નાટક વિશે/અભિપ્રેત પ્રતીત થયું છે?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અભિપ્રેત પ્રતીત થયું છે?[1]

મહાભારત કે રામાયણ કે શ્રીમદ્ ભાગવતના કોઈને કોઈ પ્રસંગ કથાનક કે આખ્યાન પર નાટક રચવાની પ્રવૃત્તિ આજકાલની નથી. ભારતે એ પ્રવૃત્તિ કરી. કાલિદાસ, ભવભૂતિ કે ભટ્ટ નારાયણ જેવાએ પણ એ પ્રવૃત્તિ કરી છે. (એની વાત મુ. શ્રી રસિકલાલ પરીખે પૂરા અધિકારપૂર્વક પરિત્રાણના પુરોવચનમાં કરી છે.) ગુજરાતીમાં પણ તખતા પર અને પુસ્તકમાં આ કથાનકો નાટકરૂપે અવતર્યાં છે. એક જમાનામાં ગુજરાતી રંગભૂમિ પર આ પૌરાણિક કહેવાતાં નાટકોની તો ઝાકઝમાળ બોલબાલા હતી. પછી તો ન્હાનાલાલ, બટુભાઈ ઉમરવાડિયા, મુનશી, યશવંત પંડ્યા આદિએ પણ એ ભંડારમાંથી કાંકને કાંક લઈને નાટકો રચ્યાં. ઉમાશંકરે પણ એમના પદ્યનાટકોને માટે મહાભારતના થોડાંક કથાનક લીધાં છે. ગુજરાતી રંગભૂમિ પર આવેલાં આવાં નાટકો અને કહેવાતા નાટ્યસાહિત્યમાં ઊતરેલાં નાટકમાં એક મૂલગત ફરક હતો. રંગભૂમિ પરનાં નાટકને માત્ર સામાન્ય રીતે ચમત્કારિક કથાનકનો ખપ હતો. ટ્રાન્સફર સીનો અને ભક્તાધીન ભગવાનથી કૃપાલીલા બતાવવાનું એમણે માથે લીધેલું, કારણ કે પ્રેક્ષકોની કૃપાલીલા ઉતારવાનું એ એક સાધન હતું (આનો પ્રભાવ તો સ્વત: પરિત્રાણની ભજવણીની જાહેરાત સુધી છે. ટિકિટબારીને બોલતી રાખવા જાહેરાતમાં `સદેહે શ્રી કૃષ્ણ’ અને ચમત્કાર, અને પુણ્યશ્લોક પાંડવો જેવું લખાયું છે.) પણ સાહિત્યમાં અવતરતાં આવાં નાટકોને લખનારાનો એક બીજો ઉદ્દેશ પણ સ્પષ્ટ તરી આવતો. એમને આ બધામાં કશું નવું દર્શન થતું અને પોતાને થયેલા આ દર્શનને, એ કલ્પનાને, એ વિભાવનાને, સદૃશ કરવા એ આનો આધાર લઈને નાટકમાં ઢાળતા કન્નડમાં કૈલાસમ્-નું નામ આ પ્રવૃત્તિમાં અગ્રપદે ગણવું જોઈએ હિન્દીમાં તાજેતરમાં મંચન થયેલું અન્ધાયુગ આવી પ્રવૃત્તિનું એક સીમાચિહ્ન ગણાય. શ્રી `દર્શક’ની નામના નવલકથાકાર તરીકેની તે અત્યંત સુદૃઢ છે. `પરિત્રાણ’ લખીને એમણે નાટકકાર તરીકે પણ ગુજરાતીમાં એમની ગણના કરવી પડે એવો યત્ન અધઝાઝેરો સફળ યત્ન કર્યો છે. સર્વ સ્થળે સાહિત્યકાર પોતાના કીર્તિદાયી સાહિત્ય સ્વરૂપને જ વળગી નથી રહેતા. અન્ય સાહિત્ય પ્રકારને પણ એ અજમાવે છે. અને શ્રી દર્શકે પણ નાટક પર હાથ અજમાવ્યો. એમના જણાવ્યા પ્રમાણે તો એમને કુરુક્ષેત્ર નામની નવલકથા લખવી હતી. પણ સમયાભાવે એ ન બન્યું પણ એકઠી કરેલી સામગ્રીને એમણે નાટકમાં ઢાળી. પણ નાટક એ તો સાધન છે. શ્રી. દર્શકને `પરિત્રાણ’માં જે અભિપ્રેત છે તે તો એમણે `બે બોલ’માં કહ્યું જ છે : આપણે પૂર્વ કે પશ્ચિમના સૌ કોઈ, એક તીવ્રતમ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને તે કટોકટીનું કારણ બહાર નથી. પણ અંદર જ છે. આપણે પોતે જ છીએ... આપણો નાશ થવાનો હોય તો આપણી અંદર વસતા દુર્યોધન દ્વારા થવાનો છે. મહાભારત ગૃહકલહનું મહાકાવ્ય છે. “પણ આનું મૂળ શ્રીકૃષ્ણ છે. તેના સારથિત્વને લીધે પાંડવો અને પાંચાલિને નિષ્ફળ કારુણ્યને બદલે શાંત કરુણરસની પ્રાપ્તિ થઈ. સ્વર્ગારોહણ પર્વ તેની સાક્ષી આપે છે. “દુ:ખમાંથી છૂટવું અશક્ય છે, પણ દુ:ખથી જન્મતી દીનતામાંથી છૂટી પ્રજ્ઞાજન્મ સાર્થકતાનો અનુભવ કરવો શક્ય છે–શ્રી કૃષ્ણની કૃપા જોઈએ...” શ્રી `દર્શકે’ નિખાલસતાપૂર્વક, પોતે મહાભારત તરફ કેમ દૃષ્ટિ વાળી એ વાત અહીં કહી છે. એક તો એમને, દેશનાં અસંખ્ય માનવી સાંપ્રતકાળ અને સ્થિતિનો જે હૈયું વિદારે એવો અનુભવ કરી રહ્યાં છે તેમાં અને