નવલરામ પંડ્યા/ગુજરાતી શબ્દમૂળદર્શકકોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. ગુજરાતી શબ્દમૂળદર્શક કોષ
[ભટ્ટ છોટાલાલ સેવકરામ]

આ કોષની પહોંચ અમે ગયા અંકમાં આપી છે. એ ગ્રંથ માત્ર પહોંચ કરતાં વધારે ને લાયક છે. અમારો અભિપ્રાય કદાપિ બધી રીતે સાનુકૂળ નથી, તોપણ જે વર્ગનો એ ગ્રંથ છે, અને તે રચવામાં જે અસાધારણ પરિશ્રમ લેવો પડ્યો હશે તે તરફ જોતાં કાંઈક સવિસ્તર વિવેચન કરવું એ તો સઘળા ટીકાકારોનો એવા ગ્રંથ તરફ ધર્મ જ છે. કચ્છના સગીર રાવશ્રી ખેંગારજીના શિક્ષક રાજ્યશ્રી છોટાલાલ સેવકરામે એ ગ્રંથ બનાવ્યો છે. ભાઈ છોટાલાલ ગુજરાતી ભાષાના જૂના અભ્યાસી છે, અને ભાષા શોધનનો ઘણા વખતથી ખંત રાખતા આવે છે. ગુજરાતી ગ્રંથકારમાં પણ છેક અજાણ્યા નથી. મોરિસકૃત હિંદુસ્તાનના ઇતિહાસનું ગુજરાતી ભાષાંતર એ ભાઈએ ટ્રાન્સલેટર ઑફિસમાં નોકર હતા ત્યારે કર્યું હતું, અને તે જ અત્યાર સુધી નિશાળોમાં ચાલતું હતું. એ ભાષાના કાઠિન્ય સંબંધી નિશાળોમાં ઘણો પોકાર ઊઠ્યો હતો ખરો. તો પણ એ જ ભાષાંતર ઉપરથી ભાઈ છોટાલાલની શબ્દશુદ્ધિ વિશે તરફની ખંત જણાઈ આવે છે. અને એ જ વાત આ પ્રસંગે આપણને જાણવા યોગ્ય છે. શબ્દોની ખોળમાં તે વખતથી જ એમનું મન રોકાયેલું હતું એમ સાફ જણાય છે. અને એ વેળાથી જ એ ભાઈએ આ કોષની સામગ્રી ભેગી કરવા માંડી હશે એમ સંભવે છે. છેલ્લાં પાંચ સાત વર્ષ તો એ ગ્રંથ તૈયાર કરી સુધારવામાં ગુજારેલાં જણાય છે. ગ્રંથપુનરાવર્તન વેળા સરકારી બુક કમિટી તરફથી કાંઈક સૂચનાઓ પણ મળી હતી. એ રીતે આ કોષને પરિપૂર્ણ કરવામાં કર્તાએ હોંશ, ઉદ્યોગ કે ખંતની કાંઈ કસર રાખી નથી. અને તેથી એ સઘળી મહેનતનું ફળ જેવું છે તેવું ગુજરાતી વિદ્વાનોએ આદર અને સત્કારની સાથે સ્વીકારવું જોઈએ. આ કોષમાં પહેલી હારમાં સંસ્કૃત શબ્દો વર્ણાનુક્રમે આપ્યા છે અને તેની સામા તે શબ્દ ઉપરથી જ ઉત્પન્ન થયેલા ગુજરાતી શબ્દો લખ્યા છે. એ સંસ્કૃત શબ્દની કોઈ ઠેકાણે વ્યુત્પત્તિ સમજાવી છે અને કોઈ ઠેકાણે નથી સમજાવી. એમાં કાંઈ પણ ધોરણ રાખ્યું હોય એમ જણાતું નથી. એ સંસ્કૃત શબ્દોના અર્થ કોઈક ઠેકાણે આપેલા છે અને ઘણે ઠેકાણે નથી આપ્યા, પ્રાકૃત ને સંસ્કૃતમાં એક જ અર્થ હોય ત્યાં તો એ આપવાની જરૂર પણ નહોતી, પરંતુ જ્યાં અર્થ જુદા થાય છે ત્યાં તો ખામુખા આપવા જ જોઈતા હતા કે વ્યુત્પત્તિકારની કલ્પના કેટલે દરજજે સંભવિત છે તેનો તોલ કરવાનું વિવેકી વાંચનારને બની આવે. તેમજ જે શબ્દો સંસ્કૃત વ્યાકરણ નિયમે બનાવી શકાય ખરા પણ તે ભાષામાં વપરાયેલા