નાટક વિશે/રંગસૂચિથી નાટક?
દસકા ઉપર ગુજરાતી લેખનમાં એકાંકીને નામે ઓળખાવાયેલા પ્રકારની બોલબાલા હતી, આજે એકાંકીના લેખનમાં ભારે ઓટ વરતાય છે. એ ઓટનાં કારણ જુદાં જુદાં હોવાનો પાકો સંભવ છે. જો કોઈ એ વિષે સંશોધન કરે તો બીજું તો કઈ નહીં તો આવા મુલાયમ છતાં અત્યંત સમૃદ્ધ પ્રકારના આપણે ત્યાં શા હાલ થયા એની ખબર પડે. તે સાથે એકાંકી શેને કહી શકાય એની પણ કશી સૂઝ કદાચ હાથ લાગે. જે સાચા અર્થમાં લઘુનાટકનો પ્રકાર છે તેને આપણે અત્યુત્સાહમાં એકાંકી કહ્યું છે તો ચબરાકિયા ગણાયેલા, અને ગૅગ્સ, પંચીઝ અને જોક્સના હારડા જેવા સંવાદને પણ આપણે ત્યાં એકાંકી ગણ્યું છે. આમાં કોઈનો કશો વાંક-ગુનો નથી. અનાયાસે લોકપ્રિય બની ગયેલા પ્રકારની આપણે યોગ્ય માવજત ન કરી શક્યા એટલું જ વિચારવા જેવું રહે. શ્રી પરમસુખ પંડ્યાએ લખેલ, `આરતી’ નામે પ્રગટ થયેલ, સંગ્રહની એમણે `છ એકાંકી નાટકો` તરીકે વિશેષ ઓળખાણ આપી છે. એકાંકીની કોઈ વ્યાખ્યા બંધાયેલી કે સ્વીકારાયેલી નથી એટલે શ્રી પરમસુખ પંડ્યાના એમનાં લખાણને એમને ગમે તે નામે ઓળખાવવાના અધિકારની ના ન પાડી શકાય. પણ નમ્રપણે એટલું સૂચન તો કરી શકાય કે આ બધાંએ એકાંકી નહીં પણ લઘુનાટક છે. સ્થળ અને કાળની એક જ નાટકમાં આવતી વિવિધતાને કારણે એ એકાંકી નથી અને લઘુનાટક છે એમ કહેવું થોડે અંશે વાજબી હોવા છતાં એ જ એક કારણે એને લઘુનાટક કહેવાનું નથી સૂચવતાં. સ્થળ અને કાળ એક જ નાટકમાં બદલાય, કદાચ પ્રવેશ એક કરતાં વિશેષ હોય તો પણ નાટક એકાંકી જ રહે એવું પણ બની શકે. અંગ્રેજીમાં આવા પ્રકારના નમૂના જોવા મળે છે. અહીં લઘુનાટકના પ્રકાર તરીકે આને ઓળખાવવામાં વધુ સ્પષ્ટતા થશે એમ કહેવાનું તો નાટ્યોચિત સંઘર્ષનો જે વિસ્તાર કરવામાં આવ્યો છે અને તે કારણે પોત ફિસ્સું પડ્યું છે તેને લીધે છે. લાઘવ એકાંકીનો પ્રશસ્ય ગુણ છે. અહીં સંઘરાયેલા એક એક નાટકનું વસ્તુ, શ્રી પરમસુખ પંડ્યાએ જ કહ્યું છે તેમ, બીજેથી, ક્યાંક કોકની વાર્તા કે એવામાંથી, સાંપડ્યું છે. નાટક લખનારને માટે આ કોઈ પણ રીતે મૂંઝવનારી વસ્તુ નથી. સર્વ ભૂમિ ગેપાળની જ છે એમ શ્રી વિનોબાજીએ ન કહ્યું હોત તો પણ દુનિયાભરના નાટકકારોએ સૈકાં થયાં આચરી બતાવેલું છે, પણ આવી રીતે મનમાં જચી ગયેલી વસ્તુનો માત્ર theatrical એટલે કે નાટકી જ નહીં પણ dramatic એટલે કે નાટ્યાત્મક એવો ઉપયોગ થાય એવી અપેક્ષા રહે છે. નાટકી એટલે મૂળ લેખકને અભિપ્રેત હોય એવા સંઘર્ષનો, સંવાદનું માધ્યમ સ્વીકારીને થતો ઉપયોગ. નાટ્યાત્મક એટલે મૂળના માળખામાં નાટકકારે પોતે કલ્પેલા સંઘર્ષની કલમ બાંધવાનો ઉદ્યમ. પહેલામાં બહુબહુ બને તો ફોટોગ્રાફ. બીજામાં ચિત્ર બને. નાટકકારે એક તો રંગસૂચિનો, સ્ટેઈજ ડિરેક્શનનો, ભરમાર ઉપયોગ કર્યો છે તો બીજી રીતે આત્મગત–સ્વગત, જનાન્તિકે, અપવાર્ય, અરે આકાશભાષિતનો પણ ઉપયોગ કર્યો છે. આ બન્ને રીત થોડો વિશેષ વિચાર માગી લે છે. એક વસ્તુ સાવ સ્પષ્ટ છે. દુનિયાની બીજી બધી વાત જેમ નાટકમાં પણ ચાલે એનું નામ જ ગાડી છે. સફળ નીવડે એ જ સાચી રીત. પણ સવાલ સફળતા – અસફળતાનો નથી. સવાલ તો નાટકમાં જે પણ બને તે કેવી રીતે બને – એટલે કે બનાવાય – એનો છે. માનો કે કોઈ પાત્રના મનમાં નવો – એટલે કે ચાલુ અને નિરૂપિત કરતાં જુદો – ભાવ મૂકવો છે. આગળ આવતા નિર્વહણ માટે એ જરૂરી હોય એ વાત તો મહત્ત્વની છે જ. પણ એનું નિરૂપણ શી રીતે થાય? નાટકનું આવા નિર્વહણ માટેનું લગભગ એક માત્ર સાધન તે સંવાદ છે. એની આસપાસ શબ્દની કદાચ ભવની, વ્યંજનાની ચાતુરી જરૂર ઉપયોગમાં લઈ શકાય. પણ આ કામ નાટકમાં તે સંવાદે જ કરવાનું છે, સંવાદ દ્વારા જ સિદ્ધ કરવાનું છે. જો આ કામ રંગસૂચનને સોંપાય તો નાટક એટલું ઊણું ઊતરે. આ નાટક છે, વાર્તા કે નવલકથા નથી તેમ જ આ કોઈ ચલચિત્રનો સિનાર્યો નથી. સિનાર્યોમાં `રજીસ્ટર્સ ઈમોશન’ જેવું ચાલે. કદાચ એ જ એની વિશિષ્ટતા છે. નાટકમાં એ તાર્કિક રીતે, કુદરતી રીતે, કોઈ પ્રકારના વિકારને વશ થયા વિના, બુદ્ધિગમ્ય બનીને સંવાદ દ્વારા પ્રગટવું જોઈએ. સ્વગતનું નાટકમાં સ્થાન નથી એમ કોઈ નહીં કહે. આજનો જમાનો અને તખતો, અને ચેતના-પ્રવાહથી પરિચિત એવા વાચકની રીતે આનો ભાર અમુક જ રીતે સહી શકે છે. સ્વગતનો બે કે વિશેષ વિકલ્પો વચ્ચે તુલના માટે ઉપયોગ થાય એ ખમી શકાશે, પણ માત્ર બીજારોપણ માટે કે આગળ પાછળની ચોખવટ માટે સ્વગતનો ઉપયોગ એ નાટકને માટે ઉપકારક વસ્તુ નથી. નાટકકાર સંવેદનશીલ હોવા જોઈએ, પણ એ સાથે એ દુનિયાનો માણસ હોવો જોઈએ. આ નાટકોના લખનાર ઘણી બાબતમાં અત્યંત તીવ્ર લાગણી ધરાવતા હોય એવું નાટકો પરથી પ્રતીત થાય છે. એ સાથે બીજાને પણ એવો જ તીવ્ર પ્રતિભાવ થાય એવું એ નિષ્ઠાપૂર્વક ઇચ્છે છે. કમનસીબી એ છે કે એમણે અખત્યાર કરેલી પદ્ધતિ એમની ઇચ્છાને સફળ કરે એવી નથી.[2] પુસ્તકની કીમત, લગભગ ૨૮૦ પાન છતાં, માત્ર ૩-૬૦ નયા પૈસા છે ! માની શકાય કે લેખકે રૉયલ્ટી નહીં લીધી હોય કે કદાચ પ્રકાશક પોતાના સિવાય બીજે કોઈ સ્થળે પુસ્તક વેચાય એવું નહીં સ્વીકારતા હોય. પ્રકાશન વ્યવસાય સાથે સંકળાયેલા સહુ કોઈએ આનો પણ વિચાર કરવો જોઈએ.
- ↑ આરતી. પરમસુખ પંડ્યા. (ત્રિપાઠી, ૧૯૬૪, પા. ૨૬૭, રૂા. ૩-૬૦)
- ↑ રેડિયો નાટકમાં પ્રવક્તાનો ઉપયોગ અને ઉપસ્થિતિ ઘણી રીતે ઉપકારક છે પણ એ ઉપયોગની પણ શિસ્ત હોવી જોઈએ અને છે. એ ગોઠવેલો તાગડો નહીં લાગવો જોઈએ. તેમ જ આવા પ્રવક્તાની ઉક્તિએ કશા નતીજા પર નહીં પહોંચવું જોઈએ. નતીજાનું પૂરું નિરૂપણ થાય એ રેડિયો નાટકની પરમ આવશ્યકતા છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.