મહાભારતનાં પાત્રો તથા એમાં પાત્ર તરીકે સ્થાન ન પામેલાં અનેકવિધ સામાજિકોને એ પરિસ્થિતિમાં જે ક્ષોભ, દુ:ખ, વેદનાનો અનુભવ થયો હશે એ બે વચ્ચે ઘણું સામ્ય લાગે છે, જે થવાનું છે. (હોય) તે તો થઈને રહેવાનું છે. એની ભૌતિક પરિણતિમાં કશો ફરક ન પડે. ફરક પાડી શકવાને તો કોઈ સમર્થ નથી, પણ કોક દૃષ્ટિવંતો માનવી પોતાના સારથિત્વથી પેલા કરાળ કારુણ્યમાંથી જેને ઊગરવું હોય એને તો, આવેગો શમી ગયા હોય એવી શાંત કરુણા પ્રતિ વાળી શકે. શ્રી દર્શકને આજની પરિસ્થિતિ વિષે આવું આશ્વાસન છે. અને એ આશ્વાસનમાં, ગમે તે રીતે એમને લાધ્યું હોય તેમાં, આપણને પણ સમભાગી કરવા એમણે આ નાટકની રચના કરી છે. આપણે તો આ સમજવા માટે, માત્ર દૃષ્ટિવંતો માનવી એટલો જ ઉલ્લેખ કર્યો છે. શ્રી `દર્શક’નો શ્રી કૃષ્ણ માટેનો આદર આથી ઘણો બધો અધિક છે. `બે બોલ’માં જ એમણે શ્રી કૃષ્ણની કૃપાની વાત કરી છે. (નાટકમાં આવા ભક્તિભાવભર્યાં વેણ ન જ હોય. શ્રી કૃષ્ણને નાટકના પાત્ર લેખે જેમની સાથે ભૂમિકા ભજવવાની છે તેમાં એક જૂથ ભક્તોનું છે. બીજું જૂથ તે અંતઘડીએ શંકાશીલ બનવાની જેમને સજા થાય છે એમનું છે. એકને `કૃપા’નો ભાવ ઉચ્ચારવાની જરૂર નથી. બીજાથી એવું બોલાઈ શકે એમ નથી પણ કૃપા તો બંને પર થાય જ છે. સવાલ આટલો જ છે. `પરિત્રાણ’માં શ્રી કૃષ્ણની કૃપાને કારણે પાંડવો તથા પાંચાલીનો નિષ્ફળ કારુણ્યમાંથી ઉગારો થયાનું પ્રતીત થાય છે? એમના ચિત્તને શાંત કરુણરસની પ્રાપ્તિ થઈ છે, એવું પરિત્રાણના વાંચક કે પ્રેક્ષકને પ્રતીત થાય છે? અને આમાંથી ઉદ્ભવતો બીજો પ્રશ્ન તે આવી પ્રતીતિમાં નાટક, માધ્યમ તરીકે, કેટલે અંશે સાધકબાધક નીવડે છે? પોતાને પ્રાપ્ત થયેલી પ્રતીતિને વાંચક પ્રેક્ષક લગી પહોંચાડવા માટે નાટકનો સાધન તરીકે ઉપયોગ થયો તે ઉપકારક નીવડ્યો? મુ. શ્રી. રસિકભાઈ મહાભારતના આ પ્રસંગોને નાટકમાં ઢાળવાના હેતુનો પુરોવચનમાં થોડો ઉલ્લેખ કર્યો છે. માત્ર નાટકને વાંચતાં ‘બે બોલ’માં શ્રી દર્શકે દર્શાવેલા હેતુ સાધવા કે પ્રતીત કરવા તેમાં કશો યત્ન થયો હોય એવું લાગતું નથી, નાટક વાંચતાં કે જોતાં પણ આવો કશો હેતુ હોય એવી છાપ પડતી નથી. જે બે પ્રસંગો નાટકમાં આવા હેતુસર આણવામાં આવ્યા હોય એમ કલ્પનાને થોડી લંબાવીને કહી શકાય તે છે (૧) બીજા અંકના ત્રીજા પ્રવેશને અંતે ભીષ્મ-શિખંડીનું મિલન અને (૨) અંક ત્રીજાનો બીજો પ્રવેશ-ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં જતાં હોય છે તેમાં કુંતા જોડાય છે તે પહેલો પ્રસંગ શ્રી દર્શકની કલ્પનાનો છે. બીજો પ્રસંગ મૂળ મહાભારતમાં છે જ. પહેલો પ્રસંગમાં શ્રી દર્શકે એવી કલ્પના કરી છે કે વિષ્ટિ કરવા આવતા શ્રી કૃષ્ણ પોતાની સાથે ઉત્તરા-અભિમન્યુ અને શિખંડીને લેતાં જાય છે. શ્રી કૃષ્ણ વિષ્ટિ કરે છે ત્યારે આ ત્રણે સભાગૃહમાં ઉપસ્થિત છે. વિષ્ટિને અંતે શ્રી કૃષ્ણને સુદર્શન હાથમાં લેવું પડે છે. અને એનો જુદાં જુદાં પાત્રો પર જુદો જુદો પ્રભાવ પડે છે. ગાંગેય પર આનો જુદો પ્રભાવ પડે છે. “હવે શી યુદ્ધની ફિકર કે શી મૃત્યુની ચિંતા, જે જોવા માટે ભક્તજનો રાતદિવસ આંસુ સારે અને તપ કરે, તે સ્વરૂપ નિહાળી લીધું. હવે શું બાકી રહ્યું? કૃતકૃત્ય થઈ ગયા. ધન્યવાદ તને દુર્યોધન કે તારી હઠને પ્રતાપે, અમને હરિના વિરાટસ્વરૂપનાં દર્શન થયાં. તારા પ્રતાપે અમે તો તરી ગયાં. તું છો ડુબતો.’ [ચાલવા માંડે છે. વિથિમાં અર્ધ જાગૃત અવસ્થામાં શ્રી કૃષ્ણનું સ્તવન કરતાં કરતાં જાય છે.]

