નવલકથાપરિચયકોશ/સમુદ્રાંતિકે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૨

‘સમુદ્રાન્તિકે’ : ધ્રુવ ભટ્ટ

– વિજયરાજસિંહ જાડેજા
Samudrantike.jpg

‘સમુદ્રાન્તિકે’, પ્રથમ આવૃત્તિ : ૧૯૯૩, પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી માર્ગ, અમદાવાદ-૧. નવલકથા સર્જકનો પરિચય : ધ્રુવ ભટ્ટ એટલે સાંપ્રત ગુજરાતી નવલકથા અને કવિતા ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર સર્જક. તેમનો જન્મ ૮, મે ૧૯૪૭ના રોજ ભાવનગર (હવે બોટાદ) જીલ્લાના નિંગાળા ગામમાં થયો હતો. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાનાં જુદાં જુદાં ગામોમાં લીધું. ત્યાર પછી ૧૯૭૨ સુધીમાં બી.કૉમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. પિતા પ્રબોધરાય કવિ હોવાથી કવિતા વારસામાં મળી. ધ્રુવ ભટ્ટના સાહિત્યમાંથી પસાર થતા કહી શકાય કે તેઓએ ખૂબ સારી રીતે સાહિત્ય-સંસ્કાર ઝીલ્યો છે. ગુજરાત મશીનરી મેન્યુફેક્ચર્સ લિમિટેડમાં સુપરવાઇઝરની સેવા આપી નિવૃત્ત થયા. હાલ કરમસદ સ્થાયી થયેલા ધ્રુવ ભટ્ટ સાહિત્યલેખન, પ્રવાસ, શાળાનાં બાળકો-વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરી ગમતાં કાર્યો કરે છે. ધ્રુવ ભટ્ટે સાહિત્યસર્જનની શરૂઆત કવિતા અને કિશોરકથાથી કરી છે. પછીથી નવલકથા લેખન તરફ વળે છે. અત્યાર સુધીમાં તેમની પાસેથી દસ જેટલી નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. હાલમાં ગુજરાતી સાહિત્યના મહત્ત્વના નવલકથાકારોમાં ધ્રુવ ભટ્ટનું નામ મોખરે છે. તેમની નવલકથાઓને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવી છે. ‘સમુદ્રાન્તિકે’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું નવલકથા અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રવાસ/નિબંધ માટે પારિતોષિક પ્રાપ્ત થયું. તે સિવાય ‘સમુદ્રાન્તિકે’ને ઘનશ્યામ શરાફ પારિતોષિક, ગોવર્ધનરામ ત્રિપાઠી નડિયાદ પારિતોષિક પણ મળ્યાં છે. ‘તત્ત્વમસિ’ નવલકથા પણ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થઈ છે. ‘અતરાપી’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. નવલકથા સિવાય કાવ્યસંગ્રહ ‘ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક મળેલ છે. આ સિવાય ધ્રુવ ભટ્ટને ૨૦૦૫નો દર્શક