નાટક વિશે/માધ્યમની મર્યાદાઓ
દરેક યુગ પોતાના `અલૌકિકાત્મા’ને વધ કરીને જ જંપે છે અને વિશેષમાં હત્યા પછી પણ પળેપળે હત્યા કરવાનું ચાલુ જ રાખે છે. એ વિધાનના સમર્થનમાં `યુગેયુગે’ નાટક લખાયું છે. અને આજના યુગમાં આપણને ગાંધી સિવાય બીજો કયો અલૌકિકાત્મા જડવાનો કે સૂઝવાનો હતો? એટલે નાટક ગાંધીની ચાલુ રહેલી નિર્દેહ હત્યા પર એક પ્રગટ કરનારું, હસીને રોનારું, નાટક બને છે. ગાંધીજીનો નામોલ્લેખ પણ થાય અને પેલા ચીની કે જપાની રમકડાં જોતારામ, બોલતારામ અને સાંભળતારામ ન આવે એવું બની જ ન શકે. પણ એ સાથે જ ગાંધીજીનું નામસ્મરણ થાય અને એ ત્રણમાંથી આમ છૂટા પડેલા અને આમ અલગ રહી ગયેલા માનવજાતના પ્રતાપી પૂર્વજ લખતારામ પણ આવી જ જવાના. આ લખતારામ, બૂરું જુએ છે, બૂરું બોલે છે, બૂરું સાંભળે છે, ઉપરાંત બૂરું લખે છે. સારી સોબત અને સત્સંગને કારણે એ આ બધું અત્યંત શુભ હેતુથી કરે છે. આપણા સહુમાં આ લખતારામ હરઘડી હરપળ હાજર છે. અને ખૂબીની વાત એ છે કે આપણા સહુની દાનત સાફ છે. ગાંધીજી માટેનો આદર તલભાર પણ બીજા કોઈના કરતાં ઓછો નથી. અને આ દૃષ્ટિએ જોઈએ તો આ વિધાન જરા ભ્રમર ચઢાવી દે એવું બની જાય છે. આપણે સહુએ એક હકીકત હજુ લગી નથી સ્વીકારી. `યુગેયુગે’ જો આપણને એ હકીકતના સ્વીકાર તરફ વાળે તો ઘણું મોટું શ્રેય, સમાજનું, કર્યું કહેવાય. હકીકત આટલી છે : કે ચિત્તમાં જ્યાં ગાંધીજીનું નામસ્મરણ થાય છે કે તરત જ, ક્ષણના પણ વિલંબ વિના એમના અનુયાયીઓ, જે રીતે એ ગાંધીજીના વર્લ્ડલી ગુડ્ઝનો – લાઠી, ચાખડી અને બકરીનો – કબજો લઈ બેઠા એમ આપણા ચિત્તનો કબજો લઈ લે છે. આમના અનાચારથી આપણને ગાંધીજીની સભ્યતા, સ્વચ્છતા, અને સૃજનતાનો અંદાજ બાંધવાનું જાણે સુગમ થઈ ગયું છે. આ દોષ એકલા હરીન્દ્ર દવેએ આચર્યો છે એમ કહેવું નથી, કારણ કે કદાચ એવું ગતકડું કરવાનું મન થાય, તોય થઈ શકે એમ નથી. આપણે સહુએ એ જ કર્યું છે. ગાંધીજીની મહત્તાનો સ્વીકાર આપણે એમના અનુયાયીઓના દંભ અને પાપાચરણના મા૫દંડથી કરતાં થઈ ગયા છીએ. આ સારું છે કે ખોટું, ઉચિત છે કે અનુચિત એનો સંતોષકારક જવાબ આપણી પાસે નથી. આવો જ એક બીજો પ્રશ્ન પણ આપણે સહુએ જાતને પૂછવો પડશે – જવાબની કશી અપેક્ષા રાખ્યા વિના. એવું કેમ છે કે આપણે બધા દંભ અને પાપાચરણના નિરૂપણ વખતે હાસ્ય કે કટાક્ષનો જ મોટે ભાગે આશ્રય