***

અને શિખંડી પૂછે છે : તમે યુદ્ધે ચડવાના ખરા ને? ભીષ્મ : (અર્ધ જાગૃતની જેમ) એ તો પૂરું ય થઈ ગયું. શિખંડી : તમે સમજ્યા લાગતા નથી. યુદ્ધ હજુ તો શરૂ પણ નથી થયું. ભીષ્મ : (જાગૃત થતાં) હા, તે તો અમાવસ્યાએ થશે. હું તો મારા બીજા યુદ્ધની વાત કરતો હતો. અને શિખંડીએ મોંએ જ નાટકકાર પેલા બીજા યુદ્ધની વાત ચાતુરીથી કહેવડાવે છે. શિખંડી કહે છે : મને ઓળખો છો ભીષ્મ? (ધીમેથી) હું પોતે યુદ્ધમાં હણશે એમ કહે છે, અને પોતે એના પર હથિયાર નહીં ચલાવે એમ કહે છે. શિખંડી પોતે “પૂર્વે સ્ત્રી હતો માટે કે?” એમ પૂછે છે. ભીષ્મ નિખાલસતાથી જવાબ દે છે; તું પૂર્વની અંબા છે. અંબાને મેં આશાભંગ કરી હતી. અને ભીષ્મ પોતાને હાથે અંબાની થયેલી અવદશાને યાદ કરે છે. યાદ કરતાં પણ શિખંડી અંબા નથી. એને માત્ર એનું સ્મરણ છે એમ કહેતાં `અંબા કાશીરાજતનયા તો અતુલ રૂપવતી હતી’ એમ કહે છે. શિખંડી ઉત્તેજિત થાય છે અને ભીષ્મ પાસે પોતે પ્રતિજ્ઞાબદ્ધ ન હોત એમ કહેવરાવે છે. પણ પાછો ભીષ્મ કહે છે : મારો કોઈ ઉપાય નહોતો, અંબા માટે’ શિખંડીને, નારીને તો કલ્પના આવે છે `આપણાં–ક્ષમા કરો; ભૂલું છું-તમારા જ સંતાન’ની અને સાથે જ સ્મરણ થાય છે. `તો આ હત્યાકાંડ તો ન થાત’ ભીષ્મ એને યાદ આપે છે. આ તો ભીષ્મ કરતાં ક્યાંયે મહાન એવા મુનિશ્રેષ્ઠ વ્યાસનાં આ સંતાન છે. એ જો આવાં થયાં તો પ્રતિજ્ઞાચ્યુત ભીષ્મનાં કેવાં થાત? (શ્રી દર્શકે સાવ અજાણતાં પણ બર્નાડશોએ એક રૂપવંતી નૃત્યાંગનાની લગ્ન કરવાની દરખાસ્તના કહેવાતા જવાબની યાદ અપાવી છે. `મારું રૂપ, તમારી બુદ્ધિ,’ `ના, મારું રૂપ તમારી બુદ્ધિ’). અને ત્યાંથી વાત આવે છે ભીષ્મની માનસિક પ્રતિજ્ઞાની. કુલકલહે ઘૃણા ઉપજાવી છે. મારે અર્જુનને હણવો નથી. હણાવું છે. આજના અપૂર્વ હરિદર્શનના આનંદ પછી કશું જોવા જાણવાનું બાકી રહ્યું નથી…તું બાણ મૂકજે. હું પાકા ફળની જેમ ખરી પડીશ.’ અને શિખંડી ભીષ્મને પગે પડીને કહે છે. મારે પેલું વરદાન નથી જોઈતું. હું ફરી હતી તે અંબા – જેને તમે રથમાં નાંખીને લઈ ગયા હતા તે અંબા થવા ઇચ્છું છું. ભીષ્મ કહે છે : તે તો હવે ત્રીજે ભવે, પણ તુંય મને ક્ષમા કરજે... આ અહીં ઉતારવાનું કારણ શ્રી દર્શકનું કલ્પન કેવા પ્રકારનું છે કારણ કે આ આખો પ્રસંગ એમણે કલ્પ્યો છે – તે જોવા માટે નથી. આ ઉતારવાનું કારણ તે પેલા `બે બોલ’માં નિર્દેશેલો હેતુ અહીં બર નથી આવતો એ જોવાનું છે. (આગળ આ પ્રસંગની મંચીય યોગ્યતા વિશે કહેવાનું આવશે) આમાં સારથિત્વનો પ્રભાવ નથી. કારણ જરા આશ્ચર્ય પમાડે એવું છે. સારથિત્વના આવિર્ભાવ જેવું વિશ્વરૂપ દર્શન એ કશા અદ્ભુતનો અનુભવ નથી. જો કાંઈ પણ હોય તો તે આધ્યાત્મિક અનુભવ હોવો જોઈએ. અને અહીં એ સ્તબ્ધતા નથી પણ ડઘાઈ ગયાની છે, નાટકના છેલ્લા પ્રવેશને જુઓ. યુદ્ધ પત્યું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એક યુયુત્સુ સિવાયના સર્વ પુત્ર અને અશ્વત્થામા, કૃપાચાર્ય સિવાયના સર્વ તરફદારો ગુમાવી બેઠાં છે. પાંડવોએ રાજ્ય મેળવ્યું છે એને પંદર વરસ વીત્યાં છે. પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાચા અર્થમાં માનસિક શાંતિ નથી મળી. પાંડવોએ પેટના દીકરાએ કર્યું હતું એ કરતાં વિશેષ કર્યું છે. પણ માતાપિતાનું મન તો પેલા વારી ન શકાયા અને કલહની આગમાં ખપી ગયા એ પુત્રોમાં જ રમે છે. હા તાત્કાલિક ક્રોધ (ધૃતરાષ્ટ્રે ભીમને ભીંસવાનો કરેલો પ્રયોગ અને ગાંધારીએ શ્રી કૃષ્ણને દીધેલો શાપ) શમ્યો કહેવાય, પણ એ તો રાખ વળ્યા જેવું. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોની રજા લઈને વનમાં જવા નીકળે છે. પાંડવો ખેદ અને આશ્ચર્ય સાથે વનમાં જતાં જોઈ રહે છે. અહીં પણ કોઈનેય પેલા શાંત કારુણ્યનો પ્રભાવ સ્પર્શ્યો હોય એમ લાગતું નથી. નાટકકારે એવું ક્યાંય પણ પ્રતીત થાય એમ ઇશારો સરખો કર્યો નથી. એટલે એ ‘બે બોલ’માં વ્યક્ત થયેલી ભાવના નાટકમાં ક્યાંય આકાર પામતી નથી. એ ભાવનાને વ્યક્ત કરવા માટેના પ્રસંગો આ નાટકને માટેની પ્રસંગવીણણી-ગૂંથણીમાં સ્થાન પામ્યા નથી. પસંદગી પામેલા અને નિરૂપિત પ્રસંગો આવો ભાવ કે પ્રભાવ પાડવા-પહોંચાડવા અસમર્થ છે. એવું બન્યું હોય કે પહેલાં નાટક લખાયું હોય દેખીતી રીતે જ મુ. શ્રી રસિકભાઈની પ્રસ્તાવના ‘પુરોવચન’ લખાઈ હોય. અને ‘બે બોલ’ ત્યાર પછી કે તે દરમ્યાન લખાયા હોય. તારીખો બધે ઠેકાણે છાપી છે. પણ તે થોડી ગેરસમજ કરે એવી છે. શ્રી દર્શકને મુ. શ્રી રસિકભાઈએ નાટકનો જ હેતુ સારવ્યો છે તેની વિસ્મૃતિ થઈ હશે? શ્રી રસિકભાઈ પરીખે પા. ૧૨ પર નોંધ્યું છે તેમ (એમના અભિપ્રાય મુજબ) : `પરિત્રાણ’ નાટકના બે પ્રતિસ્પર્ધી તત્ત્વો શકુનિ દ્વારા વ્યક્ત થાય છે : બળ અને ધર્મની સ્પર્ધા. અને સાથે સાથે રજૂ થાય છે મહાભારતનો મોટો કોયડો કે ધર્મપક્ષી કૃષ્ણે બળવાન પ્રતિસ્પર્ધીને હરાવવા ધર્મનું પાલન કેમ ન કર્યું? અને પા. ૧૩ (પુરોવચન) પર : `પરિત્રાણ’ નાટકના બે પ્રતિસ્પર્ધી તત્ત્વો બલ અને ધર્મ, શકુનિ અને કૃષ્ણ, શકુનિ યુદ્ધને અનિવાર્ય કરવામાં ફાવે છે. કૃષ્ણ યુદ્ધને રોકી શકતા નથી; પરંતુ પાંચ પાંડવોને બચાવી ધર્મનું પરિત્રાણ કરે છે એ આ નાટકનું તાત્પર્ય હશે? અને શ્રી રસિકભાઈ પૂછે છે : `કે ઈશ્વરના ધર્મક્રમમાં યુદ્ધ પણ આવશ્યક?’ આ સાથે જ નાટકને ‘પરિત્રાણ’ નામ આપ્યું છે તે ઘણી જ મહત્ત્વની અને સારગર્ભ વાતને સાંકળીએ તો જેવી રીતે નાટક છપાયેલું અને ભજવાયેલું આપણી સમક્ષ રજૂ થયું છે એનો હેતુ સમજાય એમ છે. શ્રી દર્શકે પેલી જે શાંત કારુણ્યની વાત કહી છે તે આ નાટકમાં સ્ફૂટ થતી નથી. સ્ફૂટ થાય છે માત્ર આટલું કે શકુનિ, આ નાટકમાં જેનું દર્શન નથી એવા ઘુ઼ત સભાના પ્રસંગથી (જેમાં વિસ્મય થાય એવી વાત એ છે કે કૌરવોના એક માત્ર સ્પોકમેન તરીકે શકુનિને જરાકે સ્થિર નહીં એવા યુધિષ્ઠિરને હલાવવાનો છે : તમને (જુગટું રમતાં) શેનો ભય છે? એ ધ્રુવપદ) આ લીલાનો વિસ્તાર કરે છે. બળ એ જ ધર્મ, બળ એ જ ન્યાય, બળ એજ નીતિ, બળ એ જ આચાર બાકીનું બધું કોરું ટીપણું. આ વાત એ સહુ કૌરવપક્ષીઓને ગળે ઉતારે છે. શકુનિ પોતાની આ આચાર-વિચારની ભૂમિકા પર એટલો તો અટળ છે કે એ ગાંધારીને બાજુએ મૂકીને, ભીષ્મ અને દ્રોણાચાર્યને બાજુએ મૂકીને જે કૌરવપક્ષે બળનો મુખ્ય સ્રોત થઈ શકે એમ છે તે કર્ણને જ સમજાવવાની વાત કરે છે. નાટકની ખરી કામગીરી તે વિષ્ટિના પ્રસંગોની છે. અને તેમાં પણ નાટકકારે મહાભારતની વાતને વધુ સ્ફૂટ કરીને મૂકી છે. અમાવસ્યાના પડકાર પહેલાં વિષ્ટિની પરંપરા ચાલી છે, વિષ્ટિકાર શ્રી કૃષ્ણ હોવાથી એ (સ્પેસિફિક?) વિષ્ટિને વિશેષ ઉઠાવ સહજ રીતે મળ્યો છે. પણ જો માત્ર પાંડવોને એમનો ભાગ આપવાની તડજોડની જ વાત કરીએ તોય એક કરતાં જે વિશેષ વિષ્ટિઓ એકલા ઉદ્યોગપર્વમાં થઈ છે એ સહુનું મહત્ત્વ છે જ. પણ એથી પણ વિશેષ મહત્ત્વ તો છે બીજી આડ વિષ્ટિઓનું, જેમાં કુંતી કર્ણને `તું મોટોભાઈ છે અને મોટોભાઈ થા.’ એમ સમજાવવા મળે છે એ પણ એક વિષ્ટિ જ છે. હકીકતમાં એ જ શિરમોર રૂપે છે. પરિત્રાણની શરૂઆત જ ગાંધારી કુંતા આગળ વિષ્ટિ કરે છે ત્યાંથી થાય છે. હેતુ ઉદાત્ત હોવાથી હેતુ નથી રહેતો એમ નહીં કહી શકાય. એ સાથે એક એક પાત્રને મનમાં પાકી ગાંઠ છે. દરેક પાત્ર પોતાના મનના આ વળગણને સાવ ખુલ્લું નથી કરતું. અને છતાં પેલું સ્થૂળ સારથિત્વ (નાટકમાં સૂક્ષ્મ સારથિત્વ નજરે નથી. ચઢતું–અને એના આ લખનારને સમજાયેલા કારણની આગળ થોડી વિચારણા કરી છે). આ વળગણને ઓગાળવાનું કામ કરે છે એમ નાટક વાંચનારે સમજવું એવી નાટકકારની અપેક્ષા લાગે છે. શકુનિને શંકા થાય એ પણ એક રીતે એવા પાત્રનો વાસનામોક્ષ છે. ભીષ્મ શિખંડીને ત્રીજા ભવની વાત કરે એ વાતને નાટકકાર પરિત્રાણ તરીકે જુએ છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતા, વનમાં જાય છે એ એમનું પરિત્રાણ છે. એ નજરે પરિત્રાણ નામ સાર્થક લાગે છે. એ નામમાં જ હેતુ સમાયો છે. એટલું પણ કહેવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે રહ્યો પેલો શકુનિ-કૃષ્ણનાં ધર્મ અને બળની. અનોખી છતાં શાશ્વત ચાલી આવતી તુલનાને વ્યક્ત કરતા દર્શનનો પ્રશ્ન આ અંગે બે પ્રશ્ન મનમાં ઊઠે છે : પહેલા પ્રશ્નને તો મુ. શ્રી રસિકભાઈએ મહાભારત લખાયું ત્યારથી ચાલ્યા આવતા પ્રશ્ન તરીકે ઉલ્લેખ્યો છે. ધર્મ, ધર્માચરણ વગેરેની વાત કરતા શ્રીકૃષ્ણના પોતાના આચરણને ધર્મસ્થિત કહેવાની મુશ્કેલી આધુનિક એટલે હમણાં જ ધ્યાન પર આવી હોય એવી નથી. શ્રી દર્શકે પોતાની કલ્પનાથી જે ઉમેર્યું કે શ્રી કૃષ્ણ, વિષ્ટિ, પ્રસંગે, ઉત્તરા-અભિમન્યુ અને શિખંડીને પોતાની સાથે લઈ ગયા તે શા સારું? પેલા સારથિત્વની શક્ય એવી વિભાવના માટે? તો એમ પણ કહેવું પડે, આ કલ્પન શ્રીકૃષ્ણના પાત્રને ઉજમાળું કરતું ગૌરવ અર્પતું કલ્પન નથી. ઉત્તરા-અભિમન્યુને તાજાં જ પરણેલાં પાંડવ વરવધૂને કૌરવ વડીલ પાસે લઈ જવાનો હેતુ જો કૌરવનાયક દુર્યોધનના મનમાં આ પેઢીના યોગક્ષેમનો પણ વિચાર કરવો જોઈએ એવો વિચાર સળવળાવવાનો હોય તો એ ઘણી નિમ્ન કક્ષાની ગણતરી કહેવાય. શિખંડીને સાથે લઈ ગયા તે તો પેલું ગાંગેય ભીષ્મના કાનમાં આ નારીના પ્રથમ ભાવમાં અને અન્યાય કર્યાનું યાદ કરાવવાનો, અને વિરાટ પુરુષના પ્રતિજ્ઞાબંધનને જરા સરખું પણ શિથિલ કરવાને કાંક આધાર આપવાનું હોય તો એ નથી ભીષ્મને શોભતું, નથી એવી પ્રયોજના કરતા શ્રીકૃષ્ણને માજી દેશી રજવાડાની ખટપટની ઉચ્ચ સપાટીથી આગળ લઈ જતું. (મુ. શ્રી. રસિકભાઈ જે એમ વિધાન કર્યું કે વિષ્ટિ પ્રસંગે અભિમન્યુ-ઉત્તરાની ઉપસ્થિતિની કલ્પના મૌલિક છે એ યથાતથ સ્વીકારી શકાય એમ નથી, કારણ કે અભિમન્યુના નામે ભજવાતી બંગાળી જાતરામાં તો લગ્ન બાદ અભિમન્યુ ઉત્તરાને લઈને વડીલ દુર્યોધનના આશીર્વાદ લેવા આપમેળે જાય છે,–શ્રી કૃષ્ણના વિષ્ટિમંડળમાં સાથે નહીં, પણ એકલાં જાય છે. અને તે દરમ્યાન વિષ્ટિની વાત આવે છે એવું નિરૂપણ છે. જાતરામાં એવાં બે બીજાં સાવ મૌલિક ઉમેરણ છે તે શિવનું વરદાન