જણાતા નથી તેવા નવા શબ્દો તો સ્વકલ્પિત છે એમ ખુલ્લું જણાવવું જ જોઈતું હતું કે વાંચનાર ઠગાય નહિ. કોઈ સંસ્કૃત કોષમાં પણ નહિ આપેલા શબ્દને સંસ્કૃત છે એમ કહેવા અગાઉ કયા ઘરખૂણિયા ગ્રંથમાં તે દીઠામાં આવ્યો છે એ સૂચવવું જરૂર છે. આવે પ્રસંગે શાસ્ત્રીય પદ્ધતિ શી છે તે બેનફાઈનો સંસ્કૃત કોષ જોવાથી સહજ માલમ પડત. સંસ્કૃત ઉપરથી ઉત્પન્ન થયેલા શબ્દો ઉપર કહ્યું તે પ્રમાણે સામા આપ્યા છે. એમાં વર્ણાનુક્રમ રાખ્યો છે તે ન રાખતાં શબ્દની કુટુંબવાર વર્ગણી કરી હોત તો વધારે ઠીક. એમાં મૂળ શબ્દને મળતું રૂપ પહેલું લખવું હતું, ત્યાર પછી તેને મળતું એ પ્રમાણે, અને પછી એ દરેક રૂપના પેટામાં તે દરેકનો પરિવાર સૂચવવો હતો. વ્યુત્પત્તિ લખવાનો આ રસ્તો શાસ્ત્રીય અને ઉપયોગી કહેવાય-વર્ણાનુક્રમ નહિ. એમ કરવાથી એક શબ્દનાં વાસ્તવિક રૂપાંતર ખરા ક્રમે જાણવામાં આવે, અને વ્યુત્પત્તિ શાસ્ત્રમાં પ્રવેશ થાય. અમારું કહેવું એક બે ઉદાહરણ લઈને જોવાથી વધારે સ્પષ્ટ સમજાશે. ‘કરંડ’ ઉપરથી આ કોષમાં કંડીયો, કરંડીયો અને કંડીલ એ અનુક્રમે ત્રણ શબ્દ આપ્યા છે. હવે જો કરંડીયો પહેલો અને કંડીયો બીજો લખ્યો હોત, તો કંડીયો એ વધારે આધુનિક અને વધારે અપભ્રંશ રૂપ છે એ વાંચનારના લક્ષમાં સહજ ઊતરત, વર્ણાનુક્રમ રાખવાથી એ શબ્દના ઇતિહાસ સંબંધી ખોટો વિચાર વાંચનારના મનમાં ઉત્પન્ન થાય છે. તેમજ ‘મૃત્તિકા’ ની સામા મટોડી, મરડીયા, માટી, મૈડ, મટકું, માટલી એ રીતે લખ્યું છે. અમારા વિચાર પ્રમાણે પ્રથમ ‘મિટ્ટી’ રૂપ જે જૂની ગુજરાતીમાં વપરાતું અને હાલ હિંદી આદિ બીજી પ્રાકૃતો ભાષાઓમાં ચાલે છે તે સૌથી પ્રથમ લખવું હતું. અને ત્યાર પછી મટ્ટી, માટી, માટલું, માટોડી વગેરે શબ્દો લખવા હતા. મટોડી જે માટોડી ઉપરથી નીપજેલું ઘણું જ આધુનિક રૂપ છે તે સૌથી આદિસ્થાને ચડીને બેઠેલું જોઈ અમને ઘણું વિપરીત લાગે છે. મટકાને ‘મિટ્ટી’ના જ પરિવારમાં મુકાય. મરડીયા, મૈડીયા, મૈડ વગેરેની જુદી જ કુલશાખા પાડવી હતી. આ ઠેકાણે એ પણ સંભારવું જોઈએ કે સંસ્કૃત શબ્દની જોડે પ્રાકૃત ભાષાનાં રૂપ પણ બને ત્યાં લખ્યાં હોત તો વધારે સારું. એ મૂળ શબ્દને મળતાં રૂપ તો હાલ જે જે પ્રાકૃત ભાષાઓમાં ચાલે છે તે બધાંયે લખ્યાં હોત તો ગ્રંથ વિદ્વાનોને વધારે ઉપયોગી થાત. કદાપિ કોઈ એમ પૂર્વ પક્ષ કરે કે એમ કરવાથી ગ્રંથ અતિશાસ્ત્રીય થઈ સામાન્ય લોકોને અરુચિકર થઈ પડત. પણ આવા ગ્રંથો વિદ્વાનોને જ ઉપયોગી છે... આવા ગ્રંથ શાળોપયોગી કે જનોપયોગી તો થઈ શકતા જ નથી, અને તેથી શાસ્ત્રીય