ફાઉન્ડેશન એવૉર્ડ અને ૨૦૧૩નો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. બાળસાહિત્ય : ‘ખોવાયેલું નગર’ (૧૯૮૪) નવલકથા : ‘અગ્નિકન્યા’ (૧૯૮૮), ‘સમુદ્રાન્તિકે’ (૧૯૯૩), ‘તત્ત્વમસિ’ (૧૯૯૮), ‘અતરાપી’ (૨૦૦૧), ‘કર્ણલોક’ (૨૦૦૫), ‘અકૂપાર’ (૨૦૧૦), ‘લવલી પાન હાઉસ’ (૨૦૧૨), ‘તિમિરપંથી’ (૨૦૧૫), ‘પ્રતિશ્રુતિ’ (૨૦૧૬), ‘ન ઇતિ...!’ (૨૦૧૮) કવિતા : ‘કર્મણ્યે’ (૧૯૮૯), ‘ગાય તેનાં ગીત’ (૨૦૦૩), ‘શ્રુણવન્તુ’ આ રીતે ધ્રુવ ભટ્ટની સર્જકતા કવિતા અને નવલકથામાં વિકસે છે. બાળપણમાં સાંભળેલા હાલરડાં, ભજનોનો પ્રભાવ તેમની કાવ્યરચનાઓ પર જોવા મળે છે. બાળકો-વિદ્યાર્થીઓ સાથે દરિયાકિનારે કરેલ પ્રવૃત્તિને લીધે ‘સમુદ્રાન્તિકે’ જેવી નવલકથાનું બીજ મળે છે. તેમની ઘણી ખરી નવલકથામાંથી સાંપ્રત સમયની ગંભીર સમસ્યા પર્યાવરણના પ્રદૂષણ અને સંરક્ષણના સૂર સાંભળી શકાય છે. ધ્રુવ ભટ્ટને માણસ તરીકે માણસમાં રસ છે. ખાસ કરીને જે આધુનિક ગતિવિધિથી દૂર પોતાની મજાથી જીવન પસાર કરે છે તેવા માણસોમાં. માટે તેમની નવલકથાનાં પાત્રો એકદમ સરળ અને સહજ લાગે છે. નવલકથા લખતાં પહેલાં સર્જક જે-તે સ્થળે જઈને ત્યાંનું સાંસ્કૃતિક-ભૌગોલિક વાતાવરણ સમજે છે, તેને આધારે પોતીકી કલ્પનાશક્તિ વડે સર્જન કરે છે. ધ્રુવ ભટ્ટની સર્જકતાનું આ આગવું પાસું ગણી શકાય. આ રીતે ‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’ અને ‘અકૂપાર’ જેવી નવલ લખી છે. નવલકથાનું કથાનક : ‘સમુદ્રાન્તિકે’ ધ્રુવ ભટ્ટકૃત સમુદ્ર કિનારે જીવતાં લોકોની કથા છે. જેમાં ચોક્કસ સ્થળવિશેષ કેન્દ્રમાં છે. કેમિકલ ઝોન સ્થાપવાને લીધે કથાનાયક બિનઉપજાઉ જમીન પર માપણી કરવા સમુદ્ર કિનારે આવ્યો છે. અહીંથી કથાની શરૂઆત થાય છે. ધીમે ધીમે તેને સમુદ્ર કિનારે વસતાં લોકોનો ભેટો થાય છે. તેમ તેમ તે લોકોની સાથે ભળતો જાય છે. લગભગ અઢી વર્ષ જેટલો સમય તે સાગરકિનારે પોતાના માપણી કામ માટે પસાર કરે છે. તેનું રહેઠાણ એસ્ટેટ બંગલે છે. કથાનાયકને શરૂઆતમાં જ મળતી જાનકી તુંકારે બોલાવે છે, ત્યારે નગરજન (કથાનાયક) આશ્ચર્યમાં મુકાય છે. પછી કથામાં બધા તેને એ રીતે જ બોલાવે છે. તે લોકોનો બોલીગત સંસ્કાર કથામાં ઝિલાયો છે. જાનકી પછી તેની માતા વાલબાઈ, અવલ, વિદેશીની ગોરી સાધ્વી, ક્રિષ્ના ટંડેલની પત્ની બેલી જેવાં સ્ત્રી પાત્રો