મનથી નલિનભાઈને ચાહવા લાગે છે. પણ નલિનભાઈનું કીર્તિ સાથેનું જોડાણ સમજી, લગ્નનું માંડી વાળે છે. પણ કાલિન્દી જ્યારે ગર્ભવતી બને છે ત્યારે બે જીવ બચાવવા નલિનભાઈને જ લગ્ન માટે તૈયાર કરવામાં આવે છે. પણ છેલ્લી ઘડીએ હરિનના લીધે નલિનભાઈ પોલીસના હાથે પકડાઈ જાય છે. આ આઘાતના લીધે કાલિન્દીને ગર્ભપાત થઈ જાય છે. આ સમયે લગ્નવિધિ કરાવવા માટે ભૂદેવ હાજર હોય છે. પણ વિધિ અટકી પડે છે. ત્યાં બહારવટા માટે જાણીતું પ્રેમી-યુગલ આણલ અને નાગાજણ આવે છે. તેમાં આણલ બાળકવતી હોય છે...ને ભૂદેવ આશીર્વાદ આપે છે. આ કાશીરામ ભૂદેવ, કાળાબજાર માટે રાત વેઠીને જતાં અનાજનાં ગાડાં આગળ સૂઈ જઈને અટકાવે છે. અનાજનો સંઘરો થતાં... ગરીબોને ખાવાનાં વલખાં થાય છે, તેમાં ભૂખ્યાં-રાંકાઓની અનાજની લૂંટ ને એક ભૂખ્યો જણ આપઘાત કરે છે. તેમાં કારભારી સુખવંતરાયની ખંધાઈ પણ કામ કરી જાય છે. ગાંગજીભાઈ ગાંઠિયાવાળા એક મહત્ત્વનું પાત્ર છે. જેમણે ગાંધીછાપ ગાંઠિયા અને જવાહર છાપ જલેબીનો ટ્રેડ માર્ક જમાવ્યા બાદ રાષ્ટ્રીય રંગે રંગાઈ પોતાની હોટલને રાષ્ટ્રીય બનાવી દે છે. ઘટનાઓના આટાપાટા રાચતી આ કથામાં એક જાજ્વલ્યમાન વ્યક્તિત્વ ધરાવતું જીજીમાનું પાત્ર છે. જે દીકરા લીલુ શેઠની પાપલીલાથી તોબા પોકારી ગામડે પરત આવતાં રહે છે. જેમાં વછા પારેખ જેવા ઉદાત્ત પાત્રનો સહયોગ સાંપડે છે. આ સિવાય નાથુ, ધારસીભાઈ, તારાગૌરી, જમુભાઈ, મંથનકુમાર, વસુ, જયંતી જેવાં પાત્રો સંકળાયેલાં છે. આમ, સર્વ પાત્રોની કડીઓથી એક સાંકળ ગૂંથાઈ છે. નામ પ્રમાણેના ગુણ, કાર્ય સાથે કથા પૂર્ણ થાય છે. નવલકથા લેખનની ભાષાપદ્ધતિ : સર્વજ્ઞની કથનશૈલીમાં લખાયેલી આ કથા, વાચનક્ષમ એવા સરળ પ્રવાહમાં વહેતી રહી છે. આ નવલકથાની ભાષામાં સૌરાષ્ટ્ર અને મુંબઈની બોલચાલની ભાષાનું મિશ્રણ થયેલું જોવા મળે છે. તેથી ક્યાંક અંગ્રેજી અને ભારેખમ શબ્દોનો પણ પ્રયોગ થયો છે. પણ દરેક પાત્રો મુજબ તેમના મોંએ સંવાદો મૂકી સર્જકે ભાષા-બોલીનો પ્રયોગ કર્યો તે નોંધનીય છે. ખાસ તો સૌરાષ્ટ્રની તળપદી બોલીના ઘણા શબ્દોને સજીવન કર્યા છે! નવલકથાનો પ્રકાર : આ એક સામાજિક નવલકથા છે. પણ કથાવસ્તુ આઝાદી પૂર્વેના યુદ્ધકાળની છે એટલે આઝાદી માટેની કથા છે તેમાં રાજકીય રંગ આવી જાય છે તેથી આઝાદરાજની કથા પણ કહી શકાય. નવલકથા વિશે : ગુજરાતને સૌરાષ્ટ્રની ધરતીના રંગ પૂરીને રચાયેલી આ ઘટનાપ્રધાન નવલકથા ‘પાવક જ્વાળા’ની અનુગામી કથા છે. નામને સાર્થક કરતી આ કથા દ્વારા સર્જકે સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે કેડી કંડારી છે. પાત્રો અને સ્થળ ફેરવવાના કારણે સર્જક કથામાં