પદ્ધતિ જેટલી ઓછી તેટલી ખામી જ ગણાય. બીજું, ઉત્સર્ગ નિયમો અવશ્ય આપવા જ જોઈતા હતા. તે વડે આ કોષમાં જે શબ્દો આવ્યા છે તેની પ્રક્રિયાઓ સકારણ દેખાત અને હાલ વાંચનારને અંધારી નેળમાં ચાલવું પડે છે તેને બદલે ડગલે ડગલે અજવાળું પડત, રસ લાગત અને શાસ્ત્રબુદ્ધિ કેળવાત. કોષને અંતે એક મોટું સૂચિપત્ર [word index] આપ્યું છે. તે બહુ સારું કર્યું છે. કોષમાં આવી ગયેલા સઘળા ગુજરાતી શબ્દોની એ અક્ષરવારી ટીપ છે, અને તેની જોડે આંકડો લખ્યો છે તે વડે અમુક ગુજરાતી શબ્દ ક્યા શબ્દ ઉપરથી નીકળ્યો છે તે ટપ નીકળી શકે છે. પ્રસ્તાવના ઉપરથી જણાય છે કે પ્રથમ એ કોષ ગુજરાતી શબ્દને અનુક્રમે લખ્યો હતો, પણ બુક કમિટીની ભલામણ ઉપરથી હાલના આકારમાં મૂકવામાં આવ્યો છે. આ અગત્યનો સુધારો કર્યો એ ઠીક કર્યું છે. એથી ગ્રંથને શાસ્ત્રીય રૂપ મળ્યું છે. જગાની કિફાયત થઈ છે. અને સૂૂચિપત્રની મદદ વડે ગુજરાતી શબ્દનું મૂળ રૂપ શોધનારને પણ કાંઈ અઘરું પડે એમ રહ્યું નથી. એ ગ્રંથની સંકલનાનો તો વિચાર થઈ રહ્યો. હવે એની રચનાનો કરીએ. એક ટીકાકારે તો બેધડક એમ જ અભિપ્રાય આપ્યો છે કે કોઈ શાસ્ત્રીને બતાવ્યા વિના એ ભાઈએ આ કોષ પ્રગટ જ કરવો નહોતો. શાસ્ત્રીઓ આવા પ્રાકૃત ભાષાના વિષયમાં બહુ જ ઉપયોગી થઈ પડત એમ તો અમે માનતા નથી, પણ તેના સંસ્કૃત જ્ઞાનનો લાભ લઈ પોતે પોતાનો વિવેક વાપર્યો હોત તો આ કોષમાં જે હાલ દોષ દેખાય છે તે ઘણાખરા દૂર થાત એમ અમને પણ લાગે છે ખરું. ફક્ત સંસ્કૃત કોષની મદદે આવા ગ્રંથ રચી શકાતા નથી. ફક્ત મળતાં રૂપ જોઈને વ્યુત્પત્તિ સિદ્ધ થતી નથી. મૂળ ભાષામાં તે શબ્દ એવા જ અર્થમાં વપરાતો હતો કે નહિ એ પ્રથમ નિશ્ચય કરવું એ અવશ્યનું છે, અને જો કોઈ સહેજ જુદા અર્થમાં વપરાતો હતો તો હાલનો લાક્ષણિક અર્થ ક્યારે વળગ્યો તે મૂળ ભાષાની, વચગાળાની ભાષાઓની અને હાલની ભાષાની રૂઢિમાં શોધીને મુકરર કરવું જોઈએ. મૂળ અર્થમાંથી આવો લાક્ષણિક અર્થ થઈ ગયો હશે એમ ફક્ત કહેવું એ બસ નથી. એથી તો કપોલકલ્પિત જ વ્યુત્પત્તિ થાય અને તે હાંસીપાત્ર જ ગણાય. જેમ કે સંસ્કૃતમાં ‘અકોટ’ એટલે સોપારી છે તે ઉપરથી સ્ત્રીઓના કાનની અકોટીનું નામ પડ્યું, કેમ કે તેનો આકાર સોપારીને મળતો છે. એવું જે આ ગ્રંથમાં કહ્યું છે તે બસ નથી. સંસ્કૃતમાં સોપારી શબ્દને એવો અર્થ પાછળથી લાગવા માંડ્યો હતો કે નહિ એ પ્રથમ નિશ્ચય કરવું જોઈએ અને તે વાત સંસ્કૃત ભાષાના કાવ્યાદિ ગ્રંથો વાંચનારને જ માલમ પડે. આવે પ્રસંગે કોષકારમાં જો એટલું સંસ્કૃતજ્ઞાન ન હોય