નાયક સાથે સંવાદ રચે છે. આમ, કથા આગળ વધે છે. અવલ તો કથાનાયિકા છે. ભણેલી-ગણેલી આર્થિક રીતે સજ્જ હોવા છતાં અહીં દરિયે સામાન્ય મકાનમાં રહે છે. તેના પરિવારની આખી કથા જુદાં જુદાં પાત્રોના મુખે સર્જકે રચી છે. કથાનાયક અવલની વાત જાણવા અધીરો બને છે. વિદેશથી આવીને અહીં સ્થાયી થયેલી સાધ્વીનું ચરિત્ર પણ ધ્યાન ખેંચે તેવું છે. તે અહીંની તળ બોલી શીખી, વ્યવહાર કરે છે. ટાપુ પર જતાં બેલીનું પાત્ર યાદ રહી જાય તે રીતે નિરૂપણ પામ્યું છે. નૂરભાઈ ખરા અર્થમાં પક્ષીવિદ્ અને પર્યાવરણ પ્રેમી છે. સબૂર પણ પથ્થરાળ જમીન પર ગમે તેમ કરીને ખેતી કરતો મહેનતુ માણસ છે. બંગાળી બાવાની તાત્ત્વિક વાતો કથાનાયક સાંભળે છે, તેને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. દરિયામાં આવનાર તોફાનની બાવો પહેલેથી ચેતવણી આપે છે. નાયક જાણે છે કે પોતે અહીંથી જઈને રિપોર્ટ આપશે એટલે અહીં નિર્જન, સુખ-સુવિધાના અભાવવાળા પ્રદેશમાં રસ્તાઓ બનશે, આધુનિક મશીનરીઓ આવશે જેથી પર્યાવરણને અસર થશે. ધ્રુવ ભટ્ટ અહીં બંને બાબતોને સહોપસ્થિત કરી સારી રીતે રજૂ કરી શક્યા છે. ટાપુ અને ત્યાંના લોકની માન્યતા, રહેણીકરણી, શ્રદ્ધાની વાતોને સર્જકે વ્યક્ત કરી છે. પ્રસ્તુત નવલકથામાં સમુદ્ર કિનારે રહેતા ગરીબ લોકોને ગમે તેટલી મુશ્કેલીઓ પડે તેમ છતાં ‘હાકલા છે બાપ’ કહેતાં જોવા મળે છે. એક સમયે ગામનો મુખી રહેલો માણસ દુષ્કાળના વખતમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આમ, નવલકથામાં આવતાં બધાં જ પાત્રોની સ્વતંત્ર કથા છે. શરૂઆતમાં આ જગ્યા પ્રત્યે અણગમો વ્યક્ત કરતો નાયક અહીંનો બનીને રહી જાય છે. અંતે પોતાના અશ્વ ‘કબીર’ને મુક્ત કરી સમુદ્ર કિનારે ચાલે છે. ધ્રુવ ભટ્ટ લખે છે કે, ‘ઢળતી સંધ્યાએ, સમુદ્રની ભીની રેતીમાં છ પગલાંની છાપો એકમેકમાં ભળી જતી ચાલી.’ (પૃ. ૧૪૩) આખી નવલકથામાંથી પસાર થતાં દરિયા સાથે જીવન વ્યતીત કરતાં લોકોનાં વિધવિધ ચિત્રો આપણને જોવા મળે છે. તેમાં તેમની શ્રદ્ધા, માન્યતા, સહજતા, સમજણ, નિઃસ્વાર્થભાવ, સર્વજીવો પ્રત્યેની સમભાવની લાગણી વગેરે તરત ઊડીને આંખે વળગે તેવું છે. નવલકથાની લેખનપદ્ધતિ : ધ્રુવ ભટ્ટે ગોપનાથથી શરૂ કરી જાફરાબાદ, દીવ, સોમનાથ, ચોરવાડ, પોરબંદર, હર્ષદ અને દ્વારકા સુધી દરિયા કિનારાના પાંચ પ્રવાસ કર્યા. તેઓ પ્રવાસ દરમિયાન જે લોકોને મળ્યા, જે કંઈ સામગ્રી એકઠી થઈ તેને આધારે ‘સમુદ્રાન્તિકે’ લખી. તેમાં સર્જક તરીકેની પોતીકી કલ્પના ભેળવી સળંગ કથાના સ્વરૂપમાં આપણી સામે રજૂ કરે છે. ૧થી ૨૮ ઘટકોમાં કથા કહેવાય છે. ‘સમુદ્રાન્તિકે’ કથાનું શીર્ષક હોવાથી, અહીં સમુદ્ર અને ત્યાં વસતાં ‘લોક’ની કથા કેન્દ્રમાં છે. રચના પ્રથમ પુરુષ એકવચનમાં ચાલે છે. જે કથાનો નાયક છે. જેનું ક્યાંય નામ આપવામાં આવ્યું નથી. કથનકેન્દ્ર તે હોવાથી કથા તેના થકી આગળ વધે છે. બહારથી આવેલ નાયક જે-જે લોકોને મળે છે, તેની કથા ગૂંથાતી આવે છે. અહીં કોઈ એક નાયક-નાયિકાની સળંગ કથા નથી. પરંતુ પાત્રોને આધારે રચાતી જતી સમુદ્ર કિનારાની કથા છે. કથાનાયકને બીજાં પાત્રો પાસેથી પણ સમુદ્ર સાથે સંકળાયેલા સંઘર્ષમય જીવનની વાતો મળે છે. બહારથી પોતાના કામે આવેલ વ્યક્તિ સમુદ્ર કિનારે રહીને જે કંઈ જાણે-શીખે છે, તેમાંથી પર્યાવરણકેન્દ્રી ચિંતા-ચિંતન પણ વ્યક્ત થાય છે. સર્જકે પગપાળા કરેલ પ્રવાસ દરમિયાન જે કંઈ જોયું-જાણ્યું-માણ્યું તેને કાલ્પનિક-સર્જનાત્મક સ્પર્શ આપીને કથામાં રજૂ કર્યું છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરનારાં ઘટકતત્ત્વો : ‘સમુદ્રાન્તિકે’ ધ્રુવ ભટ્ટની નોંધપાત્ર કૃતિ છે. કથાનાયક જમીન માપવા આવે છે, જેટલો સમય રહે છે, તેમાં જેટલાં લોકોને મળે છે તેને આધારે કથા બને છે. નાયકને માટે સાવ અજાણ્યા પ્રદેશમાં આવવાનું બન્યું છે. તેમ છતાં ધીમે ધીમે તેને સમુદ્ર અને કિનારે વસતાં લોકો સાથે અનુબંધ રચાય છે. કથા આમ, મુખ્ય પાત્રને આધારે ચાલે છે. સ્થળો અહીં મુખત્વે સમુદ્રની આસપાસના જ આલેખવામાં આવ્યાં છે. પાત્ર અને સ્થળનાં વર્ણનો ધ્રુવ ભટ્ટની આગવી લાક્ષણિકતા કહી શકાય. દરેક પાત્રની નૈસર્ગિક સૃષ્ટિ પ્રત્યેની સૂઝ કથાનું સબળું પાસું છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેન્દ્રમાં હોવાથી ખારવા લોકોની બોલીનો વિનિયોગ ધ્રુવ ભટ્ટ સરસ રીતે કરી શક્યા છે. નવલકથામાં વાક્યો ટૂંકાં છે. જેને લીધે સરળ રીતે કથાનો વેગ મળી રહે છે. એક તરફ સમુદ્રને સર્વસ્વ માની જીવનારો વર્ગ ને બીજી તરફ નગરમાંથી આવેલ નાયક, બંનેને સહોપસ્થિત કરી નવલકથાકાર યથાર્થ ભાવ નિરૂપી શક્યા છે. નવલકથાનો પ્રકાર : ‘પ્રથમ આવૃત્તિ વખતે જ મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો.’ (નિવેદન ‘સમુદ્રાન્તિકે’, પૃ. ૬) નિવેદનમાં જ સર્જક સ્વરૂપ અને પ્રકાર નક્કી કરવાનું ભાવક પર છોડી દે છે. માટે જ આ કૃતિને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રવાસકૃતિ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નવલકથા સ્વરૂપ માટે એવૉર્ડ પ્રાપ્ત થયેલ છે. ‘સમુદ્રાન્તિકે’ વાસ્તવ-તથ્યને આધારે લખાયેલી સમુદ્ર કિનારાના ‘લોક’ની કથા છે. નવલકથા વિશે વિવેચક : “...પરંતુ, આખા અનુભવને બાકીનાં પૃષ્ઠોમાં સુબોધ સ્વરૂપે છાપી દેવામાં આવ્યો છે. હા, આ માત્ર છાપ છે, ઝાંખીપાંખી, સીધેસીધી. એમાં સહજ કથનની, રહસ્ય-કથાઓની, બોધકથાઓની, ભેદ-ભરમકથાઓની થોડી પ્રયુક્તિઓ છે. પરંતુ એનો કલાત્મક વિનિયોગ કરી લેવાનું લેખકને ફાવ્યું નથી. કહો કે સૂઝ્યું જ નથી. એ લગભગ સુબોધ રહેવાનું નક્કી કરી બેઠા છે અને તેથી ‘સમુદ્રાન્તિકે’ એક સુબોધ અનુભવ કથા જ બની રહેતી હોવાનો અનુભવ થાય છે.” – સતીશ વ્યાસ. “અહીં પ્રગટતું દરિયાઈ પરિવેશનું સૌન્દર્ય, લોકપ્રકૃતિ તથા કથાનાયકનો મનોસંઘર્ષ – આ ત્રણેય તત્ત્વોની કલાત્મક ગૂંથણી ‘સમુદ્રાંતિકે’ને અલાયદી બનાવે છે. ચોરી, ધર્મ, શ્રમ, નિર્મોહ, કરુણા, સર્વધર્મસમભાવ, પ્રકૃતિપ્રેમ, માનવપ્રેમ એવાં કેટલાંય મૂલ્યોનું થયેલ પ્રગટીકરણ ગાંધીવિચાર-ગાંધીતત્ત્વ તરફ લઈ જાય છે. ખરેખર તો કૃતિ નિમિત્તે અહીં વિસરાઈ રહેલ ‘માનવ’ નામરૂપને સાર્થક કરતી માનવ સભ્યતાની ગરવી સંસ્કૃતિ તથા પ્રકૃતિ વિશ્વમાં પુનઃપ્રવેશ કરાવે છે.” – પન્ના ત્રિવેદી સંદર્ભગ્રંથો : ૧. ‘ધ્રુવ ભટ્ટ’, દેસાઈ પારુલ કંદર્પ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડઃ ૨), પૃ. ૭૧-૭૫, વર્ષ : ૨૦૧૮. ૨. ‘સમુદ્રાન્તિકે’ : એક સુબોધ અનુભવકથા’, વ્યાસ સતીશ, તથાપિ, પૃ. ૪૩-૪૭, વર્ષ : ૧૯૯૮. ૩. ‘સમુદ્રાન્તિકે’, ધ્રુવ ભટ્ટ, દાવલપુરા બાબુ, ગુજરાતી કથાવિશ્વઃ નવલકથા, સંપા. દાવલપુરા બાબુ, વેદ નરેશ. પૃ. ૩૭૩-૩૮૦, વર્ષ : ૧૯૮૫. ૪. ‘માનવ સભ્યતાને ઉજાગર કરતો વિશેષ : સમુદ્રાન્તિકે, ત્રિવેદી પન્ના, પ્રતિસ્પંદ, પૃ. ૧૧૭-૧૨૩, વર્ષ : ૨૦૧૪.

વિજયરાજસિંહ જાડેજા
શોધછાત્ર : ગુજરાતી ભાષાસાહિત્ય ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
મો. ૯૯૧૩૮૦૦૭૫૨, ૭૩૮૩૯૪૮૬૪૬
Email: jadejavijayrajsinh૯૭૦૭@gmail.com