નવલકથાપરિચયકોશ/નિશિગંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૩

‘નિશિગંધ’ : મૃણાલિની દેસાઈ.

– મીનલ દવે
Nishigandh.jpg

લેખક પરિચય : મૃણાલિની દેસાઈ જન્મ : ૭-૧૦-૧૯૨૭ પતિનું નામ : ડૉ. પ્રભાકર દેસાઈ લગ્ન પૂર્વે મૃણાલિની ધનેશ્વર ગુજરાતી તબીબ ડૉ. પ્રભાકર દેસાઈને પરણીને ગુજરાતીભાષી બન્યાં. ગુજરાતીમાં ત્રણ નવલકથાઓ લખી. તો મરાઠીમાં ૨૦ નવલકથા, ૪ વાર્તાસંગ્રહો, ૭ જીવનચરિત્રો, ૧ પ્રવાસવર્ણન તથા ૭ ગુજરાતી પુસ્તકોનો મરાઠીમાં અનુવાદ એમને નામે પ્રકાશિત છે. વિવિધ મંડળોમાં ઉપનિષદ તથા અન્ય આધ્યાત્મિક વિષય પર નિયમિત વક્તવ્ય આપનારાં મૃણાલિની દેસાઈ સ્વતંત્રતાની ચળવળમાં અત્યંત સક્રિય હતાં. અધિકરણ માટે પસંદ કરેલી નવલકથાઃ ‘નિશિગંધ’ : મૃણાલિની દેસાઈ, પ્રથમ આવૃત્તિ : ઈ. ૧૯૭૩, બીજી આવૃત્તિ : ઈ. ૧૯૮૯, પુનર્મુદ્રણ : ઈ. ૧૯૯૬ પ્રત-૧૨૫૦, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ પુસ્તકમાં લેખિકાના બીજી આવૃત્તિના નિવેદન ઉપરાંત ઉમાશંકર જોશી તથા દ્રુમાનભાઈ દેસાઈના લેખ પણ સામેલ છે. નિશિગંધ : મૃણાલિની દેસાઈ. કાકાસાહેબ કાલેલકરની જેમ જન્મે મરાઠી પરંતુ એટલું જ ઉત્તમ ગુજરાતી જાણનારાં મૃણાલિની દેસાઈએ ‘નિશિગંધ’ પહેલાં તો મરાઠીમાં જ લખેલી પછી ગુજરાતીમાં એનો અનુવાદ કરવાને બદલે નવેસરથી ગુજરાતીમાં લખી. કેટલાક પ્રસંગો પણ ઉમેર્યા , જે પાછળથી મરાઠીની નવી આવૃત્તિમાં સમાવી લીધા. એક જ રચનાને એક જ સર્જકને હાથે બે ભાષામાં જન્મવાની તક મળે એ અર્થમાં આપણે ‘નિશિગંધ’ને ‘દ્વિરેફ’ કહી શકીએ. સ્વતંત્રતા પૂર્વેના તથા સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના બે-બે દાયકાના પટ પર નવલકથા વિકસી છે. પ્રથમ પુરુષ એકવચનમાં રચાયેલી આ નવલકથાની નાયિકા એની કથક પણ છે. ઘરમાં સ્વતંત્રતા તથા ગાંધીભક્તિનું વાતાવરણ હોવાથી માત્ર ત્રણ વર્ષની વયે વિદેશી વસ્ત્રોની હોળીમાં પોતાને ગમતું ફ્રોક હોમી દીધા પછી કાયમ ખાદી જ પહેરી છે. ઘરમાં સાહિત્ય, સંગીત, કળાનું વાતાવરણ હોવાને લીધે ગણપતિ ઉત્સવમાં હીરાબાઈ બડોદેકરને સાંભળ્યાં છે. સ્વયંવર નાટકમાં રુક્મિણી બનેલાં બાળગાંધર્વના સ્વર અને ગાનની મોહિની લાગી છે. ગામડામાં કોઈના લગ્ન પ્રસંગે થયેલાં