નવલકથાપરિચયકોશ/સમયદ્વીપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૬

‘સમયદ્વીપ’ : આંતરદ્વંદ્વની કથા : ભગવતીકુમાર શર્મા

– સંધ્યા ભટ્ટ
Samaydvipa.jpg

લેખક-પરિચય : ભગવતીકુમાર શર્મા (જન્મ : ૩૧-૫-૧૯૩૪, અવસાન : ૫-૯-૨૦૧૮)ની કર્મભૂમિ સુરત રહી. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. પણ તેમના વિપુલ અને ગુણવત્તાસભર સર્જનકાર્યને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી આપેલી. ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં પત્રકાર તરીકેની સળંગ અને સુદીર્ઘ કારકિર્દીની સમાંતરે પ્રમુખ સાહિત્યકાર તરીકે તેમણે સાહિત્યના લગભગ દરેક સ્વરૂપમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ‘અસૂર્યલોક’ નવલકથા માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, કવિતા, અનુવાદ, હાસ્યનિબંધનાં પુસ્તકો ઉપરાંત સ્મરણકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ આપનાર ભગવતીકુમાર શર્માને કુમાર ચંદ્રક, દર્શક પુરસ્કાર, કલાપી પુરસ્કાર, સ્વામી સચ્ચિદાનંદ સન્માન, નરસિંહ મહેતા પુરસ્કાર અને પત્રકાર તરીકે નચિકેતા સન્માન પણ મળ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા જેવી સંસ્થાઓના પ્રમુખ તરીકેની જવાબદારી સુપેરે નિભાવનાર આ સર્જક ઋજુ, સંવેદનશીલ અને નિઃસ્પૃહી પ્રકૃતિ ધરાવતા હતા. નાનપણથી જ નબળી આંખો છતાં અવિરત લેખનસાધનાની ધૂણી ધખાવનાર આ સર્જકે જીવનના અંતિમ દાયકામાં તો આંખે બિલકુલ ન દેખાતું હોવા છતાં સ્મરણકથા, નવલકથા, ટૂંકી વાર્તાઓ અને સૉનેટ સહિતની કવિતાઓ આપી તેમ જ પત્રકારધર્મ પણ નિભાવ્યો. વીર કવિ નર્મદના વારસાને તેમણે પોતાની રીતે દિપાવ્યો. (‘સમયદ્વીપ’ (નવલકથા) પહેલી આવૃત્તિ-૧૯૭૪, આર. આર. શેઠ. પ્રસ્તાવના -પ્રા. નટવરસિંહ પરમાર, અર્પણ – પ્રિય મિત્ર અનિલકાન્ત શુક્લ અને સૌ. પૂર્ણિમાભાભીને સસ્નેહ, પ્રતઃ ૧૭૫૦) વિશેષ નોંધ : આ કૃતિનો હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં અનુવાદ થયો છે. ૧૯૭૪માં પ્રકાશિત થયેલી ભગવતીકુમાર શર્માની લઘુનવલ ‘સમયદ્વીપ’ નીલકંઠના ચિત્તમાં સતત ચાલી રહેલ આંતરદ્વંદ્વની કથા છે. કૃતિના વિષય અને તેની કલાત્મક માવજતને કારણે અભ્યાસીઓ દ્વારા તેની ખાસ્સી નોંધ લેવાઈ. પ્રમોદકુમાર પટેલ તેને નવલકથા કહેવા પણ પ્રેરાયા છે. ભગવતીકુમાર શર્માએ ત્યાર પછી પણ કીર્તિદા કૃતિઓ આપી છે પરંતુ ‘સમયદ્વીપ’ સર્જકત્વની દૃષ્ટિએ તેમના સર્જનકાળ માટે સીમાચિહ્નરૂપ છે. તેઓ પોતાની કેફિયતમાં કહે છે, ‘એ કૃતિ રચાઈ ત્યારે મારી પડતીઆખડતી શબ્દયાત્રામાં હું ક્યાંક ઠરીને ઘડીભર ઊભો રહી શક્યો હોઉં એવું પ્રતીત થયું.’ સમગ્ર કથા નીલકંઠ અને નીરાની તેમ જ બંનેના ઉછેરના એકમેકથી તદ્દન ભિન્ન પરિવેશની છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલી આ કૃતિ પાછળ ધીમે પગલે બદલાતી જતી સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિને પણ ભૂમિકારૂપ ગણી શકાય.આ કૃતિ દ્વારા સર્જકે સંક્રાંતિકાળમાં સપડાયેલા માનવીની લાગણીઓને અભિવ્યક્તિ આપી છે એમ પણ કહી શકાય. સર્જક પોતાની કેફિયતમાં જણાવે છે, ‘એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું. એ નાયકની દ્વિધાઓ, એની આંતરવેદનાઓ મારી પણ છે.’ પણ કહેવું જોઈએ કે આત્મકથનાત્મક તત્ત્વ હોવા છતાં તેનું વિગલન એક સમર્થ કલાકૃતિમાં થઈ શક્યું છે. નવલકથાની વસ્તુસંકલના વાચનરસને સઘન બનાવવામાં મોટો ભાગ ભજવે છે. સર્જક વર્તમાન અને ભૂતના બે પાટા પર કથાનકની આગગાડી સફળતાપૂર્વક ચલાવે છે અને રસાત્મક સફરનો આનંદ આપે છે. સંવેદનશીલ અને પ્રતિભાશાળી નીલકંઠ મુંબઈની એડવર્ટાઇઝિંગ કંપનીમાં કામ કરે છે પણ એનો ઉછેર સૂરા ગામના કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબમાં થયો છે. ઘરમાં મહાદેવનું મંદિર છે જેમાં ચુસ્ત નિયમો સાથે પિતા શિવશંકર અને માતા ગૌરીબા તથા મોટાભાઈ અને જયાભાભી પૂજાવિધિ, વગેરે જાળવે છે. મરજાદી કહી શકાય એવા આ કુટુંબનું, તેના સભ્યોનું, તેમાં ચાલતી પરંપરાનું અને પરંપરા તૂટે ત્યારે સર્જાતા ઉલ્કાપાતનું વર્ણન-નિદર્શન સર્જક અસરકારક રીતે કરે છે. નીલકંઠ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે અને વચેટ ભાઈ મહેશ સાથે કમાણીના હેતુસર મુંબઈમાં સ્થિર થયો છે એટલું જ નહીં, વિચારોમાં અને વર્તનવ્યવહારમાં પૂરેપૂરી આધુનિક નીરા સાથે પરણ્યો પણ છે. બે અંતિમ પ્રવાહોના તંગ દોર ઉપર ચાલતી આ કથામાં નીલકંઠના સંતુલન સાચવવાના પ્રયાસો ભાવકને માટે રસનું કેન્દ્ર બને છે. બંને જીવનપ્રણાલીનાં સારાં-નરસાં પાસાંને નીલકંઠ સમજે છે. પણ એક સુજ્ઞ, સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે તે દોલાયમાન સ્થિતિમાં છે. નીરા સાથે લગ્ન કર્યા પછી ત્રણેક વર્ષે મહાશિવરાત્રિના પર્વ પર તે ગામ આવે છે અને પરિસ્થિતિના જડબામાં ઘેરાય છે. પિતા શિવશંકરના પાત્રને લેખક આ શબ્દોમાં ચાક્ષુષ કરે છે, ‘કમ્મરે જૂનું, મેલું પીતાંબર, ખભે ‘ઓમ નમઃ શિવાય’ની છાપથી ભરેલી પીળચટ્ટી પિછોડી, ઊંચી પણ કમ્મરેથી વળી ગયેલી ગરવી કાયા, નબળી પડી ગયેલી તો યે ભીતર તેજથી ઝગારા મારતી આંખો, છાતીના ગાઢ વાળની વચ્ચે સ્પષ્ટ દેખાતી શ્વેત જનોઈ, પક્ષાઘાતના હુમલાને કારણે જૂઠો પડી ગયેલો અને સતત ધીમે ધીમે ધ્રૂજતો ડાબો હાથ, જમણા હાથમાં પૂજાપાની થાળી – એમાં તાજાં ફૂલ, બીલીપત્રો, ફળ, ધૂપસળી, અબીલ-ગુલાલનો લાકડાનો ડબ્બો, સોપારી, ચોખા, જનોઈનો જોટો; મોટું કપાળ, માથે આછા સફેદ વાળ, ધોળી મૂછોનો એક જથ્થો, કપાળ પર ભસ્મની અર્ચા અને વચ્ચે ચંદનનું પીત, ફેલાયેલું ટપકું, ફફડતા હોઠોમાંથી વહી આવતી મંત્રલહરી..’ (પૃ. ૩૩) સર્જકે ઉપસાવેલું શબ્દચિત્ર ભાવકને તત્ક્ષણ એ પરિવેશમાં મૂકી દે છે. વળી પાછું ત્યાંથી નીલકંઠની સાથે ભાવક પણ મુંબઈના આધુનિક વાતાવરણમાં સંક્રાંત થાય છે. નીરા જે નીલને ઓળખતી હતી તેનું વર્ણન કંઈ આમ થયું છે. ‘ચુસ્ત પેન્ટ, પોઇન્ટેડ શૂઝ, કાબરચીતરું બુશશર્ટ, બીટલ ટાઈપના વાળ, લાંબા થોભિયા, હાથમાં જલતી સિગારેટ, ગેલોર્ડ કે ઉજાલા કે નટરાજમાં એસ્પ્રેસો કૉફી પીતો, બિરિયાની કે એગ-કરી ખાતો, સાર્ત્ર, નિત્શે, કામૂ કે ફ્રોઇડની ચર્ચા કરતો, ઇટાલિયન ચેકોસ્લોવાક કે જપાનીસ ફિલ્મોની આર્ટસેન્સની સમીક્ષા કરતો.’ (પૃ. ૫૯) એક તરફ ગામના ઘરનું મેલું-ઘેલું, બલ્બના આછા અજવાળામાં ગોકળગાયની ગતિથી, પરંપરિત વિધિવિધાનથી ખચિત જીર્ણ-શીર્ણ પણ શ્રદ્ધાયુક્ત નિષ્ઠાપૂર્ણ જીવન અને બીજી બાજુ નીરા જે વાતાવરણ જોતી આવી છે તે ‘ચર્ચગેટ સ્ટેશન પર ભીડ જમાવતા ઊજળા, સોહામણા ચહેરાઓ, ગોગલ્સમાં ઝિલાતી પ્રતિચ્છવિઓ, અંગ્રેજીમાં વીંઝાતી લાગણીઓ અને દલીલો, મરીનડ્રાઇવના સાગરતરંગોની પછડાટો અને જમણે હાથે ઝગમગતાં સ્કાય-સ્ક્રેપર્સમાં રેડિયોગ્રામ પર ગુંજતી વૉલ્ટઝની રેકોર્ડો, કૉફી હાઉસના ટેબલ પર મુક્કી મારીને દલીલ કરતા ભૂખરા વાળવાળા છોકરાઓ અને જે. જે. ના શાંત ખંડમાં એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કરતી છોકરીઓ...’ (પૃ. ૬૮) આ પ્રલંબ વર્ણન આગળ ને આગળ ચાલે છે અને પાશ્ચાત્ય અસરથી પ્રભાવિત મુંબઈને પ્રગટ કરી રહે છે. એમ કહીએ કે સંક્રાંતિનો સાક્ષાત્ અનુભવ વાચક સતત કરે છે અને એ રીતે નટવરસિંહ પરમારના પ્રસ્તાવનાનાં વિધાન સાથે તરત સંમત થઈએ કે “ ‘સમયદ્વીપ’, વ્યવસાયી નવલકથાકારોની manmade products જેવી popular નવલકથા નહીં, પણ ધરતીના પોપડાને ઉખેડીને ફૂટી નીકળતા, ફૂટીને વિકસી રહેતા વૃક્ષના જેવી એક natural રૂપનિર્મિતિ છે; product નહીં, સર્જન બની રહે છે.” (પૃ. ૧૩) નીલકંઠની જેમ નીરા સહેજ પણ અસમંજસ સ્થિતિમાં નથી. ટૂંકી પોતડી પહેરનાર આ લોકો તેને half-nacked લાગે છે. રજઃસ્વલા નીરા રસોઈને અડકે છે ત્યારે ઘરમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે અને તેના વતી નીલકંઠ ઘરના સભ્યોની માફી માગે છે ત્યારે નીરા સ્પષ્ટપણે કહે છે, ‘શા માટે તું આ લોકોની માફી માગે છે? એમને પગે પડે છે? મેં કે તેં કોઈ ગુનો કર્યો નથી’ (પૃ. ૯૨) આમ આ સાંવેદનિક અને સાંસ્કૃતિક સંઘર્ષ નીરાનો નથી જ પણ તેના નિમિત્તે ‘નીલકંઠ’ અને ‘નીલ’નાં બે અસ્તિત્વનો છે. તેના મનોભાવો વ્યક્ત કરવા માટે ડૉ. સમીર શાસ્ત્રી જેવાં પાત્રો પણ ઉપકારક બન્યાં છે. સમીર સાથેની વાતચીતમાં કહેવાયું છે, ‘તું નહિ સમજી શકે, સમીર! બે જીવનપદ્ધતિઓ વચ્ચેનો આ સંઘર્ષ છે; હું એ બેની વચ્ચે છું – ત્રિશંકુની જેમ. મેં પથ્થરની જડ મૂર્તિ પર નિરપેક્ષ ભાવે ન્યોછાવર કરાતી જિંદગી પણ જોઈ છે અને સેટર્ન-૫ ના ધક્કાથી ચન્દ્રની ધરતી પર પગ મૂકતાં માણસ વિશે પણ હું ઘણું જાણું છું. હું બેમાંથી એકેય તરફથી મોઢું ફેરવી લઈ શકું તેમ નથી. મને તો સમર્પણ સુધી પહોંચતી શ્રદ્ધા યે ગમે છે અને વૈજ્ઞાનિક પૃથક્કરણને જ સ્વીકારતી અશ્રદ્ધાને પણ હું માન્ય રાખું છું.... હું સંક્રાંતિકાળનું સર્જન છું, સમીર! આઈ.. આઈ.. જસ્ટ કાન્ટ ડિસાઇડ વોટ ટુ ડુ..’ (પૃ. ૧૦૮) આ લઘુનવલને કલાત્મક બનાવે છે તેની ગદ્યશૈલી, વાવ જેવાં સાર્થ પ્રતીકોનો વિનિયોગ, અમુખર પણ તીવ્ર સંઘર્ષનું નિરૂપણ, મુખ્ય તથા ગૌણ પાત્રોનું સમુચિત આલેખન, આધુનિકતાની ભીંસનું નક્કર બયાન અને બંને પરિસ્થિતિનું સર્જકે કરેલું નિષ્પક્ષ ચિત્રણ. નીલકંઠ તરીકે પૂર્વજીવનની અને નીલ તરીકે વર્તમાન જીવનની ક્ષણોને ચિત્રિત કરતા સર્જક ક્યાંય કૃતક ભાસતા નથી. અને એ રીતે ‘સમયદ્વીપ’ પર ઊભા રહેલ નાયકના મનોજગતને અવલોકવાની તક આપતી આ લઘુનવલ stream of consciousness (આંતરચેતનાપ્રવાહ) પ્રકારમાં મૂકી શકાય. (‘સમયદ્વીપ’. લે. ભગવતીકુમાર શર્મા. પ્ર. આદર્શ પ્રકાશન, ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ. ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ અંતર્ગત ચોથી આવૃત્તિ : ૨૦૦૨, મૂલ્ય રૂ. ૬૫)

પ્રા. સંધ્યા ભટ્ટ
અધ્યાપક, અંગ્રેજી વિભાગ,
પી. આર. બી. આટ્ર્સ ઍન્ડ પી. જી. આર કૉમર્સ કૉલેજ,
બારડોલી, જિ. સુરત
કવિ, આસ્વાદક, સંપાદક
મો. ૯૮૨૫૩૩૭૭૧૪
Emailઃ sandhyabhatt@gmail.com