વૈવિધ્ય અને જરૂરી વેગ લાવી શક્યા છે. કથાશૈલી પણ સરળતાથી તે પ્રમાણે ફેરા ફરે છે. હા, ક્યાંક પ્રસંગોનો પ્રવાહ ખોડંગાતો વહ્યો છે. ફિલ્મ જેવો તાલમેલ સધાયો છે. ટુકડા સંધાયા છે પણ ભાષા, સંવાદ, વર્ણન, શૈલી જેવી ઉષ્માભરી ખૂબીઓના લીધે સમગ્ર કથા સહ્ય અને વાચનક્ષમ બને છે. ખાસ તો ઈ. સ. ૧૯૪૨નો ફુગાવો, નફાખોરી, નવું નાણું, સંગ્રહખોરી... જેવાં યુદ્ધકાલીન અનિષ્ટોના પ્રતીક સમા લીલુ શેઠ અને બીજી બાજુ કાશીરામ ભૂદેવ જેવા મંગળમૂર્તિ સામસામે છેડે લાગે છે. તે સમયની સૌરાષ્ટ્રના નાના-મોટા રજવાડાઓની ખટપટ, કાવાદાવા, રચાતાં ષડ્યંત્રો, નાથુડા જેવા બહારવટિયા અને સામાજિક મુસીબતો સામે બહારવટું ખેડતા આણલ-નાગાજણ, રાણીંગની દેશભાવના, પીલુવાડીની છૂપી પ્રવૃત્તિઓ અને પોતાના પુત્રની રાષ્ટ્રયજ્ઞમાં આહુતિ આપતો માવો પટેલ, ખડૂસ સુખવંતરાય દીવાન, દેશળગઢના દરબાર તેમજ માનવતાના મંગળ પ્રતીક સમાં જીજીમા, વછા પારેખ... જેવાં પાત્રોની સૃષ્ટિ સર્જી તેમજ ૧૯૪૨-૪૩ના વાતાવરણને આલેખનમાં ઝીલી કર્તાએ સમગ્રતયા સિદ્ધિ મેળવી છે એવું કહેવું વધારે પડતું નહીં લાગે. કથા વિશે અન્ય સર્જકનું નિવેદન : ‘ઇંધણ ઓછાં પડ્યાં’ આપણા નવલકથા સાહિત્યમાં માનભેર મોખરાનું સ્થાન લઈ શકે એમ છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષાના અનેક પ્રયોગો આલેખનમાં બરાબર વણાઈ જતા હોવાથી, એ પ્રયોગોથી અપરિચિત એવાંઓને પણ એ સામે ઝાઝી ફરિયાદ કરવા જેવું રહેતું નથી. એ સિવાય સર્વથા શ્રી મડિયાની શૈલી પ્રસંગ, વાતાવરણ, પાત્ર અને ભાવને અનુરૂપ વહી છે અને એના પ્રવાહમાં વાચકને વશે-કવશે ખેંચી શકી છે. સંકલનાના અને શિથિલ વસ્તુ-ગૂંફનના કેટલાક દોષો બાદ કરતાં, ક્યાંક પાત્રોના કે પ્રસંગના આલેખનમાં રંગ વધુ પડતા ઘેરા બની જાય છે, એ બાદ કરતાં આખી નવલકથા રોચક વાચન પૂરું પાડે છે એ નિઃશક છે. શ્રી મડિયાએ સ્વાર્પણ, સેવા અને શહાદતની પાવક જ્વાળાની જ્યોત ઝગમગાવી છે અને એ માર્ગે જતાં ખપી જવું પડે છતાં માંગલ્યનો અંતિમ વિજય આંક્યો છે. એમાં શાશ્વત શાંતિ અને સનાતન સુખ વસતાં લાગે છે – એ સિવાય અન્ય સર્વ કાંઈ છે ઠાલું, ધમાલિયું અને નિઃસત્ત્વ પાત્રાલેખનની કુશળતા, પ્રસંગોની વિવિધતા, આલેખનની વેધકતા અને ચિત્રણની વાસ્તવિકતા ગુણો વડે આઝાદીની લડતની એક સબળ ને સ-રસ કથા અવશ્ય બની છે. (ભ. હી. ભૂખણવાળા)

ડૉ. રાઘવજી માધડ
નિવૃત્ત અધિકારી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર
વાર્તા, નવલકથા, નિબંધ, લોકસાહિત્ય સ્વરૂપ તેમજ
શિક્ષણમાં સંશોધન-સર્જન
પ્લોટ નં. ૭૧૫/૧, સેક્ટર ૭બી, ગાંધીનગર
Email: ra_madhad૧૩@yahoo.com