નાટક વિશે/નાટકની નવી ફૉર્મ્યુલા?
નાટકને નામે ખપાવાતા પદાર્થની એક નવી ફોર્મ્યુલા ઘડાતી જતી હોય એવો આભાસ આ `વરુ જોડે એક રાત’ નામનું નાટક વાંચતાં થયો. અથવા વૅરિયેશનનું પણ વૅરિયેશન. પણ એમ કહેવું એ વનસ્પતિ ઘીમાં રંગ ભેળવવાના વર્ષોથી થતા અને નાકામયાબીમાં અણનમ રહેલા સૂચન જેવું. ફૉર્મ્યુલા સફળતા પર રચાયેલી છે, પ્રાવેશિકમાં ગમે તે રીતે છોકરી છોકરાને મળવી જોઈએ. જુદા દેખાવા ખાતર મોણ નાંખવાની, વધુ તીવ્ર તેમ જ વધુ રંગીલા દેખાવાની સગવડ સાચવવા બેમાંથી એકને `ગામડા’ના બનાવો. જો છોકરીને ગામડામાંથી (આબિદભાઈનો એટલો આભાર માનવાનો કે એક તો એમણે `ગ્રામ્ય’ શબ્દ કોઈ ઠેકાણે વાપર્યો નથી તેમ જ સુરતમાં પ્રચલિત બનેલી અને સુરતી બનાવાયેલી સોરઠી-ચરોતરી બાનીનો લોભ લગભગ જતો કર્યો છે) લાવ્યા એટલે કે એના પ્રિયતમ પાછળ `મુંબી’ ચાલી આવી તો પછી, લગભગ લફંગાના ઘરમાં રાતના ઘૂસી જાય, રસોઈ જમી જાય, અને એકાદ સ્લીપિંગ ટેબ્લેટ પણ ગળાહેઠ ઉતારીને ઊંઘી જાય. અને પછી? વૅરિયેશન પહેલાં તો મહાત્મા મૂળદાસ ઈન રીવર્સ થવાની બીક લાગે પણ પછી અંક પાડવા, ક્લાઈમેક્સે પહોંચાડવા બળાત્કારનો યત્ન થાય – દારૂબંધી તો આમે નથી તો પછી નાટકમાં ક્યાંથી હોય? – અને હીરોને ભાનસાન ઠેકાણે આવે અને લગભગ મેન્ટલ ટેલિપથીથી ગામડાની ગોરી ગંગાના શહેરી, આર્ટિસ્ટ – દાઢી રાખતા ચિત્રકાર – પ્રેમીનું નામ દે; એને આ પ્રેરણા સપનામાંથી મળેલી અને ખોવાયેલો ચાવીનો ઝૂડો, કાઠિયાવાડથી મુંબાઈ આવતાં જેમાં જાતજાતની કળો અને તાળાં ખોલવાના તાર જોડાઈ ગયા હોય તેવો, હાથ લાગે અને શરમાળ ગંગા તુષારનું નામ સાંભળતા હસી પડે અને સિલોન રેડિયો પરથી પ્રસારિત થતા વહેલી સવારના કાર્યક્રમો થોડું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક આપી જાય અને રાતની વાત પૂરી થાય. વરુ રાની મટીને શહેરી બને. આબિદભાઈએ ખ્રિસ્તીઓના નવા વરસનો દિવસ નાટકના સમય તરીકે રાખ્યો છે તે ભૂલી જઈને જો રક્ષાબંધનનો આગલો દિવસ રાખ્યો હોત તો સવારે ગંગા મૌલિકને રક્ષા બાંધતાં, રેડિયો પરથી `રખિયા બંધાવો ભૈયા’ એ ગીત વગાડી શકાત. કોક કહેશે કે આ તો તાલમેલ થઈ, પણ આ છ્યાશી પાનામાં તાલમેલ જ છે. સંવાદમાં ક્યાંક ચમક જરૂર છે પણ ભાષા-પાત્રની નહીં, લેખકની છે. કાઠિયાવાડના કોડિનારથી આવેલી, મુંબાઈના ટ્રેઈનના પ્લૅટફૉર્મ પરથી ગુંડા એની પાછળ પડતાં ભાગેલી ગંગા, ટેલિફોન પર વાત કરતાં હીરોએ કહેલું પોતાનું `મૌલિક’ નામ, દસબાર પાન પછી બરાબર યાદ રાખીને બોલે છે; પાડોશી કાવસજી અને એવનનાં ઘરદાર પરવીનમાય – પારસી ગુજરાતીની પ્રેક્ષકોને હસાવવાની શક્તિની ફૉર્મ્યુલા મુજબ જ જે નાટકમાં આમેજ થયાં લાગે છે – મૌલિકના નાટકના ડાયલૉગ સાંભળે છે પણ મૌલિક જેના પર બળાત્કાર કરવા તૈયાર થયો છે એ ગંગાની ચીસ સાંભળતાં નથી (કદાચ એમ હોય કે બે અંક વચ્ચેના ઈન્ટરવલમાં આ ચીસ સાંભળેલી હોય) અને સિચ્યુએશનને કદાચ ટ્વિસ્ટ આપવા જ હશે કે ઘર બહાર ગયેલી – મૌલિકે જવા દીધેલી – ગંગા, અસ્તવ્યસ્ત અને ત્રસ્ત થોડી ક્ષણોમાં પાછી આવે છે અને એને શું અનુભવ થયો એને વિષે કાંઈ બોલતી નથી; આ તો પાટિયાં ગોઠવવાના યત્ન જેવું લાગે છે. હા ફૉર્મ્યુલા પ્રમાણે, અને પણ સ્માર્ટ દેખાડવાનો કસબ થયો છે. અને હવે જે નવું ગુજરાતી આકાર પામી રહ્યું છે એ મુજબનું ઉમર ખય્યામની આત્મા જેવું પણ આબિદભાઈએ આમાં થોડુંઘણું સમાવ્યું છે. ભજવનારને ધ્યાનમાં રાખીને સન્નિવેશનનું રેખાંકન અને પ્રોપર્ટીની વિગતવાર યાદી આપવામાં આવી છે. અને વરુ સાથે એક રાત ભજવાશે.
- ↑ * વરુ જોડે એક રાત. લે. આબિદ સુરતી. (ઊર્મિ પ્રકાશન, સુરત ૨, ૧૯૬૬, પા. ૮૬ રૂા. ૨-૭૫),
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.