લઈએ છીએ? દંભનું નકરું નિરૂપણ અકારું થઈ રહે? દંભનું શોભિત ન કરેલું, જરાકે ન ઉપસાવેલું લગરીક પણ અતિશયોક્તિ અને અતિરંજિતતા (મેલોડ્રામા) વિનાનું નિરૂપણ, અનાકર્ષક અને પ્રભાવહીન લાગવાની બીક રહે છે? એવું હોય કે આ પ્રકારની રીતિ અપનાવીને લખનાર પોતે પોતાના પ્રત્યાઘાત પર જાણે મલમપટ્ટો કરે છે? `યુગેયુગે’ વાંચતાં આવા પ્રશ્નો મનમાં ઊઠે છે. છતાં એના જવાબ ‘યુગેયુગે’ નાટક પાસેથી અપેક્ષવા એ અજુગતું છે. એટલે યુગેયુગે આમ થતું આવ્યું છે (હત્યા, અનુયાયીઓ, દંભ અને અતિલેખન બધું) એટલા મનમનાવણાથી સંતોષ માની ‘યુગેયુગે’ને નાટક તરીકે જ જોવું જોઈએ. અને અહીં એક અંગત ખુલાસો કરી લેવો જોઈએ. ભાઈ હરીન્દ્ર દવેએ નાટકનું પ્રકાશન થયું ત્યારે નકલ મોકલેલી અને વાંચ્યા પછી કેટલીક વાતો મેં એમને જણાવેલી (જેમાં આ અનુયાયીવાળી વાત પણ હતી). આમાંનું કેટલુંક મને લાગે છે કે અંગત બની ગયું છે અને અહીં કશો અવકાશ નથી. એટલે અહીં તો કૃતિને જ જોવી જોઈએ. વીસ વર્ષના સેવન પછી ગુજરાતીમાં હવે પરદેશથી આયાત થતા કૉમેડીનું એક કાઠું બંધાયું છે. એનું એક અંગ જાતીય સંબંધો વિષે પ્રેક્ષકને ગલગલિયાં કરાવે એવા પ્રસંગ અને ઉક્તિ છે, તો બીજું અંગ એક પ્રકારનું crazy, ચકભમ કરી દ્યે એવું કાંક ગોઠવવાનું છે. અને અને એમાં થોડું હાથે વણેલું કાંતેલું વક્રદર્શન (cynicism) ભેળવાય એટલે અત્યારનું ગુજરાતી કૉમેડી બની જાય. અંશોના પ્રમાણની વધઘટ થયા કરે. એમાં થોડું બીબાંઢાળ પણ બની જાય. મને લાગે છે કે બીજી વાત પણ અજાણ્યે આમાં આવી છે. કેટલાક વિવેચક માર્ક્સ બ્રધર્સના હ્યુમરને બૌદ્ધિક અને ચેપ્લિનના હ્યુમરને ઊર્મિગત ગણાવે છે. આમ તો આ વિષય ઘણો રસિક અને એટલો જ ચર્ચાસ્પદ છે. પણ અહીં આપણે નામની ચબરખીને બાજુએ મૂકીને, હ્યુમરના આવા જે બે પ્રકાર પાડવામાં આવે છે એને જ જોવા જોઈએ. અને એમાં પણ ગુજરાતીમાં ખેડાતા આ પ્રકારે કહેવાતા બૌદ્ધિકની પસંદગી કરીને શું મેળવ્યું અને શું ગુમાવ્યું છે એ જ જોવાની કોશિશ કરવી જોઈએ. ઊર્મિગત હ્યુમર એ સહાનુભૂતિ પ્રગટાવવાની અને સમર્થવાની કોશિશ કરતું સાધન છે. કહેવાતો બૌદ્ધિક હ્યુમર એ વાસ્તવમાં કોઈ ચૈતસિક પરિણામ નિપજાવવાની કોશિશથી દૂર રહેનારી વસ્તુ છે. અને crazy વૃત્તિ અને સાથે પેલાં cynicism પર આધાર રાખવો પડે છે. કદાચ એટલે જ પરિણામે