તો શાસ્ત્રીની મદદ લેવી જોઈએ. જો તે એમ નહિ કરે, અને વિલસન વગેરેના સંસ્કૃત કોષ ઉથલાવીને મળતાં રૂપ જોઈ જોઈ અને પોતાની કલ્પનાના ઘોડા દોડાવીને ગુજરાતી શબ્દોનાં મૂળ શોધવા જ મંડી જાય, તો તેની વ્યુત્પત્તિઓ કપોલકલ્પિત અને ભાષા શાસ્ત્રીઓને અન્યાય થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. તેમ તેને શબ્દોનાં મૂળ શોધવાં અઘરાં પણ પડે નહિ, કેમ કે જ્યાં સુધી એની કલ્પનાશક્તિ પરમેશ્વર સલામત રાખે ત્યાં લગી એને વ્યુત્પત્તિ શોધમાં અટકાવનાર કોણ છે? અમને ખાતરી છે કે જો ‘ગુજરાતના કવીશ્વર’ને ગુજરાતી કોષ રચતી વેળા તેનાં મૂળ શોધી કાઢવાનું કામ સોંપ્યું હોય, તો તે પોતાની મશહૂર કલ્પના વડે કોઈ પણ શબ્દની વ્યુત્પત્તિ શોધી આપ્યા વિના રહેત નહિ. પણ એ ચાલ ’કવીશ્વર’ને જ બોજે – ગંભીર કોષકારને તો હાંસીનું પાત્ર જ કરી નાંખે. ભાઈ છોટાલાલે કલ્પના જ ચલાવી છે એમ કહેવાનો અમારો હેતુ નથી, તોપણ કલ્પના તરફ વલણ છે ખરું. એ વલણ કેવું ખોટું અને વ્યુત્પત્તિ શોધવાની ભાષાશાસ્ત્રીઓમાં શી રીત છે તે દર્શાવવાને માટે ઉપલો વિસ્તાર કરવો પડ્યો છે. અમે આ ગ્રંથની પહોંચ આપતા જ કહ્યું છે કે એમાં કોઈ કોઈ ઠેકાણે કલ્પના અને કોઈ કોઈ ઠેકાણે ખોટી જ વ્યુત્પત્તિ જોવામાં આવે છે. ‘અજ’ ઉપરથી ઓઝો (કુંભાર), ‘અક્ષીર’ ઉપરથી આખરવું, ‘ઈષ્ટિ’ ઉપરથી આડી, ‘કોકિલ’ ઉપરથી કોયલો, ‘ખાતવત્સ’ (નવો બનાવેલો શબ્દ) ઉપરથી ખાબોચિયું, ‘ખિલ’ ઉપરથી ખાલી (ફારસીમાં ચોખો ખાલી શબ્દ છે એમ જાણ્યા છતાં), ‘ગૂઢ’ ઉપરથી ઘોડિયું, ‘સ્તોકક’ ઉપરથી છોકરો, ‘ધંધ’ ઉપરથી ધંધો, ‘ધેનુ’ ઉપરથી ધેણ, ‘ચિત્રિત’ ઉપરથી ચિઠ્ઠી, ‘તામ્રકૂટ’ ઉપરથી તંબાકુ, ‘દાઢા’ ઉપરથી દાઢ, ‘ન્યૂન’ ઉપરથી નાનું, ‘અફેન’ ઉપરથી અફીણ, ‘રહસ્થાન’ ઉપથી રહેઠાણ, ‘લડ્ડુ’ ઉપરથી લૂંડો, વગેરે આ કોષનાં પાનાં ફેરવતાં અનેક વ્યુત્પત્તિ મળી આવે છે કે જેમાંની કેટલીક છેક ખોટી, કેટલીક સંદેહભૂત અને કેટલી છેક હસવું આવે એવી કલ્પનાની જ છે. ‘ખાતવત્સ’ એવો જ નવો શબ્દ કલ્પવાનો વ્યુત્પત્તિકારને હક નથી. તે છતાંયે એ ઉપરથી ખાબોચિયું રૂપ શી રીતે નીકળી શકે? ‘સ્તોકક’ શબ્દ છોકરાના અર્થમાં કોણે સંસ્કૃત ગ્રંથમાં વાપર્યો છે? ધેનુનો અર્થ દૂઝણી ગાય સિવાય બીજો સંસ્કૃતમાં થતો હોય, તો કયે ઠેકાણે એ બતાવ્યા વિના એ ઉપરથી ધેણ શબ્દ નીકળ્યો એમ ઠોકી શકાય નહિ. ધેણ શબ્દ તો વળી ધન્ય ઉપરથી પણ કાઢ્યો છે. એ ઉપરથી સાફ જણાય છે કે આ વ્યુત્પત્તિકારનું અટકળ સિવાય બીજું કાંઈ ધોરણ નથી. તંબાકુ અમેરિકાથી યુરોપમાં