તાપણામાંથી બાવળની વચ્ચે આવી ગયેલા સુખડની સુવાસે એના મનને પ્રસન્નતાથી ભરી દીધું છે. પ્રકૃતિ અને સાહિત્યના પ્રેમી એવા પિતાએ એને નક્ષત્રો-પુષ્પો ઓળખતાં શીખવ્યું છે, પિતા-પુત્રી સાથે ઉત્તરરામચરિત્ર કે મેરી કોરેલીની નવલકથા ‘ટેમ્પરલ પાવર’ વાંચે છે. કરુણ રસથી આંખોથી આંસુ આવતાં ત્યારે પિતાએ આંસુની કીમત સમજાવી અને પિતાના મૃત્યુને દિવસે જ નાયિકાને પોતે જવાબદાર વ્યક્તિ બની ગઈ હોવાનો અહેસાસ થાય છે. કૉલેજના અભ્યાસની સાથે જ સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલી નાયિકા સામે બે પંથ છે, કનકલતા બરુઆની તેજસ્વી વાણી સાંભળીને ગુપ્ત રીતે તોડફોડ, હિંસાનો માર્ગ પણ તેણે સ્વીકાર્યો છે, જેને પરિણામે સાઇક્લોસ્ટાઈલ મશીન પર ચોપાનિયાં છાપવાથી માંડીને અર્ધી રાતે રસોઈ બનાવવી કે ગુપ્ત સંદેશા પહોંચાડવાની કામગીરી પણ કરે છે. ખડકી પાસેના દારૂગોળાના કારખાનામાં થયેલા બૉમ્બધડાકા ષડ્યંત્રમાં પણ ભાગીદાર બની છે. સમાંતરે ગાંધી વિચારથી પ્રભાવિત નાયિકા સરદાર પટેલ, પંડિત નહેરુ, મૌલાના આઝાદ, ગાંધીજીનાં પ્રવચનો સાંભળે છે, ગાંધીજી સાથે આશ્રમમાં પણ રહે છે અને કારાવાસ પણ ભોગવે છે. સ્વતંત્રતા મળી, એક તરફ એનો આનંદ તો બીજી તરફ નિર્વાસિતોની સમસ્યા, કોમી રમખાણો, ગાંધીજીની હત્યા અને એની પ્રતિક્રિયા રૂપે સળગાવવામાં આવેલા બ્રાહ્મણવાડામાં નાયિકાના ઘરનું બળી જવું વગેરે ઘટનાઓ નાયિકાના મનોબળને તોડી શકતી નથી. સમાંતરે નાયિકાનું ગૃહજીવન શરૂ થાય છે. ગુજરાતી પરિવારમાં માત્ર ત્રણ જોડી કપડાં સાથે આવેલી નવવધૂ તરીકે અનેક હાલાકી વેઠવાની છે, દોઢ જ વર્ષની દીકરીનું અવસાન મનને વિષાદથી ભરી દે છે, પરંતુ દીકરો એ વિષાદને પચાવવામાં મદદરૂપ થાય છે. સ્વતંત્રતા પછી ભારતીય રાજકારણના સમીકરણ બદલાવા લાગ્યાં, મૂલ્યો તૃટ્યાં, ગૃહક્ષેત્રે અને જાહેર જીવનમાં નાયિકાએ કપરાં ચઢાણ ચડવાનાં છે. સેવાકીય સંસ્થામાં આર્થિક ગોટાળાનો આક્ષેપ મુકાય, ‘૬’ની ચૂંટણીમાં પ્રચાર વેળાએ પથરા પડે, તેમ છતાં નાયિકાના હકારાત્મક વલણને પોષણ મળે એવી ઘટનાઓ પણ બની છે. ચીન સામેના યુદ્ધમાં એક થઈ ગયેલી દેશની જનતા નાયિકાના મનને ગદ્ગદ્ કરી દે છે. પુત્રના લગ્ન પછી એને સ્વતંત્ર ઘરની ભેટ આપતી નાયિકાના મન પર ત્યારે આકરો પ્રહાર થાય છે, જ્યારે એને માનું ઘર વેચાઈ જવાના સમાચાર મળે છે. જ્યાં એની જિંદગીના મહત્ત્વના બનાવો બન્યા, જ્યાં એ નક્ષત્રો ઓળખતાં શીખી, જ્યાં ગુલમહોર અને પારિજાતની છાયામાં સપનાઓ ઉછેર્યાં, એ ઘર હવે નહીં હોય! આખરે પતિની સાથે પોતાની વાડી - ફેરીલેન્ડ પર કાયમ માટે જવાનો નિર્ધાર કરે છે. ત્રણ વર્ષની વયે પરીલોક છોડીને એ વાસ્તવની દુનિયામાં પ્રવેશેલી, હવે વાસ્તવની દુનિયા ત્યજીને ફરી પુષ્પો ને પંખીઓની બનેલી દુનિયામાં એ પ્રવેશશે, સતત નોખી નોખી જગ્યાએ મૂળ નાખતી નાયિકા હવે આ સુંદર વિશ્વને પણ ત્યજવા તૈયાર છે, પણ ફરી પાછી આવશે એવી આશા સાથે. ૩૬ પ્રકરણ અને ૧૭૬ પૃષ્ઠોમાં કહેવાયેલી આ નવલકથા ફ્લેશબેક ટેક્નિક-પશ્ચાદ્ભૂ ઝબકાર પદ્ધતિમાં રચાઈ છે. પ્રૌઢા નાયિકા મિત્રોની મહેફિલમાં ચાંદીના પ્યાલામાં શુદ્ધ પાણી પી રહી છે ત્યારે રંગીન પીણાઓ પી રહેલા મિત્રો એમને આનંદ વિશે પ્રશ્નો પૂછે છે. અને નાયિકાને થાય છે, જીવનની ભવ્યતા અને ક્ષુદ્રતા, વૈભવ અને દૈન્ય, ભરતીનો ઉન્માદ અને ઓટની વેદના એણે અનહદ માણ્યાં છે. એની સામે આ પીણાઓ અને ભૌતિક વસ્તુઓથી મળતો આનંદ કોઈ વિસાતમાં નથી અને એ પોતાની પાછલી જિંદગીની યાદોની એક યાત્રા કરે છે, જે આ ‘નિશિગંધ.’ એક પછી એક બનતી ઘટનાઓ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિયતા, સ્વતંત્રતા પછીનું બદલાયેલું વાતાવરણ, તૂટતાં મૂલ્યો, અમલદારશાહી અને સત્તાનું વરવું પ્રદર્શન અને એની સામે નાયિકાની સાદગી અને વિધેયાત્મક વલણ નવલકથામાં સરસ સમતુલા જાળવે છે. પ્રકાશકે આ નવલકથાને આત્મકથનાત્મક નવલકથા ગણાવી છે. લેખિકા પોતે પણ આ લખાણને ક્યાં મૂકવું તે અંગે દુવિધા અનુભવે છે, ‘એ સંસ્મરણો છે છતાં એમાં વાર્તાનું તત્ત્વ અને સૂત્ર છે. આમાં આલેખાયેલો પ્રત્યેક પ્રસંગ સાચો છે. સત્ય છે. છતાં એને કલાત્મક રૂપ આપવા મેં કલ્પનાનો આશરો પણ લીધો છે. એટલે એ સત્ય હોવા છતાં ઇતિહાસ છે એવો દાવો નથી. અને આ પ્રકારની કૃતિમાં એ કરવાની ઇચ્છા હોય પણ નહીં. ઝપાટાબંધ પલટાતાં જીવનમૂલ્યો વચ્ચે સપડાયેલી સંવેદનક્ષમ લાગણીશીલ વ્યક્તિની અનુભૂતિનું આ નિવેદન છે. એ અનુભવો મારા પોતાના હોય અને એ જમાનામાં જન્મેલા ઘણાના હોય.’ આપણે આને સંસ્મરણાત્મક નવલકથા કહી શકીએ. સત્ય ઘટનાઓ પર આધારિત હોવા છતાં લેખિકાના સમગ્ર જીવનની આ રચના નથી, નથી એ સમયગાળાના સમગ્ર ઇતિહાસની કથા. પરંતુ એ સમયે ઊઠેલી જ્વાળાઓએ ત્યારનાં યુવાનો-યુવતીઓને જે દિશામાં જવા પ્રેર્યાં હતાં એની ઝલકની આ કથા કહી શકાય. એટલે જ ઉમાશંકર જોશી નોંધે છે, “આ બધી તમારી એકની જ કથા નથી. એ જમાનાનાં કેટલાં બધાં યુવકયુવતીના અરમાનોની કથા છે! પણ તમારા જીવનાનુભવમાં એ તીવ્ર સઘનરૂપે પ્રાકટ્ય પામે છે, અને મૂલ્યોનું તારતમ્ય પણ સાધે છે. “આ કેવળ કોઈ એક વીરાંગનાની કથા, યુગકથા જ નથી, નારીની પણ કથા છે.. આ કથા મૃણાલિનીની જ ન રહેતાં ૧૯૪૨ના યુગની કથા, નારીની કથા, માનવકથાનો આસ્વાદ આપી રહે છે.” ઉમાશંકર જોશીનાં આ વિધાનો સાથે જરૂર સહમત થઈ શકાય કે એક સમયખંડમાં જીવતી, તેજસ્વી નારીની આ કથા છે. આ પ્રકારની નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં તો દોહ્યલી જ છે. રચનાની ભાષા ધ્યાન ખેંચે છે. વર્ણનો આકર્ષક છે. ઘટનાઓને નાટ્યાત્મક રીતે મૂકી આપવાની લેખિકાની શૈલી પણ સરસ છે. ૨૯ મંગળવારવાળી ઘટના, જેલમાં નાયિકાની સામે સસ્કારી કારકુન તરીકે બેઠેલી સખી માલુવાળો કિસ્સો, કૉલેજમાં કાવ્યો લખતી લીલીને વર્ષો પછી મળતી નાયિકાને જોવા મળતો એનો કવળો ગૃહસંસાર, સ્વયંવર નાટક જોતી વેળા નાયિકાનું બાળગાંધર્વથી પ્રભાવિત થઈને સ્વયં રુક્મિણી બની જવું, વગેરેનું આલેખન લેખિકાની કલ્પના તથા સર્જકતાનાં ઉદાહરણો છે. કલમને આછે લસરકે ચીતરાયેલાં પાત્રો જેવાં કે નાના (પિતાજી), ગાંધીજી, લીલી, વિજયા, ઉનકલતા બરુઆ, પોલીસે અંગૂઠો કચડી નાખ્યો છતાં મોં પર પીડાની એક રેખા આવવા ન દેતો સહકાર્યકર યુવાન, જોગેશ્વરીના મંદિરનો પૂજારી, વાચકના મન પર છવાઈ જાય છે. સ્વયં આ કથાનું મુખ્ય પાત્ર હોવા છતાં આપવડાઈ કે આપપ્રશંસાથી મુક્ત રહી શક્યાં છે, એ વાત પણ નોંધવી જોઈએ. ગુજરાતી વાચકોને એક વિશિષ્ટ જગતની ઓળખ કરાવતી આ નવલકથા-સંસ્મરણાત્મક-આત્મકથનાત્મક રચના મૃણાલિની દેસાઈની વિશિષ્ટ દેણગી છે.

મીનલ દવે
નિવૃત્ત પ્રાધ્યાપક, શ્રી જયેન્દ્રપુરી આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, ભરૂચ
વાર્તાકાર, અનુવાદક, વિવેચક
Email: minaldave૧૧૧@gmail.com