મેળવીને આવેલો જયદ્રથ લડાઈમાં, હવે અર્જુન અને અભિમન્યુને હણીશ એમ કહે છે ત્યારે ધૃતરાષ્ટ્રપુત્રી દુઃશલા પતિ જયદ્રથને કહે છે તે ઉક્તિઃ તો હું વિધવા હોઈશ એ, અને દુર્યોધન-દુ:શાસને યુયુત્સુ એમનાં અન્યાયી કૃત્યો બદલ ટપારે છે એ છે. પણ એવું કલ્પન પણ જે પેલા સારથિત્વના ઉચ્ચ આદર્શને (અહીં હેતુને) પાર પાડતું હોય તો સ્વીકાર્ય બને. કમભાગ્યે આમ નથી બનતું કારણ કે નવલકથાકાર શ્રી દર્શકે નવલકથાની બે વાતને જોડોજોડ મૂકી દીધાથી વાંચક પોતાની મેળે એનો સ્ફોટ અનુભવી શકશે એ રીતનું અનુસરણ કરાવ્યું છે. નવલકથામાં માત્ર સહ–ઉપસ્થિતિ Juxtapositionથી પણ, સ્ફોટ દ્વારા કરવા ધારેલી અસરનો આભાસ ઊભો કરી શકાય છે. નાટકમાં તો તે એ દ્વંદ્વ ખેલાવું જ જોઈએ. – It must be resolved – છેવટે પ્રતિભાવ response અને/કે મનોગતની રીતે પણ ખેલવું આવશ્યક છે. નાટકમાં આમ થવું અનિવાર્ય ગણાય, એક મોટી મર્યાદા સાથે કે આવું દ્વન્દ્વ એ theatrical નાટકી અતિરંજનનું નહિ પણ dramatic નાટ્યાત્મક રીતનું હોવું જોઈએ. Theatrical ઉકેલ એ legitimate ઉપયુક્ત અને પ્રમાણિત હોવાં છતાં એ થાપ આપીને પ્રથમ ક્ષણે જ false, છેતરામણો, આભાસી, ભ્રામક બની જાય છે. Dramatic નાટ્યાત્મક દ્વન્દ્વ (આમાં પાત્રો પક્ષકાર કે પ્રતિસ્પર્ધી નથી હોતાં)માં સચ્ચાઈ અને સચ્ચાઈની પ્રતીતિ હોય છે. આ જ મુદ્દાનું એક મોટું ભયસ્થાન પણ પરિત્રાણમાં જ જોવા મળે છે. આપણે મુ. શ્રી રસિકભાઈનું વિધાન કે આ નાટકમાં શકુનિ જેના પુરસ્કર્તા છે એવા બળનો અને શ્રીકૃષ્ણ જેના પુરસ્કર્તા છે એવા ધર્મનો સંઘર્ષ નિરૂપિત છે, એને સ્વીકારીને ચાલીએ છીએ. અને નાટકમાં અને નવલકથામાં આવવો જોઈએ એવો અંત્ય-સ્ફોટ ત્રીજા અંકના પ્રથમ પ્રવેશમાં આવે છે. ભીમે માત્ર બળથી જ, પ્રચંડ તેમજ ચઢિયાતા બળથી, દુઃશાસનને મારીને રુધિરપાન કર્યું. દ્રોપદીના છુટ્ટા, લૂખા કેશમાં લોહી પાયું. ભયાનક રસ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભીમ બોલે છે. અરે શકુનિ! આવ! અહિં આવ! તું જો કે તારી મતિએ ચાલનારાની શી વલે કરીએ છીએ અમે. ભીમને `અમે’ પણ, તારી જ મતિએ બળ સામે બળની મતિએ ચાલ્યા છીએ એમ કબૂલવું અભિપ્રેત હોય કે ન પણ હોય. પણ શ્રી કૃષ્ણને આવું અભિપ્રેત ખરું? અને શ્રી કૃષ્ણના સારથિત્વનો મહિમા કરવાને માટે જ જે લખાયું હોય એમાં તો અભિપ્રેત ખરું ખરું? શ્રી દર્શકે, વ્યાસના દોરવ્યા આપણને સારથિત્વના પ્રભાવ માટે તૈયાર કર્યા છે. આપણી અપેક્ષા જાગેલી છે. પ્રતિદર્શનના સમર્થક શકુનિને, પોતાની રીતની નિરર્થકતા, વ્યર્થતા, સમજાય એને માટે. શ્રી દર્શકે શકુનિના મનમાં શંકા જાગી છે એટલું કહ્યું છે, બતાવ્યું છે. કોઈપણ નાટકકાર માથું કપાય તોય જતું ન કરી શકે એવું સંમુખીકરણ confrontation antagonist અને protagonist જેવા શકુનિ અને શ્રી કૃષ્ણ વચ્ચે શ્રી દર્શકે પણ યોજ્યું છે. પણ ફરી પાછો નવલકથાકાર સવાર થાય છે. નાટકકારને જરા નેપથ્યમાં ધકેલે છે. શકુનિના મનમાં શંકા જાગી છે કારણ કે એણે ન માનેલું એવું પ્રચંડ બળ, યોજેલા બળને તોડી નાંખે છે. અને શ્રી દર્શક શંકાશીલ બનેલા શકુનિને શ્રીકૃષ્ણ દ્વારા એમ સમજાવવા મથે છે કે શકુનિની બળની યોજના અન્યાયી, અનૈતિક અને અસત્ય હોવાથી જ હારી છે, પાંડવોનું બળ ન્યાય, નીતિ અને સત્યના