સહાનુભૂતિ જન્માવવાનો હેતુ નથી અને યત્ન પણ નથી. પણ તે સાથે ત્યાં લગભગ સમસ્ત પાત્રસૃષ્ટિ અને એમના સહુના આચારવિચારને કમખોડવાનું – ridicule કરવાનું – જ જાણે અભિપ્રેત બની જાય છે. આ કોઈ પણ રીતે લાજિમ નથી કે, અજુગતું છે, એવું કહેવાનું નથી. એની રીતે એ પણ સાવ લેજિટિમેટ, વાજબી છે. આપણે તો એની વરતી શકાય એવી અસરને જ જોવાનું કરીએ છીએ. આ અભિગમ એ નાટક-લેખક અને પ્રેક્ષક કે વાંચક વચ્ચે સેતુ રચવાનું કામ નથી કરતો એટલે એમાં સંડોવણી (involvement) તો હોતી જ નથી વાંચક કે પ્રેક્ષકને બૌદ્ધિકમાં ખપવાની સગવડ લખનાર આપે છે અને પેલા ભાઈ એટલેથી જ રાજી રહે છે. આટલેથી નાટકનો પિંડ બંધાતો હોય તો આમાં કશું ખોટું નથી. તત્ક્ષણ લગીના પ્રચલિત ખ્યાલને ક્ષોભ આપવો એ જ હરેક કૃતિનું અનેકભેગું એક કર્તવ્ય હોય છે. પણ એથી એક રીતનો જે શૂન્યાવકાશ ઊભો થાય છે એમાં કશું ઉમેરવાનું તો ઠીક પણ સૂચવવા જેવું પણ ઘણું ઓછું થાય છે. આ ક્ષણ લગી અદબદ રાખેલી આસ્થાને ડોલાવવાનું જ માત્ર એનું કામ ન હોઈ શકે. પણ નવું કશું સાહસ કરવાની વૃત્તિ એમાં દેખાતી નથી. દંભ પ્રત્યેનો પુણ્યપ્રકોપ ઠાલવવા માટે કટાક્ષ, વક્રોક્તિ, નિંદા, કડવું કે મીઠું હાસ્ય, ઉપહાસ એ બધાં અત્યંત વાજબી સાધનો હતાં અને છે. પણ હવે એ સહુની કાર્યક્ષમતા વિષે અંદેશો આવવા લાગ્યો છે. ડી. ડી. ટી. ના એકાદ બે છંટકાવ પછી આવતી મચ્છરની ઓલાદ જેમ ડી. ડી. ટી.-પ્રૂફ થઈ ગઈ છે. એમ આ સ્વરાજ્ય આવ્યા પછીના રાજકર્તા પણ ઉપહાસકટાક્ષપ્રૂફ થઈ ગયા છે. એક જૂના ગુજરાતી નાટકમાં આવા પ્રસંગે બોલાયેલું વાક્ય યાદ આવે છે : “કહે જાવ, કહે જાવ, અમે તો ગિરનારના નઘરોળ પાણી જ છીએ. કેટલું પાણી પડ્યું હશે અમારા ઉપર! બહુ કશી અસર? રામ રામ કરો!” એટલે હવે એમ લાગે છે કે કટાક્ષ ઉપહાસ એ બધું આ લોક કાંક સુધરશે એવા હેતુથી યોજ્યા હોય તો રીતફેરની ઘડી આવી રહી છે. કશું વિશેષ જલદ… ‘યુગયુગે’માં આ બધી મર્યાદાઓ પ્રગટ થાય છે એમાં લખનારનો નહીં પણ પસંદ કરાયેલી રીત અને ઉચિ મનાયેલા માધ્યમનો દોષ છે. બાકી ઘણા વાંચકોના, પોતે બૌદ્ધિક છે. એવા ભ્રમને તો નાટક પૂરેપૂરું પોષી શકશે. પણ કૉમેડી લખવા માગનાર માટે એ પૂરતું નથી.
- ↑ * યુગેયુગે. લે. હરીન્દ્ર દવે (વોરા, ૧૯૬૯. પા. ૭૨, રૂ. ૩)
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.