આવ્યો, તેથી યુરોપની સઘળી બોલીમાં એને મળતા જ શબ્દો વપરાય છે, હિંદુસ્તાનમાં યુરોપ થઈને જ આવ્યો અને તેનો ઉપયોગ પ્રથમ અટકાવવાને માટે ઇંગ્લાંડના જેમ્સ રાજાની પેઠે જહાંગીર બાદશાહે ફરમાન કાઢ્યા, વગેરે ઇતિહાસ જગત્પ્રસિદ્ધ છતાં, એની વ્યુત્પત્તિ ‘તામ્રકૂટ’ ઉપરથી શા માટે ભાઈ છોટાલાલે સ્વીકારી તે અમે સમજી જ શકતા નથી. જે ઠેકાણે શાસ્ત્રીઓનો અભિપ્રાય કાંઈ કામનો જ નથી તે ઠેકાણે એ ભાઈએ માથે ચડાવ્યો જણાય છે. ત્યારે શાસ્ત્રીઓની પેઠે જ અફીણની વ્યુત્પત્તિ ‘અહિફેન’ ઉપરથી જ શા માટે ન કરી? તે કપોલ કલ્પિત તો છે જ, પણ ‘અફેન’ જેવો તો સંસ્કૃત ભાષામાં એ અર્થનો શબ્દ જ નથી. ‘દાઢા’ ઉપરથી દાઢી નીકળે ખરી, પણ ‘દાઢા’ શબ્દ સંસ્કૃતમાં ક્યાં વપરાયેલો છે? પ્રાકૃત વ્યાકરણકારો તો એનું મૂળ ‘દંંષ્ટા’ કહે છે અને તેમાં કાંઈ વાંધો જણાતો નથી. ‘લડ્ડુુ’ ઉપરથી લાડુ તો થયો છે, પણ લૂંડો શી રીતે થાય? ક્યો ઉત્સર્ગ લાગ્યો? ક્યો યુરોપના ભાષાશાસ્ત્રનો નિયમ લાગ્યો? ઘણે ઠેકાણે ઉત્સર્ગ તરફ તો અનાદર જ જણાય છે, અને તે આવા મોટા ગ્રંથમાં અવશ્યના છતાં નથી આપ્યા તેનું કારણ પણ એ અનાદર જ હોય એમ અમને વખતે સંભવે છે. એ ઉત્સર્ગ ઘણી વખત કલ્પનાના ઘોડાને બેડી જેવા થઈ પડે છે ખરા, પણ સાચા વ્યુત્પત્તિ શોધક તો તેની સહાયતા વિના એક ડગલું પણ ભરતા નથી, કેમ કે તેઓ જાણે છે કે નહિ તો એ ઉન્મત્ત ઘોડો નિશ્ચય કોઈ ખાડીમાં જઈને જ ફેંક્યા વિના રહે એવો નથી. એ નિયમો ઉપરાંત પણ બીજાં ઘણી જાતનાં બંધનો અને વિચારો ભાષાશાસ્ત્રીઓ પોતાની સલામતીને માટે રાખે છે, પણ આ તો અવશ્યનાં છે. અર્થાત્‌ : એમાં ભૂલો, કલ્પના, અને ખોટી પદ્ધતિ તો છે જ, પણ તે કેટલે દરજ્જે છે તે વિચારવું જોઈએ, અને તે વિચાર ઉપર જ આ ગ્રંથની ખરેખરી તુલના આધાર રાખે છે. આ ગ્રંથકારે જે કામ આરંભ્યું હતું તે એવું તો મોટું હતું કે તેમાં પ્રયત્ન કરવો એ જ સ્તુતિ પાત્ર છે, અને તે એવું વિકટ હતું કે તેમાં ભૂલોનો સંભવ ઘણો જ હતો. એવા વિષયમાં મોટા મોટા વિદ્વાનો પણ ભૂલ કર્યા વિના રહેતા નથી. તેમાં ભાષાશાસ્ત્રીઓની કૃતિ તો યુરોપમાં પણ થોડીઘણી કલ્પનાજનિત હોયા વિના રહેતી નથી. અને થોડા વર્ષ ઉપર તો હાસ્યાસ્પદ જ ગણાતી. માટે આ કોષમાં કેટલી ભૂલો છે તેનો અવશ્ય વિચાર કરવો જોઈએ. સરાસરી દરેક પાનામાં એક બે સંદિગ્ધસ્થળો અમારી નજરે પડે છે, અને વધારે બારીકીથી તપાસવા બેસીએ, તો વધારે પણ નીકળે ખરી. તોપણ હાલ આપણા લોકમાં દેશી ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન કેટલું છે, તે મેળવવાનાં સાધનો કેટલાં થોડાં છે, અને તે જ્ઞાનની પાછળ હોંસ ઉત્પન્ન કરે એવી સ્થિતિ જ નથી, વગેરે બાબતોનો જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે અમને એમ લાગે છે. આવા ગ્રંથમાં આટલી ભૂલો કાંઈ ઘણી નથી, અને દશ વીશ વર્ષ સુધી વગર ઉત્તેજને અને વગર પ્રાપ્તિની આશાએ સ્વભાષાની સેવામાં એકાગ્ર બુદ્ધિ રાખી ભાઈ છોટાલાલે જે પરિશ્રમ કર્યો તેની ઘટતી કદર સઘળા વિચારવંત દેશીઓએ બૂઝવી જ જોઈએ. એમાંનો ઘણો ભાગ ઠીક છે. માંહે છાલાં છે એમ જાણી બધી ડાંગર ફેંકી દેવી ન જોઈએ. એમાં ઘણી તો શુદ્ધ વ્યુત્પત્તિનો જ સંગ્રહ કર્યો છે. અશુદ્ધ જ કહી શકાય એવા શબ્દ તો થોડા છે. કલ્પનાજનિત વ્યુત્પત્તિનો ભાગ કાંઈ વધારે છે, પણ તેને તે રીતે ગણી તેનો જે યથાર્થ ઉપયોગ કરી જાણે છે તેને એ તરફની કાંઈ ઝાઝી હરકત નથી. શિખાઉને એવો ગ્રંથ ભમાવનાર થઈ પડે ખરો, પણ તેવાને માટે તો અમે ઉપર કહ્યું છે તે પ્રમાણે આ ગ્રંથ જ નથી. આપણા દેશમાં જે જે લોક વિદ્વાન છે તે સઘળાને અમારી ભલામણ છે કે આ ગ્રંથ તેઓએ પોતાની પાસે રાખવો અને ભાઈ છોટાલાલે જે સંગ્રહ કર્યો છે તેનો વિવેકથી ઉપયોગ કરવો. ભાષાની શોધમાં આ કોષ તેમની કેટલીક મહેનત ઉગારશે, કેટલેક ઠેકાણે નવો માર્ગ માલમ પડશે, અને સઘળે ઠેકાણે શોધ કરવાની અભિરુચિ તો વધાર્યા વિના નહિ જ રહે. આ કોષ પોતાના સ્વર્ગવાસી મિત્ર આપારાવ ભોળાનાથને અર્પણ કર્યો છે અને તેની સાથે તે ભાઈનું દશેક પાનાંમાં જન્મચરિત્ર પણ આપ્યું છે. ‘સ્વતંત્રવાળો’ અમારો તરુણ મિત્ર ખોડ કહાડે છે કે આ ગ્રંથની સાથે એ જન્મચરિત્ર છપાવવું એ કાંઈક અશાસ્ત્રીય તો ખરું, પણ જ્યાં ગ્રંથકારને પુસ્તકો છપાવવાની બહુ બહુ મુશ્કેલીઓ છે ત્યાં ૨૦૦ પાનાંના પુસ્તકની જોડે એક અલાયદા વિષયનાં દશ પંદર પાનાં છપાવી દે, તો તે સમે આવો સાંકેતિક દોષ કાઢવો એ અમને ઠીક લાગતું નથી, અને વળી અર્પણપત્રિકાને સંબંધે આ જીવનચરિત્રનો પણ કોષ સાથે એક જાતનો સંબંધ ઉત્પન્ન થાય છે. જો અર્પણપત્રિકામાં જ એ ચરિત્ર દાખલ કર્યું હોત તો તે લાંબી છે એમ કદાપિ કહેવાત, પણ અવ્યવસ્થાનો દોષ કાઢી શકાત નહિ. ત્યારે તે ચરિત્ર છૂટું આપ્યું એટલા માટે કાંઈ દોષ કાઢવાની જરૂર જણાતી નથી, અને આ દોષ કોઈ કાઢે છે એ વાત અમે સંભારત નહિ, પણ અમને એ જીવન- ચરિત્રમાં જ એક બે દોષ બીજી જાતના અને બહુ અગત્યના માલમ પડે છે તેથી એમ કરવાનું ઉચિત ધાર્યું છે. પ્રથમ તો આવા જન્મ ચરિત્રમાં સંક્ષેપથી રસભરી હકીકતો જ આપવી જોઈએ. જરા પણ ટાહેલું કરવું એ મોટો દોષ ગણાય, કેમ કે એ ચરિત્ર ગ્રંથના વિષયથી પરાઈ વસ્તુ છે. બીજું ચરિત્ર પુરુષના વિવેચક થવાનો તો એવે પ્રસંગે હક જ નથી અને તેથી એ મરનાર ભાઈએ શ્રીમંત વર્ગના છતાં સરકારી નોકરીની લલુતા રાખી અને સ્વતંત્ર ધંધો કરવાનું મન ન કર્યું વગેરે ખરી પણ સમયાનુચિત વાતોનું તજવીજથી ડહાપણ કર્યું છે એ અમને ઘણું જ ખોટું અને અરસિક લાગે છે. એ ડહાપણ વાપરવાનો ખરો સમય આપારાવની હયાતીમાં હતો. છોટાલાલ તે વેળા મિત્ર તો હતા જ ત્યારે એ પ્રમાણે શા માટે સલાહ આપી નહિ? આ વખતે તેના જ જીવનચરિત્રમાં એ ડહાપણ ક્યાંથી સાંભરી આવ્યું? જો તે વેળા પોતામાં એવી રીતની સમજ નહોતી આવી એમ હોય, તો આપારાવમાં પણ ન હોય એમાં કાંઈ નોંધવાલાયક વાત અમને જણાતી નથી. અમે ઉપર જ કહ્યું છે, સ્વતંત્ર ચરિત્રનિરૂપકના સઘળા હક આ કોષકારને નથી. કોષ સાથે પોતાના મિત્રનું ચરિત્ર પ્રેમભાવને નિમિત્તે જ આપી શકાય. પણ જ્યાં પ્રેમભાવ વીસરી પંડિત થવા માર્ગે ત્યાં વાંચનારને હક છે કે તેને અટકાવે અને કહે કે જો તમારે એટલી બધી પંડિતાઈ કરવી હોય તો નિરાળું ચરિત્ર છપાવો અને કોષના ભોગીને નકામા ઠગાઈથી કનડો નહિ. આથી પણ એ ચરિત્રમાં બીજે ઠેકાણે વધારે અરસિકતા બતાવી છે. આપારાવના લગ્ન પ્રસંગનો લાભ લઈ નાતવરા વગેરેનો ખૂબ પક્ષ ખેંચ્યો છે, અને તે વિરુદ્ધ બોલનારા સુધારાવાળાને ઘણી ડાહી ડાહી શીખામણો દીધી છે. કદાપિ આ વાતને ‘મર લખે’ એમ ગણી કાઢીએ તો કઢાય, કેમ કે જ્યાં પ્રેમ ભાવ એ જ ચરિત્ર લખવાનું માન્ય કારણ છે ત્યાં પાત્ર સંબંધી બનાવોનો પક્ષ કરે એમ આશા જ રાખવી જોઈએ. પણ દિલગીરીની સાથે કહેવું પડે છે કે આ બધા પાંડિત્યનું કટાક્ષ એથી ઊલટું જ જણાય છે! આપારાવના પિતા રાવબહાદુર ભોળાનાથ સારાભાઈ અમદાવાદી સુધારાના હાલ અગ્રેસર છે એ વાત કોઈને અજાણી નથી. હાલ તેઓ નાતવરા, બાળલગ્ન, મૂર્તિપૂજા વગેરેની સામા ખુલ્લા બહાર પડેલા છે. છડેચોક પુનર્લગ્નને ઉત્તેજન આપે છે, અને ટૂંકામાં જેને ભાઈ છોટાલાલ તિરસ્કારની સાથે ‘નવા મતવાદી’ કહે છે તેઓના કદાપિ અગ્રેસર નહિ, તો પણ ખરા દિલથી સહાય આપનારા તો છે જ. આ બધી વાત જાણ્યા છતાં આપારાવના લગ્ન પ્રસંગે લખલૂટ કરેલો ખર્ચ સંભારવો, વખત બદલાઈ ગયો એમ કહી છૂપી રીતે પણ ચતુરથી અજાણ્યો ન રહે એવો ઊંડો નિસાસો મૂકવો, અને પછી નવા મતવાદીઓને મારૂનો મગ અને હાડા રજપૂતોની કહેવતો પ્રમાણે નહિ વરતતાં વિચારવંત અને કેળવાયેલા ગૃહસ્થોએ દેશ કાળ, આચાર રૂઢિઓને લક્ષમાં લઈને પોતાના ઉપાયો ચલાવવા એવો મોટા ડોળથી બોધ કરવો એ કાંઈ નહિ પણ ભોળાનાથભાઈ ઉપર