પાયા પર આધારિત હોવાથી જ જીત્યું છે. ફરી એક વાર નવલકથાની નિવેદન (enunciation) માત્રથી પ્રતિપાદન કરવાની રીત નાટકમાં અજમાવાઈ છે. અને તેમાં પણ સારથિત્વના વિજય, પ્રભાવ, કે અમોઘ શક્તિનો પરિચય નથી થતો. થાય છે માત્ર ચઢિયાતા બળનો પરિચય. સત્યનું નામ દેવાય છે એ તો પેલા રુધિરપાન અને એવા ભયાનક પરના ચમકતા સેલોફેનના આવરણની રીતે, અને કબૂલ કરવું જોઈએ કે એક સપાટીએ એની પ્રતીતિ પણ શિથિલ થઈ જાય છે. મંચ અને મંચનની નજરે પણ અહીં બે પ્રસંગોને જરા ઝીણવટથી જોવા જોઈએ. એક તો વિષ્ટિ-સભામાં શ્રી કૃષ્ણે સુદર્શનને બોલાવ્યું એ જ પ્રવેશમાં ક્ષણ જેટલા પણ વિલંબ વિના ભીષ્મ-શિખંડી સંવાદ યોજ્યો તે પ્રસંગ અને બીજો તે આ શકુનિ-શ્રીકૃષ્ણના સંવાદનો. જૂની રંગભૂમિના મંચનમાં એક સૂઝ હતી. સૂકા ભેગું ઘણું લીલું બળ્યું એમાં આ સૂઝ પણ બળી ગઈ. આ સૂઝ તે પોતાના પ્રેક્ષકને, એના ઉરતંત્રને અને આનંદ કે શોક, ગભરાટ કે ઉલ્લાસ, ક્ષોભ કે સંતોષના ઉત્કટ આક્રમણને ઝીલી શકવાની એની શક્તિ-અશક્તિ ને સમજીને કરવામાં આવતી પ્રવેશરચનાની યોજના દ્વારા વ્યક્ત થાય છે તે, આપણને આજે જરાકે પસંદ નથી પડતી. જેને ઉગ્ર થઈને વખોડીએ છીએ એવી `ટેબ્લો’ની રીત પણ આ જ સૂઝનું એક પરિણામ હતું. (નવાઈ જેવું છે જેને નવી ફિલ્મ કહેવાય છે એમાં still photography-સ્થિર કે સ્તબ્ધ ચિત્ર રીતિ–ને નામે આ `ટેબ્લો’ પાછો આવ્યો છે અને એને આધુનિકતમ ગણીને આપણે આવકાર્યો છે.) ટૂંકામાં મુદ્દો એ છે કે ગમે તે લાગણીથી ક્ષુબ્ધ થયેલા ચિત્તને ક્ષોભરહિત બનવા માટેનો સમય મળવો જોઈએ. કૃષ્ણે વિરાટ દર્શન કરાવ્યું છે. ભીષ્મ તો હજી એની ઘેરી અસર હેઠળ છે, ત્યાં આ શિખંડી ‘પિતામહ નહીં કહું’થી માંડીને ‘આપણાં-(સંતાન)-અલબત્ત થાય ત્યારનાં જ તો–ની વાત કહે છે. મંચીય તર્ક આવા એકાએક ભાવ ૫રિવર્તનની વિરુદ્ધ છે. વાંચક પ્રેક્ષક બંનેમાંથી કોઈ આને સમભાવે સ્વીકારી શકે એવું નથી. નવલકથાકાર આનું જુદું પ્રકરણ ન કરે તોય બેચાર `એમ’ની `વાઈટ’ નાંખીને અલગ તો પાડે. આવું ભાવ પરિવર્તન કોઈ પણ ચિત્તને માટે અસહ્ય અને અગ્રાહ્ય છે. સર્વ સાહિત્યમાં ભયાનક એકવાર બિભત્સની કક્ષાએ પહોંચ્યો હોય તે પછી શાંત રસ પ્રતિ જતાં કરુણ આગળ થોડોક થાક ખાતો હોય છે. હોમરમાં આનાં દૃષ્ટાંત મળે છે. આપણા સાહિત્યમાં પણ આ જોવા મળે છે. શામવાની ક્રિયા આપોઆપ જ એક રીતે પ્રવણનું અને બીજી રીતે ઉદ્દીપનનું રૂપ લ્યે છે. શકુનિ-કૃષ્ણ સંવાદ આમ યોગ્ય છે પણ એમાં કૃષ્ણે Clichesમાં લગભગ અર્થહીન બનેલા શબ્દો અને સૂત્રોથી–શકુનિના મનમાં જાગેલી શંકાને દૃઢ કરવાનો યત્ન નહીં કરવો જોઈએ. દેખાવ શંકા નિવારવાનો છે. સાચું કાર્ય તો પ્રતિસ્પર્ધીની મૂળ ધારણા જ ખોટી હતી તે પ્રતિપાદિત કરવાનો છે. એ dramatic નથી અને theatrical બની ગઈ છે એનું દુ:ખ તો શ્રી દર્શકને પોતાને પણ છે. એમ ન હોત તો નાટકનો છેલ્લો પ્રવેશ સમાપન માટે એમણે મૂક્યો ન હોત. માનવીના ઘસાઈ ગયેલા ઐતિહાસિક પૂંછડા જેવું એ ઉમેરણ છે. આ બધું છતાં પરિત્રાણ આપણે ત્યાં લખાતા, પ્રગટ થતાં અને ભજવાતાં નાટકમાં ઘણી બધી રીતે વિશિષ્ટ સ્થાનનું અધિકારી નાટક છે. વસ્તુની આભડછેટ નથી, નર્યો ઉપદેશ ઠાલવવાનો આક્ષેપ હસતે મોંએ સહી લેવાનું, આંજી દે એવું કાઠું છે, મુગ્ધ કરે એવી ભાષા છે. શબ્દોમાં નવા અર્થ ન પૂર્યા હોય તોય શબ્દ પાસે પૂરતું અને અનુરૂપ કામ લીધું છે. શ્રી દર્શકે આ રીતનું પહેલું જ નાટક લખ્યું હોવા છતાં, સંવાદમાં ધાર છે, પૂરતી વ્યંજના છે, ઊંડી લાગણીની પ્રતીતિ કરાવવાની શક્તિ છે. એ સંવાદ ઘા કરી શકે છે તો સાથે શાતા પણ આપી શકે છે. એમ છતાં પણ ક્યાંક ભાષા લથડે છે. `કાયદો’ અને એવા અન્ય શબ્દ મલમલના પોતમાં ગાંઠ જેવા લાગે છે. અને ભીષ્મ જેવા-બે વાર કોના સંતાન? એવા સવાલ પર વ્યાસને માટે જે વેણ બોલે છે [એક માછીમારણના……… પાંડવો માછીના સંતાન નથી.’– અંક પહેલો પ્રવેશ ત્રીજો; અને અંક બીજો, પ્રવેશ ત્રીજોમાં `આ સંતાનો તો ભીષ્મ કરતાં ક્યાંયે મહાન એવા મુનિશ્રેષ્ઠ વ્યાસનાં છે’ એ બીજો મોક] એ બ્રહ્મચારી ભીષ્મના ગૌરવને વધારનારી યુક્તિ નથી. [જો એ કટાક્ષરૂપે હોય તો વિશેષ પરિહાર્ય] સમગ્ર રીતે નાટકને જોતાં કશા ય હેતુ વિના બરછટ૫ણું અને ગ્રામ્ય રોબડપણું આવી ગયું છે અને એટલે મુ. શ્રી રસિકભાઈએ પુરોવચનના અંત ભાગમાં નાટકને શ્રી દર્શક વધુ સમય આપ્યો હોત તો વિશેષ રૂડું થાત એવી મીઠી ટકોર કરી છે તે ઉચિત લાગે છે. પરિત્રાણ નાટક સાથે મુ. રસિકભાઈ પરીખનું પુરોવચન પણ મળ્યું છે. તબિયત સારી નથી છતાં મુ. રસિકભાઈએ આ પુરોવચન નાટક સાથે છાપી શકાય એટલી વેળામાં લખી આપ્યું એ તો એમના નાટક પ્રત્યેના વ્હાલ અને રસનું સૂચક છે. પુરોવચનમાં એમણે નાટકની ખૂબીઓ જે રસપૂર્વક સમજાવી છે તેથી પુસ્તકની રસિકતા ખૂબ વધી છે. નાટક માણવાની ખરી કૂંચી આ પુરોવચનમાં છે. મુ. રસિકભાઈ પરીખ જેવાના લખાણમાં એક હકીકત દોષ કેમ કરીને પેસી ગયો એનું મને વિસ્મય છે. પુરોવચનના પાન ૨ પર એમણે લખ્યું છે `ભજવાતાં નાટકોમાં શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીનું `સતી દ્રૌપદી’ જે વેણી સંહારના આધારે રચાયું છે તે ગુજરાતનું ઘણું લોકપ્રિય નાટક હતું.’ `સતી દ્રૌપદી’ નાટક શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીએ લખ્યું ન હતું.’ તેના લખનાર હતા શ્રી છોટાલાલ ઋખદેવ અને નમ્રતા સાથે એ પણ લખવું જોઈએ કે એ નાટક વેણીસંહાર પર આધારિત નથી. એમ તો નારાયણ વસનજી ઠક્કરે દેવી દ્રૌપદી નાટક પણ લખેલું, જેમ ઉર્દૂમાં પણ મહાભારત નામે જ નાટક લખાયું છે. મને લાગે છે, કે મુ. શ્રી રસિકભાઈના મનમાં આવી છાપ તે શ્રી થુથીના Vaishnavism in Gujarat (ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાય) વિષેના પુસ્તકમાંથી મળી હોય. વિદ્વાન ડૉ. થુથીએ તો એમાં બેચાર વાક્યમાં અસંખ્ય હકીકત દોષ આચર્યા છે. પુરોવચનમાં ક્યાંક નાટકમાં ન હોય કે અન્યને ન જડે એવું પણ મુ. શ્રી રસિકભાઈએ જોયું છે. ક્યાંક એમને પોતાને જ કશું ખૂટતું લાગ્યું હોય એમ વરતાય છે. પણ એવા પ્રસંગોએ મીઠી મમતા પૂર્વક મુ. શ્રી રસિકભાઈએ લખ્યું છે. એવું લખવાનું એમણે ટાળ્યું નથી, અને પોતાની શંકા પ્રગટ કર્યા વિના પણ એ રહ્યા નથી. એક રીતે પુરોવચનમાં મુ. શ્રી રસિકભાઈએ પ્રશ્ર્નાર્થનો અત્યંત વિચક્ષણ ઉપયોગ કરીને પ્રશ્નાર્થને જ જાણે આશ્ચર્યચિહ્ન બનાવ્યું છે પણ એ એમની મીઠી રીત– કે રીતિ (?) છે. `પરિત્રાણ’નું સર્વ રીતે સ્વાગત.


  1. * પરિત્રાણ. લે. દર્શક. (સર્વોદય સહકારી પ્રકાશન. ૧૯૬૭ પા. ૧૨૪, રૂ. ૨.૫૦)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.