કટાક્ષ અને તેમની પ્રાર્થના સમાજમાં અપાતા બોધનો જવાબ જ હોય એમ લાગે છે. એ સમાજના બોધ સંબંધી અમે કાંઈ પણ અભિપ્રાય આપી શકતા નથી, અને આ લખનાર ખાનગી રીતે પણ હાલ તેથી અલગ છે, તોપણ એ સમાજ શુદ્ધ બુદ્ધિથી જે માને છે તે પ્રવર્તાવવાને ખુલ્લી રીતે પ્રયાસ કરે છે એ વાત સ્તુતિ પાત્ર છે. માનવું કાંઈ અને કહેવું કાંઈ એ ધર્મ તથા નીતિ બંનેથી વિરુદ્ધ છે. ‘ધીરે ધીરે સુધારાનો સાર’ એ બોધ ધોળ ગાનારી બાઇડીઓને જ અનુસરતો છે એમ અમે માનીએ છીએ. અમે તો ‘સત્યંજયતિ’ એ માહાવાક્યને જ ખરી નીતિ ગણીએ છીએ, અને કદાપિ અર્થ બુદ્ધિવાળાઓને તે નહિ પરવડતું હોય તોપણ અમારું અંતઃકરણ તો તે જ માન્ય કરી શકે છે, તે છતાં દલપતરામ અને તેના શિષ્યોને ‘ધીરે ધીરે સુધારાનો સાર’ એમ બોધ કરવાનો સંપૂર્ણ હક છે, અને ભાઈ છોટાલાલે તેમ કર્યું માટે અમે તેનો કાંઈ પણ વાંક કાઢતા નથી. પણ અમારું કહેવું એટલું જ છે કે પ્રેમને વિષે લખવા માંડેલા ચરિત્રમાં આ કટાક્ષ રસિક કે કુલીનને મોઢે શોભે એવું નથી, અને તેમ કરવાથી આ ગ્રંથમાં એ ચરિત્ર દાખલ કરવાનો હક જતો રહે છે. પ્રેમભાવ જ્યાં હોય છે ત્યાં પ્રિયતા સઘળા સંબંધી ઉપર પણ સહજ પ્રેમ થાય છે. પ્રિયના પૂજ્ય તે પોતાના પૂજ્ય થઈ પડે છે, અને વળી તે પ્રિયના મરણ પછી તો તેમ વિશેષ કરીને જ થાય છે. પ્રિયના તીર્થરૂપ તરફ કદી કટાક્ષબુદ્ધિ થાય જ નહિ, અને મર્મ વચન તો બોલાય જ કેમ? જો સ્વતંત્ર જ ચરિત્ર છપાવ્યું હોત, તો આ બંધન નડત નહિ, અને ત્યાર પછી એ સમાજ કે ગમે તો બધા સુધારાવાળાની મરજીમાં આવે તેટલી ધૂળ ઝાટકી હોત તો તે કરવાને એ ભાઈ સંપૂર્ણ મુખ્તીઆર હતા. પણ આ ઠેકાણે તો એમ કર્યું તે જરા ઠીક કર્યું નહિ એમ અમારે કહેવું પડે છે. અમે આશા રાખીએ છીએ કે આ કટાક્ષ જાણી જોઈને નહિ, પણ ‘નવા મતવાદી’ ઉપરનો જુસ્સો ઉભરાઈ જવાથી જ લખાઈ ગયું હશે, અને તેથી આ કોષની બીજી આવૃત્તિ છપાવવાનો સમય આવે તો એ ચરિત્રમાંનું સઘળું પાંડિત્ય દૂર કરવાને એ ભાઈ ચૂકશે નહિ. પ્રિય મિત્રનું અગિયાર પાનાંનું ચરિત્ર લખવા બેસવું તેમાં ચારેક પાનાં તો સુધારા સંબંધી પોતાની વિચારોની સફાઈમાં જ રોકવાં એ બહુ અજૂગતું દેખાય છે; અને કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી, કેમકે એમ ઓઠે રહી કાંકરા મારવાથી એ ‘મતવાદીઓનો’ કોટ તૂટી પડવાનો નથી. જો મરજી હોય તો ‘ધીરે ધીરે સુધારાનો સાર’ એ મહાસૂત્ર ઉપર ભાષ્ય લખી પ્રગટ કરવું, અને તેમાં ચાહે તેટલી ‘દેશ, કાળ, આચાર, રૂઢિ’ વગેરેને લક્ષમાં રાખી જ વર્તવાની ભલામણ કરવી.

૧૮૭૯